ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/સંજયંત અને જયંતનો વૃત્તાન્ત


સંજયંત અને જયંતનો વૃત્તાન્ત

પશ્ચિમ વિદેહમાં અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ સલિલવાળો સલિલાવતી વિજય છે, અને વીતશોક (જેમના શોક દૂર થયા છે એવા) જનો વડે સેવાયેલી વીતશોકા નગરી છે. ત્યાં પ્રસિદ્ધ નિર્મળ વંશવાળો સંજય નામે રાજા હતો. તેની સત્યશ્રી દેવી હતી. તેમના બે પુત્રો સંજયંત અને જયંત નામે હતા. સ્વયંભૂ તીર્થંકર પાસે ધર્મ સાંભળવાથી જેને કામભોગો પ્રત્યે વૈરાગ્ય થયો છે એવા તે રાજાએ, વસ્ત્રના છેડા ઉપર વળગેલા તૃણની જેમ, રાજ્યનો ત્યાગ કરીને પોતાના પુત્રોની સાથે દીક્ષા લીધી અને શ્રામણ્ય પાળવા લાગ્યો. જેણે સૂત્ર અને અર્થનું અધ્યયન કર્યું છે, વિવિધ તપ-ઉપધાનો વડે જેના કર્માંશોની નિર્જરા થઈ છે એવો તથા અપૂર્વકરણમાં આરૂઢ થયેલો તે ઘાતિકર્મ અને ચાર અઘાતિકર્મનો ક્ષય થતાં કેવલજ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત કરીને નિર્વાણ પામ્યો. શિથિલાચારી તથા જેણે સંયમનો ભંગ કર્યો હતો એવો જે જયંત હતો તે કાળ કરીને હું — ધરણ થયો. સંજયંતે પણ અપૂર્વ સમવેગથી નવ પૂર્વનો અભ્યાસ કર્યો અને જિનકલ્પની પરિકર્મણાઅભ્યાસ નિમિત્તે ભાવના વડે ભાવિત આત્માવાળો તે એકાકી વિહાર કરવા લાગ્યો. પછી ઉત્તમ વીર્યથી જેણે પોતાની કાયા વોસરાવી છે એવા તથા ત્રણ પ્રકારના ઉપસર્ગ સહન કરનાર અને પ્રતિમામાં રહેલા સંજયંતને વિદ્યુદ્દંષ્ટ્ર અહીં લાવ્યો. એ સંજયંત મારા મોટા ભાઈ છે. આ પ્રમાણે ધરણે કહ્યું.

પછી વિશુદ્ધ થયેલી લેશ્યાવાળા, અપ્રતિપાતી એવા સૂક્ષ્મક્રિયા નામે શુક્લધ્યાનમાં રહેલા ભગવાન સંજયંતને મોહનીય કર્મનો તથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ક્ષય થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તેમની પૂજા કરવાને દેવો અને વિદ્યાધરો આવ્યા.

ફરી પાછા (વિદ્યાધરો) દેવને (નાગરાજને) પૂછવા લાગ્યા, ‘સ્વામી! કહો, વિદ્યુદ્દંષ્ટ્ર આ સાધુને અહીં શા માટે લાવ્યો હતો?’ એટલે નાગરાજે કહ્યું, ‘અમે જઈએ છીએ, સર્વજ્ઞ ભગવાન તમને એ બધું વિશેષપૂર્વક કહેશે.’ પછી તેઓ કેવલીની પાસે ગયા, અને વિનયપૂર્વક પ્રદક્ષિણા કરીને બેઠા. જેમણે સર્વ ભાવો જાણ્યા છે એવા મુનિ દેવો, અસુરો અને વિદ્યાધરોને ધર્મમાર્ગ અને ધર્મમાર્ગનું ફળ કહેવા લાગ્યા. જેમ કે — ‘અનાદિ સંસારરૂપી અટવીમાં ભ્રમણ કરતા, વિવિધ પ્રકારના ઉપદ્રવથી હેરાન થયેલા, સાચી વસ્તુ નહીં જાણતા અને સુખની ઇચ્છા રાખતા જીવને જ્ઞાનાતિશય રૂપી સૂર્યના તેજ વડે સર્વ ભાવોને પ્રકાશિત કરનારા અરિહંત ભગવંતોએ સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્ર્ય વડે વિશિષ્ટ એવા ધર્મમાર્ગનો ઉપદેશ કરેલો છે. કર્મની લઘુતા વડે જેને ઉત્સાહ ઉત્પન્ન થયેલો છે એવો, ખરાબ માર્ગનો ત્યાગ કરનારો, સંસારરૂપી અટવીનો પાર પામી ગયેલો અને જેણે કર્મો ખપાવ્યાં છે એવો જીવ ચારિત્ર્યરૂપી ભાતાની પ્રાપ્તિ દ્વારા નિર્વાણરૂપી નગરમાં પહોંચે છે, તે ધર્મમાર્ગનું ફળ છે.’

એટલામાં વિદ્યાધરો પ્રણામ કરીને કેવલીને પૂછવા લાગ્યા, ‘ભગવન્! વિદ્યુદ્દંષ્ટ્ર આપને અહીં શા કારણથી લાવ્યો હતો?’ એટલે કેવલી કહેવા લાગ્યા, ‘રાગ અને દ્વેષને વશ થયેલાં પ્રાણીઓને પ્રયોજનવશાત્ કોપ અને પ્રસન્નતા થાય છે. વીતરાગ ભાવને લીધે મને તે બન્નેય નથી. એથી મારો અને તેનો વૈરાનુબંધ કહું છું.’ વિદ્યાધરોએ કહ્યું, ‘(એ વૈરાનુબંધ) કેવી રીતે (થયો)?’ એટલે જિન કહેવા લાગ્યા: