ભારેલો અગ્નિ/૯ : ગોરાનો ઘા

૯ : ગોરાનો ઘા

ઝખમ દુનિયા ઝબાનોના
મુસીબત ખોફના ખંજર
કલાપી

રુદ્રદત્ત અને ટોપે બંને વિદ્યાર્થી તરફ ઉતાવળા ગયા. જતાં જતાં રુદ્રદત્ત બોલ્યા :

‘આ છરા અને કટાર માનવજાતને કલંકિત કરી રહ્યાં છે!’

‘પંડિતજી! યૌવન અને યુદ્ધ છૂટાં ન પડી શકે.’ તાત્યાસાહેબે કહ્યું.

‘એ યુદ્ધ પોતાની જ સામે થતાં હોય તો કેવું? ષડ્રિપુઓ સતત આપણો કબજો લઈ રહ્યા છે.’

સાધુજીવન વ્યવહાર બહાર કે વાર્ધક્યમાં જ જરૂરનું છે એમ માનતા તાત્યાસાહેબે વિદ્યાર્થીને પૂછયું :

‘ત્ર્યંબકને કોણે છરો માર્યો?’

‘સમજાતું નથી. પણ કોઈ ગોરાએ માર્યો.’ વિદ્યાર્થીએ જવાબ આપ્યો.

‘અને તું અમને કહેવા આવે છે? એને ભોંયભેગો ન કર્યો?’

આછા અંધકારમાં પણ તાત્યાસાહેબની આંખ એ પ્રશ્ન પૂછતાં ચમકી રહી.

‘ગુરુઆજ્ઞા નથી.’ વિદ્યાર્થીએ જવાબ વાળ્યો.

‘પંડિતજી! હવે આજ્ઞા પાછી ખેંચી લ્યો. બહુ થયું. તમારાં બાળકોની પણ સલામતી નથી.’ ટોપેએ કહ્યું.

‘તાત્યાસાહેબ! બલિ વગર યજ્ઞ નહિ, પણ યજ્ઞ વગર ફળ નહિ. શસ્ત્રવિસર્જનનો યજ્ઞ કરવો હોય તો આહુતિઓ આપવી જ પડશે.’ રુદ્રદત્તે દૃઢતાથી જવાબ દીધો. એટલામાં વિદ્યાર્થીએ દોરેલા એ બંને પુરુષો યુવાનસેના દેવાલય નજીક આવી પહોંચ્યા.’

ત્ર્યંબક જમીન ઉપર બેઠો હતો. લ્યૂસી તેના વાંસા ઉપર દવા ચોપડી પાટો બાંધતી હતી; કલ્યાણી તેને સહાયતા આપતી હતી. પાદરી તથા તેમનાં પત્ની ગૌતમને ઘરમાં જતાં રોકતાં હતાં.

‘એને નીચે ઉતારો, નહિ તો હું તમારું આખું મિશન સળગાવી દઈશ.’ ગૌતમ ગરજી ઊઠયો.

‘ગૌતમ, ગૌતમ! શાંત થા. હું ઉતારું છું.’ યુવાનસેને કહ્યું.

‘પંડિતજીને હું હમણાં બોલાવું છું. એ કહેશે તેમ કરશું. યુવાનસેનની પત્નીએ કહ્યું.’

‘પંડિતજીનું ઓઠું સહુને ફાવી ગયું છે! પંડિતજી કહેશે તોય હું છોડવાનો નથી. પીઠ પાછળ ઘા! નામર્દ!’ ગૌતમ પોકારી ઊઠયો અને ઘરમાં ઘસવા લાગ્યો. એટલામાં જ કોઈ બોલી ઊઠયું :

‘પંડિતજી આવ્યા.’

ગૌતમનું મોં પડી ગયું. પ્રભાતના અજવાળામાં રુદ્રદત્તનો ઊંચો દેહ ગૌતમે ઓળખ્યો. મંગળ રુદ્રદત્તના સત્ત્વગુણથી ગભરાઈ કેમ નાસી ગયો હતો તે ગૌતમને સમજાયું. તેનો કિન્નો ધાર વગરનો બન્યો.

‘શું થયું, ત્ર્યંબક?’ રુદ્રદત્તે પૂછયું.

‘કાંઈ નહિ; સહજ છરો વાગ્યો.’ ત્ર્યંબકે કહ્યું.

છરો સહજ નહોતો વાગ્યો. રુધિર હજી બંધ થતું નહોતું. ત્ર્યંબકની વિશાળ ઢાલ સરખી પીઠ વારંવાર ધોવા છતાં રુધિરના રેલા તેની ઉપર વહ્યે જતા હતા. લ્યૂસી અને કલ્યાણીએ બંનેના મથન છતાં પાટો બંધાતો નહોતો. ઘા મર્મસ્થાને વાગ્યો નહોતો તેથી કાંઈ તેની ભયંકરતા ઓછી થતી નહોતી. પારાવાર વેદના ત્ર્યંબકને થતી હોવી જોઈએ, છતાં તેના મુખ ઉપર વિકળતાનું સહજ પણ ચિહ્ન દેખાતું નહોતું. તેના જખમને આટલું બધું મહત્ત્વ અપાતું હતું તે પણ જાણે તેને ગમતું ન હોય એમ દેખાયું. તાત્યાસાહેબ આ વીર યુવકનો મર્દાનગી દર્શાવતો ચહેરો જોઈ પ્રસન્ન થયા અને બોલી ઊઠયા :

‘રંગ બહાદુર, રંગ!’

રુદ્રદત્તે તેમની સામે જોયું. તેમના મનોભાવ સમજી સ્મિત કર્યું. અને ગૌતમને કહ્યું :

‘ગૌતમ! બહુ ધાંધળ ન કરીશ. એક ખાટલો મંગાવ. ત્ર્યંબકને પાઠશાળામાં લઈ ચાલો.’

‘ખાટલાની જરૂર નથી. હું ચાલી નાખીશ.’ ત્ર્યંબક બોલ્યો.

‘હમણાં ન લઈ જઈશ. સહજ કળ વળવા દ્યો.’ કલ્યાણીએ કહ્યું.

‘આજ તો અમારે ત્યાં જ સુવાડો. હું સારવાર કરીશ.’ લ્યૂસીએ જણાવ્યું.

‘પેલા ગોરાને સંતાડી રાખ્યો છે તે?’ ગૌતમ મોટેથી બોલ્યો.

‘ખેંચી કાઢ બહાર! કયો છે એ ગોરો?’ તાત્યાસાહેબે કહ્યું.

પરંતુ રુદ્રદત્તે ડોકું હલાવી ના પાડી અને ગૌતમ અટકી ગયો. યુવાનસેન તેની પત્ની અને એકબે નોકરોએ આવી લ્યૂસી તથા કલ્યાણીને સારવારમાં સહાયતા આપી. રુદ્રદત્ત આ તોફાનનું કારણ સમજી શક્યા નહિ. કોઈ ગોરાએ ત્ર્યંબકને છરો માર્યો એટલી જ હકીકત તેણે જાણી હતી. એ ગોરો મિશનમાં સંતાયો હતો એ હકીકત પણ તેમણે જાણી. પરતું પાછલી રાત્રે ત્ર્યંબક મિશનમાં ક્યાંથી આવ્યો, અને શા માટે આવ્યો. તેની સ્પષ્ટ માહિતી તેમને મળી નહોતી – જોકે આખા પ્રસંગ માટે તેમણે કલ્પના કરી જ મૂકી હતી. ત્ર્યંબકને ધીમે ધીમે પાઠશાળામાં લઈ ગયા પછી પૂછપરછને અંતે તેમને લાગ્યું કે તેમની કલ્પના લગભગ ખરી હતી.

જૉન્સન પાદરી માત્ર એક ખ્રિસ્તી ધર્મગુરુ જ ન હતો. તે એક સારો શસ્ત્રવૈદ્ય હતો અને વળી સારો લેખક પણ ગણાતો હતો. અખ્રિસ્તી હોય તે બધાય ઊતરતા સંસ્કારના, જંગલી દુષ્ટ, ખ્રિસ્તીઓની આજ્ઞા ધારણ કરવાની અને અંતે શયતાનશાસિત નરકમાં પડવાની જ માત્ર લાયકાત ધરાવનારા છે એમ ધારી તેમને ખ્રિસ્તી બનાવી તેમનો ભવ સુધારવાની પરોપકારભરી ધગશવાળા અંગ્રેજ સૈનિકો, મુત્સદ્દીઓ અને પાદરીઓમાંથી કેટલાક એવા પણ અપવાદ નીકળતા હતા કે જેમને હિંદી સંસ્કાર, હિંદી શૌર્ય, હિંદી સાહિત્ય અને હિંદી તત્ત્વજ્ઞાન માટે બહુ પૂજ્યભાવ પ્રગટયો હતો. તેઓ હિંદની લોકકથાઓ, કાવ્યો અને સમાજવ્યવસ્થાનું ઊંડું નિરીક્ષણ કરતા હતા અને સમભાવભર્યો અભ્યાસ કરી, અભ્યાસનાં પરિણામો જાહેર પત્રો, પુસ્તકો અને માસિકો દ્વારા બહાર પાડતા હતા. ઈલાકાનાં મુખ્ય સ્થળોએ અંગ્રેજી ભાષાનાં સામયિકો ક્યારનાં પ્રગટ થઈ ચૂક્યાં હતાં અને કેટલાક હિંદી સાહસિકોએ એવાં જ સામયિકો પ્રગટ કરવાની શરૂઆત કરી દીધી હતી.

મદ્રાસ, કલકત્તા, મુંબઈ વગેરે સ્થળોએ ઊંચા પ્રકારનું અંગ્રેજી શિક્ષણ પણ હિંદીઓને અપાતું. તેમાં પણ મુખ્ય ઉદ્દેશ તો કારકુનો બનાવવાનો અને જંગલી પ્રજાને અંગ્રેજી ભાષાના જ્ઞાન દ્વારા સંસ્કૃત બનાવવાનો હતો. એ શિક્ષણસંસ્થાઓમાંથી બહાર પડતાં સંસ્કારી બીબામાં કારકુની અને ગૌરાંગ સંસ્કૃતની પૂજા સિવાય બીજી છાપ બહુ થોડી દેખાતી. છતાં સંસ્કૃત ફારસીની પ્રાચીન પ્રણાલિકાને શિક્ષણમાં સહજ સ્થાન મળ્યાથી તેમ જ અંગ્રેજી સાહિત્યનાં ઉત્તમ અંગોનો પરિચય થવાથી હિંદની અસ્મિતા ધીમી ધીમી પણ કાંઈ જુદે જ સ્વરૂપે જાગૃત થવા માંડી હતી. એ જાગૃતિમાં સમભાવભર્યા અંગ્રેજ લેખકોનો ફાળો છેક ઓછો લેખાય એમ નથી.

જૉન્સન રુદ્રદત્તના સંસર્ગમાં આવ્યા પછી જુદી જાતનો લેખક બની ગયો. બાઈબલને સંસ્કૃતમાં ઉતારી તે દ્વારા બ્રાહ્મણોને ખ્રિસ્તી બનાવી દેવાનું સ્વપ્ન સેવતા એ પાદરીએ ધીમે ધીમે ‘પૂર્વનો આત્મા’, ‘પૂર્વનું તત્ત્વજ્ઞાન’, ‘ખ્રિસ્તી અને કૃષ્ણના સિદ્ધાંતોનું સામ્ય’, ‘મુસ્લિમ અને ખ્રિસ્તી એકેશ્વરવાદ’, ‘કર્મ અને પુનર્જન્મના રહેલા બુદ્ધિજન્ય અંશો’ એવા એવા લેખો અંગ્રેજી માસિકોમાં લખવા માંડયા. લેખોએ તેની કીર્તિમાં વધારો કર્યો એટલું જ નહિ પરંતુ તે માસિકોનો ફેલાવો પણ વધારે કર્યો. પરંતુ ચુસ્ત ખ્રિસ્તીઓ, હિંદને ખ્રિસ્તી બનાવી ઉદ્ધારવા મથતા પાદરીઓ અને પરાધીન હિંદીઓમાં ઉચ્ચ અંશ હોવાની કલ્પનાને પણ તિરસ્કારતા રાજ્ય નીતિપુરાણો જૉન્સનના લેખોથી ભડકી ઊઠયા. કેટલાકે ખુલ્લી ચર્ચાઓ પણ કરી. અને પ્રચારકમંડળોમાં પ્રશ્નો ઊઠવા લાગ્યા કે પ્રચારકમંડળોને પૈસે પોષણ પામતો એક ખ્રિસ્તી હિંદી સંસ્કારને વખાણીને, અખ્રિસ્તી કાર્ય કેમ કરતો હશે? એને દૂર કેમ ન કરવો જોઈએ?

વળી ખ્રિસ્તી પાદરીએ ફક્ત ઉપદેશક બ્રાહ્મણ જ રહી શકતો નથી; તે બ્રિટિશ સલ્તનતનો એક પ્રતિનિધિ પણ છે. પાદરીઓની મારફત બ્રિટિશ સત્તા કેટલી વિસ્તાર પામી છે તેના સૂક્ષ્મ અભ્યાસીને જરૂર એક પ્રશ્ન મૂંઝવ્યા કરે છે : ખ્રિસ્તી પાદરીઓને ઈસુનો ક્રોસ વધારે વહાલો કે દેશનું રાજચિહ્ન? કારણ; જ્યાં જ્યાં પાદરીઓએ પગ મૂક્યો છે ત્યાં ત્યાં ક્રોસ કરતાં તેમનો રાજવાવટો વહેલો સ્થપાયો છે.

આર્યઋષિમુનિઓને આખી વસુધા કુટુંબવત્ દેખાય છે; એટલે તેમનું દેશાભિમાન ગળી ગયેલું હોય છે. ખ્રિસ્તી પાદરીનું કુટુંબ એટલે ખ્રિસ્તી જનતા – નહિ, ગૌરી ખ્રિસ્તી જનતા; તે પણ નહિ; જે દેશમાં તેની જન્મભૂમિ હોય તે દેશમાં વસ્તી ખ્રિસ્તી જનતા! એટલે એક ખ્રિસ્તી પાદરી રાજકીય પુરુષ મટી શકતો નથી. તેનું દેશાભિમાન એક સૈનિક સરખું જ હોય છે. પ્રસંગ આવ્યે તે સૈનિક બની જાય છે. બાઈબલનાં દસ ફરમાનો બોલી જનાર પાદરી બંદૂક વગર ફરતો નથી.

એટલે ધર્મપ્રચારક મંડળોમાં જ નહિ, પરતું રાજદ્વારી મંડળોમાં પણ પાદરી જૉન્સન પ્રત્યે અણગમો ઉત્પન્ન થવા માંડયો હતો. ધર્મચર્ચામાંથી જૉન્સન રાજકીય ચર્ચામાં ઊતરી પડતો અને કંપની સરકારની રાજ્યનીતિ વિરુદ્ધ પણ ક્વચિત્ લખાણ કરવાને ચૂકતો નહિ. તેનાં આવાં કૃત્યોની નોંધ રહેવા માંડી; અને મિશનના ઉપરીઓએ તેના જવાબો માગવા માંડયા.

પરંતુ જ્યારે જૉન્સને હિંદુ ઢબનો પોશાક પહેરવા માંડયો છે એવી ખબર મંડળને થઈ ત્યારે કાર્યવાહકોમાં ભારે ખળભળાટ થઈ રહ્યો. પત્રોમાં તેની ચર્ચા આવવા માંડી અને હિંદી નાસ્તિકના – અગર ધર્મભ્રમના-ચિહ્ન સરખા પોશાકના સ્વીકારમાં સહુને ખ્રિસ્તી ધર્મ અને ખ્રિસ્તી રાજ્યનું ભારે અપમાન થયેલું દેખાયું. તેમાંયે કોઈ જૂના જાણીતા મુત્સદ્દીએ જૉન્સનની રુદ્રદત્ત સાથે મૈત્રી વિષે સાંભળ્યું ત્યારે તેને રુદ્રદત્ત વિષેની પ્રાચીન દંતકથાઓ યાદ આવી, અને એવા ભયંકર ગૂઢ પુરુષની સોબતમાં રહેલા જૉન્સનમાં રાજ્યદ્રોહના ઓળા દેખાવા માંડયા.

થોડા સમય પૂર્વે સૈનિકમાંથી પાદરી બનેલા હૅનરી નામના એક યુવકને છૂપી તપાસ કરવાનું કામ પાદરીમંડળે સોંપ્યું. હૅનરી સૈનિક તરીકે પંકાયેલો હતો, તેવી જ ખ્રિસ્તી ધર્મની મમતા માટે તે પંકાયેલી હતો. આખા હિંદને – આખી અખ્રિસ્તી દુનિયાને – બળજોરથી ખ્રિસ્તી બનાવ્યા સિવાય ચાલે એમ નથી તેવી તેની માન્યતા હતી. અને તેમ કરવા માટે લશ્કરી બળવાનો ઉપયોગ કરવાનું પણ તે સૂચવતો. આવી માન્યતા ઘણા યુરોપિયનો ધરાવતા હતા, અને પોતાના હોદ્દાની લાગવગ પણ તે કાર્ય માટે વાપરતાં; પરંતુ ધાર્યા કરતાં ઝડપથી, ધાર્યા કરતાં ઘણા મોટા પ્રદેશનું અને ઘણી મોટી પ્રજાનું સ્વામિત્વ મેળવી ગભરાઈ ઊઠેલી કંપની સરકારના ઇંગ્લેન્ડવાસી વહીવટદારો એવા કાર્યને જરા પણ સંમતિ આપતા નહોતા. અકળાયલા કર્મચારી કંપનીના વહીવટદારોની બુદ્ધિહીનતાથી બળીઝળી, ખ્રિસ્તીઓની સંખ્યા વધારવાના અનોખા – બિનસરકારી – પ્રયોગો કરવામાં જરા પણ ચૂકતા નહિ.

હૅનરી એકાદ બે વખત જૉન્સનના મિશનમાં આવી ગયો હતો. જૉન્સન કરતાં તેની ઉંમર ઘણી નાની હતી; છતાં તેણે ખ્રિસ્તીધર્મના અભ્યાસથી મેળવેલી કુળશતા અને ઉપાધિઓને પરિણામે તેનો હોદ્દો મરતબાભર્યો હતો. હુકમ મળતાં તે ઘોડા ઉપર સવાર થઈ, ચારપાંચ માણસો સાથે રાખી, વિહાર તરફ આવવા નીકળ્યો. વિહાર પાસે જ તેને મંગળ પાંડેનો ભેટો થયો.

ઉશ્કેરાયેલા મુખવાળા, વિકળ નયનોવાળા, અસ્વસ્થ મંગળને પાદરીની ટોળીએ રોક્યો :

‘થોભો.’ એક જણે બૂમ પાડી.

‘જાઓ જાઓ, તમારે માર્ગ લ્યો, મારે થોભવાની જરૂર નથી.’ પોતાના ઘોડાને જંગલમાંથી લઈ આગળ વધવા મંગળ પાંડેએ બેદરકારી બતાવી.

‘થોભે છે કે નહિ? તારો જાન જોખમમાં છે!’ ટોળીના આગેવાને કહ્યું.

‘કુહાડીના હાથા! તારા સાહેબની મદદે આવ્યા હોઈશ, ખરું? જોઉં, કોનો જાન જોખમમાં છે!’ મંગળે ઝટ પોતાની સમશેર બહાર ખેંચી. હૅનરીના સાથીદારો બધાય હિંદીઓ જ હતા.

હૅનરીને ગુસ્સો ચડયો. પરંતુ અજાણી જગાએ કંઈ સાહસ ન કરવાનું ડહાપણ શીખેલા એ અંગ્રેજે પોતાનો ઘોડો આગળ લાવી પૂછયું.

‘પાંડેજી! અમે લશ્કરીઓ નથી. અમે તો માર્ગ પૂછવા તમને રોકતા હતા.’ હિંદી સૈનિક બધાય પાંડેના ઉપનામથી ઓળખાતા.

‘માર્ગ પૂછશો જ નહિ. સીધા દરિયાપાર જાઓ. એ સહેલો માર્ગ છે.’

‘કારણ?’

‘તમારી કંપનીનું આવી બન્યું છે!’

એટલું બોલતાં મંગળ પાંડેએ પોતાનો ઘોડો મારી મૂક્યો. હૅનરીએ આગળ ન વધતાં ત્યાં જ મુકામ કર્યો.