ભારતીય કાવ્યસિદ્ધાંત/(૨૬) ચિત્રકાવ્ય

(૨૬) ચિત્રકાવ્ય : (પૃ.૧૮૫)

મમ્મટ ‘ચિત્રકાવ્ય’ને કાવ્યના એક પ્રકાર તરીકે - ત્રીજી શ્રેણીના પ્રકાર તરીકે - સ્થાન આપે છે. આચાર્ય આનંદવર્ધનનું વલણ આવા કાવ્યને માત્ર નામે જ કાવ્ય ગણવા તરફ જણાય છે. એમના મતે એ ખરેખર કાવ્ય નથી, કાવ્યનું અનુકરણ છે.૧[1] ચિત્રકાવ્યમાં અસ્ફુટ વ્યંગ્યાર્થ હોય એમ મમ્મટ કહે છે, જ્યારે આચાર્ય આનંદવર્ધન રસ, ભાવ આદિના નિરૂપણનું જેમાં કવિનું તાત્પર્ય ન હોય, જેમાં કશા વિશેષ અર્થનો બોધ કરાવવાની શક્તિ જ ન હોય, અને જે કેવળ વાચ્યાર્થ અને શબ્દવૈચિત્ર્યમાં સમાપ્ત થઈ જતું હોય એવા આલેખ જેવા કાવ્યને ચિત્રકાવ્ય કહે છે.૨[2] ચિત્રમાં પ્રાણ હોતો નથી, માત્ર આકાર જ હોય છે. તેમ આવા કાવ્યમાં પણ કાવ્યનો બાહ્ય આકાર હોય છે, કાવ્યના પ્રાણરૂપ વ્યંગ્યાર્થ કે રસ હોતો નથી. વિશ્વનાથ તો સ્પષ્ટ રીતે કાવ્યના બે જ પ્રકાર ગણાવે છે. અધમકાવ્યને તે કાવ્ય ગણવા જ તૈયાર નથી. અને એમની વાત પણ ખરી છે. કાં તો વ્યંગ્યાર્થના અભાવને કારણે કૃતિને અકાવ્ય ગણવાની રહે, અથવા તો વ્યંગ્યાર્થના ગૌણત્વને કારણે એને ગુણીભૂતવ્યંગ્યકાવ્ય ગણવી પડે. મમ્મટ પોતે જ ‘અસ્ફુટ’ વ્યંગ્યાર્થ’વાળો ગુણીભૂતવ્યંગ્યકાવ્યનો એક પ્રકાર આપે છે. ‘કાવ્યપ્રકાશ’ના દશમા ઉલ્લાસમાં મમ્મટે ચિત્રકાવ્યના પ્રકારો લેખે જે અર્થાલંકારો આપ્યા છે, તેનાં ઘણાં ઉદાહરણો ગુણીભૂતવ્યંગ્યકાવ્ય તરીકે તો સહેજે ગણાવી શકાય એવાં છે. પણ આચાર્ય આનન્દવર્ધનની જેમ માત્ર આકારે કાવ્ય એવા એક પ્રકારને ‘ચિત્રકાવ્ય’રૂપે સ્વીકારવામાં કશો વાંધો નથી.


  1. ૧. न तन्मुख्यं काव्यम् । काव्यानुकारो ह्यसौ ।
    (ध्वन्यालोक)
  2. ૨. रसभावादितात्पर्यरहितं व्यङ्ग्यार्थविशेषप्रकाशनशक्तिशून्यं च काव्यं केवलवाच्यवाचकवैचित्र्यमात्राश्रयेण उपनिबद्धम् आलेखप्रख्यं यद् आभासते तद् चित्रम्। (ध्वन्यालोक)