ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/સિંહરથનો પરાજય અને કંસને મથુરા નગરની પ્રાપ્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સિંહરથનો પરાજય અને કંસને મથુરા નગરની પ્રાપ્તિ

પછી હું આઠ વર્ષનો થયો ત્યારે મને કલાચાર્ય પાસે લઈ જવામાં આવ્યો. વિશિષ્ટ મેધા અને બુદ્ધિના ગુણ વડે મેં તેમને પ્રસન્ન કર્યા. એક વાર એક રસાણિયાએ (તેલ વગેરે પ્રવાહી વસ્તુઓનો ધંધો કરનાર વણિકે) મારી પાસે એક બાળક લાવીને કહ્યું, ‘કુમાર! આ કંસ તમારી સેવા ભલે કરે.’ મેં હા પાડી, અને તે કંસ પણ મારી સાથે કલાઓનો અભ્યાસ કરવા લાગ્યો.

એક વાર જરાસંધે મારા મોટાભાઈ પાસે દૂત મોકલીને કહેવરાવ્યું કે, ‘સિંહપુરના અધિપતિ સિંહરથને જો તમે કેદ પકડો તો મારી જીવયશા પુત્રી તથા મોટું નગર તમને આપું.’ આ ખબર સાંભળીને કંસ સહિત મેં રાજાને વિનંતી કરી કે, ‘દેવ! મને રજા આપો; સિંહરથને બાંધીને હું તમારી પાસે લાવું.’ રાજાએ કહ્યું, ‘કુમાર! તેં હજી યુદ્ધ જોયું નથી, માટે તું ન જઈશ.’ પણ મેં તો નિશ્ચય કરેલો હતો, એટલે ઘણા પરિવાર સહિત રાજાએ મને મોકલ્યો. સિંહરથે પણ અમારું આગમન સાંભળીને પોતાનું લશ્કર એકત્ર કર્યું. યુદ્ધ શરૂ થયું, એટલે રાજાએ જેમને સૂચના આપી હતી એવા મોટેરાઓ મને વારવા લાગ્યા. સિંહ જેમ હાથીઓના યૂથમાં પ્રવેશે તેમ અમારા સૈન્યમાં પ્રવેશતો સિંહરથ તેને ક્ષોભ પમાડવા લાગ્યો. આ પ્રમાણે અમારી સેનાને પીડાતી જોઈને કંસ-સારથિ વડે હંકાતો મારો રથ મેં સિંહરથની સામે ચલાવ્યો. પછી તે મારી સાથે યુદ્ધ કરવા લાગ્યો. એ ચાલાક યોદ્ધા ઉપર મેં મારા હસ્તકૌશલ્યથી સરસાઈ મેળવી. સારથિ સહિત તેના ઘોડાઓને મેં વીંધી નાખ્યા. કંસે પોતાના પરિઘના પ્રહારથી તેના રથની ધૂંસરી ભાંગી નાખી, અને તેને ઉપાડીને મારા રથમાં આણ્યો. આથી તેનું સૈન્ય નાસવા માંડ્યું. વિજય પામેલો હું સિંહરથને લઈને અનુક્રમે પોતાના નગરમાં આવ્યો. સંતુષ્ટ થયેલા રાજાએ મારો સત્કાર કર્યો, અને પછી એકાન્તમાં મને કહ્યું, ‘કુમાર! સાંભળ. કોષ્ઠુકી નિમિત્તકને જીવયશા કુમારીનાં લક્ષણોના નિશ્ચય વિષે મેં પૂછ્યું હતું. તેણે મને કહ્યું છે કે એ કુમારી બન્ને કુળનો નાશ કરાવનારી છે, માટે તેને લેશો નહીં.’ મેં કહ્યું, ‘દેવ! કંસે સિંહરથને પકડીને મારી પાસે આણ્યો છે; તેના પરાક્રમને કેમ દબાવી દેવાય?’ પછી રાજાએ કહ્યું, ‘જો એમ હોય તો પણ રાજપુત્રી વણિકપુત્રને શી રીતે અપાય?’ પણ ‘આનું પરાક્રમ તો ક્ષત્રિય જેવું દેખાય છે માટે આમાં કંઈક રહસ્ય હશે’ એમ વિચારી રસાણિયાને બોલાવી અમે પૂછ્યું, ‘આ બાળકની ઉત્પત્તિ કહે.’ રસાણિયાએ પ્રણામ કરીને કહ્યું, ‘આ બાળક કાંસાની પેટીમાં મુકાયેલો હતો, તે પેટીને યમુનામાં તરતી મેં જોઈ હતી. આ ઉગ્રસેનના નામથી અંકિત થયેલી મુદ્રા છે. આ બાબતમાં આપ યોગ્ય કરો.’ પછી કુલવૃદ્ધો વિચાર કરીને કંસને રાજમહેલમાં લઈ ગયા. જરાસંધને મેં કંસનું પરાક્રમ કહ્યું. ‘આ તો ઉગ્રસેન રાજાનો કુમાર છે’ એમ પ્રમાણપૂર્વક કહેવામાં આવતાં તેણે જીવયશા કુમારી કંસને આપી. ‘મારા પિતાએ જન્મતાં જ મારો ત્યાગ કર્યો હતો’ એમ સાંભળીને રોષથી કંસે (જરાસંધ પાસે) વરદાનમાં મથુરા નગરી માગી. દ્વેષને કારણે પોતાના પિતાને કેદમાં નાખી તે રાજ્ય કરવા લાગ્યો.