ભારતીય કાવ્યસિદ્ધાંત/અલંકાર ગુણ ઔચિત્યાદિ

અલંકાર

ગુણ ઔચિત્યાદિ

અલંકાર

સામાન્ય રીતે અલંકાર એટલે આભૂષણ એવો અર્થ કરવામાં આવે છે. ભાષાના અલંકાર વિશે એવો ખ્યાલ પ્રચલિત છે કે રોજબરોજના વ્યવહારમાં વપરાતી ભાષા મોટે ભાગે સાદી, નિરાડંબર, નિરાભરણ હોય છે; પણ એ ભાષાને જો સારા શબ્દોથી, ચમત્કારક સંકલનાથી મઢી દઈએ તો એ આલંકારિક કહેવાય. દા.ત. ‘તેઓ પૈસાદાર છે’ એવી સાદી ઉક્તિને બદલે ‘તો લક્ષ્મીદેવીના કૃપાપાત્ર છે’ એવો પ્રયોગ કરવામાં આવે, તો એને આપણે આલંકારિક ભાષા કરીશું. એટલે કાવ્યશાસ્ત્રમાં અલંકારની વ્યાખ્યા, સામાન્ય રીતે, વક્રોક્તિ (વક્રતાથી બોલવું), અતિશયોક્તિ (અતિશયતાથી બોલવું) એવા શબ્દોથી કરવામાં આવે છે. આપણે સ્વીકારેલા ઘણા અલંકારોમાં ભાષાની આ જાતની વિશિષ્ટ ભંગી જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ‘તેઓ લક્ષ્મીદેવીના કૃપાપાત્ર છે’માં પર્યાયોક્ત અલંકાર છે. વળી, અનન્વય (‘મા તે મા’), અસંગતિ (‘દંતક્ષત વધૂ કેરા કપોલે, દુઃખ શોક્યને!’), સહોક્તિ (પૂર્વની રક્તિમા સાથે સહુ આક્ષોભ એ વધે) વ્યાજસ્તુતિ૧[1] આદિ અનેક અલંકારોમાં જે સૌન્દર્ય છે તે ઉક્તિવૈચિત્ર્યનું છે. છતાં અલંકાર એટલે માત્ર ભાષાની કોઈ વિશિષ્ટ ભંગી એમ માની લેવું બરાબર નથી. જો એમ માનીએ તો અલંકારયુક્ત ભાષામાં જે કહેવાયું હોય તેને સાદી ભાષામાં મૂકતાં અર્થની દૃષ્ટિએ ખાસ ફેર ન પડે. પણ

તને મેં ઝંખી છે
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.

એ કવિ સુન્દરમની કાવ્યપંક્તિમાં જે ઝંખનાની ઉત્કટતા પ્રતીત થાય છે તે ‘મેં તને અત્યંત ઉત્કટતાથી ઝંખી છે’ એવી કોઈ સાદી ઉક્તિથી પ્રતીત કરાવી શકાશે ખરી? અહીં તો કવિની કલ્પના૨[2] એ ઉત્કટતાને ચિત્રિત કરવા, એને મૂર્ત રૂપ આપવા એક ઉપમાન – એક પ્રતીક શોધી લાવે છે. એ ઉપમાન – એ પ્રતીકમાં જ વિશેષ અર્થ રહેલો છે; એ માત્ર ભાષાની કોઈ વિશિષ્ટ ભંગી નથી. પોતાના અદ્યતન અનુભવને રજૂ કરવા, કવિ પોતાના ચિત્તમાં સંઘરાયેલા કોઈ પ્રાકતન પદાર્થ-સંસ્કારને કામમાં લે છે, પ્રસ્તુત અને પ્રસ્તુતને જોડીને પ્રસ્તુતનું આગવું રૂપ મૂર્ત કરે છે. આ રીતે, પોતાને અભિપ્રેત વક્તવ્ય સચોટતાથી વ્યક્ત કરવા કવિ અલંકાર પ્રયોજે છે. કેટલાક અલંકારો વસ્તુના માર્મિક પણ યથાર્થ દર્શન પર આધારિત છે. સ્વભાવોક્તિ અલંકારમાં ક્રિયા કે રૂપમનું અકૃત્રિમ વર્ણન માત્ર હોય છે.૧[3] પરિકર અલંકારમાં સાભિપ્રાય વિશેષણોનો પ્રયોગ હોય છે.૨[4] આ બન્ને ઠેકાણે વસ્તુનું મર્મદર્શન થયા પછી જ અલંકાર શક્ય બને છે અને ચમત્કાર એ મર્મદર્શનને લીધે જ આવે છે. વ્યાજોક્તિ અને ઉત્તર જેવા અલંકારોમાં એક જાતનું બુદ્ધિચાતુર્ય હોય છે. વ્યાજોક્તિમાં ચતુરાઈપૂર્વક કોઈ બહાનું આગળ ધરવામાં આવે છે,૩[5] અને ઉત્તરમાં અણધાર્યો બુદ્ધિયુક્ત જવાબ હોય છે.૪[6] યમક, અનુપ્રાસ આદિ શબ્દાલંકારો તો વળી કંઈક જુદો જ ધર્મ સ્વીકારે છે. ઉપમાદિ અલંકારોથી એક જાતની ચિત્રાત્મકતા સધાય છે, તો આ શબ્દાલંકારો વાક્યમાં એક જાતનું સંગીતતત્ત્વ લાવે છે. આમ, અલંકારનું સ્વરૂપ અનેકવિધ છે. એ ક્યારેક ઉક્તિવૈચિત્ર્યનું સ્વરૂપ ધારણ કરીને આવે છે, તો ક્યારેક એમાં બુદ્ધિના ચમકારા દેખાય છે. ક્યારેક એ કવિની કલ્પનાશક્તિનું ફળ હોય છે, તો ક્યારેક એ વસ્તુનો મર્મ ચમત્કારક રીતે પ્રગટ કરે છે. ક્યારેક એ સંગીતનો ધર્મ પણ બજાવે છે. એટલે અલંકારની કોઈ સામાન્ય વ્યાખ્યા બાંધવી મુશ્કેલ છે. પણ એનું એક અવિનાભાવી લક્ષણ છે ચમત્કાર કે વૈચિત્ર્ય. એટલે મમ્મટના શબ્દોમાં કહીએ તો वैचित्र्यं च अलङ्कारः । કાવ્યમાં અલંકાર આવશ્યક છે? અલંકાર એ વક્તવ્યને સુંદર સચોટ, ચમત્કારક કે માર્મિક રીતે રજૂ કરવાની ભાષાની કે વર્ણનની છટા છે. કવિને પોતાનું વિશિષ્ટ દર્શન વ્યક્ત કરવા જતાં રોજબરોજની વ્યવહારની ભાષા ઘણી વાર અપૂરતી લાગે છે; તેથી એ ભાષાની કે વર્ણનની વિશિષ્ટ છટાનો —અલંકારનો આશ્રય લે છે. આમ એક રીતે જોઈએ તો કાવ્યમાં અલંકાર આવશ્યક બની રહે છે. અને માત્ર કવિને જ શા માટે, આપણે પણ કેટલીક વાર અલંકારનો ઉપયોગ જરૂરી બની રહે છે. માણસ હંમેશા પોતાની વાત વધારે સચોટતાથી કહેવાને ઝંખતો હોય છે, અને એમાંથી જ ભાષાની વિશિષ્ટ લઢણો જન્મે છે. આપણા અનેકાનેક રૂઢિપ્રયોગોમાં અલંકાર રહેલા છે. પણ એવું બને કે આપણે જે અલંકારરૂપો સ્વીકાર્યા છે, તેમાંનું કોઈ અલંકારરૂપ કોઈ કાવ્યમાં ન પણ દેખાય, પણ એથી એમાં ભાષાની વિશિષ્ટ ભંગી નથી, વર્ણનની કોઈ વિશિષ્ટ છટા નથી, એમ ન કહી શકાય. ભરતમુનિએ ચાર અલંકારો સ્વીકારેલા; તેમાંથી સમય જતાં ચોર્યાશી જેટલા અલંકાર થયા તે હકીકત સૂચવે છે કે કાવ્યસૌન્દર્યનું પૃથ્થકરણ કરતાં આપણને નવી નવી ભાષાભંગી, વર્ણનછટા હાથ આવવાની. અલબત્ત ભારતીય કાવ્યશાસ્ત્રમાં અલંકારોના શોધન અને સ્વીકારમાં અતિરેક થયો છે, નહિ તો વસ્તુના યથાર્થ દર્શન અને અકૃત્રિમ વર્ણનને વળી અલંકાર કોણ કહે? પણ કહેવાનું તાત્પર્ય એ છે કે અભિવ્યક્તિની કોઈક વિશિષ્ટતા કવિને હંમેશાં આવશ્યક બની રહે છે. વળી, ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ અભિવ્યક્તિના સૌન્દર્યનું પૃથક્કરણ કેવળ અલંકારરૂપે જ નથી કર્યું; ગુણ, લક્ષણા, વ્યંજના આદિમાં પણ એ જ દૃષ્ટિ છે. આથી જ કેટલાક અલંકારોના મૂળમાં લક્ષણા, તો કેટલાકના મૂળમાં વ્યંજના રહેલી હોય એવું જોવા મળે છે. ગુણ અને શબ્દાલંકાર બંનેના મૂળમાં નાદતત્ત્વ છે. છતાં, રમણીનું મુખ જેમ આભૂષણ વિના શોભતું નથી તેમ કાવ્ય પણ અલંકાર વિના શોભતું નથી એવો ભામહનો અભિપ્રાય આપણને ભાગ્યે જ સ્વીકાર્ય બને; કારણ કે આપણે જોઈએ છીએ કે આજની રમણી ઓછા અને આછા અલંકારો ધારણ કરે છે, એટલું જ નહિ, સાચા સૌન્દર્યને કોઈ અલંકારની જરૂર નથી. એટલે અલંકાર એ કવિનું વિશિષ્ટ અને મહત્ત્વનું સાધન છે, વાણીવિશેષની – ઉક્તિવૈચિત્ર્યની અનિવાર્યતાને લીધે કવિનું વલણ તો રહેવાનું અલંકારસૌન્દર્ય પ્રતિ; છતાં કાવ્યમાં કોઈ રૂઢ અલંકારરૂપ અનિવાર્ય છે એમ નહિ કહી શકાય. જેમ કાવ્ય નિરલંકાર રહેવાનો આગ્રહ ન રાખી શકે, તેમ સાલંકાર રહેવાનો આગ્રહ પણ ન રાખી શકે. શ્રી રામનારાયણભાઈના ‘વૈશાખનો બપોર’ કાવ્યમાં, ભારતીય કાવ્યશાસ્ત્રીઓની આટલી બધી ઝીણવટ છતાં, એક અપવાદ બાદ કરતાં,૧[7] ભાગ્યે જ કોઈ અલંકાર શોધી શકાય. એ કાવ્યની ભાષા પણ પ્રમાણમાં તદ્દન સાદી અને સરળ છે, છતાં એ ખરેખર એક સુંદર કાવ્ય છે. આનું કારણ શું? કવિએ પોતાનું માર્મિક દર્શન આટલી સ્વાભાવિકતાથી રજૂ કર્યું એ જ એક ચમત્કાર નહિ? એટલે જે ચમત્કાર – સૌન્દર્ય છે તે આખા કાવ્યમાંથી સ્ફુરે છે, એની કોઈ એકાદ પંક્તિ કે વર્ણન ખંડમાંથી નહિ. આથી જ તો કુન્તક કાવ્યસૌન્દર્યસાધક તત્ત્વને ‘વક્રતા’ નામ આપે છે, અને એના વર્ણવિન્યાસ-વક્રતા, પદ-વક્રતા, વાક્ય-વક્રતા, પ્રકરણ-વક્રતા, પ્રબંધ-વક્રતા આદિ પ્રકારો આપે છે. અલંકાર એ વક્રતાનું એક સ્વરૂપ છે. કાવ્યમાં વક્રતા પ્રબંધગત, એટલે કે આખા કાવ્યમાંથી સ્ફુરતી પણ હોઈ શકે. ભારતીય કાવ્યશાસ્ત્રીઓની સામાન્ય પરંપરા અલંકારને નહિ, રસ કે ધ્વનિને કાવ્યનું અનિવાર્ય લક્ષણ ગણવાની છે. છતાં મમ્મટ જેવા કાવ્યશાસ્ત્રી કાવ્યની વ્યાખ્યામાં અલંકારની આવશ્યકતાનો નિર્દેશ કરે છે. અને સ્ફુટ નહિ તોયે અસ્ફુટ અલંકાર તો કાવ્યમાં હોવો જોઈએ એમ સૂચવે છે. અલંકારની વ્યાખ્યા આપતી વખતે મમ્મટ જણાવે છે કે અલંકારે શબ્દ અને અર્થ દ્વારા અંતે તો કાવ્યના આત્મા એવા રસને ઉપકારક થવાનું છે. છતાં અલંકાર ઉપકારક ન હોય, અનુપકારક પણ હોય, રસ ન હોય અને માત્ર અલંકાર જ હોય એવા સંભવો પણ એ સ્વીકારે છે; પણ રસ હોય અને અલંકાર ન હોય એવા સંભવની એ વાત જ નથી કરતાં. આથી પરોક્ષ રીતે તો અલંકાર કાવ્યમાં આવશ્યક હોય એવું એમનું માનવું જણાય છે. પણ આપણે આગળ જોયું તેમ આ દૃષ્ટિબિંદુ બરાબર નથી.

કાવ્યમાં અલંકારનું સ્થાન :

મમ્મટ અલંકારની વ્યાખ્યા આપતાં કહે છે :

उपकुर्वन्ति तं सन्तं येडङ्गद्वारेण जातुचित्त् ।
हारादिवदलंकारास्तेऽनुप्रासोपमादयः।।

એટલે કે અલંકાર છે તો શબ્દ અને અર્થના, પણ એ દ્વારા એણે કાવ્યમાં જો રસ હોય તો તેને ઉપકારક થવાનું છે. માનવદેહ પર જે હાર વગેરે આભૂષણોનું સ્થાન છે, તેવું સ્થાન કાવ્યમાં અનુપ્રાસ, ઉપમા આદિ અલંકારોનું છે. હાર વગેરે અલંકાર અંગોની શોભા દ્વારા જેમ અંગી આત્માને પણ શોભાવે છે, તેમ કાવ્યાલંકારો પણ શબ્દાર્થની શોભા દ્વારા આત્મારૂપ રસને ઉપકારક થાય. પણ અલંકારો કાવ્યમાં સંયોગસંબંધે રહે છે. સૈનિક અને બંદૂક, વિદ્યાર્થી અને પુસ્તક વચ્ચે જે સંબંધ છે – બંનેને એકબીજાથી જુદાં પાડી શકાય એવો – તે સંયોગસંબંધ કહેવાય. આ ઉપરથી તો એવું સૂચિત થાય છે કે જેમ હાર વગેરે આભૂષણો માણસ ધારે ત્યારે પહેરી શકે છે ને ધારે ત્યારે ઉતારી શકે છે, તેમ કાવ્યમાં પણ ધારીએ ત્યારે અલંકાર મૂકી શકાય ને ધારીએ ત્યારે કાઢી લઈ શકાય; એટલે કે કાવ્યમાં અલંકાર એક આગંતુક તત્ત્વ છે. પણ આ વાત બરોબર નથી લાગતી. અલંકાર તો કવિના વિશિષ્ટ દર્શનને યોગ્ય શબ્દો દ્વારા મૂર્ત કરવા આવે છે. કાવ્યત્વ માત્ર દર્શનમાં નહિ, વર્ણનની – ભાષાની વિશિષ્ટ છટામાં પણ છે. એટલે કાવ્યત્વને નુકસાન પહોંચાડ્યા વિના કાવ્યમાંથી અલંકાર દૂર ન કરી શકાય. અલંકારની સાર્થકતા કાવ્યમાં એકરૂપ થવામાં છે અને અલંકાર જો એકરૂપ થતો હોય તો એને કાવ્યમાંથી કઈ રીતે દૂર કરી શકાય? પાશ્ચાત્ય વિવેચક ક્રોચે એક ઉદાહરણ આપી આ વાત સમજાવે છે. એ કહે છે કે ‘આ ચાદર સફેદ છે’ અને ‘આ ચાદર દૂધ જેવી સફેદ છે’ એ બંને વાક્યો જુદાં છે, બંનેનો અર્થ જુદો છે. એથી જ એ એવો અભિપ્રાય આપે છે કે ‘જેને તમે અલંકાર કહો છો તે કાવ્યમાં એકતા પામ્યો છે કે નહિ? જો પામ્યો હોય તો તે આગન્તુક નથી, પામ્યો ન હોય તો તે કાવ્ય નથી.’ અને શ્રી રામનારાયણ પાઠક પણ કહે છે : ‘કાવ્યને સમજાવવા વસ્તુ અને અલંકાર એવો ભેદ સ્વીકારાય તેનો વાંધો નથી, પણ તેને તત્ત્વત: ભિન્ન માનવાં એ ખોટું છે.’૧[8] આપણે ત્યાં આનંદવર્ધન જેવા વિચક્ષણ કાવ્યશાસ્ત્રી પણ અલંકારને કટકકુંડલ જેવા ગણે છે, છતાં એટલું તો સ્વીકારે છે કે રસથી અભિભૂત થયેલા ચિત્તમાંથી જ અલંકારો આવે છે અને ઉત્તમ કાવ્યમાં તો અપૃથગ્ યત્નથી – અનાયાસ સિદ્ધ થયેલા અલંકારો જ ઈષ્ટ છે.૧[9] એ તો એમ પણ કહે છે કે અનુપ્રાસ, યમક આદિ શબ્દાલંકારો માટે કવિને સભાન પ્રયત્ન કરવો પડે છે; એ અલંકારો એટલા સ્ફુટ હોય છે કે રસાનુભવમાં પણ એ વિક્ષેપકર નીવડે. એથી ઉત્તમ કાવ્યમાં એનો ઉપયોગ બહુ ઈષ્ટ નથી.૨ [10] એટલે કે એમને મતે પણ અલંકાર કાવ્યમાં એકરૂપ બની જાય એ જરૂરી છે.૩[11] પાશ્ચાત્ય વિવેચક લોંજાઈનસ કહે છે તેમ ‘A figure looks best, when it escapes one’s notice that it is a figure. એટલે ‘અલંકાર એ આગન્તુક નથી, કવિસંવેદનનો જ અંશ છે.’૧[12] કાવ્યકર્ણને કવચકુંડળ હોય તો તે જન્મજાત જ હોય, એટલું જ નહિ, પોતાનો વિનાશ નોતર્યા વિના એ કવચકુંડળને દૂર પણ કરી શકે નહિ.

ભારતીય કાવ્યશાસ્ત્રીઓમાં ઉદ્ભટ કાવ્યમાં અલંકારના સ્થાન વિશે સ્વીકાર્ય બને એવું દૃષ્ટિબિંદુ આપે છે. એ કહે છે કે શૌર્યાદિ ગુણો માણસમાં સમવાયસંબંધે રહેલા હોય છે અને હારાદિ આભૂષણો સંયોગસંબંધે, આ પ્રમાણે ગુણ અને અલંકારનો ભેદ કરવામાં આવે છે; પણ (કાવ્ય અંગે) એમ માનવું એ તો ગાડરિયા પ્રવાહમાં ભળવા જેવું છે. હકીકતે ઓજસ્ આદિ ગુણો અને અનુપ્રાસ, ઉપમા આદિ અલંકારો બંનેની કાવ્યમાં સ્થિતિ તો સમવાયસંબંધે જ હોય છે.૨[13] દૂધ અને ધોળા રંગ વચ્ચે જે સંબંધ છે તે સમવાયસંબંધ છે. એ બંનેને જેમ જુદાં ન પાડી શકાય, તેમ કાવ્ય કે કાવ્યાત્મા રસ અને અલંકારને પણ જુદા ન પાડી શકાય.

અલંકારની સાર્થકતા :

આમ, અલંકારનું અલંકારત્વ માત્ર એના બાહ્ય સ્વરૂપમાં નથી, કાવ્યાર્થને- રસને પોષક થવામાં છે. એવું બને કે કેટલીક વાર કાવ્યમાં વિશિષ્ટ અર્થ ન હોય, રસ ન હોય, છતાં અલંકાર હોય. આવું કાવ્ય, ભારતીય કાવ્યશાસ્ત્ર પ્રમાણે ચિત્રકાવ્ય – અધમકાવ્ય ગણાય. કેટલીક વાર કાવ્યગત રસ કે ભાવને અનુચિત એવો અલંકાર આવી જાય, તો એ દોષ જ ગણાવો જોઈએ. સર રમણભાઈએ કહ્યું છે તેમ ‘કૃત્રિમ અલંકૃત ભાષા જાતે જ કંઈ કવિતામય નથી.’ ‘અલંકારમાત્ર સાધન ભૂત છે.’૧[14]અલંકાર કાવ્યાર્થને પોષક હોવો જોઈએ એટલું જ નહિ, પણ એક વાર પ્રયોજ્યા પછી એ એમાં એકરૂપ થઈ જવો જોઈએ. એમાં જ અલંકારની સાર્થકતા છે.


  1. ૧. ‘પ્રસિદ્ધ નારાયણ નામનો નર, છે ચોર કોઈ પૃથિવી મહીં આ;
    અનેક જન્માર્ચિત પાપસંચયો, હરી લિયે સૌ સ્મૃતિમાત્રથી જ !’
    (પ્રા. ઉપેન્દ્ર પંડ્યાકૃત ‘સરળ અલંકારવિવેચન’ માંથી : પૃ.૮૨)
  2. ૨. અલંકારની જનકશક્તિ તરીકે અંગ્રેજીમાં કેટલીક વાર કાવ્યવસ્તુની જનકશક્તિ કલ્પના (imagination) થી ભિન્ન એવી તરંગશક્તિ (fancy) સ્વીકારવામાં આવે છે; જ્યારે શ્રી રા. વિ. પાઠક લખે છે : ‘બંનેની જનકશક્તિ કલ્પના છે. અલંકારમાં કલ્પના નાના વર્તુળે ટૂંકા તરંગે ઊડે છે અને સમસ્ત કાવ્યવસ્તુમાં તેનું ઉડ્ડયનવર્તુલ વધારે વિશાલ હોય છે.’ (‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’ પૃ.૭૫) બીજી રીતે કહીએ તો ‘અલંકાર તો કલ્પનાશક્તિની વેલે વેલે ફૂટતાં ફૂલ જેવા છે.’ (પ્રા. ઉપેન્દ્ર પંડ્યા : ‘સરળ અલંકારવિવેચન’: પૃ.૧૨
  3. ૧. અધવચ ન્હાસી જાય, પ્રભુ નવરાવતાં,
    એક નેત્રે ભર્યું કાજળ, એક અમથું જ રહે;
    પેટમાંહી કરે પદપ્રહાર, જસોદા માત સહે.
    રમે પિતા-ઉછંગ, તાણે મૂછ-દહાડી.
    નંદ-મુખનો તંબોળ, અધવચ લે કહાડી.
    -પ્રેમાનંદ (‘દશમસ્કંધ’)
  4. ૨. એ નયન તો લાખો નયન જેવું હતું,
    પાંપણઢળ્યું, ભીનું, હસતું, બાવરું, બેરોહશ, ઉન્માદી કદી.
    સુન્દરમ (‘વસુધા’)
  5. ૩. પ્રશ્નપત્ર જોઈને વિદ્યાર્થી ધ્રૂજી ઊઠ્યો, બોલ્યો : ‘આજકાલ ઠંડી બહુ પડે છે.’
  6. ૪. ‘સૌથી મૌટૌ રાજા કોણ?’ - મેઘરાજા
  7. ૧. ’ને તેહની પાછળ બાળ, તેના
    જળે પડેલા પડઘા સમું મૃદુ
    બોલ્યો : .......................’
    આ ઉપમા અલંકાર વર્ણનને ઉચિત ઉઠાવ આપે છે. છતાં સમગ્ર કાવ્યની દૃષ્ટિએ એંનું કોઈ વિશિષ્ટ મહત્ત્વ નથી.
  8. ૧. ‘કાવ્યની શક્તિ’ : પૃ.૩
  9. 1. रसाक्षिप्ततया यस्य बन्धः शक्यक्रियो भवेत् ।
    अपृथग्यत्ननिर्वर्त्यः सोऽलङ्कारो ध्वनौ मतः।।
    (ध्वन्यालोक)
    સરખાવો : … they were first instinctive, they came not by man taking thought but spontaneously, from his feeling.’ - Lamborn
  10. 2. यमके च प्रबन्धेन बुध्धिपूर्वकं क्रियमाणे नियमेनैव यत्नान्तरपरिग्रह आपतति शब्दविशेषान्वेषणरूपः। .... यत्तु रसवन्ति कानिचिधमकादीनि दश्यन्ते तत्र रसादीनाम् अङ्गता यमकादीनां तु अङ्गिता एव । (ध्वन्यालोक)
    તથા,
    ‘एवं व्यङ्ग्यचर्वणातिरिक्तयोजनाविशेषापेक्षान् आपाततो अधिकचमत्कारिणः अनुप्रासनिचयान् यमकादीन् च संभवतः अपि कविः न निबध्नीयान् । यतो हि ते रसचर्वणायाम् अनन्तर्भवन्तः सह्यदयह्यदयं स्वाभिमुखं विदधाना रसपराङ्मुख विदधीरन् ।’ (આ. આનંદશંકર ધ્રુવકૃત ‘વિચારમાધુરી’ : ભાગ પહેલો : પૃ.૪૦-૪૧ પરનું અવતરણ)
  11. ૩. અપૃથગ્યત્નથી સર્જાતા ઉપમાદિ અલંકારો માટે આનંદવર્ધન કહે છે :
    ‘न तेषां बहिरंगत्वं रएभिव्यक्तौ ।’ (ध्वन्यालोक)
  12. ૧. પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ; ‘પરિશીલન’ : પૃ.૧૮
  13. ૨. समवायवृत्त्या शौर्यादयः संयोगवृत्त्या तु हारादयः इति अस्तु गुणालंकाराणां भेदः, ओजःप्रभृतीनाम् अनुप्रासोपमादीनां च उभयेषामपि समवायवृत्त्या स्थितिः इति गड्डालकाप्रवाहेण एव एषां भेदः । (મમ્મટે ‘કાવ્યપ્રકાશ’માં ટાંકેલા ઉદ્ભટનો મત, જોકે એ પોતે એની સાથે સંમત થતા નથી)
  14. ૧. ‘કવિતા અને સાહિત્ય’ : ગ્રન્થ પહેલો : પૃ.૬૨