ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/વસન્તતિલકા ગણિકાનો પ્રસંગ


વસન્તતિલકા ગણિકાનો પ્રસંગ

બીજી તરફ, વસન્તસેના ગણિકાની પુત્રી વસન્તતિલકાનું પ્રથમ નૃત્યપ્રદર્શન જોવાની ઇચ્છાવાળા શત્રુદમન (જિતશત્રુ) રાજાએ ગોષ્ઠિકોના આગેવાનોને કહેવરાવ્યું કે ‘વસન્તતિલકાની નૃત્યવિધિના દર્શનની પરીક્ષા કરવાની મારી ઇચ્છા છે; માટે ચતુર પ્રેક્ષકને મોકલો.’ ગોષ્ઠિકોએ ધમ્મિલ્લને નૃત્યના પ્રેક્ષક તરીકે મોકલ્યો. બીજા કેટલાક રાજાના સમ્માન પામેલા માણસો પણ હતા. તેમની સાથે રાજા પણ બેઠો. પછી મનોહર અને દર્શનીય તથા નૃત્યને યોગ્ય એવા ભૂમિભાગમાં રંગમંચ ઉપર વસન્તતિલકાએ રૂપ અને લાવણ્ય, શૃંગાર, અલંકાર, વિલાસ, આવેશ, મધુર વાણી અને નાટ્ય વડે પ્રશસ્ત, શાસ્ત્રમાં સૂચવ્યા પ્રમાણેના પગસંચારવાળું, જેમાં વર્ણોનો યોગ્ય પરિવર્ત — આલાપ હતો તથા હાથ, ભ્રમર અને મુખનો અભિનય હતો એવું, હાવભાવ અને આંખોના સંચારથી યુક્ત, નૃત્યકળાના પ્રશસ્ત જ્ઞાન વડે આશ્ચર્યજનક હાથ અને બીજી ક્રિયાઓના સંચરણ વડે યોગ્ય રીતે વિભક્ત, તથા વીણા, સ્વર, તાલ અને ગીતના શબ્દોથી મિશ્ર એવું નૃત્ય કર્યું. આવું એ દિવ્ય નૃત્ય પૂરું થતાં સર્વે પ્રેક્ષકોએ ‘અહો, વિસ્મયની વાત છે’ એ પ્રમાણે સહસા ઘોષણા કરી. રાજાએ ધમ્મિલ્લને પૂછ્યું, ‘ધમ્મિલ્લ! વસન્તતિલકાએ કેવું નૃત્ય કર્યું?’

ધમ્મિલ્લે નૃત્યના ગુણોની પ્રશંસા કરીને કહ્યું, ‘દેવ, તેણે સૂરવધૂ — દેવાંગના સમાન નૃત્ય કર્યું છે.’ પછી સંતુષ્ટ થયેલા રાજાએ રાજાને યોગ્ય એવાં પૂજા અને સત્કારથી વસન્તતિલકાનું સમ્માન કર્યું, અને ‘હવે તું ઘેર જા’ એમ કહીને રજા આપી.

તે વસન્તતિલકાએ ધમ્મિલ્લને વિનય અને ઉપચારપૂર્વક વિનંતી કરીને પોતાની ગાડીમાં બેસાડ્યો અને પછી પોતે પણ બેઠી. આ રીતે ધમ્મિલ્લ તેને ઘેર ગયો. પછી તે વસન્તતિલકાનાં હાસ્ય, વચન, ગીત અને રમણની કલાગુણની વિશેષતાઓમાં પણ કલાને જોતાં તથા ઉપચારયુક્ત નવયૌવનના ગુણો અનુભવતાં એ ધમ્મિલ્લે સમય કેમ ચાલ્યો જાય છે એ પણ જાણ્યું નહીં. તેનાં માતાપિતા પોતાની દાસી મારફત દરરોજ પાંચસો રૂપિયા વસન્તતિલકાની માતાને મોકલતાં હતાં. આ પ્રમાણે અનેક પૂર્વપુરુષોએ સંચિત કરેલું તેના કુટુંબનું વિપુલ ધન દૈવયોગે, જેમ સૂકી અને ઝીણી રેતી મૂઠીમાં ભરતાં સરી પડે તે પ્રમાણે, નાશ પામી ગયું.