ભારેલો અગ્નિ/૧૨ : અજાણી પ્રવૃત્તિ

૧૨ : અજાણી પ્રવૃત્તિ

કોઈ ભેદુ આવો તો
ભેદને ભણું રે લોલ!
ન્હાનાલાલ

ઘા કરનાર બચ્યો તો ખરો; પરંતુ ત્ર્યંબકથી વિહાર છોડાયું નહિ. તાત્યાસાહેબ રુદ્રદત્તના કોઈ પણ શિષ્યને – ખાસ કરીને તેમના એકાદ પટ્ટશિષ્યને – પોતાની સાથે લઈ જવા બહુ જ ઇન્તેજાર હતા. ગૌતમ અને ત્ર્યંબક એ બે ઉપર તેમણે નજર કરી હતી. ત્ર્યંબકની તૈયારી હતી જ; પરંતુ પાદરી મહેમાને તેને તે જ રીતે જખમી કર્યો. એટલે જખમ સાથે તેને જવા દેવાય એમ હતું જ નહિ. કલ્યાણી અને લ્યૂસીની સારવારમાંથી તેને ખસેડવો એ કોઈને પણ વાસ્તવિક લાગ્યું નહિ, તાત્યાસાહેબ જતી વખતે ત્ર્યંબક પાસે આવ્યા. તેમના મુખ ઉપર સહજ નિરાશા હતી.

રજવાડાઓમાં ફરી કંપની સરકારના જુલમોની વિગતોનું વર્ણન કરી તેમનો સામનો કરવા તૈયારી કરતા આ મુત્સદ્દીએ રુદ્રદત્ત પાસેથી ભારે સહાયની આશા રાખી હતી. શ્રીમંત નાનાસાહેબે તેમને ખાસ આજ્ઞા કરી હતી કે રુદ્રદત્તને ગમે તેમ કરીને બ્રહ્માવર્ત લાવવા. રુદ્રદત્તે વિહાર છોડવા ના પાડી; એટલું જ નહિ, પરંતુ તાત્યાસાહેબની યોજનામાં સહાનુભૂતિ પણ ન આપી.

વૃદ્ધાવસ્થામાં માનવીનું હૃદય શિથિલ બની જાય છે. એ શિથિલતા કાં તો ઉદારતાનું સ્વરૂપ લે છે કે કાં તો ધાર્મિકપણાનું સ્વરૂપ લે છે. જગતનું મિથ્યાત્વ, સંસારની ચંચલતા અને વ્યવહારની અસ્થિરતાના વિચારો કરતો વૃદ્ધ કોઈપણ સક્રિય કાર્ય માટે અપાત્ર બની જાય છે. રુદ્રદત્તે જીવનમાં ભાળેલી નિરાશા અને વૃદ્ધાવસ્થામાં ઔદાર્ય તથા ધાર્મિકપણાનું સ્વરૂપ લેતી માનસિક શિથિલતા હિંદ સ્વરાજની પુનર્ઘટના માટે તેમને અયોગ્ય ઠરાવી રહી હતી તેમ તાત્યાસાહેબને છેવટે દેખાયું.

છતાં એ મહાતેજસ્વી ગુરુની દીક્ષા પામેલો એકાદ યૌવનભર્યો શિષ્ય તેમના સાથમાં આવે તો રુદ્રદત્તનો યૌવનભર્યો ઉપયોગ શિષ્ય દ્વારા કરી શકાય એવી શ્રદ્ધા તો તાત્યાસાહેબને ઉત્પન્ન થઈ જ હતી. ત્ર્યંબકે જવા માટે હા પાડી હતી; એટલું જ નહિ. રુદ્રદત્તે પોતે પણ ત્ર્યંબકને મોકલવા સંમતિ આપી હતી. ત્ર્યંબકનો દેહ અને તેની ગંભીર મુખછટા તાત્યાસાહેબ ઉપર પ્રભાવ પાડી શક્યાં હતાં.

એ ત્ર્યંબક ઘવાઈને પથારીવશ પડયો. એને સાથે લઈ જવાનું કહેવાય એમ નહોતું; ત્ર્યંબકને છોડી આવવા ગૌતમને પણ આગ્રહ કરવામાં આવે તો અવિવેક દેખાય એમ લાગ્યું. હસતે મુખે તાત્યાસાહેબ ત્ર્યંબકની પથારી પાસે આવ્યા. હસતા મુખ ઉપર નિરાશાની પણ છાયા દેખાઈ આવતી હતી.

‘ત્ર્યંબક! હું જાઉં છું. તારું સંયમભર્યું યૌવન તારા ઘાને ઝટ રૂઝવી નાખશે.’

‘હું ચાલી શકીશ એટલે તરત બ્રહ્માવર્ત આવીશ.’ ત્ર્યંબકે કહ્યું.

રુદ્રદત્ત અને તાત્યાસાહેબ પરસ્પર સામે જોઈ રહ્યા. કોઈ મૂક વિચારવિનિમય થતો હોય એમ સર્વને લાગ્યું. ક્ષણ બે ક્ષણ પછી તાત્યાસાહેબે કહ્યું :

‘ રુદ્રદત્ત તને મોકલશે એટલી એમની કૃપા. બાકી અમારા ઉપર તો એમની અવકૃતા ઊતરી લાગે છે.’

‘રાવસાહેબ એમ ન બોલો. માનવીની કૃપાએ કોનો ઉદ્ધાર થયો છે?’ રુદ્રદત્તે કહ્યું.

‘ઋષિઓએ કૈંકને શાપ્યા છે અને કૈંકને તાર્યા છે. આપ અમારા ઋષિ આપના આશિષ ન મળે એટલી અવકૃપા જ ને?’

‘પ્રભુ સહુનું શુભ કરો! મારી એ તો નિત્ય પ્રાર્થના છે.’

‘પંડિતજી! આપ બ્રહ્માવર્ત આવી અમને આશિષ નહિ આપો તો આખું બ્રહ્માવર્ત અહીં આવી આશિષ માગશે.’

‘એક વૃદ્ધને આપ વધારે પડતું મહત્ત્વ આપો છો.’

‘એક વૃદ્ધનું યૌવન ભુલાય તો કદાચ તેમનું મહત્ત્વ ઓછું અંકાય. ચાલો ત્યારે! હવે હું રજા લઈશ. બહેન કલ્યાણી! મારા તરફની આટલી ભેટ લે!’ તાત્યાસાહેબે કલ્યાણીને થોડી મહોરો આપવા માંડી.

‘ના જી; અતિથિ પાસેથી ભેટ ન લેવાય.’ કલ્યાણીએ કહ્યું.

‘કેમ?’

‘અમારું આતિથ્ય બળી ફોક થાય.’

‘ચાલ, ચાલ હવે… પંડિતજી! આ છોકરીને કહો કે મારો હાથ પાછો ન ઠેલે.’

‘બહેન! રાવસાહેબને છેક નાખુશ ન કરીએ.’ રુદ્રદત્તે કહ્યું.

‘પણ આ તો મહોરો છે. એ હું ક્યાં રાખીશ?’ કલ્યાણી બોલી. નાણું લેવામાં જાણે દાન કે દક્ષિણા આપતા હોય એવો અણગમતો ભાસ તેને થયો.

‘ઠીક ત્યારે, મહોરો નહિ આપું; લે આ પહોંચી! એક છબીલીને આપી હતી અને આ બીજી તને આપું છું. પંડિતજી! એનાં લગ્ન વખતે એને જરૂર પહેરાવજો.’

હીરાજડિત પહોંચી તાત્યાસાહેબ હાથમાંથી કાઢી કલ્યાણીને આપવા હાથ લંબાવ્યો. એકાએક તેમણે હાથ પાછો ખેંચી લીધો. કલ્યાણી સામું તેઓ એકીટશે જોઈ રહ્યા. અને નઃશ્વાસ નાખી તેમણે પાછો હાથ લાંબો કર્યો.

રુદ્રદત્તનું હસતું મુખ ગંભીર બની ગયું. કલ્યાણીના કપાળ ઉપર કાંઈ લખેલું તેઓ ઉકેલતા હોય તેમ ક્ષણભર તેના મુખ સામે તેઓ જોઈ રહ્યા અને એકાએક બોલ્યા :

‘લઈ લે , બહેન!’

કલ્યાણીએ હાથ લાંબો કર્યો. લગ્નનો ઉલ્લેખ કઈ કુમારિકાના મુખને કુમકુમવર્ણું નથી બનાવતો? મુખની રતાશ ઢાંકવાનો બીજો માર્ગ નથી. આંખો જમીન ઉપર ઢળી પડે એટલે કંપભરી કુમારિકા રતાશ ઢાંક્યાનો સંતોષ મેળવે છે. આંખો નીચી ઢાળી, તાત્યાસાહેબે આપેલી પહોંચી તેણે સ્વીકારી અને ઝડપથી સંતાડી. કલ્યાણીના મુખ ઉપર રમી રહેલું હાસ્ય કોઈએ જોયું નહિ.

પરંતુ તાત્યાસાહેબના મુખ ઉપરથી ઊડી ગયેલું હાસ્ય તો સહુએ જોયું. બહાર નીકળી પાલખીમાં બેસતી વખતે રુદ્રદત્તને તેણે નમસ્કાર કર્યા.

‘પંડિતજી! રજા લઉં છું.’

‘પ્રભુ આપને કુશળ રાખે. રાવસાહેબ! પધારજો.’

‘હવે હું નહિ આવું.’

‘કેમ?’

ચારે પાસ નજર નાખી બહુ જ ધીમેથી તાત્યાસાહેબ બોલ્યા :

‘પદ્મને રમતું જુઓ ત્યાં મને સંભારજો; કમળનો સંકેત.’

‘હું તો માત્ર દૃષ્ટા છું.’

‘સ્રષ્ટા ઘણી વખત દૃષ્ટા જ બની રહે છે.’

રુદ્રદત્તે વિવેકને ખાતર મુખ મલકાવ્યું; પરંતુ તાત્યાસાહેબના વાક્યમાં કેટલું રહસ્ય ભરેલું હતું?

કંપની સરકારનું ચડતું પૂર રોકવા કાશ્મીરથી કન્યાકુમારી અને કટકથી બ્રહ્મદેશ સુધીમાં ગુપ્ત પર્યટનો, ગુપ્ત મંત્રણાઓ અને ગુપ્ત મંડળોનાં દૃશ્યો આ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણનાં આંતરચક્ષુ આગળ રમણ કરી રહ્યાં. એ દૃશ્યો હિંદની બહાર પણ ફેલાવા લાગ્યાં. રૂસ, ઈરાન, ચીન, તુર્ક, મિસર દેશોનાં ભ્રમણ…?

‘બધુંય નિષ્ફળ!’ રુદ્રદત્તના હૃદયમાં પડઘો ઊઠયો.

‘તાત્યાસાહેબ એ જ માર્ગે જાય એમાં નવાઈ શી? રુદ્રદત્તનું જ એ કાર્ય આગળ ધપાવું છું એમ તેઓ માને તો તેમને ખોટા કેમ કહેવા?’

‘મારી એક ભૂલ થઈ; ખંડેરોનો મેં આશ્રય લીધો!’

રાજાપણું – વંશપરંપરાનો રાજ્યવારસો – એ મહાઅનિષ્ટ સંસ્થા હિંદુસ્તાને ઓળખી નહિ. તેને પાળવામાં, પોષવામાં, શણગારવામાં આખી સ્વતંત્રતા લુપ્ત થઈ તોય સૈનિકો અને મુત્સદ્દીઓ સમજ્યા નહિ. રાજામાં પ્રજા અને રાજભક્તિમાં પ્રજાભક્તિ વીસરાઈ ગયાં. સમર્થ વ્યક્તિનું પૂજન એ સર્વનો ધર્મ છે; પરંતુ એ વ્યકિતનાં પુત્રો, પૌત્રો અને પ્રપૌત્રોમાં પણ એક વ્યક્તિનું સામર્થ્ય કલ્પ્યા કરવું એ ભૂલ બુદ્ધિમાનો કેમ કરતા હતા તે રુદ્રદત્તથી સમજાયું નહિ. પૂર્વજપ્રતિભા-સામર્થ્ય એ વંશપરાગત તત્ત્વ નથી એવું વંશજોએ વારંવાર પુરવાર કર્યું તોય તે તરફ સહુએ આંખ જ મીંચી, શિવાજીનો પુત્ર શંભાજી ન હોત તો? ભગવા ઝંડાને નીચે ઊતરવું ન પડત! બાજીરાવને ઘેર રાઘોબા જન્મ્યા ન હોત તો? પેશ્વાઈનો ભાંગી તોડી ભૂકો કરનાર એ કરાલ ધૂમકેતુનું અરિષ્ટ પુચ્છ ચાર ચાર પેશ્વાઓને શોધી હિંદના અવકાશમાંથી લુપ્ત થઈ ગયું ન હોત. એ વંશપ્રતિષ્ઠા રાજકારણમાં શા માટે આવી?

પરંતુ રુદ્રદત્તે જ એ ભૂલ શું નહોતી કરી? રાજવંશોની જ પાછળ તેમણે પોતાની બુદ્ધિ, શક્તિ અને યોજનાનાં નિષ્ફળ વર્તુલો નહોતાં દોર્યાં?

‘માટે જ નિષ્ફળતા!’

એનાં એ ખંડેરોનો આશ્રય લેવા ફરી પ્રયત્ન થાય છે – પેશ્વાઈ અને મુગલાઈ! ખાલી શબ્દો, પોકળ ભાવના!

રુદ્રદત્તના ગાંભીર્યમાં સહજ વિક્ષેપ પડયો. તેમના આંખે બેત્રણ વાર ઝડપથી પાંપણને પાડી અને ઉઘાડી.

‘એ છેલ્લો રાજયજ્ઞ! બંને તેમાં હોમાઈ ભસ્મ થશે ત્યારે જ હિંદમાં મોગલાઈ-પેશ્વાઈથી પર રહેલી કોઈ રાજ્યભાવના જાગૃત થશે.’

તાત્યાસાહેબની પાલખી અદૃશ્ય થઈ ત્યાં સુધી રુદ્રદત્ત પાઠશાળાને ઓટલે જ ઊભા રહ્યા. તેઓ અંદર પાછા ફરતા હતા એવામાં લ્યૂસીને તેમણે આવતી જોઈ. લ્યૂસીની ત્ર્યંબક માટેની ઘેલછા છેક તેમની નજર બહાર રહી નહોતી. પરંતુ સંયમી ત્ર્યંબક ઉપર પહેરો મૂકવાની તેમણે કદી જરૂર જોઈ નહોતી. વળી એ પરિસ્થિતિમાં તેઓ હિંદની સમાજવ્યવસ્થામાં સળગેલો એક જ્વાલામુખી નિહાળતા હતા.

વિધર્મીઓ પણ પરિચય સેવે તો પરસ્પરના આકર્ષક અનિવાર્ય નીવડે.

આર્યાવર્તના મુસ્લિમોમાં એંશી ટકા હિંદુ લોહી ભર્યું છે. એ સત્ય રુદ્રદત્તથી વીસરાય એમ નહોતું.

‘આવ બહેન!’

‘ત્ર્યંબકને કેમ છે?’ લ્યૂસીએ પૂછયું.

‘ઠીક છે. એક દિવસના પ્રમાણમાં તું ન હોતો ત્ર્યંબક બચત નહિ.’ રુદ્રદત્તે કહ્યું.

લ્યૂસીને એ કથન ગમ્યું. ખરે, હૅનરીના હાથને તેણે સહજ રોક્યો ન હોત તો ત્ર્યંબકને એથી પણ ઊંડો જખમ થાત. પરંતુ લ્યૂસી ન હોત તો ત્ર્યંબકને ઘા વાગવાનો બિલકુલ પ્રસંગ જ ઉત્પન્ન ન થાત એવું કથન કોઈએ કર્યું હોત તો લ્યૂસીનું હૃદય કેટલું ઘવાયું હોત?

‘પેલા દક્ષિણના ગૃહસ્થ ફરી આવવાના છે?’ લ્યૂસીએ પૂછયું.

‘કોણ હમણાં ગયા તે? તાત્યાસાહેબ?’

‘હા.’

‘કેમ એમ પૂછે છે?’

‘મને સામે મળ્યા. મારી સામે એવી આંખે જોયું કે મને ભય લાગ્યો; જાણે કોઈ ખૂની ન હોય!’

રુદ્રદત્ત હસ્યા. તાત્યાસાહેબને ગોરી ચામડી પ્રત્યે થતો અણગમો તેમણે જોયો હતો; ગોરાઓ કાળી ચામડીવાળા સામે કેવી તુચ્છપણું દર્શાવતી નજર રાખે છે તેની પણ તેમને ખબર હતી. ગોરાની તિરસ્કારવૃત્તિ કાળામાં ખૂન ઉપજાવે તો તેમાં નવાઈ કહેવાય નહિ.

‘હિંદુઓના વર્ણભેદમાં અધોગતિ દેખાય છે એ ખરું. તથાપિ હિંદુ ધર્મની બહારના વર્ણભેદ ઓછા તીવ્ર નથી. એકાદ વખત જગતના કાળાગોરાઓ પરસ્પરનો સંહાર કરેય ખરા!’

ઝડપથી આવતા વિચારો અટકાવીને તેમણે લ્યૂસીને જવાબ આપ્યો :

‘દેખાવ ઉપરથી હૃદય પારખવા ન બેસીશ. આવ!’

ત્ર્યંબક સૂતો હતો. તેણે લ્યૂસી તરફ સહજ આંખ ફેરવી.

‘પેલો તારો મહેમાન છે કે ગયો?’ ગૌતમે લ્યૂસીને જોતાં બરોબર પૂછયું.

‘કોણ, હૅનરી?’

‘એ જે હોય તે. ત્ર્યંબકને પીઠમાં ઘા કરનાર ગોરો!’

‘કાલે જશે.’

‘લક્ષ્મીને બેસવા તો દે! તે પહેલાં આટલી પૂછપરછ?’ કલ્યાણીને ગૌતમે કહ્યું.

‘એમાં હરકત નથી. હું એ વિષે જ વાત કરવા આવી છું.’ લ્યૂસીએ કહ્યું.

‘શી વાત કરવાની છે?’ ગૌતમે પૂછયું.

‘મને એક વિચાર થાય છે. હૅનરીએ આ પ્રમાણે હુમલો કર્યો તની ફરિયાદ નોંધાવીએ તો કેવું?’

‘ફરિયાદ? ત્ર્યંબકને એ ગોરો મારી ગયો અને બધા હાથ જોડી ઊભી રહ્યા એ કહેવા માટે? ત્ર્યંબકમાં તેજ હશે તો એ જાતે એનો જવાબ નહિ માગે?’ ગૌતમ બોલ્યો.

‘પણ એ તો ગેરકાયદે થાય!’ લ્યૂસી બોલી. હથિયારસજ્જ હૅનરીને શસ્ત્રરહિત કરી. તેને જમીન ઉપર ઘસડી પાડનાર ત્ર્યંબકમાં તેજ હતું એની ખાતરી લ્યૂસીને થયેલી જ હતી. પરંતુ કાનૂનબંદીની ભાવનામાં ઊછરેલી લ્યૂસીને ગૌતમના વિચારમાં સહેજ જંગલીપણું દેખાયું. કંપની સરકારે અદાલતો સ્થાપી, ન્યાય મેળવવા માર્ગ મોકળા કર્યા હતા એમ તે જાણતી હતી.

‘શી વાતો ચાલે છે?’ ત્ર્યંબકને ઉશ્કેરણી થાય એવું બોલશો નહિ.’ રુદ્રદત્તે પ્રવેશ કરી કહ્યું.

‘એ તો લક્ષ્મી ફરિયાદ માંડવાનું કહે છે.’ કલ્યાણી બોલી.

‘કેમ? કોના વિરુદ્ધ?’

‘ત્ર્યંબકને ઘા કર્યો તે માટે, પેલા ગોરા પાદરી વિરુદ્ધ.’

રુદ્રદત્તને હસવું આવ્યું. લ્યૂસીના નિર્દોષ હૃદયમાં ગૌરી સલ્તનતના માટે ઉચ્ચ ખ્યાલો ઊપજતા હતા. એમાં તમને આશ્ચર્ય ન લાગ્યું. કંપની સરકારે ન્યાય માટે સ્પષ્ટ કાયદાઓ ઘડયા હતા. ન્યાયમંદિરો સ્થાપ્યાં હતાં અને ન્યાયાધીશો નીમ્યા હતા એ ખરું. કંપની સરકારની અદાલતોનો ન્યાય અત્યંત વખણાય એવા પ્રયત્નો પણ થતા હતા, અને ગોરા ન્યાયાધીશોની નિષ્પક્ષપાત ન્યાયબુદ્ધિની ચારે પાસ વાહવાહ થતી એ પણ તેમના ધ્યાનમાં હતું; માત્ર એ કંપનીબહાદુરના ન્યાયમાં ન્યાતજાત અને વર્ણભેદ પેસી ગયાં હતાં તે તેમના ધ્યાનથી બહાર નહોતું. કાળી ચામડીવાળા હિંદુમુસલમાનો વચ્ચે ન્યાય કરવાને પ્રસંગે એક ગોરાએ નિષ્પક્ષપાત રહેવું બહુ સહેલું છે; ગોરાઓના ઝઘડામાં હિંદુમુસ્લિમ ન્યાયાધીશ બહુ જ સાચો ન્યાય આપે એમાં સંશય નથી. પરંતુ ગોરા અને કાળાના ઝઘડામાં ગૌરાંગ ન્યાયદેવી ન્યાય તોળતાં, આંખે બાંધેલા પાટામાંથી થોડું થોડું જોવા મથે છે એમ કહેવું વધારે પડતું થશે? નહિ તો ગોરાઓનો ન્યાય ગોરાઓ જ ચૂકવે એવો કાયદો ઘડવાનું કાંઈ કારણ? ઉપરીપણાનો ઘમંડ અને ગોરી ચામડી પ્રત્યેનો પક્ષપાત એ બે જ આવા ન્યાયના વર્ણભેદમાં કારણ હોઈ શકે પછી ન્યાય રહે ખરો?

‘કાંઈ નહિ, બહેન! અદાલતના ઝઘડામાં નથી પડવું. ગોરા ગુનેગારનો ન્યાય કરવાને ગોરો ન્યાયાધીશ અને ગોર પંચ જોઈએ.’

લ્યૂલી કાંઈ બોલી નહિ. રુદ્રદત્તનું વાક્ય તેના હૃદયમાં ખટક્યું. રુદ્રદત્તનું કહેવું ખરું હતું. મુસ્લિમોને અંગ્રેજ ઇતિહાસકારો જુલમી અને ધર્માંધ તરીકે વર્ણવે છે. ભવિષ્યનો કોઈ ઇતિહાસકાર ગોરા અમલ માટે એવું કશે કહે તો તેનો પુરાવો નથી એમ કેમ કહેવાય? ન્યાયની પદ્ધતિમાં જ વર્ણાંધતા!

ત્ર્યંબકના કાળા દેહ તરફ લ્યૂસીએ જોયું. ‘એ કાળાશે દેહ સમર્પણ કરીને ગૌર વર્ણના દોષોનું પ્રાયશ્ચિત્ત ન થઈ શકે? લ્યૂસીએ વિચાર્યું. કલ્યાણી ઝીણી આંખ કરી લ્યૂસી તરફ જોઈ રહી હતી. વિચારમાંથી જાગૃત થયેલી લ્યૂસીએ કલ્યાણીની ટગરટગર જોતી આંખ નિહાળી, બંને કાંઈ સમજ્યાં; બંનેએ આંખ ફેરવી અને વાત ફેરવી.

ત્ર્યંબક ઝડપથી સારો થતો ચાલ્યો. સારા થવાની તેની ઇચ્છા હતી જ. કલ્યાણી અને લ્યૂસીની સારવાર ખામીરહિત હતી. બ્રાહ્મણના દેહને ખ્રિસ્તી પાદરીની કન્યા અડકે તો નહાવું જોઈએ એ ભાવના લ્યૂસીના સતત આગમને દૂર કરી દીધી હતી. રુદ્રદત્તની પાઠશાળામાં અધ્યયનનું કામ ઉત્તમ રીતે ચાલતું હતું અને ગૌતમની હાજરીને લીધે શારીરિક કસરત અને કવાયત પણ દ્વિજ વિદ્યાર્થીઓ કરતા હતા.

ગૌતમથી સ્થિર બેસી રહેવાય એમ હતું જ નહિ. એ લડાયક વૃત્તિવાળો બ્રાહ્મણપુત્ર ભુલાયેલા અભ્યાસ તાજો કરતો હતો; અને રુદ્રદત્ત પાસેના અધ્યયનમાંથી છૂટી પાઠશાળાનો નાનામોટા વિદ્યાર્થીઓ તેમ જ ગામના અન્ય યુવાનોને વ્યાયામનો દાવ શીખવતો. માત્ર પોતે કંપની સરકારનો ગુનેગાર હતો એ વાત તેના ધ્યાન બહાર ગઈ નહોતી. ઊડતી વાત કોઈ લાવતું કે ગૌતમને માફી મળી છે – પરંતુ માફીપત્ર મળે નહિ ત્યાં સુધી તેનાથી ગામ છોડી જવાય એમ હતું નહિ.

વિદ્યાર્થીઓ અને યુવાનોમાં તેણે અદ્ભુત જાગૃતિ આણી દીધી. શીખ યુદ્ધ, બ્રહ્મી વિગ્રહ, રૂસ સવારી, વગેરેનાં વર્ણનોથી તે યુવાનોની કલ્પના જાગૃત કરતો હતો એટલું જ નહિ, પણ કંપની સરકારનું હિંદી યોદ્ધાઓ પ્રત્યેનું તિરસ્કારભર્યું વર્ણન વર્ણવી, કંપની સરકાર વિરુદ્ધ પ્રગટતી અસંતોષની જ્વાળામાં હુતદ્રવ્ય હોમતો હતો.

એક દિવસ પ્રભાતમાં રુદ્રદત્ત અને ગૌતમ સ્નાન માટે નદીએ જવા પાઠશાળાની બહાર નીકળ્યા. પગથિયું ઊતરતાં જ કોઈ ખૂણામાંથી વિચિત્ર પહેરવેશવાળો એક સાધુ નીકળી તેમના તરફ ધસ્યો. બંને જણ સહજ ઊભા રહ્યા. ધસી આવેલા સાધુએ ગૌતમના હાથમાં એક નાની ઘઉંની રોટલી મૂકી દીધી.

‘આ શું?’ ગૌતમે સહજ ઉગ્રપણે પૂછયું.

‘આઠ ચપાટી વહેંચો; આઠે જણને ખબર કરો. કંપની જાય છે; હોશિયાર!’ આટલું બોલતાં બરોબર સાધુ ત્યાંથી અદૃશ્ય થઈ ગયો.

‘કોણ હશે આ ગાંડો?’ ગૌતમે પૂછયું.

રુદ્રદત્ત હસ્યા. તેમણે કહ્યું :

‘એ ગાંડો ન હોય.’

‘ત્યારે આ ચપાટી શું આપી ગયો? વળી આઠ ચપાટી વહેંચવાનું શું કહ્યું? અને કંપની જાય છે એ શું?’

‘હિંદમાં બળવાનાં પગરણ મંડાઈ ચૂક્યાં. આ આપણી બળવો ફેલાવવાની એક જૂની પ્રથા.’

‘એટલે?’

‘તારે આઠ જણને ચપાટી આપતા ‘કંપની જાય છે.’ એ સંદેશો આપવાનો. એ આઠે જણમાંથી દરેક બીજા આઠ આઠને આમ સંદેશો પહોંચાડશે.’

‘એકલા સંદેશોથી શું વળે?’

‘પ્રજા જાગે.’

‘મારું શું કરવું?’

‘તારી મરજી. હું તને કાંઈ કહીશ નહિ.’

‘પણ આપને ચપાટી મળી હોત તો?’

‘હું એ સંદેશો આપત કે કેમ તે કહી શકતો નથી; કદાચ આપત.’

‘કેમ?’

‘હું અગ્નિ પ્રગટતો જોઉં છું.’

‘એમાં શું થશે?’

‘રાજકીય જુનવાણી ભસ્મ થશે.’

‘ગુરુજી! મને ન સમજાયું.’

‘કોઈ રાજા કે રાજકુટુંબ હિંદનો ઉદ્ધાર કરી શકે એ માન્યતા અદૃશ્ય થશે.’

‘ત્યારે કોણ ઉદ્ધાર કરશે?’

‘પ્રજા!’

‘અગ્નિ પ્રગટયે આપણે શું કરવું?’

‘જરૂર પડયે ભસ્મીભૂત થવું.’

‘પણ આપ તો યુદ્ધથી વિરુદ્ધ છો!’

‘એ વિરોધ મારો એકલાનો છે.’

‘આપ એકલા ઓછા છો?’

‘કોણ જાણે! પામર માનવીનું વ્યક્તિગત મહત્ત્વ કેટલું?’

‘ના, ગુરુજી! આપને પામર માનનાર ભૂલ કરે છે.’

‘જો દીકરા! માનવીનું માનસ હજી યુદ્ધભૂમિકાથી ઊંચે ગયું નથી. યુદ્ધની નિરર્થકતા સમજવા માટે લાખોનો સંહાર જરૂરના છે.’

‘હું એ સંહારકાર્યમાં સામેલ થાઉં?’

‘મારાથી ઉત્તર નહિ અપાય. ભાવિ જ્યાં લઈ જાય ત્યાં જા.’ યુદ્ધના વિરોધમાંથી હું કાયરતા ઉત્પન્ન કરવા માગતો નથી.’

‘પણ આપે જાણ્યું શી રીતે કે યુદ્ધનો અગ્નિ પ્રગટશે?’

‘ગૌતમ! મેં એવા કૈંક અગ્નિ પ્રગટાવ્યા છે. હવે વધારે ના પૂછીશ. નહિ પ્રજાનામિ તવ પ્રવૃત્તિમ્!’

બંનેએ વગર બોલ્યે નદીમાં સ્નાન કર્યું.