ભારતીયકથાવિશ્વ-૫/કુંકણા કથાઓ/સતી માતા


સતી માતા

દેવ હું શું કરું રે, શું કરું રે?

ધન એળા મધીનાં જીગનાં જી

દેવ હું શું કરું રે, શું કરું રે?

ધન એળા મધીનાં જીગનાં જી

દ્વારકા નગરી, ધવળે ગીર, ધોળા સાગર, દેવોનું નગર, બધા દેવ ત્યાં સભા ભરે, ચર્ચા કરે

દેવો તો ચર્ચા કરે રે ચર્ચા કરે રે,

ધન એળા મધીનાં જીગનાં જી

સભા ભરાઈ, ચર્ચા થઈ, દેવો કહે, ‘સહદેવને બોલાવો, પોથી કઢાવો, ચર્ચા કરો.’ સહદેવ આવ્યા, પોથી કાઢી, વાંચવા માંડી. સહદેવ કહે, ‘તમે સતીમાતાને ધવળેગીર બોલાવો.’

વિચાર કરવા લાગ્યા રે દેવો,

વિચાર કરવા લાગ્યા રે દેવો,

યાવ જીગનાં જીગનાં જી રે,

જી જી જી

દેવો વિચારવા લાગ્યા, સતીમાતાને લેવા કોને મોકલીએ? કોણ જશે? નારણદેવ કહે, ‘હું જઉં.’ બરમદેવ કહે, ‘હું પણ જાઉં.’ બન્ને દેવો તૈયાર થયા. ચાલવા માંડ્યા. જતાં જતાં નારણદેવ આગળ, બરમદેવ પાછળ. બન્ને જુગધારી માતાના ઘરે પહોંચ્યા.

જુગધારી બેસી ગઈ રે બહેનો,

જુગધારી બેસી ગઈ રે બહેનો,

યાવ જીગનાં જીગનાં જી રે,

જી જી જી

તે ત્યાં જુગધારી માતા બેઠી, અહીં નારણદેવ-બરમદેવ બેઠા, ‘જુગધારી માતા — એ માતા, તમે આત્મા, અમે ભસ્મ.’ ઝારી ભરી પાણી આપ્યું. નારણદેવ-બરમદેવે પાણી પીધું. તૃપ્ત થયા.

‘એ મોટાભાઈ, કહો તો ખરા, શું કામ પડ્યું?

વિચાર કરવા લાગ્યા રે દેવો,

વિચાર કરવા લાગ્યા રે દેવો,

યાવ જીગનાં જીગનાં જી રે,

જી જી જી


જુગધારી માતા કહે, ‘અમે કોણ? જુગધારી માતા. અમે કોણ? સંસારી માતા. અમે કોણ? અવતારી માતા. અરે દેવો, તમે અહીં આવ્યા. કંઈ પણ કામ હશે.’

સતી માતાને લાવો રે બહેની,

સતી માતાને લાવો રે બહેની,

યાવ જીગનાં જીગનાં જી રે,

જી જી જી

જુગધારી માતા, ‘અમે સતીમાતાને કૈલાસપર્વત, ધોળાસાગર લઈ જવા માટે આવ્યા છીએ. સતીમાતાને આ વાત કહો. સતીમાતાને બોલાવો.’

સતીમાતાએ જવાની તૈયારી આરંભી. પાણી ગરમ કર્યું. ગરમ પાણીમાં ઠંડું પાણી ઉમેરીને ઘરની પાછળ વાડામાં સતીમાતા સ્નાન કરવા બેઠી. વાળ ખુલ્લા કરીને પીઠ પર પસાર્યા, કાન-નાકના અલંકારો કાઢી મૂક્યા અને સતીમાતા સ્નાન કરવા બેઠી.

માતા ચોકી કરે રે બહેની,

માતા ચોકી કરે રે બહેની,

યાવ જીગનાં જીગનાં જી રે,

જી જી જી

સતીમાતા સ્નાન કરે છે અને મહાસતી પહેરો ભરે છે. સતીમાતા સ્નાન કરીને ઊઠી. પહેરવેશ પહેરવા માંડ્યો. કમરે પીતાંબર પહેર્યું. માથાના વાળમાં એની ઝોલા અને એની બોરાં નાખ્યાં. દુંટીમાં હીરો મૂક્યો. નાકમાં ભેંસરું લગાવ્યું. પગમાં સાંકળાં પહેર્યાં, કોણીમાં એળા પહેરી. ગળામાં સાંકળી અને નવલખ હાર પહેર્યા. હાથમાં બંગડી પહેરી. કપાળમાં ચાંદલો કર્યો. માથામાં સુંદર ફૂલો નાખ્યાં. સતીમાતા અને મહાસતી બહાર આવી. મહાસતીએ નારણદેવ અને બરમદેવની ઓળખાણ આપી કહ્યું કે આ બન્ને દેવો તને કૈલાસ પર્વત લઈ જવા આવ્યા છે. સતીમાતા તૈયાર થઈ. તૈયાર થઈને ચાલવા માંડ્યું.

બાઈ તો ચાલવા લાગી રે, ચાલવા લાગી રે,

મહાસતીની કન્યા તું જીગનાં જી

બાઈ તો ચાલવા લાગી રે, ચાલવા લાગી રે,

મારી દેવકન્યા તું જીગનાં જી

સતીમાતા અસલ દેવાંગના બનીને ચાલી. નારણદેવ આગળ, સતીમાતા વચમાં અને બરમદેવ પાછળ. જતાં જતાં નારણદેવ થાક્યા. ‘બરમદેવ, હું થાકી ગયો છું. મારાથી ચલાતું નથી. મને આ પથ્થર પર ઊંઘી જવા દે. તમે જાઓ.’

બરમદેવ અને સતીમાતા નારણદેવને પથ્થર પર ઉંઘાડીને ગયા. જંગલમાં ફરવા લાગ્યા. ચાલતાં ચાલતાં બાર બાર મહિના થયા.

કૈલાસ પર્વત પર સહદેવે પોથી વાંચવા માંડી. બરાબર? હાં બરાબર, એક લાખ આત્મા દ્વારકાને આપ્યા અને એક લાખ આત્મા કૈલાસ પર્વતને આપ્યા.

બરોબર? બરોબર.

સતીમાતાને લઈને નારણદેવ-બરમદેવ હજી નથી આવ્યા.

બરમદેવે સતીમાતાને કહ્યું, કાલે તો કૈલાસ પર્વત પર જવાની તૈયારી કરવી જ પડશે. સતીમાતાએ તૈયારી કરી. સતીમાતાએ પોથી લીધી અને માથે મૂકી, ચાલવા માંડ્યું. બરમદેવ અને સતીમાતા દક્ષિણ તરફ ગયા.

દક્ષિણ દિશામાં ગયા રે ભાઈ,

સૂના જંગલ વચ્ચે રે ભાઈ,

યાવ જીગનાં જીગનાં જી રે,

જી જી જી

સતીમાતા અને બરમદેવ ચાલવા લાગ્યાં. જતાં જતાં સૂનું વન આવ્યું. સુંદર મઝાની વનરાજી આવી ને નિર્મળ જળવાળી નદી આવી. સતીમાતા કહે, ‘બરમદેવ, હું સ્નાન કરી લઉં. તમે આ પોથી ખોળામાં લઈને બેસો.’ બરમદેવે પોથી ખોળામાં લીધી.

સતીમાતાએ સ્નાન કર્યું, કપડાં પહેરી ચાલવા માંડ્યું.

બાઈ તો ચાલવા લાગી રે, ચાલવા લાગી રે,

સતીમાતા તમે તો જીગનાં જી

દેવ પણ ચાલવા લાગ્યા રે, ચાલવા લાગ્યા રે,

સતીમાતાની સાથે જીગનાં જી

જતાં જતાં રાત્રિ થઈ. અંધકાર ગાઢો થયો. બરમદેવ અને સતીમાતા વિચારવા લાગ્યાં. સૂના વનમાં તમરાં તમ તમ બોલવા લાગ્યાં. સૂના વનમાં સતીમાતા ને બરમદેવ એકલાં. હવે?

‘બાબા, એય બાબા, હવે શું કરીએ? મને બીક લાગે છે. રાતે હવે શિયાળ આવશે ઝરખ આવશે. દીપડો આવશે, રીંછ આવશે. ભૂત-પ્રેત આવશે. મને ભય લાગે છે. મારું શરીર કંપે છે. હવે શું કરીએ?’

બરમદેવે દૂર દૂર બે પથારી કરી.

‘બહેન, તું અહીંયા ઊંઘજે, હું ત્યાં ઊંઘું છું.’

‘ભાઈ, મને બીક લાગે છે.’

રાત્રિ ઝમ ઝમ ઝમ ઝમ વહે છૈ. તમરાં ટમટમ ટમટમ બોલે છે. તારા ટમટમે છે. શિયાળની લાળી સંભળાય છે. રીંછ બોલે છે. દીપડો ત્રાડ પાડે છે. બરમદેવ અને સતીમાતા પડખાં ફરે છે. બન્નેને ઊંઘ આવતી નથી.

ચાર પહોર રાત્રિ. એક પહોર ગઈ અને ત્રણ પહોર બાકી.

‘મોટાભાઈ, ઊંઘ્યા..?’

‘ના બહેન, ઊંઘ નથી આવતી. આવામાં ઊંઘ પણ ક્યાંથી આવે?’

‘મોટાભાઈ, જરાક નજીક આવો, મને બીક લાગે છે.’

બરમદેવે પથારી થોડી નજીક લીધી.

બે પહોર રાત્રિ ગઈ. બે પહોર બાકી રહી.

તારા ચમકે છે. રીંછની, વાઘની, દીપડાની ત્રાડથી ઝમઝમ વહેતી રાત્રિની શાંતિમાં ભંગ થાય છે.

‘મોટાભાઈ, ઊંઘ્યા..?’

‘ના બહેન, ઊંઘ નથી આવતી.’

‘મને બીક લાગે છે. જરાક નજીક જ આવો.’

બરમદેવે પથારી નજીક લીધી.

રાત્રિ ઝમ ઝમ ઝમ ઝમ વહે છે. શાંત વાતાવરણમાં હંસિક-અહંસિક પ્રાણીઓના વિચિત્ર અવાજો આવે છે.

બન્નેની પથારી વચ્ચેથી એક હરણ બીકથી ભાગતું નાઠું. પાછળ દીપડો દોડતો હતો. તેની પાછળ શિયાળ હતું.

સતીમાતા થથરી ઊઠી. ભયની મારી બૂમ પણ પાડી શકી નહીં. બરમદેવને વળગી પડી. એની કાયા થર થર થર થર કાંપતી હતી.

‘બાબા, બાબા.’

‘શું? શું?’

‘બાબા, મને બીક લાગે છે. હું અહીં જ ઊંઘીશ.’

સતીમાતાની કાયા હજીય થરથરતી હતી.

સતીમાતા અને બરમદેવ સાથે જ ઊંઘ્યાં. કાળરાત્રિ, સૂનું વન, ભયનું વાતાવરણ, હંસિક પશુઓનો ભય.

સતીમાતા પહેલી જ વાર કોઈ પુરુષ શરીરને અડી હતી. બરમદેવ પણ પહેલી જ વાર કોઈ સ્ત્રીશરીરને અડતા હતા.

સૂનું વન, ભય, જુવાન શરીર, એક સ્ત્રી, એક પુરુષ. એકાંત.

સમય થોભી ગયો. સમયે લાજમર્યાદા ભુલાવી. લાજમર્યાદાનો ખ્યાલ ભુલાવ્યો.

બન્ને જણાં મર્યાદા ચૂક્યાં.

મર્યાદા વટાવ્યા પછીની ગાઢ નિદ્રા. ભય ગયો, રાત્રિ ગઈ. સવારે બન્ને ઊઠ્યાં. એક બીજા સાથે નજર મેળવી શક્યા નહીં. પણ, કોઈએ કોઈને વાત પણ કરી નહીં. રાત્રિ, આજ સુધીની રાત્રિની જેમ જ વીતી છે એવું બતાવી બન્નેએ રાતની વાત ભૂલવાનો પ્રયત્ન કર્યો. પણ, શરીર શરીરનો ધર્મ બજાવે છે. સતીમાતા ગર્ભવતી થઈ.

ગર્ભ વધવા લાગ્યો રે, વધવા લાગ્યો રે,

સતીમાતા તારો રે જીગનાં જી

ગર્ભ વધવા લાગ્યો રે, વધવા લાગ્યો રે,

સતીમાતા તારો રે જીગનાં જી

દેવ હું શું કરું રે, શું કરું રે?

ધન એળા મધીના જીગનાં જી

દેવ હું શું કરું રે, શું કરું રે?

એક કરતાં બે દિવસ, બે કરતાં ત્રણ દિવસ, ત્રણ કરતાં ચાર, પાંચ, છ દિવસ ને અઠવાડિયું. અઠવાડિયા પછી અઠવાડિયું અને પછી પખવાડિયું. મહિના પછી મહિના ને, એક કરતાં બે ને બે કરતાં ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ મહિના. નવ મહિના ને નવ દિવસ પૂરા થયા. ગર્ભ પૂર્ણ થયો. ગર્ભ ચાલવા લાગ્યો.

રાત્રિ થઈ. સતીમાતા આરામ કરતી હતી ને ગર્ભ ચાલવા લાગ્યો. ગર્ભે પગ ઢીલા કર્યા. માથું આમતેમ હલાવ્યું. ગર્ભ પહોળો થયો ને ગર્ભે ગતિ પકડી. બાઈએ આમતેમ જોયું. સ્વચ્છ જગ્યા જોઈ. જગ્યા ચોખ્ખી કરી ને બાળકનો જન્મ થયો.

બાળનો જન્મ થયો રે, જન્મ થયો રે

મારી માડી તમે તો જીગનાં જી

બાળનો જન્મ થયો રે, જન્મ થયો રે

મારી માડી તમે તો જીગનાં જી

બાઈએ બાળકને નવડાવ્યું, ધવડાવ્યું. બરમદેવ-સતીમાતા ચાલવા લાગ્યાં. બાઈ રડવા લાગી. હવે હું શું કરું? આજે મેં આ શું કર્યું?

મા હું શું કરું રે, શું કરું રે?

ધન એળા મધીના જીગનાં જી

દેવ હું શું કરું રે, શું કરું રે?

ધન એળા મધીના જીગનાં જી

જતાં જતાં દ્વારકા આવ્યું. જતાં જતાં કૈલાસ પર્વતની નજીક આવ્યાં. ત્યાં પગથિયાં હતાં. બરમદેવ આગળ ચાલે છે. સતીમાતા માથે પોથી અને હાથમાં બાળકી લઈને પાછળ ચાલે છે.

પાંચે પગથિયાં ચઢી છઠ્ઠે પગથિયે બરમદેવ અટક્યા. પાછા વળ્યા અને સતીમાતાને કહ્યું,

‘બહેન, એ છોકરીનું શું કરીએ…? કૈલાસ પર્વત પર આપણને કોઈ પૂછશે કે આ બાળકી કોની છે તો?’

‘તો?’

‘આપણે વિચારવું પડશે.’

‘તો?’

‘એને વનમાં ફેંકી દઈએ.’

‘શું?’

‘હા, એને વનમાં જ ફેંકી દઈએ.’

‘બાળક ઉપર માતાની માયા કેવી હોય તે તમે પુરુષો શું જાણો…? આ બાળકી તો મારી મા સમાન છે. હું એને કઈ રીતે ફેંકું…?’

દરમ્યાન બરમદેવે બાળકીને સતીમાતાના હાથમાંથી ઝૂંટવી લીધી. હવા, પાણી, જીવ, જંતુ, પશુપક્ષી, ઢોરઢાંખર, જનજાનવર, તેને કંઈ પણ નુકસાન નહીં કરી શકે. શિયાળા-ઉનાળા-ચોમાસાની કોઈ વિપરીત અસર નહીં થાય અને બાળા મુશ્કેલી વગર મોટી થાય તેવું તેણે બંધારણ કર્યું. એવું કરીને બરમદેવે બાળાને હાથમાં લઈને ઘનઘોર જંગલમાં ફેંકી દીધી.

બાળા હીર્‌ર્‌ર્‌ર્… કરતીક સૂના વનમાં પડી.

વનમાં પડેલી બાળા સૂના વનમાં ટેહૈઐ…ટેહૈઐ…ટેહૈઐ રડવા લાગી. એનું રડવું વનની શાંતિ ભંગ કરતું હતું. એનું રડવું મહાદેવના કાને પડ્યું. મહાદેવ વિચારવા લાગ્યા, સૂના વનમાં કોણ રડતું હશે…?

બાળા વનમાં પડી રે, વનમાં પડી રે,

મારી માતા તમે તો જીગનાં જી

બાળા તો રડવા લાગી રે, રડવા લાગી રે,

સતીમાતાની કન્યા તું, જીગનાં જી

મહાદેવ વનમાં ગયા. વનમાં રડતી બાળા જોઈ, બાળાને જોઈને દયા આવી. કૂમળું બાળક સૂના વનમાં એકલું રડતું હતું. મહાદેવે વિચાર્યું. આ કોનું કૃત્ય…? આવું કરવાની કોની હંમિત ચાલી હશે…?

મહાદેવને દયા આવી. આ બાળા માટે કંઈક તો કરવું પડશે. એવું વિચારી ચાર ડગલાં આ બાજુ ફર્યા. ચાર ડગલાં તે બાજુ ફર્યા ને ત્યાં એણે બાળા માટે દામુદારી(મોટું ઘર) બાંધી આપી.

એ દામુદારીને આગલે બારણે માંડવો, પાછલા બારણે બારવા(કૂવો) સાત બારણાં અને નવ બારી બનાવી.

આ તો દામુદારી રે, દામુદારીરે,

મારી માતા તમારી જીગનાં જી

આ તો દામુદારી રે, દામુદારીરે,

સતીમાતા તમારી જીગનાં જી

દામુદારી બાંધી આપી. બાળા મોટી થવા લાગી. દિવસ ને રાત, રાત ને દિવસ બાળા મોટી થાવા લાગી.

મહાસતીની છોકરી સતીમાતા, સતીમાતાની છોકરી દેવસતી. દેવસતી સૂના જંગલમાં એકલી અટૂલી મોટી થવા માંડી.

બરમદેવ અને સતીમાતા ચોપડાં લઈને કૈલાસ પર્વતે પહોંચ્યા. ત્યાં મહાસતી પણ સીધી આવી પહોંચી હતી.

સતીમાતા બોલતી નથી, ચાલતી નથી, ઉત્સાહમાં નથી, ચહેરો ગંભીર છે અને ખૂણેખાંચરે આંસુ સારી લે છે. એ દુ:ખી છે, બેચેન છે. હસતી રમતી સતીમાતા કોઈ ભાર નીચે દબાયેલી હોય એમ ગંભીર છે.

મહાસતી કહે, ‘બાઈ, કહે તો ખરી, તને શું થયું છે? તું આમ અબોલ કેમ છે? તને શાનું દુ:ખ છે…? તું કેમ તારી વાચા બંધ રાખીને બેઠી છે…? જે કાંઈ હોય, તે મને કહે, હું તારી મા છું.’

‘ના, મા, મને કાંઈ જ થયું નથી. હું ક્ષેમકુશળ છું.’

‘ના મા, એવું નથી.’ સમય વીતતો ગયો અને દેવસતી મોટી થતી ગઈ.

ત્યાં વાઢુ આવ્યો રે, વાઢુ આવ્યો રે,

સૂના વનની વચ્ચે રે, જીગનાં જી

ત્યાં વાઢુ આવ્યો રે, વાઢુ આવ્યો રે,

સૂના વનની વચ્ચે રે, જીગનાં જી

એક દિવસ એક અસલ વાઢુ કુંકણો, સૂના વનમાં ફરતાં ફરતાં આવ્યો. તેણે દેવસતીને સોનાની દૂધીનું બી આપ્યું. દેવસતીએ ખાડો ખોદીને તે રોપી દીધું ને તેના ઉપર રોજ પાણી સીંચવા લાગી. રોજ નવ નવ ડોયા પાણી પાતી હતી. દિવસ ને રાત, રાત ને દિવસ. દેવસતી પાણી પાતી હતી. બીમાંથી કૂંપળ ફૂટી ને કૂંપળમાંથી વેલો નીકળ્યો. એક દિવસે એક પાન. બીજા દિવસે બીજું પાન. આમ કરતાં સોળ દિવસે સોળ પાંદડાં આવ્યાં ને સત્તરમા દિવસે એક ફૂલ આવ્યું. ફૂલની સાથે દૂધીનું નાનું શંષિ(ફૂલના ડીંચા સાથે આવેલ નાનકડી દૂધી) લાગ્યું.

થોડા દિવસ પછી દૂધી મોટી થઈ. આખી દૂધી સોનાની હતી અને એ દૂધીમાંથી સુવર્ણરંગનો તેજપુંજ નીકળીને આજુબાજુના વિસ્તારને પ્રકાશિત કરતો હતો. દૂધી મોટી થતી ગઈ ને આજુબાજુ સુવર્ણરંગી તેજપુંજ છોડતી ગઈ.

નહવટપુર નામનું એક નગર હતું. એ નગરમાં નહવટી નામનો રાજા રાજ કરતો હતો. એ રાજાને બે રાણી હતી. એક માનીતી અને બીજી અણમાનીતી.

નહવટી રાજાના પ્રધાનનું નામ સૂર્યપ્રધાન હતું.

બન્ને રાણીઓએ રાજા નહવટીને કહ્યું, ‘જાવ, તમે ઘનઘોર જંગલમાં શિકારે જાવ. સૂર્યપ્રધાન, તમે પણ જાવ,’

ધન્ય રે દેવો, ધન્ય વિશ્વરૂપ દેવ.

રાજા નહવટી અને સૂર્યપ્રધાન શિકારે નીકળ્યા. ઘનઘોર જંગલમાં ઘોડા ઉપર બેસી રાજા અને પ્રધાન શિકારે ચાલ્યા.

આ તરફ કૈલાસપર્વતથી મહાદેવ અને નારણદેવ મુલકની તપાસણી માટે નીકળ્યા. મહાદેવ અને નારણદેવ પૂર્વ તરફ ગયા. નહવટી રાજા અને સૂર્યપ્રધાન પશ્ચિમ તરફ ગયા.

દેવો તો વનમાં ફરે રે, વનમાં ફરે રે.

મારા બાળક તમે રે જીગનાં જી.

દેવો તો વનમાં ફરે રે, વનમાં ફરે રે.

મારી માડી તમે રે જીગનાં જી.

ફરતાં ફરતાં મહાદેવને મોંમાં તરસ લાગી, પેટમાં ભૂખ લાગી. પગમાં થાક લાગ્યો. ભૂખ તો જવા દે, થાક તો જવા દે, પણ તરસનું કેમ થાય? પાણી તો પીવું જ પડશે. ‘નારણદેવ, જે થાય તે. જ્યાં જવું પડે ત્યાં જા. જે કરવું પડે તે કર. પણ મને તરસ લાગી છે. મારા માટે પાણીની વ્યવસ્થા કર. મારાથી હલાતું નથી, ચલાતું નથી. હવે તો બોલાશે પણ નહીં. હું મરી જઈશ. કંઈક કર.’

નારણદેવ નજીક આવેલ ડુંગર ઉપર ચઢ્યા. ઊગમણી બાજુ જોયું. આથમણી બાજુ જોયું, ઉત્તર બાજુ જોયું. દક્ષિણ બાજુ જોયું. ઘનઘોર જંગલ સિવાય કાંઈ દેખાયું નહીં. આથમણી બાજુ નજર કરી તો દૂર દૂર સુવર્ણરંગી તેજપુંજનો ફુવારો ઊઠતો હોય તેવું લાગ્યું.

પ્રકાશપુંજ દેખાયો રે, દેખાયો રે,

સૂના વનની વચ્ચે રે જીગનાં જી

દેવો ત્યાં ગયા રે, ત્યાં ગયા રે,

વનના ઘરની વચ્ચે રે જીગનાં જી

મહાદેવને લઈને નારણદેવ એ સુવર્ણરંગી તેજપુંજ તરફ ગયા.

તેજપુંજ પાસે દામુદારી હતી. સતીમાતાની દામુદારી. દામુદારીના આંગણામાં એક માંડવો હતો અને એ માંડવા ઉપર સોનાની દૂધી હતી. તેનો તેજપુંજ હતો. મહાદેવ અને નારણદેવ દામુદારી પાસે ગયા. બારણે દેવસતી હતી. ‘અમને તરસ લાગી છે. પાણી આપો.’ દેવસતીએ બન્ને દેવ તરફ જોયું.

‘પાણી તો નથી પણ પાણી તરફ જતો રસ્તો બતાવું. ચાલો.’

દેવસતી આગળ. નારણદેવ વચ્ચે અને મહાદેવ છેલ્લે, મહાદેવની નજર તો સોનાની દૂધી પર જ હતી.

મહાદેવ તો સોનાની દૂધી જોઈને તરસ, ભૂખ અને થાક પણ ભૂલી ગયા. છતાં મનેકમને એમણે પાછળ ચાલવું પડ્યું.

પાણી પીને મહાદેવ તૃપ્ત થયા. પાણી પીને દામુદારી પર પાછા વળ્યા.

મહાદેવ કહે, ‘નારણદેવ, જે થાય તે. આપણે આ સોનાની દૂધી તો લઈ જ જવી છે. આપણે આ દૂધીથી આખો કૈલાસ પર્વત સોનાનો કરીશું.

દૂધીની ચોરી કરીએ રે, ચોરી કરીએ રે.

સૂના વનની વચ્ચે રે જીગનાં જી

કૈલાસ પર્વત સોનાનો બનાવીએ, સોનાનો બનાવીએ રે,

મારો કૈલાસ પર્વત રે જીગનાં જી.

બન્ને જણા વિચાર કરતા કરતા દૂધીના માંડવા પાસે આવ્યા. મહાદેવ કહે, ‘નારણદેવ, તું ઉપર ચઢ. હું નીચે રહું. તું ચઢીને દૂધી તોડીને નીચે ફેંક. હું ઝીલું છું.’ નારણદેવ કહે, ‘ના દેવ, એવું નહીં. તમે રહ્યા મહાદેવ. તમે રહ્યા દેવોના દેવ. મહાદેવ, તમે મોટા, હું નાનો. તમે જેને જે જોઈએ તે આપો છો. પૈસા તેને પૈસા. અનાજ તેને અનાજ. જે જોઈએ તે. હું વાંકો વળું છું. તમે મારા ઉપર ચઢો. તમે ડીંચો તોડીને દૂધી ફેંકજો. હું ઝીલી લઈશ. લઈને ભાગીશ. તમે જ ચઢો.’

નારણદેવ વાંકા વળ્યા. મહાદેવ ઉપર ચઢ્યા. સોનાની દૂધીને મહાદેવ હાથ લગાડે ત્યાં તો દેવસતીએ મહાદેવને જોયા.

‘એય દેવ, આ શું? મારા જ ઘરમાં ચોરી…? અહીં જ ખાધું, પીધું અને અહીં જ ચોરી કરો છો? તમે મને ખવડાવેલું? પીવડાવેલું? મને ઘર બાંધી આપેલું? આ દૂધી તમારી નથી. તમારા બાપની પણ નથી. આ દૂધી તો અસલ વાઢુ કુંકણાની છે. તેના છોકરાની દૂધી છે. તેની છોકરીની દૂધી છે. તેના બાપની દૂધી છે. તેની માની દૂધી છે. તેની સ્ત્રીની દૂધી છે. તમારી નથી. ભાગો અહીંથી… નહીં તો તમને…’

બન્ને દેવ તો નાઠા. નારણદેવની પોતડી છૂટી ગઈ. તેને પણ લેવા રોકાયા નહીં. નારણદેવ અર્ધનગ્ન થયા. મહાદેવના માથાની ટોપી ઊડી. મહાદેવ પણ ટોપી લીધા વગર બોડા માથે નાઠા.

કૈલાસ પર્વતે, કૈલાસ પર્વતે.

મારા દેવ જાય રે, જીગનાં જી

કૈલાસ પર્વતે, કૈલાસ પર્વતે.

મારા દેવ જાય રે, જીગનાં જી

બન્ને પાછા કૈલાસ પર્વતે પહોંચ્યા. પાર્વતીએ જોયું તો મહાદેવ બોડા જ છે.

‘એય દેવ, એય મહાદેવ, તમારી ટોપી ક્યાં છે…?’

‘ટોપી તો દ્વારકામાં છે.’

‘કઈ દ્વારકામાં…?’

‘હશે તે દ્વારકામાં જ.’

‘કઈ દ્વારકા..? ઇન્દ્રની દ્વારકામાં…? સેન્દ્રુની દ્વારકામાં…? સાયદેવની દ્વારકામાં…? દેવ દ્વારકામાં…? મૂળ દ્વારકામાં…? કાળી દ્વારકામાં…? બેટ દ્વારકામાં…? ધોળી દ્વારકામાં…? ઝેઝુરી દ્વારકામાં…? કઈ દ્વારકામાં…?’

મહાદેવ કહે, ‘મને યાદ નથી.’ મહાદેવની હાલત કફોડી થઈ ગઈ છે.

એને ખાવાનું નથી ભાવતું. પીવાનું મન થતું નથી. બેચેની લાગે છે. પાર્વતી દેખાતી નથી. ઘર દેખાતું નથી. કૈલાસ પર્વત દેખાતો નથી. એની આંખમાં તો માત્ર સોનાની દૂધી જ દેખાય છે. બીજું કાંઈ દેખાતું નથી.

એક કરતાં બે દિવસ થયા. બે કરતાં ત્રણ દિવસ થયા. ત્રણ કરતાં ચાર દિવસ થયા. ચાર કરતાં પાંચ ને એમ કરતાં ચૌદ દિવસ થયા.

ચૌદમે દિવસે મહાદેવને થોડી રાહત થઈ. એણે પાર્વતીને પ્રેમથી બોલાવી.

‘પાર્વતી, અહીં બેસ. મારી પાસે.’ પાર્વતી બેઠી.

‘પાર્વતી, સૂના વનમાં એક છોકરી રહે છે. એનું નામ દેવસતી છે. તેના આંગણામાં એક માંડવો છે. એ માંડવા પર એક દૂધી છે. એ દૂધી સોનાની છે. તેમાંથી સુવર્ણરંગી તેજપુંજ છૂટે છે. મારું મન તે દૂધીમાં છે. હું તે દૂધી લેવા ગયો. પેલી છોકરી અમને એ દૂધી તોડવાની ના કહીને અમારા પર દોડી હતી. નારણદેવની પોતડી છૂટી ગઈ હતી તેથી તે નાગા નાગા નાઠા હતા. મારી ટોપી ઊડી ગઈ હતી. તેથી હું બોડો જ નાઠો હતો. હવે તું જા. સોનાની એ દૂધી લઈ આવ.’

પાર્વતી તૈયાર થઈ રે બહેની

પાર્વતી તૈયાર થઈ રે બહેની

યાવ જીગનાં જીગનાં જી રે,

જી જી જી

પાર્વતી સૂના વનમાં ચાલી. દામુદારી જોઈને ત્યાં ગઈ.

‘એય, આ ઘરની માલકન કોણ છે…?’ એણે સત્તાવાહી અવાજે કહ્યું.

દેવસતી ઘરમાં જ હતી.

‘બહેન, બેસો. હું આવું છું.’ દેવસતીએ ઘરમાંથી જ જવાબ દીધો. પાર્વતી ઊભી જ રહી.

‘દેવીમા દેવી, દેવીની દેવી પાર્વતી, તમે મારે આંગણે ક્યાંથી? બેસો તો ખરાં.’

‘હું બેસવા નથી આવી. કંઈ માગવા આવી છું.’

‘સૂના વનમાં કામ વગર તો કોણ આવે? કહો શું કામ છે?’

‘મને સોનાની દૂધી જોઈએ છે.’

‘એ મારી નથી તેથી તમને નહીં મળે.’

પાર્વતીએ સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી પણ દેવસતી એના નિર્ણયમાં મક્કમ હતી. એણે ના પાડી દીધી.

પાર્વતી ખાલી હાથે પાછી ફરી. આખી વાત કહી. સોનાની દૂધીની આશા રાખવી નકામી છે એવું કહ્યું.

મહાદેવ વિચાર કરે રે, વિચાર કરે રે,

કૈલાસપર્વત ઉપર જીગનાં જી

મહાદેવ વિચાર કરે રે, વિચાર કરે રે,

કૈલાસપર્વત ઉપર જીગનાં જી

મહાદેવ વિચાર કરે છે. જંગલમાં એ કોણ છે…? કઈ સતી છે…? એણે સહદેવને પોથી લઈને બોલાવ્યો. સહદેવે પોથી કાઢી. વાંચી. ‘સાંભળો મહાદેવ, મહાદેવ આ દેવસતી છે. સતીમાતા અને બરમદેવની પુત્રી. તમે યાદ કરો. થોડાં વર્ષ પહેલાં તમે જંગલમાં એક નાની-તાજી જન્મેલ બાળકીને દામુદારી બાંધી આપેલ હતી..?

‘તે એ જ છોકરી છે. દેવસતી.’

સાયદેવ એવું બોલે રે, એવું બોલે રે,

મહાદેવ ગુરુ મારા રે જીગનાં જી

આ તો દેવસતી રે, દેવસતી રે,

મહાદેવ ગુરુ મારા રે જીગનાં જી

‘સહદેવ, હવે આગળ વાંચ, એના નસીબમાં શું છે…? એણે મને હેરાન કર્યો છે. હું હવે એને હેરાન કરીશ.’

‘મહાદેવ, એના ભાગ્યમાં લખાયું છે કે એ મોટા રાજ્યની પટરાણી થશે.’

‘રાણી તો શું, હું એને પાણી ભરાવું છું.’

જે બાળકીને એણે દામુદારી બાંધી આપી હતી, જે બાળકીએ મહાદેવ અને નારણદેવને ભગાડ્યા હતા એ બાળકીના વિધિના લેખ પર મેખ મારવા મહાદેવ મેદાને પડ્યા.

એક દિવસ એક વાઢુ કુંકણો દેવસતીના ઘરે દામુદારી ઉપર આવ્યો. ‘દેવસતી, મને મારી દૂધી આપો.’

મને દૂધી આપો રે, દૂધી આપો રે

દેવ સતી, માતા તમે તો જીગનાં જી

મને દૂધી આપો રે, દૂધી આપો રે

દેવ સતી, માતા તમે તો જીગનાં જી

‘તું કોણ…?’

‘હું વાઢુ કુંકણા.’

‘કેવો વાઢુ…? વાઢુ તો ઘણા પ્રકારના છે. નદીયા વાઢુ…? ડુંગર વાઢુ…? ખડકિયા વાઢુ…? વાડી વાઢુ…? જંગલ વાઢુ…? નદીયા વાઢુ નદીએ રહે. ડુંગરના વાઢુ ડુંગર પર રહે. ખડકિયા વાઢુ ખડક ઉપર રહે. વાડી વાઢુ વાડીમાં રહે. જંગલ વાઢુ જંગલમાં રહે. નહેર વાઢુ નહેરકિનારે રહે. તું કયો વાઢુ…?

વાઢુ કહે, ‘હું અસલ વાઢુ.’

દેવસતી કહે, ‘જા, દૂધી તોડી લે. આ તારી જ દૂધી છે.’

દૂધી તોડી વાઢુએ ચાલવા માંડ્યું.

મહાદેવે જાતે જવા વિચાર્યું. તૈયાર થઈને મહાદેવ સૂના વનમાં દામુદારી ઉપર આવ્યા. મહાદેવ દેવસતીને આંગણે આવ્યા. આંગણે આવીને પહેલાં માંડવા ઉપર આમ જોયું તેમ જોયું. પણ ક્યાંય દૂધી દેખાઈ નહીં. દૂધીની વેલ પણ મરી ગઈ હતી. મહાદેવને ધ્રાસ્કો પડ્યો.

દેવને ખબર પડી રે, ખબર પડી રે,

મારા દેવ તમે તો જીગનાં જી

દેવને ખબર પડી રે, ખબર પડી રે,

મારા દેવ તમે તો જીગનાં જી

મહાદેવ તો રડવા લાગ્યા. ‘દેવા દેવા આ શું કર્યું…? દુનિયામાં જેનો જોટો ન જડે એવી આખી સોનાની દૂધી કોણે તોડવા દીધી…? કોણ લઈ ગયું…?’

દેવસતી કહે, ‘જેની દૂધી હતી તે લઈ ગયું. તમારે એની સાથે કોઈ જ મતલબ નથી. જાવ.’

મહાદેવ ફરી કૈલાસ પર્વત ગયા. ત્યાં જઈને સહદેવને બોલાવ્યો. સહદેવે પોથી ખોલી. દૂધી કઈ બાજુ ગઈ તે જોવા લાગ્યા.

સાયદેવ સાયં વાંચે રે, સાયં વાંચે રે,

એ તો રામખડ વચ્ચે રે, એ તો દેવખંડ વચ્ચે રે

જી જી જી

સૂર્યખંડ વચ્ચે રે, ચંદ્રખંડ વચ્ચે રે

રામખંડ વચ્ચે રે

જી જી જી

પૂર્વના પૂર્વખંડમાં જોયું. સૂર્યખંડમાં જોયું. ચંદ્રખંડમાં જોયું. તારાખંડમાં જોયું. રામખંડમાં જોયું. ગઢલંકામાં જોયું. દંડકવનમાં જોયું. ગુજરાતખંડમાં જોયું. મરાઠાખંડમાં જોયું. ક્યાંય દૂધી દેખાઈ નહીં.

જોતાં જોતાં દક્ષિણ બાજુ ગયા. ત્યાં માંડવગઢ દેખાયો. માંડવગઢની બાજુમાં તોરણવેરા ગામ દેખાયું. ત્યાં રહેતું વાઢુ કુટુંબ દેખાયું.

આ તો માંડવગઢ રે, માંડવગઢ રે,

મારી માતા, તમે તો જીગનાં જી

આ તો તોરણવેરા રે, તોરણવેરા,

મારા દેવો તમે તો જીગનાં જી

ત્યાં વાઢુ રહે રે, વાઢુ રહે રે

મારા દેવો તમે તો જીગનાં જી

‘દેવ, મહાદેવ, તોરણવેરામાં વાઢુ કુંકણા છે. પણ ત્યાં દૂધી દેખાતી નથી. ટુકડા કરી જમીનમાં દાટી દીધેલ છે.’

મહાદેવ હવે દેવસતી ઉપર રોષે ભરાયા.

મહાદેવ ઊડ્યા પડ્યા અને ગુરુનું રૂપ લીધું. લાંબી દાઢી, કમરે પીતાંબર, હાથમાં લાકડી અને તૂંબડો, ગળામાં રુદ્રાક્ષ. એ દેવસતીને આંગણે આવ્યા.

ગુરુ બન્યા રે, મહાદેવ ગુરુ રે મારા ગુરુ.

યાવ જીગનાં જી રે,

જી જી જી ગુરુ બન્યા રે, મહાદેવ ગુરુ રે મારા ગુરુ.

યાવ જીગનાં જી રે,

જી જી જી

‘સતી, તું દેવસતી, કુકવીસતી, સેંદરીસતી, હળદીસતી, તાંબાસતી, રૂપાસતી, સોનાસતી, સાંભળ રે સતી, તું મારી સાથે ચાલીશ..? હું ઘરડો છું. મારા ઘરે મારા માટે પાણી ભરીશ…?’

સતી તૈયાર થઈ, સૂર્યને પણ ઝાંખો પાડે એવું એનું રૂપલાવણ્ય. બધા એની આગળ ઝાંખા લાગે એવી આ દેવાંગણ, આગળ મહાદેવ ગુરુ, પાછળ દેવસતી, બન્ને જણ દ્વારકાનગરીના દ્વારે આવી ઊભા.

દ્વારકામાં ગયા. ત્યાંથી દેવદ્વારકા અને પછી કૈલાસ પર્વત. મહાદેવ સાથે તરુણ યુવતી જોઈ પાર્વતી બોલી,

‘મહાદેવ, તમે દેવના દેવ, મહાદેવ, પટેલમાં પટેલ, મોટા પટેલ, તમે આજે મારી પીઠ ઉપર આ તરુણ યુવતી લાવ્યા…? તમને શરમ નહીં આવી…?’

‘સુણ રે પાર્વતી, આ તરુણ દેવસતી છે. આપણે ત્યાં પાણી ભરશે. એક ખૂણે પડીને ખાશે. બિચારી ઘોર જંગલમાં એકલી હતી.’

પાર્વતીએ એને સોનાનો ઘડો આપ્યો. રૂપાની ઇંઢોણી બનાવી. દેવસતી મહાદેવને ત્યાં પાણી ભરવા લાગી.

એક કરતાં બે દિવસ, બે કરતાં ચાર દિવસ, ચાર કરતાં ચૌદ દિવસ થયા. દેવસતી મહાદેવને ત્યાં પાણી ભરે છે ને તેથી મહાદેવને ટાઢક વળે છે.

પંદરમા દિવસે દેવસતીને કહ્યું, ‘તું નાહીધોઈને તૈયાર થા. હું તને શિખામણ આપું છું. તું મારા ઘરમાં હવે કેટલા દિવસ રહીશ…? જા હવે હું તને ઠેકાણે પાડું છું.’

દેવસતીએ સ્નાન કર્યું. મહાદેવને તથા બધા દેવોને પગે પડી. પછી હિરીરીરીરીરીરીરીરી કરતી પાછી વનમાં પડી.

વનવગડામાં એક મહાર રહે. દેવસતી મહારને ત્યાં ગઈ.

‘બાઈ, તું કોણ…?’

‘બાબા, હું રાંડ બાઈ સાંડ. હું તમારા ઘરે પાણી ભરીશ. જે આપો તે ખાઈશ. ઘરના ખૂણામાં પડી રહીશ.’

દેવસતીને ઘડો આપ્યો. ‘જા નદી ઉપર જા. પાણી ભરી લાવ. અને આ કુંડમાં પાણી રેડ.’

મોટો કુંડ. કુંડમાં ચામડાં કહોવાડવા નાખેલાં. ભયંકર દુર્ગંધ આવે પણ બાઈના મનમાં કાંઈ જ નહીં.

પાણી ભરે, ભરે રે, દેવસતી માતા રે મારી માતા

યાવ જીગાં જી રે,

જી જી જી

પાણી ભરે, ભરે રે, દેવસતી માતા રે મારી માતા

યાવ જીગાં જી રે,

જી જી જી

દેવસતી નદીએ જાય છે. પાણી ભરે છે. પાણી લઈને કુંડમાં રેડે છે.

મહાદેવ ખુશ થાય છે. ‘જો હવે ભાગ્યમાં તો રાણી થવાનું લખ્યું હતું. આવી રાણી..? મહારના ઘરમાં પાણી ભરતી રાણી…? ઝૂંપડાના એક ખૂણામાં રહેતી રાણી…?’

એક દિવસ ફરતાં ફરતાં નહવટ રાજા અને સૂર્યપ્રધાન છૂટા પડી ગયા. સૂર્યપ્રધાન ઊગમણી બાજુ ગયા અને નહવટ રાજા આથમણી બાજુ ગયા. રખડીરખડીને નહવટરાજાને તરસ લાગી. પાણી શોધતાં શોધતાં રાજા જ્યાં દેવસતી પાણી ભરતી હતી ત્યાં જઈ ચઢ્યા.

સતીએ વિચાર્યું, આ તો રાજા છે. હું મહારના ઘરની છું. હું પાણી ભરીશ તો પાણી અભડાઈ જશે. તે પાણી રાજા પીશે નહીં.

તેણે રાજાને કહ્યું, ‘મહારાજ, તમે પહેલાં પાણી પી લો. હું મહારના ઘરની છું. પાણી અભડાઈ જશે, પછી તમે કઈ રીતે પીશો?’

રાજા સતીને જોઈ રહ્યા. દેવાંગણ જેવી સ્ત્રીની આભડછેટ લાગે? એમાં વળી આભડછેટ કેવી?

રાજાએ સતીને કહ્યું, ‘તું ઘડો ભરીને મને પા. હું પીશ.’

સતીએ ઘડો ભર્યો, ઘડો ભરીને એ રાજા પાસે ગઈ. રાજાએ બંને હાથ વડે પાણી પીધું.

સતી અને રાજાનો મનમેળાપ થયો. રાજા તેને નહવટપુર લઈ ગયા અને ત્યાં એની સાથે લગ્ન કર્યાં.

વિધિના લેખમાં જે લખાયેલું હતું તેમાં મહાદેવ પણ કંઈ ફેરફાર કરી શક્યા નહીં.

કથા પૂરી થઈ રે, સતીમાતા તમારી કથા,

જીગનાં જી

ભુલાયેલા શબ્દ પાછા વળજો રે, પાછા વળજો રે,

શબ્દો સ્વપ્ને આવજો રે મારા દેવ.

યાવ જીગનાં જીગનાં જી રે

જી જી જી