ભારતીય કાવ્યસિદ્ધાંત/(૨૫) ગુણીભૂતવ્યંગ્યકાવ્ય

(૨૫) ગુણીભૂતવ્યંગ્યકાવ્ય : (પૃ.૧૮૫) :

મમ્મટ સ્પષ્ટ રીતે ગુણીભૂતવ્યંગ્યકાવ્યને ‘મધ્યમ’ એટલે ઊતરતું ગણે છે. પણ ‘ધ્વન્યાલોક’કાર એને કાવ્યનો એક બીજો પ્રકારમાત્ર ગણતા હોય એવું લાગે છે : ‘प्रकारो अन्यो गुणीभूतव्यङ्ग्यः काव्यस्य द्रश्यते । यत्र व्यङ्ग्यान्वये वाच्यचारुत्वं स्यात् प्रकर्षवत् ।’ એટલું જ નહિ પણ એ પ્રકારને એ કહે છે : ‘ध्वनिनिष्यन्दरूपो द्वितीयोऽपि महाकविविषयो अतिरमणीयो लक्षणीयः सहृदयैः ।’ તેઓ દૃષ્ટાંતો આપી એમ પણ બતાવે છે કે ગુણીભૂત વ્યંગ્યનો આ કાવ્યપ્રકાર રસતાત્પર્યની દૃષ્ટિએ વિચારતાં ધ્વનિકાવ્યનું રૂપ પામે છે. એટલે કે કાવ્ય વસ્તુતાત્પર્યની દૃષ્ટિએ ગુણીભૂતવ્યંગ્યનું ઉદાહરણ હોય પણ રસતાત્પર્યની દૃષ્ટિએ ધ્વનિનું ઉદાહરણ હોય. વસ્તુત; કાવ્યનું ચારુત્વ વ્યંગ્યાર્થમાં હોય કે વાચ્યાર્થમાં હોય, એ પરથી કાવ્યની ઉચ્ચાવચતાનો નિર્ણય કરવો એ બહુ ઉચિત નથી લાગતું. વળી, રસાદિને તો ભારતીય કાવ્યશાસ્ત્રીઓ વ્યંગ્યાર્થમાં પણ ઘણું મહત્ત્વનું સ્થાન આપે છે, અને કોઈ પણ કાવ્ય, જો એ સાચા અર્થમાં કાવ્ય હોય તો, આપણા હૃદયમાં કોઈ ને કોઈ ભાવ જગાડ્યા વિના રહેતું નથી; એથી એક રીતે જોતાં રસાદિનું વ્યંજન એ કાવ્યનું અનિવાર્ય લક્ષણ બની રહે. મમ્મટના જ ‘ग्रामतरुणं’ -વાળા ઉદાહરણમાં ગ્રામતરુણી ગ્રામતરુણને વારે વારે જોયા કરે છે, તેમાં એની ઉત્કંઠાનું અને એની મુખકાન્તિ ઝાંખી પડી જાય છે તેમાં એની વ્યાકુળતા અને પોતે કોલ નથી પાળી શકી તેની ભોંઠપનું વ્યંજન આપણે જોઈ શકીએ. એ રીતે એ ભાવધ્વનિકાવ્યનું ઉદાહરણ ગણાય, જે ધ્વનિકાવ્યનો એક પ્રકાર છે. શ્રી. સુન્દરમનું ‘કોણ?’ કાવ્ય પણ ઈશ્વરી લીલાની ભવ્યતાનું અને એ રીતે અદ્ભુતરસનું વ્યંજન કરે છે. વ્યંજિત થયેલા આ ભાવો અપ્રધાન છે કે કાવ્યનું કાવ્યત્વ તેમાં નથી, એમ કહી શકાશે ખરું? એટલે ધ્વનિકાવ્ય અને ગુણીભૂત વ્યંગ્યકાવ્ય એવા પ્રકારો સગવડ ખાતર પાડીએ તેનો વાંધો નથી, પણ કેટલાંયે કાવ્યો એવાં મળવા સંભવ છે કે જેને એ બેમાંથી કયા પ્રકારમાં ગણવાં તે નક્કી ન થઈ શકે. વળી આચાર્ય આનંદવર્ધન અને મમ્મટ પણ સ્વીકારે છે કે ધ્વનિ અને ગુણીભૂતવ્યંગ્યનું મિશ્રણ હોય એવા અનેક કાવ્યપ્રકારો — પ્રભેદો ગણાવી શકાય. અને કાવ્યત્વની કોટિ નક્કી કરવામાં કારણભૂત એટલાં બધાં તત્ત્વો હોય છે કે માત્ર વ્યંગ્યાર્થના પ્રાધાન્ય-ગૌણત્વને આધારે કાવ્યની ઉચ્ચાવચતા નક્કી કરવાના ધોરણ ઘણીવાર અપર્યાપ્ત સાબિત થવાનો સંભવ છે.