ભારતીયકથાવિશ્વ-૫/રાભા લોકકથાઓ/શિયાળ અને કાગડાની કથા


શિયાળ અને કાગડાની કથા

વનમાં એક શિયાળને ખાવાનું મળ્યું ન હતું એટલે પીપળાના વૃક્ષ નીચે ચિંતા કરતું બેઠું હતું. એ જ ઝાડની ડાળી પર એક કાગડો પણ બેઠો હતો. શિયાળના ચિંતાતુર મોં જોઈને કાગડો તેની પાસે જઈને તરત જ બોલ્યો, ‘અરે ભાઈ શિયાળ, તારો કોઈ કાયમી મિત્ર છે ખરો?’

‘ના, પણ તું મને કેમ પૂછે છે?’

પછી કાગડાએ બોલવા માંડ્યું, ‘ભાઈ, હું તારી શોધમાં જ હતો, પણ અત્યાર સુધી એવો જોગ ખાતો ન હતો. આજે જ તારો ભેટો થયો. લોકો એમ કહે છે કે પ્રાણીઓમાં સૌથી વધુ તું હોશિયાર છે, અને પક્ષીઓમાં હું. આ વિશે મેં ખાસ્સો વિચાર કર્યો અને છેવટે આ વાત સાચી છે એમ માની લીધું. એટલે હું તારી મૈત્રી ઝંખું છું. આપણે સુખદુ:ખમાં એક સરખા ભાગીદાર. બોલ, તું શું કહે છે?’

શિયાળે થોડી વાર વિચાર કર્યો અને પછી કહ્યું, ‘હું પણ વર્ષોથી આવા મિત્રની શોધમાં હતો પણ મને કોઈ મિત્ર મળ્યો નહીં. મારે શું જોઈએ છે તે સાંભળ. જ્યારે જરૂર ઊભી થાય ત્યારે મને જે ખોરાકપાણી આપે, ટોળટપ્પાં મારે અને દુ:ખમાં મારી સાથે આંસુ સારે એવું જોઈએ છે.’

કાગડો બોલ્યો, ‘એમ? તો પછી તને હજુ ત્રણ ગુણની જાણ નથી. પક્ષીઓમાં મારા સિવાય આ ગુણ કોઈનામાં નથી. હું તને સાબિતી આપું. લોકો કહે છે કે હું ગણક (બ્રાહ્મણ જ્યોતિષી) છું, શું બનવાનું છે અને શું બની રહ્યું છે તે હું કહી શકું છું. હું આ દિશામાં જઈશ તો મને ખાવાનું મળશે કે નહીં તે હું કહી શકું. એટલા માટે તું મારો સાથી બની જા, જીવનમાં ક્યારેય મુશ્કેલીઓ નહીં આવે.’

શિયાળ સંમત થયો અને તેમણે નવી મૈત્રીનો આરંભ કર્યો.

કાગડો જમીનથી અદ્ધર ઊડતો હતો અને શિયાળ નીચે નીચે ચાલતું હતું. ગામડાગામની એક નાનકડી શેરીમાં ત્રણ સ્ત્રીઓ અને બે કન્યાઓ માથે ભાત લઈને અને સુખડી લઈને ચાલતી હતી. તેઓ પોતાના એક સ્વજનને ત્યાં લગ્નનું પાકું કરવા જઈ રહી હતી. કાગડાએ શિયાળને કહ્યું, ‘જો આ કન્યાઓ જે લઈને જાય છે તેમાં ખાવાનું હોવું જોઈએ, હું તેમની આગળ અધમૂઓ થઈને પડી જઈશ. તેઓ પોતાનો સામાન બાજુ પર મૂકીને મને મારી નાખવાનો પ્રયત્ન કરશે. પણ તેઓ મને પકડી નહીં શકે. આ તકનો લાભ લઈ તું તારા મોઢામાં એ લઈને વનમાં જતો રહેજે. પછી આપણે પેટ ભરીને ખાઈશું.’

શિયાળ ખુશખુશાલ થઈને બોલ્યું, ‘અરે વાહ, આ તો બહુ મજાનો વિચાર છે.’ જે ગોઠવણ વિચારી હતી તે પ્રમાણે કાગડો સ્ત્રીઓની આગળ ફસડાઈ પડ્યો. સામાન્ય શુભ પ્રસંગે કાગડો દેખાય તે અપશુકનિયાળ કહેવાય એવી લોકમાન્યતા છે. આમ થયું એટલે સ્ત્રીઓ ગુસ્સે થઈ, ભાત અને સુખડીની પોટલીઓ રસ્તે મૂકી તેઓ કાગડાને મારી નાખવા દોડી. એ તકનો લાભ લઈ શિયાળ બે પોટલી ઉઠાવીને વનમાં દોડી ગયું. કાગડો જમીન પરથી જલદી ઊભો થઈ ગયો અને શિયાળ સાથે જોડાઈ ગયો. ઝાડ નીચે બેસીને બંનેએ પેટ ભરીને ખાધું. સ્ત્રીઓ તો તેમની પોટલીઓ ગુમ થઈ ગઈ એ જોઈને હોમાઈ ગઈ. શુભ પ્રસંગે આવા અપશુકન થયા એટલે તેઓ નિરાશ થઈને ઘેર જતી રહી.

શિયાળ બોલ્યું, ‘તારી યોજનાને કારણે આપણને ભરપેટ ભોજન મળ્યું. હવે શો વિચાર છે?’

કાગડાએ કહ્યું, ‘જોઈએ.’

તેઓ બંને આગળ ચાલ્યા એટલામાં બે જણને ડાંગરના ખેતરની દિશામાં જતા જોયા. તેમના હાથમાં છેદાયેલો વાંસ હતો, તેઓ ખેતરમાંથી ડાંગરના પૂળા લાવવા જતા હતા. કાગડાએ શિયાળને કહ્યું, ‘હવે જો હું તને હસાવું છું.’ આમ કહીને તે વાંસના આગલા ભાગમાં ત્રાટક્યો. શું થયું તેની જાણ તેેને ન થઈ. પણ બીજાએ આ આખું દૃશ્ય જોયું. કાગડો તો અપશુકનિયાળ એટલે તેણે પોતાનો વાંસ કાગડાને મારવા ઉગામ્યો. પણ સદ્ભાગ્યે કાગડો સાવચેત હતો એટલે આગળ ચાલતા પહેલા માણસને ખભામાં વાગ્યો. તેને બહુ વેદના થઈ, જૂનું વેર વસૂલ કરવાના આશયથી આવું કર્યું એમ પહેલાએ માની લીધું. તેણે વળતો ઘા કર્યો, ‘તે દિવસે ગામની પંચાયતમાં જે બોલાચાલી થઈ તેનું વેર વાળવા તેં અત્યારે મને ઘા કર્યો, કેમ બરાબર ને?’

પેલાએ હસતાં હસતાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘ના રે ના, એક કાગડો તારા વાંસ પર ત્રાટક્યો. મેં એને મારવા લીધો અને દુર્ભાગ્યે ઘા તને થયો.’

પણ પેલો તો ગુસ્સે થયો.’ ‘ના-ના. કાગડો છે ક્યાં? ક્યાં જતો રહ્યો?’

‘મને તો એટલી સમજ છે કે તેેં વેરની વસૂલાત માટે જ મને ઘા કર્યો છે.’ તેણે પોતાના સાથીને મારવા લાગ્યો. પછી બંને ગાળાગાળી પર ઊતરી આવ્યા. આસપાસનાં ખેતરોમાંથી ખેડૂતો દોડી આવ્યા અને બંનેની લડાઈ શમાવવા મથ્યા. આ ઘટના જોઈને શિયાળ ખડખડાટ હસી પડ્યું, અને જમીન પર આળોટવા માંડ્યું. તે એટલું બધું હસ્યું કે પેટ દુ:ખી ગગયું અને તેને શ્વાસ ચઢ્યો. છેવટે કાગડાએ એને સ્વસ્થ કર્યો. શિયાળે શાંત થયા પછી કહ્યું, ‘તું બહુ રમૂજી છે અને મજાનો છે.’

તે ફરી આગળ ચાલ્યા. થોડા સમય પછી એક મોટા સરોવર પર આવ્યા. ‘મેં જ્યોતિષ પ્રમાણે ગણતરી કરી. આ સરોવરની પેલે પાર આપણને સારું ભોજન મળશે. ચાલો, એ બાજુ જઈએ.’

‘ભાઈ, તું તો પક્ષી છે એટલે તરત જ ઊડીને જઈશ પણ હું સરોવર ઓળંગું કેવી રીતે. આટલું મોટું સરોવર મારાથી તરાય નહીં.’

‘ચિંતા ન કર. મારો એક મિત્ર આ સરોવરમાં રહે છે.’

‘કોણ છે એ?’

‘મગર. જો કે તે મારો કાયમી મિત્ર નથી.’

‘એમ?’

‘હા.’

સરોવરકાંઠેથી કાગડાએ બૂમ મારી, ‘અરે મગરભાઈ, જરા જલદી આ બાજુ આવો. તમારી પીઠ પર બેસાડીને અમને સામે પાર લઈ જાઓ.

કાગડાની વિનંતીને માન આપીને મગર સરસ રીતે તરતાં તરતાં આવ્યો. ‘બોલો મિત્ર, ક્યાં જવું છે, અને શા માટે?’

કાગડો બોલ્યો, ‘આ મારો મિત્ર શિયાળ છે. અમે બંને ખોરાકની શોધમાં સરોવરના સામા કાંઠે જવા માગીએ છીએ. તમે અમને તમારી પીઠ પર બેસાડીને લઈ જાઓ, સરોવર પાર કરાવો.’

અને બંને મગરની પીઠે બેસી ગયા અને મગર કુશળતાથી સરોવરમાં તરવા લાગ્યો. અડધે પહોંચ્યા એટલે મગરે ડૂબકી મારવાની શરૂ કરી. કાગડાને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. તેણે શિયાળના કાનમાં કહ્યું, ‘ભાઈ, આપણા પર જોખમ છે. મગર નીચે જવા માગે છે. વાસ્તવમાં તારી હાલત ખરાબ થાય. તું પાણીમાં ડૂબવા માંડીશ અને તે તને ખાઈ જશે. હું તો ઊડીને મારી જાત બચાવી લઈશ.’

શિયાળે તો આ સાંભળીને રડવા જ માંડ્યું. કાગડાએ તેને ધીરજ બંધાવી. ‘ગભરાઈશ નહીં: ધીરજ રાખ. હું તને મદદ કરીશ.’

તે જ વેળા મગરે બંનેને કહ્યું, ‘મને ભૂખ બહુ લાગી છે.’ આ સાંભળીને શિયાળ તો થથરી ઊઠ્યું. હવે આવી બનશે એમ માની લીધું.

કાગડાએ મગરને પૂછ્યું, ‘મિત્ર, તું અમારો કોળિયો કરી જઈશ?’

‘હા-હા, કેટલાય દિવસથી ખાવાનું નથી મળ્યું. હું સુકાઈ ગયો છું અને તમે મળી ગયા. હવે હું તમને જવા દઈશ એમ તમને લાગે છે?’

ચતુર કાગડો બોલ્યો, ‘અરે, ભગવાને અમારું સર્જન તમારા ખોરાક માટે જ કર્યું છે. એટલે અમને મરી જવાની બીક નથી લાગતી. પણ એક વાત છે. અમે અમારું માંસ તો સરોવર કાંઠે મૂકીને આવ્યા છીએ. તમે જો અમને મારશો તો માંસ ક્યાંથી મળશે? તમને તો અમારું ચામડું જ મળશે. તમે પહેલેથી અમને જણાવ્યું કેમ નહીં? અમે અમારું માંસ તમને આપી શક્યા હોત.’

‘ખરેખર?’

‘અમે તો નાના નાના જીવ છીએ, અમે કદી જૂઠું બોલતા નથી.’

‘તો ચાલો, પાછા જઈએ, પણ તમારું માંસ મને આપવાનું, એમાં પાછી પાની નહીં કરવાની.’

‘ચોક્કસ’

મગર બંનેને પીઠ પર બેસાડીને સરોવર કાંઠે લઈ આવ્યો. તેઓ પીઠ પરથી કૂદ્યા.

કાગડાએ મગરને કહ્યું, ‘અહીં રાહ જુઓ. અમે માંસ લઈને આવીએ છીએ.’ મગર કાંઠે પડી રહ્યો અને માંસની રાહ જોતો બેઠો. બંને મિત્રો જતા રહ્યા. કાગડો શિયાળને મૂકીને ઊડી ગયો અને મગરના માથે ઝળુંબ્યો તથા ચાંચ વડે મગરની એક આંખ ફોડી નાખી.

પછી બંને મિત્રો એક મોટા ઝાડ નીચે બેસીને નિરાંતે મગરની આંખ ખાવા લાગ્યા. શિયાળનો ભય હજુ શમ્યો ન હતો, તે હાંફતો હતો. કાગડો હળવાશથી વાતો કરતો હતો અને ધીમે ધીમે શિયાળ સ્વસ્થ થયું. થોડી વારે કાગડો બોલ્યો,‘ બોલ મિત્ર, તારી ઇચ્છા પ્રમાણે તારું પેટ ભર્યુું, તને હસાવ્યો અને રડાવ્યો પણ, હવે તને ખ્યાલ આવ્યો કે હું કેટલી બધી આવડત ધરાવું છું. હું કેટલો બુદ્ધિશાળી છું, ચતુર છું. મારી સાથે કાયમી મૈત્રી બાંધવામાં તને કોઈ મુશ્કેલી પડે ખરી? તને મારી ચતુરાઈ પસંદ પડી જ હશે, હવે તું તારો છેવટનો અભિપ્રાય આપ.’

શિયાળે આછા અવાજે કહ્યું, ‘હા-મિત્ર, તારી હોશિયારીનો મને પૂરો ખ્યાલ આવી ગયો. લોકો જે કહે છે તેમાં સત્ય તો છે, પ્રાણીઓમાં હું સૌથી વધુ ચતુર, અને પક્ષીઓમાં તું. પણ આપણા બેમાં કોણ વધુ ચતુર એની કોઈને જાણ નથી. પણ મારા અનુભવને આધારે હું કહું છું, તું મારા કરતાં વધુ ચતુર છે, બુદ્ધિશાળી છે.’

‘આ સાંભળીને હું બહુ રાજી થયો છું. મારી આવડતને તેં નિખાલસતાથી વધાવી એ મને ગમ્યું. તો હવે તું મારો આજીવન મિત્ર બનવા તૈયાર ખરો કે નહીં?’

જો કે કાગડાની વાતનો શિયાળે ગંભીર બનીને ઉત્તર આપ્યો, ‘મિત્ર, હું તને વચન આપી શકતો નથી. બધા એટલું તો જાણે છે કે તું બેપગો છે અને હું ચોપગો છું. તને પાંખો છે, મને નથી. તું ઊડીને થોડા જ સમયમાં દૂર દૂર જઈ શકે છે, હું દોડીને પણ ન જઈ શકું. તું ચાંચ વડે ખાય છે, હું દાંત વડે. આ સંજોગોમાં આપણે કાયમી મિત્રો રહી શકીએ. લાંબા સમય સુધી આત્મીયતા રહેતી નથી એવું બધા કહે છે, આમ છતાં જો આજીવન મિત્રો રહેવા જઈએ તો મગજ ગુમાવીને ક્યારેક તેં જેવી રીતે મગરની આંખ કોચી કાઢી તેવી રીતે મારી આંખ પણ કોચી કાઢે. એટલે હું તને સ્પષ્ટતાથી, નિખાલસતાથી કહું છું કે આપણે આજીવન મિત્રો નહીં બની શકીએ. આમ છતાં આપણે મિત્રો તો રહીશું. આપણી ગુંજાશ પ્રમાણે એકબીજાને મદદ કરતા રહીશું. આપણાં સુખદુ:ખ વહેંચીશું. આ મારું વચન. તો ચાલ આવજે, તારો આભાર.’

આમ કહી શિયાળ ધીરે ધીરે ગંભીર બનીને વનમાં ચાલતું થયું, કાગડાને બહુ દુ:ખ થયું, તેણે શિયાળ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેને ડૂમો ભરાઈ આવ્યો. જાણે માથા પર વીજળી ત્રાટકી હોય એમ તેને લાગ્યું.

ભારે હૈયે કાગડો ઊડ્યો અને ઊંચા વૃક્ષની એક ડાળ પર બેઠો. તેની આંખોમાંથી દડ દડ આંસુ પડ્યાં. શિયાળ દેખાતું બંધ થયું ત્યાં સુધી તે શૂન્યમનસ્ક થઈને તેને જોયા કર્યું.