ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/વસુદેવનો ગૃહત્યાગ


વસુદેવનો ગૃહત્યાગ

વિસ્મયથી વિકાસ પામેલાં નયનવાળા નાગરિકો વડે પ્રશંસા કરાતો અને રૂપથી મોહિત થયેલી યુવતીઓના દૃષ્ટિ-સમૂહ વડે અનુસરાતો હું પણ યુવાવસ્થામાં આવતાં નવા નવા ઘોડા, ધ્વજ અને વસ્ત્રો સાથે ઉદ્યાનમાં જતો હતો અને ઉદ્યાનની શોભા અનુભવીને પાછો આવતો હતો.

એક વાર મારા મોટાભાઈએ મને બોલાવીને કહ્યું, ‘કુમાર! આખો દિવસ તું બહાર ભમે છે, તેથી તારી મુખકાન્તિ મેલી દેખાય છે, હમણાં જ તેં શીખેલી કલાઓ ભુલાઈ ન જાય, માટે તું ઘેર રહે.’ મેં પણ ‘હવે એમ કરીશ’ એવું કહીને એ વાત સ્વીકારી.

કોઈ એક વાર રાજાની ધાત્રીની બહેન કુબ્જા, જેને સુગંધી વસ્તુઓને લગતા કામ ઉપર નિયુક્ત કરેલી હતી તેને એક વાર સુગંધી વસ્તુઓ પીસતી જોઈને મેં પૂછ્યું, ‘આ કોને માટે વિલેપન તૈયાર થાય છે?’ તેણે ઉત્તર આપ્યો, ‘રાજા માટે.’ મેં પૂછ્યું, ‘મારે માટે વિલેપન કેમ તૈયાર થતું નથી?’ તેણે કહ્યું, ‘તમે અપરાધ કર્યો હોવાથી રાજા તમારે માટે વિશિષ્ટ વસ્ત્ર, આભરણ કે વિલેપન આપતા નથી.’ પછી તેણે વારવા છતાં મેં વિલેપન તેની પાસેથી પરાણે લીધું. એટલે ક્રોધ પામેલી તે બોલી, ‘આવાં આચરણને લીધે જ તમને (ઘરમાં) રોકવામાં આવ્યા છે, છતાં અવિનય કર્યા સિવાય રહેતા નથી.’ મેં તેને પૂછ્યું, ‘કહે, કયા અપરાધથી મને રોકવામાં આવ્યો છે?’ ‘મને રાજાનો ડર લાગે છે’ એમ તે કંઈ બોલી. મેં તેને વીંટી આપીને વિનંતી કરી તથા સમજાવી, એટલે તે કહેવા લાગી, ‘રાજાને વણિકોએ એકાન્તમાં વિનંતી કરી હતી કે ‘દેવ! સાંભળો. કુમાર શરદઋતુના ચંદ્રની જેમ લોકોનાં નયનને સુખ આપનાર તથા નિર્મળ ચારિત્ર્યવાળા હોવા છતાં તેઓ જે જે દિશામાં જાય છે ત્યાં ત્યાં તરુણ સ્ત્રીઓ તેમની જ સાથે તેમનું અનુકરણ કરતી ભમ્યા કરે છે. કેટલીયે યુવતીઓ ‘પાછા વળતા વસુદેવને અહીંથી જોઈશું.’ એમ વિચારીને પોસ્તકર્મની બનાવેલી યક્ષિણીઓની જેમ બારીઓ, ગોખ, જાળીઓ અને દ્વારપ્રદેશમાં ઊભી ઊભી દિવસ વિતાવે છે. સ્વપ્નમાં પણ ‘આ વસુદેવ, આ પણ વસુદેવ’ એમ બોલે છે. જે તરુણીઓ પત્ર, શાક અને ફળ ખરીદવા જાય છે તે પણ ‘વસુદેવનો શો ભાવ છે?’ એમ પૂછે છે. બાળકો રડતાં હોવા છતાં કુમાર ઉપર જ જેમની દૃષ્ટિઓ ચોંટી રહેલી છે એવી તે સ્ત્રીઓ ઊલટી તે બાળકોને પકડીને ‘વાછડું છૂટી ગયું છે’ એમ કહીને દોરડાંથી બાંધે છે. આ પ્રમાણે, હે દેવ! લોકો ઘરનાં કામકાજ મૂકીને ઉન્મત્ત તથા દેવ અને અતિથિની પૂજામાં મંદ આદરવાળા થયા છે; માટે એટલી કૃપા કરો, કે કુમાર વારંવાર ઉદ્યાનમાં ન જાય.’ રાજાએ કહ્યું, ‘તમે ચિન્તામુક્ત થઈને જાઓ, હું તેને અટકાવીશ.’ પછી પરિજનોને પણ રાજાએ કહ્યું છે કે, ‘કોઈએ કુમારને આ વાત કહેવી નહીં.’ માટે ઉદ્ધતાઈ છોડી દો, જેથી રાજાના ઠપકાને પાત્ર ન થાઓ.’ મેં કહ્યું, ‘એમ કરીશ.’

પછી મેં વિચાર કર્યો, ‘જો હું ભૂલથી બહાર નીકળ્યો હોત તો પણ મને પકડી લેવામાં આવત. અથવા આ પણ બંધન જ છે, માટે હવે અહીં રહેવું મારે માટે સારું નથી.’ આમ વિચાર કરીને સ્વર અને વર્ણ બદલી નાખનારી ગોળીઓ ખાઈને સંધ્યાકાળે વલ્લભ નામે સેવકની સાથે નગર બહાર નીકળ્યો. સ્મશાનની પાસે કોઈ અનાથ માણસનું મડદું પડેલું જોઈને મેં વલ્લભને કહ્યું, ‘લાકડાં ભેગાં કર, હું શરીરનો ત્યાગ કરીશ.’ તેણે લાકડાં ભેગાં કર્યાં અને ચિતા રચી. પછી મેં વલ્લભને કહ્યું, ‘જલ્દી જા, મારા શયનમાંથી રત્નકરંડક લાવ, એટલે દાન આપીને પછી અગ્નિપ્રવેશ કરું.’ તેણે કહ્યું, ‘દેવ! જો તમારો આ જ નિશ્ચય છે તો મારી સાથે હું પણ અગ્નિપ્રવેશ કરીશ.’ મેં કહ્યું, ‘તારી ઇચ્છા હોય તેમ કરજે, પણ આ છાની વાત કોઈને કહીશ નહીં; જલદી પાછો આવ.’ ‘જેવી આપની આજ્ઞા.’ એમ કહીને વલ્લભ ગયો. એટલે મેં પેલા અનાથ મૃતકને ચિતા ઉપર મૂકી ચિતા સળગાવી. સ્મશાનમાં મુકાયેલો અળતો લઈને મોટાભાઈ અને દેવીને ક્ષમાપના લેખ (માફીનો પત્ર) લખ્યો કે, ‘શુદ્ધ સ્વભાવનો હોવા છતાં વસુદેવને નાગરિકોએ કલંક આપ્યું હોવાથી આ પત્ર લખીને તે અગ્નિમાં પ્રવેશ્યો છે.’ પછી એ પત્ર મસાણના સ્તંભ ઉપર બાંધીને હું જલદીથી ત્યાંથી ચાલ્યો ગયો, અને આડે રસ્તે દૂર સુધી જઈને પછી ધોરી માર્ગ ઉપર ચઢ્યો.

માર્ગમાં એક તરુણી રથમાં બેસીને સાસરેથી પિયર જતી હતી. તે મને જોઈને પોતાની સાથેની વૃદ્ધાને કહેવા લાગી, ‘આ અત્યંત સુકુમાર બ્રાહ્મણપુત્ર થાકી ગયો છે, માટે આપણા રથમાં ભલે બેસે. આપણા ઘેર આજ વિશ્રામ લઈને પછી તે સુખપૂર્વક જશે.’ વૃદ્ધાએ મને કહ્યું, ‘ભાઈ! રથ ઉપર બેસો; તમે થાકી ગયા છો.’ ‘રથમાં બેસીને હું ગુપ્ત રીતે પ્રવાસ કરી શકીશ’ એમ વિચારીને હું પણ રથમાં બેઠો. સૂર્યાસ્તની વેળાએ અમે (તે તરુણીના પિયરમાં) સુગ્રામ નામે ગામમાં પહોંચ્યા. ત્યાં સ્નાન તથા ભોજન કરીને હું બેઠો. તે ઘરથી થોડે દૂર યક્ષનું મંદિર હતું, ત્યાં લોકો એકત્ર થયેલા હતા. નગરમાંથી માણસો આવ્યા હતા, તેઓ એ લોકોને કહેતા હતા, ‘આજે નગરમાં જે બન્યું છે તે સાંભળો- વસુદેવ કુમારે અગ્નિપ્રવેશ કર્યો છે. તેમનો વલ્લભ નામે વહાલો સવેક છે. તે ચિતા બળતી જોઈને આક્રંદ કરવા લાગ્યો. આથી લોકોએ તેને પૂછતાં તે કહેવા લાગ્યો કે ‘લોકોના અપવાદથી ડરેલા વસુદેવ કુમારે અગ્નિપ્રવેશ કર્યો છે.’ તેનું આ વચન સાંભળીને બધા લોકો પણ આક્રંદ કરવા લાગ્યા. તેમના રુદનનો શબ્દ સાંભળીને નવે ભાઈઓ — રાજાઓ બહાર નીકળ્યા. કુમારે પોતાના હાથે લખેલો ક્ષમાપન-પત્ર તેમણે જોયો. તે વાંચીને રડતા તેઓએ ઘી અને મધથી ચિતાનું સિંચન કર્યું અને ચંદન, અગર અને દેવદારનાં લાકડાંથી તેને ઢાંકી દઈ, ફરી પાછી સળગાવીને તથા વસુદેવનું ઉત્તરકાર્ય કરીને તેઓ પોતાને ઘેર પાછા ફર્યા.’ આ સાંભળીને મેં વિચાર્યું, ‘પ્રસંગ ગુપ્ત રહ્યો છે. હું મરણ પામ્યો છું એ વિષયમાં મારા વડીલોને શંકા રહી નથી. આથી તેઓ મને શોધવાનો પ્રયત્ન નહીં કરે. આથી મારી ઇચ્છાનુસાર હુ નિર્વિઘ્ને વિચરી શકીશ.’

પછી એ ગામમાં રાત વિતાવીને હું સવારે પશ્ચિમ દિશા તરફ નીકળ્યો અને અનુક્રમે ચાલતાં વિજયખેટ નગરમાં પહોંચ્યો. નગરથી થોડે દૂર એક વૃક્ષની નીચે બે પુરુષો હતા. તેમણે મને કહ્યું, ‘ભાઈ! અહીં આરામ લો.’ હું ત્યાં બેઠો. તેઓએ મને પૂછ્યું, ‘તમે કોણ છો અને ક્યાંથી આવો છો?’ મેં ઉત્તર આપ્યો, ‘હું ગૌતમ નામે બ્રાહ્મણ છું, અને કુશાગ્રપુરથી વિદ્યા ભણીને નીકળ્યો છું. તમે મને શા સારુ પ્રશ્ન કર્યો?’ તેઓએ કહ્યું, ‘સાંભળો—