ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/વિદ્યુદ્દંષ્ટ્ર અને સંજયંતનો પૂર્વભવનો વૈરસંબંધ


વિદ્યુદ્દંષ્ટ્ર અને સંજયંતનો પૂર્વભવનો વૈરસંબંધ

‘આ જ ભારતવર્ષમાં સિંહપુર નગરમાં સિંહસેન નામે રાજા હતો. સ્ત્રીજનોમાં મુખ્ય અને અકૃષ્ણ (પવિત્ર) માનસવાળી તેની રામકૃષ્ણા નામે ભાર્યા હતી. તેનો હિતેચ્છુ શ્રીભૂતિ નામે પુરોહિત હતો. તેની પત્ની પિંગલા નામે હતી. તેઓની સાથે રાજા રાજ્યનું શાસન કરતો હતો.

એક વાર વહાણમાર્ગે સમુદ્રનો પ્રવાસ કરવાની ઇચ્છાવાળો પદ્મિનીખેટનો વતની ભદ્રમિત્ર સાર્થવાહ સિંહપુર આવ્યો. તેણે વિચાર કર્યો; ‘સમુદ્રનો પ્રવાસ વિઘ્નોથી ભરેલો છે, માટે બધું જ દ્રવ્ય લઈને જવું મારે માટે સારું નથી; વિશ્વાસપાત્ર કુળમાં એ દ્રવ્ય થાપણ તરીકે હું મૂકીશ.’ તેણે શ્રીભૂતિ પુરોહિતને (વિશ્વાસપાત્ર) જાણ્યો. તે બહુમાનપૂર્વક શ્રીભૂતિ પાસે ગયો, વિનંતી કરતાં આનાકાનીપૂર્વક પુરોહિતે (થાપણ રાખવાનું) સ્વીકાર્યું. સીલ કરીને થાપણ મૂકવામાં આવી. પછી વિશ્વસ્ત એવો સાર્થવાહ ગયો અને વેલાપત્તન (બંદર) ઉપર પહોંચ્યો. વહાણ તૈયાર થયું અને પૂજા કરવામાં આવી. સમુદ્રના અનુકૂળ પવન વડે એક બંદરેથી બીજા બંદરે જતું તે વહાણ, અપુણ્ય જનના મનોરથની જેમ નાશ પામ્યું અને પવનથી થયેલા પાણીના પરપોટાની જેમ (સમુદ્રમાં) વિલીન થયું. એક લાકડાના પાટિયાને આધારે ભદ્રમિત્ર સાર્થવાહ જેમ તેમ કરીને કિનારે પહોંચ્યો. અનુક્રમે તે સિંહપુર ગયો અને પુરોહિતના ભવનમાં પ્રવેશ્યો, પણ કલુષિત બુદ્ધિવાળા શ્રીભૂતિએ તેને ઓળખ્યો નહીં — ઓળખાણ સ્વીકારી નહીં. પુરોહિતે તિરસ્કાર કરતાં તે રાજકુલમાં ગયો. ત્યાં પણ પ્રવેશ નહીં મળતાં દરરોજ રાજકુલના દ્વાર આગળ ‘પુરોહિત મારી થાપણ ઓળવે છે.’ એ પ્રમાણે પોકાર કરવા લાગ્યો. રાજાએ શ્રીભૂતિને પૂછ્યું કે, ‘આ શું છે?’ તે બોલ્યો, ‘સ્વામી! ચિત્તભ્રમ થયો હોવાથી આ તો પ્રલાપ કરે છે. આપ જાણો છો કે હું તો વિપુલ ધનનું દાન કરું છું.’ પછી રાજદ્વારમાં પ્રવેશ નહીં પામતો અને વિલાપ કરતો તે ભદ્રમિત્ર ભમતો હતો, અને રાજદ્વારે પોકાર પાડતો હતો કે, ‘મારું રક્ષણ કરો.’ આ સાંભળીને રાજા સિંહસેને મંત્રીને બોલાવ્યો અને કહ્યું, ‘એના આ કાર્યની બાબતમાં તપાસ કરો.’ મંત્રી રાજાની આજ્ઞાથી તેને પોતાને ઘેર લઈ ગયો અને બધું પૂછ્યું, તેનું કથન લખી લીધું અને તેને જમાડ્યો. કેટલાક દિવસ પછી ફરી પૂછ્યું, તો તેણે એ જ વસ્તુ કહી. સુબુદ્ધિએ (મંત્રીએ) રાજાને નિવેદન કર્યું કે ‘એ જ કારણ છે.’ રાજા બોલ્યો, ‘પણ કયા ઉપાય વડે કહી શકાય?’ મંત્રીએ વિનંતી કરી, ‘સ્વામી! તમે શ્રીભૂતિ સાથે દ્યૂત રમવાની ગોઠવણ કરીને પછી મુદ્રાની અદલાબદલી કરો. પછી કોઈ બહાને અંદરના ઉપસ્થાનગૃહ — દીવાનખાનામાં જઈને નિપુણમતિ પ્રતિહારીને મુદ્રા હાથમાં આપીને પુરોહિતને ઘેર મોકલો. મુદ્રા સાથે કહેવડાવેલા સંદેશાથી પુરોહિતની પત્ની અવશ્ય થાપણ આપી દેશે.’ મંત્રીએ કહ્યું હતું તે પ્રમાણે રાજાએ કર્યું. પુરોહિતની સમક્ષ આક્રોશ કરતા ભદ્રમિત્રને રાજાએ થાપણ આપી દેતાં તે કૃતાર્થ થયો. શ્રીભૂતિને નગરમાંથી હાંકી મૂકવામાં આવ્યો; ક્લેશ પામતો અને રોષવિષનો ત્યાગ નહીં કરતો તે કાળ કરીને અગંધન (વમેલા ઝેરને ચૂસે નહીં તેવો) સર્પ થયો.