ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/યુવરાજ રવિસેન સાથે ધમ્મિલ્લની મૈત્રી


યુવરાજ રવિસેન સાથે ધમ્મિલ્લની મૈત્રી

ચંપાનગરીની પાસે ચંદ્રા નામે નદી છે. તેના કિનારે તે થોડીક વાર બેઠો. કમળનાં પત્રો લઈ તે ઉપર અનેક પ્રકારનું પત્રચ્છેદ્ય કર્યું. વૃક્ષની સૂકી છાલની નાવડી બનાવી તેમાં એ પત્રો મૂકીને નાવ નદીમાં તરતી કરી. એ નાવડી વહેતી વહેતી ગંગામાં પહોંચી. એ પછી અનેક પ્રકારનાં છેદ્ય કરતો તે ત્યાં બેઠો. એવામાં નદીકિનારેથી બે માણસોને દોડતા આવતા તેણે જોયા. તેઓએ તેની પાસે આવીને પૂછ્યું, ‘ભાઈ! આ પત્રચ્છેદ્ય કોણે કર્યું છે?’ તેણે જવાબ આપ્યો, ‘મેં.’ તેઓએ કહ્યું, ‘ભાઈ! આ નગરીમાં કપિલ નામે રાજા છે. તેનો પુત્ર રવિસેન યુવરાજ છે. તે લલિત ગોષ્ઠિ-શોખીન, વિદગ્ધ, નાગરિક મિત્રોની સાથે ગંગામાં ક્રીડા કરે છે. તેણે આ પત્રચ્છેદ્ય જોયું, અને જોઈને અમને મોકલ્યા કે, ‘તપાસ કરો, કયા ચતુર પુરુષે આ પત્રચ્છેદ્ય કર્યું છે?’ હવે આપ અમને મળી ગયા છો, માટે કૃપા કરીને રાજપુત્રની પાસે ચાલો.’ એટલે તે ધમ્મિલ્લ તેમની સાથે ગયો. પૂર્વાભાષી યુવરાજે સંભ્રમપૂર્વક તેનું વાણીથી સ્વાગત કર્યું. ધમ્મિલ્લે પણ હાથ જોડી પ્રણામ કરી રાજપુત્રને માન આપ્યું. પછી રાજપુત્રે પૂછ્યું, ‘આપ ક્યાંથી આવો છો?’ ધમ્મિલ્લે જવાબ આપ્યો, ‘કુશાગ્રપુરથી પરિજન સહિત આવું છું.’ એટલે તેણે ગોષ્ઠિકોને આજ્ઞા આપી કે, ‘જલદી ઉતારો સજ્જ કરો.’ ગોષ્ઠિકોના નાયકોએ જ્યારે ખબર આપી કે ‘ઉતારો સજ્જ છે’ ત્યારે પ્રસન્ન થયેલા રાજપુત્રે કહ્યું, ‘ઊઠો, તમારા પરિવાર પાસે જઈને તેનું સ્વાગત કરીએ.’ સર્વ ગોષ્ઠિકોથી પરિવરાયેલો તે ધમ્મિલ્લની સાથે હાથી ઉપર બેસીને નગર બહાર ઉદ્યાન પાસે આવ્યો. કમલસેના અને વિમલસેનાને સાથે લીધી, તથા તેમનો ઉતારામાં પ્રવેશ કરાવ્યો. પછી તે યુવરાજ ‘આ યુવકનું સર્વ કાર્ય કરજો, જેથી તે દુઃખી ન થાય’ એમ ગોષ્ઠિના નાયકોને આજ્ઞા આપીને પોતાના ભવનમાં ગયો. ગોષ્ઠિના નાયકો પણ કરવાનું હતું તે બધું કાર્ય કરીને પોતપોતાને ઘેર ગયા. ધમ્મિલ્લ પણ ઉતારામાં સુખપૂર્વક બેઠો. એ વખતે કમલસેનાએ કહ્યું, ‘આર્યપુત્ર! ગઈ કાલે તમને આવતા જોઈને વિમલસેના બોલી કે, ‘આ કોણ આવે છે?’ મેં કહ્યું કે, ‘આ ધમ્મિલ્લ આવે છે.’ એટલે તેણે કહ્યું, ‘તું એ ભિખારીની વાત પણ ન કરીશ, તેનું નામ પણ ન લઈશ, જે આંખો વડે તે ભિખારીને જોઉં છું એ આંખોનું પણ મારે કામ નથી.’ આ પછી મેં તેને ઠપકો આપ્યો.’

આ પ્રમાણે વિમલસેનાને પ્રસન્ન કરવાના પ્રયત્નમાં દિવસો ચાલ્યા જતા હતા.

પછી એક વાર ગોષ્ઠિ સહિત રાજપુત્રે ધમ્મિલ્લની પરીક્ષા માટે તથા કંઈક ઈર્ષ્યાથી મશ્કરી કરવા માટે ઉદ્યાનયાત્રાની આજ્ઞા આપી કે, ‘બધા ગોષ્ઠિકોએ પોતપોતાની પત્નીઓ સાથે આવવું.’ ધમ્મિલ્લે કમલસેનાને કહ્યું, ‘કમલસેના! હવે શું કરવું? ‘આ વિમલા ધમ્મિલ્લની પત્ની હશે કે નહીં હોય?’ એવી શંકાથી, મારા નિમિત્તે જ, આ લોકો ઉદ્યાનયાત્રા કરે છે. માટે શું કરવું એ તું જ કહે.’

ધમ્મિલ્લે આમ કહ્યું એટલે કમલસેના તેની પાસેથી ઊઠીને વિમલસેનાની પાસે ગઈ અને થોડી વારે પાછી આવીને બોલી, ‘સાંભળો, આર્યપુત્ર! મેં તેને કહ્યું કે આવતી કાલે રાજપુત્ર લલિત ગોષ્ઠિની સાથે ઉદ્યાનયાત્રા કરવા જશે. એટલે આપણે પણ ઉદ્યાનમાં જઈશું. માટે તને પ્રસન્ન કરવાનો પ્રયત્ન થવા છતાં તું મૂર્ખ બનીને જવાની ના પાડીશ નહીં. જો આ તને ન ગમતો હોય તો ઉદ્યાનમાં તારા હૃદયને ગમે તેવો વર પસંદ કરી લેજે. હે પુત્રિ! સ્વચ્છંદ બુદ્ધિવાળી ન થઈશ, નહીં તો જેવી રીતે વસુદત્તા દુઃખ પામી, બીજાની વાત નહીં સાંભળતો રિપુદમન નાશ પામ્યો, તેવી દશા તારી પણ થશે.’

આ સાંભળીને તેણે પૂછ્યું, ‘હે માતા, વસુદત્તા કોણ હતી? તે કેવી રીતે દુઃખ પામી?’ ત્યારે મેં કહ્યું, ‘હે સુતનુ! સાંભળ.