ભારતીય કાવ્યસિદ્ધાંત/(૨૪) निःशेषच्युतचन्दनंમાં વ્યંગ્યાર્થબોધ
આ શ્લોકમાં વ્યંગ્યાર્થબોધ કઈ રીતે થાય છે એ અંગે થોડો મતભેદ છે. મમ્મટે માત્ર ‘अधमपदेन व्यज्यते’ એમ કહ્યું તેથી એને અહીં અભિધામૂલ આર્થી વ્યંજના અભિપ્રેત હશે એમ લાગે છે. દૂતીના દેહનાં વિવિધ લક્ષણો વર્ણવામાં આવ્યાં છે તે વાપીસ્નાનના પરિણામરૂપ હોવામાં મમ્મટને કશી મુશ્કેલી લાગતી નથી.૩[1] પણ વિશ્વનાથ તો એ લક્ષણોને કારણે ‘તું વાપીસ્નાન કરવા ગઈ હતી’ એ અર્થને બાધિત થતો માને છે, કેમ કે સ્તનોના માત્ર તટનું જ ચંદન ખરી પડ્યાનું કહેવામાં આવ્યું છે, અધર એટલે માત્ર નીચલા હોઠનો જ રંગ ધોવાઈ ગયાનું વર્ણવામાં આવ્યું છે, વગેરે. આથી વિશ્વનાથ વિપરીતલક્ષણાથી ‘તું વાપીએ સ્નાન કરવા નહિ, પણ તે અધમની પાસે ગઈ હતી.’ એવા લક્ષ્યાર્થનો અને પછી ‘બોદ્ધવ્યવૈશિષ્ટ્ય’ને કારણે ‘તું વાપીએ સ્નાન કરવા નહિ, પણ તે અધમની પાસે ક્રીડાર્થે ગઈ હતી’ એવા વ્યંગ્યાર્થનો બોધ થતો માને છે. અપ્પય્યદીક્ષિત દૂતીના દેહનાં લક્ષણોને વાપીસ્નાન સાથે અસંગત માને છે, પણ વિપરીતલક્ષણા પ્રવર્તતી હોવાનું માનતા નથી. વ્યંગ્યાર્થ તો પ્રાપ્ત થાય છે ‘અધમ’ શબ્દને કારણે જ, પણ સંભોગચિહ્નો પ્રગટ કરતી ‘निःशेषच्युतचन्दनं स्तनतटम्’ આદિ ઉક્તિઓ એમાં સહાયક બને છે એમ એ કહે છે. જગન્નાથ, મમ્મટની જેમ, દૂતીનાં દેહલક્ષણોને વાપીસ્નાન સાથે અસંગત નથી માનતા અને દૂતી ઉતાવળમાં હતી, મોડું થવાની ભીતિ હતી, વાપીએ ઘણા યુવાનો હતા — આ બધાં કારણોને લઈને સ્તન, ઓષ્ઠ, આંખ આદિનું પૂરું માર્જન ન થઈ શક્યું એમ સમજાવે છે. પણ જગન્નાથનો આ પ્રયત્ન દેખીતી રીતે જ લૂલો છે. પણ દૂતીનાં દેહલક્ષણો વાપીસ્નાન સાથે અસંગત હોવા છતાં એ વસ્તું જલદી ધ્યાનમાં આવે એવો સંભવ નથી. એ રીતે મમ્મટનો બચાવ કરવો હોય તો કરી શકાય. નહિ તો પછી, લક્ષણાથી ‘તું વાપીએ સ્નાન કરવા નહોતી ગઈ’ એવો અર્થ પ્રાપ્ત થાય અને પછી ‘અધમ’ શબ્દના વૈશિષ્ટ્યને કારણે ‘તું એ અધમ પાસે ક્રીડાર્થે ગઈ હતી’ એવો વ્યંગ્યાર્થ પ્રાપ્ત થાય એમ માનવાનું રહે; એટલે કે એ લક્ષણામૂલ આર્થી વ્યંજનાનું ઉદાહરણ ગણાય. અલબત્ત, આ શ્લોકમાં વ્યંગ્યાર્થનો બોધ ગમે તે રીતે થતો માનીએ, તેથી અહીં વ્યંગ્યાર્થ પ્રધાન અને ચમત્કાર છે અને તેથી મમ્મટના સિદ્ધાંત અનુસાર એ ઉત્તમકાવ્યનું ઉદાહરણ છે એ વાતમાં કશો ફેર પડતો નતી.
- ↑ ૩. ‘कान्तप्रकाश’ ના પાંચમા ઉલ્લાસમાં આ શ્લોક અંગે મમ્મટ કહે છે :
‘निःशेषच्युतेत्यादौ गमकतया यानि चन्दनच्यवनादीनि उपात्तानि तानि कारणान्तरतः अपि भवन्ति, अतः च अत्र एव स्नानकार्यत्वेन उक्तानि इति न उपभोगे एव प्रतिबद्धानि इति अनैकान्तिकानि ।’