ભાષાવિજ્ઞાન/ઉપસંહાર

ઉપસંહાર

ભાષાનાં વિવિધ સ્વરૂપોનો આપણે અહીં સુધી વિચાર કર્યો, અને ભાષામાં કાળક્રમે કેવો વિકાસ થાય છે, કેવાં પરિવર્તનો સરજાય છે તે પણ આપણે જોયું. હવે ભાષાસ્વરૂપોના વિકાસથી તાત્ત્વિક રીતે ભાષાનું સામર્થ્ય વધ્યું છે કે નહીં, તેમ ભાષાવિકાસની ભિન્ન ભિન્ન કક્ષાઓને પ્રજાના સાંસ્કૃતિક વિકાસ સાથે કેવો સંબંધ છે તેનો વિચાર કરીશું. કેટલાક ભાષાશાસ્ત્રીઓ એમ માને છે કે ભાષાના વિકાસમાં એક એવું ચરમ બિન્દુ આવે છે જ્યાં ભાષાનું સામર્થ્ય, ભાષાની આંતર સમૃદ્ધિ પરા કોટિએ પહોંચે છે. પ્રાચીન ગ્રીક, કે પ્રાચીન લૅટિન (જેનું ઉત્કૃષ્ટ નિદર્શન સિસેરોની રચનાઓ છે), કે એ જ પ્રમાણે સંસ્કૃત, ભાષાવિકાસની પરાકોટિનાં નિદર્શનો છે; એ પછી ભાષાનો અપકર્ષ (degeneration) થયો છે—આ પ્રકારની વિચારણા ભ્રમમૂલક છે. અહીં પ્રાચીનપૂજા ઉપરાંત સાહિત્યભાષા અને કથ્યભાષા એ નિરનિરાળાં ભાષાસ્વરૂપો છે એ મહત્ત્વના સત્યનું વિસ્મરણ થયેલું છે. ભાષાનો અવિરત વિકાસ એ એક સનાતન પ્રક્રિયા છે, અને વિકાસને પરિણામે પરિવર્તન થવું પણ એટલું જ સાહજિક છે. એ કારણે કોઈ ભાષાનો અપકર્ષ થતો નથી, તેમ એથી જ કોઈ ભાષા ઉચ્ચતર સ્થાન પ્રાપ્ત કરી શકતી નથી. ઉ. ત. અર્વાચીન અંગ્રેજી કે ફ્રેન્ચ કે હિંદી કે ગુજરાતી જેવી અર્વાચીન ભારતીય ભાષાઓ ખૂબ મુલાયમ (supple) અને સુનમ્ય (flexible) છે, તેથી એ યુરોપીય ભાષાઓ કાંઈ ગ્રીક અને લૅટિનથી, કે એ ભારતીય ભાષાઓ સંસ્કૃતથી ચડિયાતી ઠરતી નથી. આ પ્રશિષ્ટ ભાષાઓને પોતાનું સ્વકીય અપ્રતિમ સૌંદર્ય છે, સૌષ્ઠવ છે, અને ગહનતમ વિચાર અભિવ્યક્ત કરવાનું સામર્થ્ય છે. એટલે, એક ભાષા બીજી ભાષાથી ચડિયાતી છે એમ કહેવું અશાસ્ત્રીય છે. હોમર કે પ્લેટોએ ગ્રીક ભાષાનો જેટલા સામર્થ્ય અને ચારુતાથી વિનિયોગ કર્યો છે, એટલા જ સામર્થ્ય અને સૌંદર્યથી શેક્સપિયર અને ડાર્વિને અંગ્રેજી ભાષાનો ઉપયોગ કર્યો છે. આદિકવિ વાલ્મીકિએ એમના रामायण માં સંસ્કૃતનો જેટલો સુલભ પ્રયોગ કર્યો છે તેટલી જ સુભગતાથી તુલસીદાસે रामचरीतमानस માં અવધીનો ઉપયોગ કર્યો છે. બાણે कादंबरी માં જેટલી સુંદરતાથી પ્રૌઢ-ગંભીર, અલંકારચારુ સંસ્કૃત ગદ્યશૈલીનો વિનિયોગ કર્યો છે એવી જ અલંકૃત શોભા ગોવર્ધનરામના મહાનવલ `સરસ્વતીચંદ્ર’ની ગુજરાતી ગદ્યશૈલીમાં છે. એટલે કોઈ એક ભાષા જ શ્રેષ્ઠ અને સંપૂર્ણ છે એમ કહેવું વાસ્તવિક નથી. જેમની પાસે વિશિષ્ટ વિચારસમૃદ્ધિ હોય, એ કોઈ પણ ભાષાને પોતાનું સબળ વાહન બનાવી શકે છે. બેશક, એ ભાષાની ભૂમિકા એ વિચારસમૃદ્ધિને અનુરૂપ હોય તો જ એમ બની શકે છે; કારણ કે જ્યાં એ વિચારણાને ઝીલનાર, અનુભાવન કરનાર (શ્રોતૃ) વર્ગ હોતો નથી ત્યાં એ પ્રવાહ લાંબા સમય સુધી જીવંત રહી શકતો નથી. એટલે ભાષાની શક્તિ અંતે તો એ બોલનાર પ્રજાની સંખ્યા અને એમની સંસ્કારસમૃદ્ધિ ઉપર અવલંબે છે. આથી જ ગુજરાતી કે હિંદીમાં જે અભિવ્યક્તિસામર્થ્ય પ્રગટ્યું, તે કચ્છી કે ભીલી ભાષામાં કદી આવી શક્યું નહીં. કોઈ વાર કોઈ એક યુગમાં એક સાથે મહાન લેખકોનો પ્રાદુર્ભાવ થાય કે પ્રજામાં સહસા સંપત્તિની રેલંછેલ થઈ રહે, કે પ્રજા મોટાં સામ્રાજ્યો સર કરે, ત્યારે ભાષામાં એક અનનુભૂત સૌન્દર્ય કે સામર્થ્યનો, પરિપૂર્ણતાનો યુગ આવે છે, અને એ અપૂર્વ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. ઍટિક યુગની પ્રાચીન ગ્રીક ભાષા, ઑગસ્ટન (Augustan) યુગની લૅટિન ભાષા, કે કાલિદાસીય યુગ અને ગુપ્ત સામ્રાજ્યના સમયની સંસ્કૃત ભાષા આ પ્રકારે પરિપૂર્ણિતા પામી હતી. એલિઝાબેથન યુગની અંગ્રેજી, કે સત્તરમા અઢારમા સૈકાની ફ્રેન્ચ ભાષા, કે પંડિતયુગની ગુજરાતી ભાષાએ આ પ્રકારની પૂર્ણતા સિદ્ધ કરી હતી એમ કહી શકાય. પણ ભાષાના વિકાસના ઇતિહાસમાં આ યુગો કેવળ બિન્દુ રૂપ છે, અને એ સમયની ભાષાની પરિપૂર્ણતા પણ માત્ર તાત્ક્ષણિક (momentary) છે. ભાષાનો સ્રોત તો નદીના પ્રવાહની માફક વહ્યે જ જાય છે; એ ક્યાંયે રોકાતો નથી, ઠરી જતો નથી. ક્વચિત્ જામી ગયેલાં વિશિષ્ટ સ્વરૂપની નીચે ભાષાનો સ્વાભાવિક સ્રોત તો વહેતો જ હોય છે. એનું ધ્વનિતંત્ર સદૈવ વિકસતું, પરિવર્તન પામતું રહે છે — એને પંડિતો કે સાહિત્યકારો રોકી શકતા નથી. એની પાછળ જ્ઞાત-અજ્ઞાતપણે ઉચ્ચારસૌકર્યની, સરળતાની દૃષ્ટિ રહેલી હોય છે. એ ભાષાને વધારે મુલાયમ (supple) પ્રવાહી અને વેગવંત બનાવે છે. ભાષાની વ્યાકરણકોટિઓમાં કાળક્રમે થયેલાં પરિવર્તનો તાત્ત્વિક અર્થમાં વિકાસ કે પ્રગતિનાં નિદર્શક નથી. સંબંધતત્ત્વો, જે પહેલાં અર્થતત્ત્વથી અળગાં હતાં તે કાળક્રમે અર્થતત્ત્વની સાથે એકરૂપ બની જાય છે, અને એથી પણ આગળ જતાં એ ઘસાઈને લુપ્ત થઈ જાય છે, જેથી એમને સ્થાને પાછાં નવાં તત્ત્વો લગાડવામાં આવે છે. એ જ રીતે ભાષાની પૂર્વ સ્થિતિમાં લાંબા અનેકાક્ષરી (polysyllabic) શબ્દો ઉત્તરકાળમાં ટૂંકા અને ઘણી વાર એકાક્ષરી (monosyllabic) બની જાય છે. પ્રાચીન અંગ્રેજીમાંથી વર્તમાન અંગ્રેજીનો કે કથ્ય લૅટિનમાંથી ફ્રેન્ચનો આ પ્રકારે વિકાસ થયો છે. સંસ્કૃતમાંથી ગુજરાતીમાં પણ આ પ્રકારે જ અવતરણ થયું છે. (ઉ. ત. विद्युल्लता >विज्जुलिआ > વીજળી, दीपक: > दीवउ > દીવો; प्रकार > पयार, पयर > પૅર). આ ઘસારાની પૂર્તિ કરવાને ઘણી વાર જ્યાં મૂળ પ્રશિષ્ટ ભાષામાં એક જ શબ્દરૂપ વપરાતું હતું ત્યાં વર્તમાન ભાષાઓ એક સમગ્ર વાક્ય વાપરે છે, જે તત્ત્વતઃ તો કેવળ એક જ વિચારતત્ત્વ વ્યક્ત કરે છે. ઉ. ત. લૅટિનમાં માત્ર nescio કહેવાથી નભી રહેતું, ત્યાં આજે અંગ્રેજીમાં ‘I don’t know’ જેવું સમગ્ર વાક્ય વાપરવું પડે છે. साधयाम: જેવા સંસ્કૃત નાટકોમાં વારંવાર આવતો શબ્દ ગુજરાતીમાં પર્યાપ્ત રીતે વ્યક્ત કરવાને ‘ચાલો આપણે જઈએ’ એમ સમગ્ર વાક્ય વાપરવું આવશ્યક થશે. વર્તમાન આર્ય ભાષાઓમાં શિષ્ટ ભાષાઓની માફક કેવળ છૂટા શબ્દોથી કામ સરતું નથી; બહુધા સમગ્ર વાક્ય પ્રયોજવાં પડે છે — ભાષાના વિકાસક્રમમાં આ સ્થિતિ અપરિહાર્ય છે. ભાષાની ઉત્તરોત્તર ઉત્ક્રાન્તિ થતાં એ કેટલીક નવી વ્યાકરણ-કોટિ પ્રાપ્ત કરે છે, તો કેટલીક કોટિઓ એ ગુમાવી દે છે. આ રીતે ફ્રેન્ચનો પ્રશ્નાર્થક નિપાત que, હિંદીના या, कि એ સંયોજકો, કે અર્વાચીન ગુજરાતીનો વાક્યસંયોજક के (તેમ શક્યાર્થ ને કર્મણિ રચનાઓ) એ નવતર પ્રાપ્તિ છે. પણ ધીરે ધીરે એ ઘસાઈ જશે અને એને સ્થાને પાછાં નવાં તત્ત્વો ગોઠવાશે એમાં શંકા નથી — પ્રત્યેક ભાષાના ઇતિહાસમાં એમ થતું જ આવ્યું છે. આ નવપ્રાપ્તિઓને ઉધારપક્ષે ભાષા કેટલીક વ્યાકરણકોટિઓ કાળબળે વિકાસક્રમમાં ગુમાવી દે છે. ઉ. ત. અર્વાચીન ફ્રેન્ચમાં નિશ્ચિત ભૂતકાળ અને અનિશ્ચિત ભૂતકાળ બંને એકત્વ પામ્યા છે — અનિશ્ચિત ભૂતકાળ નિશ્ચિતની સમરૂપ બનીને એમાં વિલીન થઈ ગયો છે. પ્રાચીન અંગ્રેજીએ અર્વાચીન સ્વરૂપમાં અવતાર પામતાં અનેક પરિવર્તનો જોયાં છે. ઍંગ્લો-સેકશનમાં ચાર વિભક્તિઓ (કર્તા, કર્મ, સંપ્રદાન, અને સંબંધ વિભક્તિ) હતી, જેનાં રૂપો અતિ સમાનતાને કારણે એકબીજામાં વિલીન થતાં છેવટે બે જ — વિકારી અને અવિકારી — વિભક્તિઓ જ અવશિષ્ટ રહી. પ્રથમ કર્મ અને સંપ્રદાન વિભક્તિઓ સમરૂપ થઈ ગઈ, અને પછી કાળબળે ધ્વનિસારૂપ્યથી (સવર્નામ સિવાયનાં રૂપોમાં) કર્તા અને કર્મ વિભક્તિ એકરૂપ થઈ ગઈ. એટલે અંતે એ જ વિભક્તિઓ અવશિષ્ટ રહી — કર્તા-કર્મની અવિકારી (direct) વિભક્તિ અને સંબંધની વિકારી (oblique) વિભક્તિ. સંબંધ વિભક્તિનાં પણ સમસ્ત રૂપોનો પ્રચાર ઘટતો જાય છે, અને વિભક્તિપ્રત્યયને સ્થાને of એ સંબંધદર્શક પુરઃસર્ગ સવિશેષ વપરાય છે. (ઉ. ત. the moon’s phases હવે ભાગ્યે જ વપરાય છે; એને સ્થાને the phases of the moonનો જ વ્યાપકપણે પ્રયોગ થાય છે). આ સ્થિતિમાં અર્વાચીન અંગ્રેજીમાં શબ્દનું વાક્યમાં સ્થાન (syntactical position) એ સૌથી મહત્ત્વની વ્યાકરણ-કોટિ બની ગઈ છે — અર્વાચીન અંગ્રેજીનું એ એક વિશિષ્ટ, લાક્ષણિક તત્ત્વ છે. ક્રિયારૂપોમાં અનિયમિત કે આંતરિક ધ્વનિપરિવર્તનવાળાં રૂપો (ઉ. ત. wrought)ને સ્થાને નિયમિત પ્રત્યયસાધિત રૂપો (ઉ. ત. worked) તરફ ભાષાનું સ્પષ્ટ વલણ છે. અંગ્રેજી ભાષા આ પ્રકારના ઉત્ક્રાન્તિપથે સતત ગતિ કરતી રહી છે. પ્રાચીન ગુજરાતીનો વર્તમાનકાળ કાળક્રમે ઘસાઈ જવાથી અર્વાચીન ગુજરાતીમાં કાળની અભિવ્યક્તિ અર્થે એને સાહાય્યકારક ક્રિયાપદ લગાડવું આવશ્યક થયું, અને પછી એ જ રીતે અન્ય મિશ્રકાળો ઉદ્ભવ્યા; પ્રાચીન ગુજરાતીના સંખ્યાબંધ વિભક્તિદર્શક અનુગો (ઉ. ત. તૃતીયાર્થ करि આદિ; ચતુર્થ્યર્થ भणी, रहइं, रइं આદિ, પંચમ્યર્થ तउ, इतउ, लगइ, पाहि, हुंतउ આદિ; ષષ્ઠ્યર્થ ह, केरउ, चउ આદિ; સપ્તમ્યર્થ मझारि, माझि ઈ૰.)[1] અર્વાચીન ગુજરાતીમાં આવતાં લુપ્ત થઈ ગયા; ઓગણીસમા સૈકામાં સ્ત્રીલિંગી નામો સાથે અન્વિત કૃદંતો અને ક્રિયાપદો (સ્ત્રીલિંગ) બહુવચન પ્રત્યય લેતાં હતાં.[2] તે પ્રત્યયો પુંલિંગના નામ સાથે અન્વિત ક્રિયાપદોના સામ્યે લગાડાતા બંધ થયા; પ્રાચીન ગુજરાતીમાં સતિ સપ્તમી પ્રયોગ છૂટથી થતો[3] એ અર્વાચીન ગુજરાતીમાં થતો બંધ પડ્યો.

આવાં વ્યાકરણકોટિઓના લોપનાં સંખ્યાબંધ ઉદાહરણો પ્રત્યેક ભાષામાંથી આપી શકાય — જેમાંની કેટલીક ઘસાઈ જતાં ભાષાની શક્તિ-સમૃદ્ધિ એટલે અંશે ઘટી છે એમ અવશ્ય સ્વીકારવું પડે.[4] પ્રત્યેક ભાષાનું ભિન્ન ભિન્ન વિકાસકક્ષાએ ભિન્ન ભિન્ન સ્વરૂપ નજરે પડે છે; ભાષાનાં કેટલાંક તત્ત્વો ઘસાઈ જાય છે અને એમને સ્થાને નવાં તત્ત્વો પ્રચલિત થાય છે. એકંદરે ભાષાનો જેટલો ઘસારો થાય છે તેટલાં નવાં તત્ત્વોનું ઉમેરણ થાય છે, એથી સમતુલા જળવાઈ રહે છે.

ભાષાની ઉત્ક્રાંતિને ઐતિહાસિક પરિબળો સાથે ગાઢ સંબંધ છે. જે ભાષાઓ સ્વદેશમાંથી ઉપનિવેશોમાં પ્રસરી છે (ઉ. ત. સંસ્કૃત, ગ્રીક આદિ) એમના નૂતન ભાષા-સ્વરૂપમાં મહત્ત્વના ફેરફારો થયા છે. સ્વદેશમાં વ્યાકરણકોટિઓની જે સૂક્ષ્મતા હતી એ ઉપનિવેશમાં પ્રસરતાં લુપ્ત થઈ ગઈ છે. સ્વદેશમાં ઘણા કાળ સુધી એ સૂક્ષ્મતા જળવાઈ રહી હોય છે. ઉ. ત. અંગ્રેજીમાં I shall અને I will એ બે અભિવ્યક્તિઓમાં (નિશ્ચિતતા સંબંધે) જે ભેદ છે તે અમેરિકન અંગ્રેજીમાં નથી; ત્યાં હવે સર્વત્ર કેવળ I will એ જ પ્રયોગ થાય છે. ઉપનિવેશોમાં પ્રસારિત થયેલી ભાષાની ઉત્ક્રાંતિ કેવળ અમુક સૂક્ષ્મ વ્યાકરણકોટિઓના લોપમાં જ સીમિત થઈ જતી નથી; ઘણી વાર આ પ્રકારે સ્વદેશમાંથી દૂર દેશમાં પ્રસ્તુત થતી ભાષા મૂળ પ્રદેશની ભાષા કરતાં ઝડપથી વિકસિત સ્વરૂપ ધારણ કરી લે છે. આ રીતે પશ્ચિમ ફ્રાન્સ કરતાં કૅનેડાની ફ્રૅન્ચમાં કેટલાંક નિરર્થક તત્ત્વો લોપાઈને મહત્ત્વનાં તત્ત્વો વિકસ્યાં છે. એ જ પ્રમાણે દક્ષિણ આફ્રિકાના બોર (Boer) લોકોની ડચ ભાષા નૅધરલૅન્ડ્ઝ (Netherlands)ની ડચ ભાષા કરતાં વધારે વિકસિત છે.[5] તો, આ કૅનેડા અને દ૰ આફ્રિકામાં નવવિકસિત ફ્રેન્ચ અને ડચને મુકાબલે એ ભાષાઓની સ્વભૂમિ (ફ્રાન્સ અને નૅધરલેન્ડ્ઝ)નું ભાષાસ્વરૂપ વધારે રૂઢિગત (conservative) છે. એમ જે ભાષાઓ પ્રસારિત થતી નથી પણ એક નિયત પ્રદેશમાં જ બદ્ધ થઈ રહે છે તેનું સ્વરૂપ વિશિષ્ટતયા જૂનું (archaic) રહે છે. ઉ. ત. લિથુએનિઅન (Lithuanian) ભાષા વન્ય પ્રદેશની ભાષા હોઈ મહાન યુરોપિયન પ્રજાઓથી વિદૂર પડી ગઈ છે. એથી એ ઈન્ડોયુરોપિયન કુળની સર્વ ભાષાઓ કરતાં સવિશેષપણે પુરાતનિક (archaic) સ્વરૂપની છે. પર્વતીય પ્રદેશની કે દુર્ગમ ભૂમિભાગના દૂરના ખૂણાના પ્રદેશોની ભાષાઓ જળવાઈ રહી છે તેનું કારણ પણ આ જ, બાહ્ય સંસર્ગોનો અભાવ એ જ છે.

નિવાસભૂમિની પણ ભાષા ઉપર ઘણી અસર છે. જ્યાં વસતી થોડી, મોટા પ્રદેશમાં અત્રતત્ર પથરાયેલી છે ત્યાં ભાષાનાં પ્રાદેશિક રૂપો (dialects) વિશેષ ઉદ્ભવે છે. એથી ઊલટું ગામો અને નગરોમાં વસેલી, પરસ્પરના રોજબરોજ સંપર્કમાં આવતી જનતાની બોલીઓમાંથી એક મધ્યસ્થ (standard) ભાષા સહજ રીતે સરજાય છે. મનુષ્યની માનસિક પ્રવૃત્તિ ઉપર સામાજિક પરિસ્થિતિઓની ઘનિષ્ઠ અસર પડે છે. સામાજિક ઉત્ક્રાંતિક્રમે સંસ્કૃતિનો ઉત્તરોત્તર વિકાસ થતાં ભાષાની રહસ્યાત્મકતા (mystical character) ઘટતી જાય છે અને એનું બૌદ્ધિક તત્ત્વ વિકાસ પામતું જાય છે, જેને પરિણામે ભાષામાં વિચારોની અભિવ્યક્તિમાં પ્રત્યક્ષ (concrete) તત્ત્વ ઓછું થાય છે અને અમૂર્ત (abstract) તત્ત્વ વધે છે. ઈન્ડો-યુરોપિયન ભાષાઓમાં એમના પ્રાચીન સ્વરૂપમાં (ઉ. ત. વૈદિક અને પ્રાચીન ગ્રીકમાં) પ્રત્યક્ષ (concrete) અને કર્તાલક્ષી (subjective) તત્ત્વ સવિશેષ હતું. એથી જ એનાં ક્રિયારૂપો કાળનિર્દેશ કરતાં ક્રિયાસાતત્યનું સ્વરૂપ વિશેષ પ્રગટ કરે છે. ક્રિયાના કાળની અભિવ્યક્તિ—કયા કાળબિન્દુએ ક્રિયા થાય છે તેનું યથાસ્થિત દર્શન—એ પછી ઘણે સમયે ઉદ્ભવ્યું છે. અસંસ્કૃત જાતિઓની ભાષા પણ આ ઐતિહાસિક દર્શનનું સમર્થન કરે છે. સંસ્કૃતિથી બહુધા અસ્પૃષ્ટ રહેલી આ ભાષાઓમાં મૂર્ત પ્રત્યક્ષ કોટિઓ (concrete and special categories) વિપુલ પ્રમાણમાં છે; જ્યારે સંસ્કૃત પ્રજાઓની ભાષામાં અમૂર્ત, સામાન્ય કે સાધારણીકૃત કોટિઓનું (abstract and general categories) પ્રમાણ અત્યંત વધારે છે. અસંસ્કૃત આદિવાસી પોતાના વક્તવ્યમાં ઘણી મૂર્ત વિગતો ચોકસાઈથી દર્શાવે છે, જે આપણી નજરે ભાગ્યે જ ચડતી હોય છે. જેટલી ચોકસાઈથી સુસંસ્કૃત માનવી પોતાની ભાષામાં કાલાવચ્છેદ (temporal consideration) દર્શાવે છે તેનાથી યે વિશેષ ચોકસાઈથી અસંસ્કૃત આદિમ જન ક્રિયાદિકના દેશનું આકલન (spatial consideration) કરે છે. અર્થાત્ જેટલી સ્પષ્ટતાથી વર્તમાન સુસંસ્કૃત ભાષાઓ કાળ (tenses) દર્શાવે છે, એટલી સુરેખતાથી આદિમ ભાષાઓ ક્રિયાદિકનાં સ્થળાદિક (space) દર્શાવતી હોય છે. આમ સંસ્કૃતિનો વિકાસ થતાં ભાષા મૂર્ત કોટિઓ (સ્થળાદિક)ને સ્થાને અમૂર્ત કોટિઓ (કાલાદિક) વિકસાવતી જાય છે.

સંસ્કૃતિના વિકાસની ભાષા ઉપર કેવી અસર થાય છે તેનું અન્ય ઉદાહરણ પ્રાચીન ભાષાઓનાં દ્વિવચન એ ભાષાઓનાં અર્વાચીન રૂપોમાંથી ઘસાઈ ગયાં એ છે. પ્રથમ ગ્રીકનું ઉદાહરણ લઈએ તો એમાં ગ્રીક ઉપનિવેશોની સવિશેષ સંસ્કારી પ્રજાઓએ—જેમનું સાહિત્યમાં ઉત્તમ પ્રદાન હતું—સૌથી પહેલું દ્વિવચન છોડી દીધું. મૂળ ભૂમિમાં જ્યાં એ કેટલોક કાળ વિશેષ જળવાઈ રહ્યું, ત્યાં સંસ્કૃતિનો વિકાસ તત્કાલ સ્થગિત થઈ ગયો હતો. આ જ પ્રમાણે સેમિટિક કુળની પુરાતન સંસ્કૃતિવાળી હિબ્રૂ, એરેમેઈક અને એથિઓપિયન (Ethiopian) જેવી ભાષાઓમાં માત્ર ઇન્દ્રિયયુગ્મોનાં નામ (ઉ. ત. આંખ, કાન, હાથ, ઈ૰) સિવાય અન્ય સર્વ સ્થળે દ્વિવચનનો ત્યાગ કરવામાં આવ્યો હતો. પણ અરબીમાં—જે સંસ્કૃતિમાં પછાત ભટકતી પ્રજાની ભાષા હતી—ઈ. સ. સાતમા સૈકા સુધી નામ, સર્વનામ અને ક્રિયાપદોમાં દ્વિવચન જળવાઈ રહ્યું હતું. ફિન્નો – ઉગ્રિઅન વર્ગની ભાષાઓમાંથી વોગુલિઅન (Wogulian) અને ઓસ્તિઅક (Ostiak) એ બે બોલીઓમાં જ દ્વિવચન જળવાઈ રહ્યું છે, અને એ બંને સૌથી પછાત કક્ષાની છે; એ ભાષાકુલની હંગેરિઅન કે ફિન્નીશ જેવી આગળપડતી ભાષાઓમાંથી દ્વિવચન સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયું છે. સંસ્કૃતિની કક્ષામાં સૌથી નિમ્ન સ્તરની કેટલીક અમેરિકન (ઇન્ડિયન) અને ઑસ્ટ્રેલિયન બોલીઓમાં ત્રિવચન પણ મળે છે એ આ સંદર્ભમાં સૂચક ગણાય.[6] આદિમ ભાષાઓમાં અમૂર્ત વિચારો હોતા નથી એનો અર્થ એવો નથી કે એ ભાષાઓની વ્યાકરણઘટના પણ કેવળ સાદી, અસંકુલ છે. વિચારની અભિવ્યક્તિની સૂક્ષ્મતાને વ્યાકરણકોટિઓની સંકુલતા સાથે કશો સંબંધ નથી. વ્યાકરણકોટિઓના વિકાસને વક્તાની સ્મૃતિ સાથે સંબંધ છે. આદિમ જીવનમાં સ્મૃતિ વિશેષ ખેડાયેલી હોય છે, કારણ કે આદિમાનવજીવનમાં કોઈ સ્મૃતિસહાયક યુક્તિઓ (devices) (લેખન, ગણિત જેવી) લભ્ય હોતી નથી. સુસંસ્કૃત માનવને સ્મૃતિ ઉપર આટલો બોજો નાખવાની જરૂર પડતી નથી; તેથી એની સ્મૃતિ આદિમ માનવ જેટલી કસાયેલી હોતી નથી; આદિમ ભાષામાં આથી વ્યાકરણકોટિઓની ઘણી સંકુલતા અને શબ્દોની અસાધારણ સમૃદ્ધિ નજરે પડે છે. આમ, સંસ્કૃતિના વિકાસની કક્ષા વ્યાકરણકોટિઓની સમૃદ્ધિ સાથે નહીં, પણ માનવ વિચારણામાં અમૂર્ત તત્ત્વના વિકાસ સાથે સંકલિત છે. સંસ્કારી માનવનું મન આદિમ માનવ કરતાં અમૂર્ત તત્ત્વ વધારે સાહજિકતાથી ગ્રહણ કરી શકે છે, કારણ કે સંસ્કારી જીવનની સમગ્ર પશ્ચાદ્ભૂમિ અમૂર્ત તત્ત્વને અનુરૂપ છે. ઉ. ત. વેપારની સાથે ગણિત હોય જ, અને ગણિતના પાયામાં તર્કશક્તિ (reasoning) રહેલી છે. રાજકીય જીવનના વિકાસની સાથે સાથે સામાન્ય વિચારણા (general ideas) માટે યોગ્ય ભૂમિકા તૈયાર થાય છે, અને સામાન્ય વિચારણાના પાયામાં મૂર્ત પદાર્થોનાં અમૂર્ત તત્ત્વોનું ગ્રહણ એ મહત્ત્વનું તત્ત્વ છે. એક અશિક્ષિત ખેડૂત કે શ્રમજીવીને કોઈ મહત્ત્વની બાબતની ચર્ચા કરતો જોઈએ એટલે સંસ્કારી મનની વાણી અને એવા સંસ્કારોથી અપરિષ્કૃત વાણી વચ્ચેનો તફાવત તરત જ ખ્યાલમાં આવશે. અશિક્ષિત જનની ભાષા ઈન્ડો-યુરોપિયન ભાષાકુળની અગ્રણી અર્વાચીન ભાષા હોય તોપણ વક્તાના માનસની મર્યાદાઓને કારણે એનો પ્રયોગ બહુ જ અપૂર્ણ હશે. ભાષાની અમૂર્ત વિચારકોટિઓને મારીમચડીને એ મૂર્તરૂપ આપવાને મથશે; એમાં અનેક રવાનુસારી (onomatopoetic) શબ્દો અને ઉદ્ગારવચનો એ લાવશે; સુવ્યવસ્થિત વ્યાકરણમાન્ય પદસંયોજનને તે તોડીફોડી નાખશે. આમ પોતાના વક્તવ્યના અમૂર્ત અંશો એ અત્યંત આયાસથી પરાણે રજૂ કરવા મથશે.

આ રીતે સંસ્કારી ભાષાઓમાં પણ અશિક્ષિત જનની ગ્રામ્ય બોલીઓ આદિમ ભાષાઓ જેવાં મૂર્ત તત્ત્વો પ્રગટ કરે છે. એમાં સંકલનાનું શૈથિલ્ય, તૂટકપણું, અવ્યવસ્થિતતા નજરે પડે છે, તો એમાં એ સાથે અભિવ્યક્તિનું અસાધારણ સામર્થ્ય પણ હોય છે. એને મુકાબલે સંસ્કારી લેખકની ભાષામાં અમૂર્ત અને સામાન્ય તત્ત્વ સવિશેષ હોય છે, અને તાર્કિક અનુમાન (syllogism)ની માફક વિચારોના પૌર્વાપર્યનું સુસંકલન હોય છે. આ બંને નિરનિરાળાં ભાષાસ્વરૂપો છે, જે બે નિરનિરાળા પ્રકારની વિચારણા રજૂ કરે છે. આમ ભાષાની રહસ્યાત્મકતા (mystic element) કે મૂર્તતા (concrete element) વસ્તુતઃ તો વક્તાની વિચારણાનું જ પ્રતિબિંબ છે. વર્તમાન સંસ્કારી ભાષાઓમાં પણ વ્યક્તિના અભિધાનનું મહત્ત્વ,[7] રહસ્યાત્મક વચનો અને સૂત્રો (formulae) નો પ્રયોગ, નિષિદ્ધ શબ્દોનો ત્યાગ,[8] આદિ આદિમ ભાષાતત્ત્વના અવશેષરૂપ ગણાય.

માનવજાતિ ઉપર કોઈ અસાધારણ આપત્તિ આવી પડે એમ કલ્પીએ, જેમાં વિભિન્ન જાતિઓને એકત્ર થઈને સાથે જીવન ગાળવાનો પ્રસંગ આવે, અને સંસ્કૃતિનું વર્તમાન સ્વરૂપ નાશ પામે ને કોઈ નવતર સંસ્કૃતિનું નવનિર્માણ આવશ્યક બનશે; ત્યારે સૌપ્રથમ ભાષામાં આમૂલ પરિવર્તન થશે. ત્યારે અંગ્રેજી, ફ્રેન્ચ, કે હિંદી ગુજરાતી જેવી ભાષાઓમાં જે મૂર્ત તત્ત્વ આજે લુપ્તવત્ છે તે ફરીથી પ્રબળ બનશે, ભાષા અમૂર્તમાંથી મૂર્ત તરફ ગતિ કરશે અને એમાં રહસ્યાત્મક અને આત્મલક્ષી (subjective) કોટિઓ પ્રચુરપણે નિર્માણ થશે એમ ધારી શકાય. એથી ભાષાની અવનતિ (decadence) થશે એમ કહેવું સમુચિત નથી. અમૂર્ત અને તાર્કિક ભાષા મૂર્ત, રહસ્યાત્મક ભાષા કરતાં ચડિયાતી છે એમ કહેવામાં એક પ્રકારનો અહંભાવ, ઘમંડ (snobbery) રહેલો છે. સંસ્કૃતિ માનવ મનના વિકાસ સાથે સંલગ્ન છે; એની ભૂમિકામાં મૂર્ત વિચારણા આવશ્યક હોય તો એનો વિકાસ થાય છે. અમૂર્ત વિચારણા વિશેષ ઉપયોગી હોય તો ભાષામાં અમૂર્ત તત્ત્વનો વિકાસ થાય છે. જેમ નૈતિક ધોરણોમાં કે રાજકારણમાં અમુક જ વ્યવસ્થા ઉત્તમ અને અમુક કનિષ્ઠ એમ કહેવું બરાબર નથી, તેમ અમુક જ ભાષા-સ્વરૂપ ઉત્તમ છે અને અમુક ઊતરતું છે એમ કહેવું પણ સમુચિત નથી. સંસ્કૃતિની તે તે કક્ષામાં જે વિશેષ કાર્યસાધક નીવડે તે તે ભાષા-સ્વરૂપ વિકસતું રહે છે. બોલનારી પ્રજા એનો પોતાના જીવનના અનુલક્ષમાં સમુચિત રીતે, સામર્થ્યપૂર્વક વિનિયોગ કરી શકે છે કે નહીં એ જ ભાષાની પ્રગતિની સાચી કસોટી છે. ભાષા એ બોલનારી પ્રજાથી અતિરિક્ત કે ઊર્ધ્વગામી કોઈ તત્ત્વ નથી; પ્રવક્તાઓની જીવનપ્રણાલિકાઓની, માનસપ્રક્રિયાઓની એ આરસી છે. માનવ સંસ્કૃતિના વિવિધ ઉન્મેષોમાં ભાષા એ એક સૌથી મહત્ત્વનું, સૂક્ષ્મ છતાં અત્યંત કાર્યસાધક, તત્ત્વ છે, અને એ રીતે જ માનવની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઉત્ક્રાંતિના અનુલક્ષમાં જ એનો અભ્યાસ થવો ઘટે છે.

આ રીતે ગુજરાતી ભાષાનો ઉત્ક્રાંતિપથ આલેખવો રસપ્રદ થશે.

પંદરમા સોળમા શતકનું જૂની ગુજરાતીનું જે ગદ્ય ઉપલબ્ધ છે તેમાં વાક્યબંધ શિથિલ હોય છે અને પરસ્પર વાક્યસંકલન વ્યવસ્થિત હોતું નથી. બહુધા વાક્યો સાદાં હોય છે; ક્વચિત્ સંયુક્ત હોય છે. સંસ્કૃતની માફક ઘણી વાર અંત્ય સત્તાર્થક ક્રિયાપદ અધ્યાહૃત રહે છે.[9] પુરોગામી વાક્યનો વિચાર વિસ્તારવો હોય તો એમાંના વિશેષ્ય શબ્દ લઈને એનું કૃત્રિમ રીતે પુનરાવર્તન કરવામાં આવે છે, (ઉ. ત. ``तिहा छइं नगरी अयोध्या । किसी ते नगरी–धनकनकसमृद्ध पृथ्वीपीठि प्रसिद्ध ।’’),[10] જે અર્વાચીન ગુજરાતીમાં પ્રક્ષેપ (parenthesis) દ્વારા, કે ‘જે’ એ સંબંધદર્શક અવ્યય વડે, દર્શાવી શકાય છે. ક્રિયાના કાળમાં સાદા વર્તમાનથી ચાલુ ક્રિયા તેમજ નિત્ય ક્રિયા દર્શાવાય છે; કર્મણિ રૂપો (कीजइ, लीजइ, दीजइ, ઈ૰)નું વિધ્યર્થ સાથે, અને આજ્ઞાર્થનાં રૂપોનું વર્તમાન સાથે નિકટનું સામ્ય છે.[11] અર્વાચીન કર્મણિ (કરાય, લેવાય, ઈ૰) હજી ઉદ્ભવ્યો નથી;[12] વર્તમાન તેમજ કર્મણિ કૃદંતોનું વાક્યરચનામાં ઘણું મહત્ત્વ છે;[13] સતિ સપ્તમીનો સવિશેષ પ્રયોગ થાય છે,[14] અને વિભકત્યર્થબોધક અનુગો અત્યંત વિપુલ પ્રમાણમાં પ્રયુક્ત થાય છે.[15]

અર્વાચીન ગુજરાતી ભાષા—જે સત્તરમા અઢારમા શતકના (પ્રેમાનંદના સમયની આસપાસથી) વર્તમાન સ્વરૂપ તરફ ગતિ કરી રહી છે, અને નર્મદ-દલપત યુગમાં જે લગભગ અર્વાચીન સ્વરૂપને પામી છે, તેના સ્વરૂપમાં કેટલાક ફેરફારો થયા અને ઘણાં નવતર તત્ત્વો ઉમેરાયાં છે એમાં વિદેશી ભાષાની અસર અતિ મહત્ત્વનું બળ છે.[16] એમાં નિશ્ચિત વર્તમાનકાળ દર્શાવવાને ક્રિયાપદોને સત્તાર્થક સાહાય્યકારક ક્રિયાપદ `છે’ થી દૃઢીકૃત કરવાનું શરૂ થયું; પંચમીનો `થી’, ષષ્ઠીનો `નો’, અને સપ્તમીનો `માં’ સિવાયના ઘણાખરા વિભકત્યર્થ અનુગો ખરી પડ્યા; સતિ સપ્તમીના પ્રયોગો લગભગ લુપ્ત થઈ ગયા; અંગ્રેજી વાક્યરચનાના અનુકરણમાં વાક્યસંયોજકો સવિશેષ યોજાવા લાગ્યાં, પણ એનો વિન્યાસ ઘણી વાર કઢંગો અને શિથિલ હતો.[17] શબ્દોનાં ધ્વનિરૂપોમાં મધ્યયુગના વિકારવાળાં રૂપો છોડીને તત્સમ રૂપો પુનઃ પ્રચલિત થયાં—ઉષ્મ ધ્વનિઓમાં જૂની ગુજરાતીમાં કેવળ દંત્ય ઊષ્મનું પ્રાધાન્ય હતું ત્યાં તાલવ્ય અને મૂર્ધન્ય ઊષ્મ ધ્વનિઓ યથાવત્ વપરાવા શરૂ થયા; સ્વરભક્તિવાળાં અર્વાચીન તત્સમ રૂપોનો ત્યાગ થઈ શુદ્ધ તત્સમો ફરી વપરાવા શરૂ થયા. ઘણા પ્રાચીન ગુજરાતી શબ્દો, જે વસ્તુતઃ અતિ વ્યંજક હતા એ વિસ્મૃત થયા અને એને સ્થાને નવીન શબ્દો પ્રયોગમાં આવ્યા. ધીમે ધીમે ભાષા આ સર્વ નવીન તત્ત્વોને સુયોજિત કરવા લાગી; નર્મદનાં અને એ પછી નવલરામનાં ગદ્યમાં આ નવતત્ત્વો ભાષામાં એકરૂપ થઈ ગયાં એમ કહી શકાય. પછીના યુગમાં વાક્યબંધ ક્રમશઃ સંકુલ બનતો ગયો, અને પંડિતયુગમાં તો સુબદ્ધ વાક્યખંડો (periods) રચાતા ગયા;[18] શિષ્ટ ભાષામાં (લેખનસ્વરૂપમાં) વધારે પડતો પ્રસ્તાર આવ્યો, અને ભાષા કથ્યસ્વરૂપથી વિદૂર ખસતી ગઈ. પણ આ સમયમાં – પંડિતયુગમાં – ભાષાએ મિશ્ર વાક્યબંધ અને સુબદ્ધ વાક્યઘટના આત્મસાત્ કરી લીધી એ એક મહત્ત્વની સિદ્ધિ હતી.

આ પ્રકારના ભાષાવિકાસની કૃત્રિમતા તો સ્પષ્ટ હતી—અશિક્ષિત અને અલ્પશિક્ષિત જનતા, જેને ગળથૂથીમાંથી જ પ્રાચીન ગુજરાતીમાંથી ઉત્ક્રાન્ત, પરંપરાગત સાદી વાક્યઘટનાનો જ પરિચય હતો, તેમનાં અંતર સુધી પહોંચવા એ સમર્થ નહોતી. એટલે જ ગાંધીજીએ એને પડકારી—એમણે પોતે `નવજીવન’માં અને એમના `આત્મકથા’ આદિ અનેક ગ્રંથોમાં, અને એ પછી `હરિજનબંધુ’માં સાદા વાક્યબંધની પુનઃપ્રતિષ્ઠા કરી અને સંસ્કારશોભન છતાં સાદી અનલંકૃત ભાષાનો એક નૂતન આદર્શ રજૂ કર્યો. ગાંધીજીની બહુમુખી પ્રતિભા અને લોકોત્તર પ્રતિષ્ઠાને કારણે આ આદર્શ પુનઃ સ્થાપિત થયો, અને પંડિતયુગમાં વિસ્તૃત વાક્યબંધવાળી, સંકુલ બનેલી, ક્વચિત્ આડંબરી લાગતી (સાહિત્ય)ભાષા ફરીથી કથ્ય ભાષા-રૂઢિની આંગળી પકડી એની સાથે ચાલવા લાગી. કથ્ય ભાષા-સ્વરૂપની પ્રતિષ્ઠા ઉપરાંત ગાંધીજીએ ભાષા ઉપર બે પ્રકારે અસર કરી છે—એમણે તળપદા શબ્દોને ભાષામાં પુનઃસ્થાન આપ્યું, અને કેટલીક નૂતન વ્યાકરણકોટિઓ દાખલ કરી. શુદ્ધ સાદા વર્તમાન કાળનાં રૂપોનો ભૂતકાલીન ચાલુ ક્રિયાના[19] અર્થમાં, આજ્ઞાર્થ-વિધ્યર્થના અર્થમાં,[20] કે ક્વચિત્ શક્યાર્થના અર્થમાં[21] પ્રયોગ, અને સંયુક્ત ક્રિયાપદોનો—જે વસ્તુતઃ પૂર્ણ ક્રિયાનું દ્યોતન કરે—ચાલુ વર્તમાનના અર્થમાં પ્રયોગ,[22] ઈ૰ એમણે ગુજરાતી ભાષામાં દાખલ કરેલી નવીનતર પ્રયોગરચનાઓ છે, જે એમની પ્રતિષ્ઠાના બળથી તેમજ પ્રયોગની સ્વકીય ઋજુતાને કારણે આજે ભાષામાં સર્વસ્વીકૃત બનેલ છે.

આજનું ગુજરાતી ગદ્ય[23] ફરીથી નવીનતા માટે, સવિશેષ અર્થાભિવ્યક્તિ અર્થે કથ્ય ભાષાની લઢણો, એના અનેક રૂઢિપ્રયોગો સ્વીકારતું થયું છે. એથી ભાષામાં વધારે પ્રત્યક્ષતા, તરલતા અને સુરંગીપણું આવે છે. પણ એ સાથે સમીપવર્તી ઈતરપ્રાન્તીય ભગિની – ભાષાઓમાંથી – વિશેષતઃ તો હિંદી – ઉર્દૂમાંથી – ઘણા નવતર પ્રયોગો પહેલાં કરતાં ઘણી વધારે છૂટથી લેવાવા શરૂ થયા છે.[24] એમાં સિનેમા, આકાશવાણી તેમ ગુજરાતી વર્તમાનપત્રોની ઈતરપ્રાન્તીય વૃત્તપત્રોની શૈલીઓના રંગે રંગાયેલી ભાષા કદાચ નિમિત્તરૂપ હશે. પણ એ આદાન કેટલીક વાર સુરુચિથી થયેલું નથી લાગતું—કોઈક વાર તો ગુજરાતી રુચિર સમર્થ પ્રયોગને છોડીને કેવળ નવીનતા અર્થે, કહો તો એક પ્રકારની શ્રોતૃવર્ગને ભભકથી આંજી દેવાની વૃત્તિથી જ આવા પ્રયોગો કરવામાં આવ્યા હોય એમ ભાસ થાય છે. ક્વચિત્ તો એ પ્રયોગો ભાષાદૃષ્ટિએ શુદ્ધ પણ હોતા નથી. પણ જે રીતે ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં કાળની ભઠ્ઠીમાં તવાઈ તવાઈને સંસ્કૃતિનું કથીર બળી જાય છે અને કેવળ શુદ્ધ સુવર્ણ અવશેષ રહે છે, એમ આમાં પણ કાળબળે બનશે એમ શ્રદ્ધા રાખી શકાય. સર્વ કક્ષાએ માતૃભાષામાં શિક્ષણ આપવાની યોજના, એ નિમિત્તે શાસ્ત્રીય ગ્રંથોનું માતૃભાષામાં સર્જન, રાજ્યવહીવટમાં પણ સર્વત્ર માતૃભાષાનો સ્વીકાર, સાહિત્યનાં અને વાઙ્મયનાં વિવિધ ક્ષેત્રે વર્ષપ્રતિવર્ષ થતું માતબર સર્જન, અને એનો સવિવેક સ્વીકાર કરનાર વિશાળ, રસિક, સુજ્ઞાત વાચકવર્ગ દ્વારા એનું અનુભાવન, તેમ વિદ્વાન, પર્યેષક, સાહિત્ય-રસિક વિવેચકો દ્વારા એનું સમતોલ ગુણદર્શન અને મૂલ્યાંકન આ સર્વ તત્ત્વો ભાષાને ઉત્તરોત્તર વિશેષ અને વિશેષ સમૃદ્ધ કરતાં જશે એવી અવશ્ય આશા રાખી શકાય.


  1. સરખાવો: એલ પી તેસ્સિતોરિ, पुरानी राजस्थानी, અનુવાદ, નામવરનું સિંહ, પ્રકા૰ નાગરીપ્રચારિણી સભા, કાશી, સં. ૨. ૨૦૧૨, પૃ. ૬૭.
  2. ઉ. ત. ‘બાયડીઓ ગઈઓ હતીઓ.’
  3. સરખાવો: ‘श्रावक पाणी भरी जेतलइं आवइ तेतलइं....चोरना प्राण ग्या ।’
    —`प्राचीन गूजराती गद्यसंदर्भ, संपादित, मुनिश्री जिनविजयजी, पृ. १६६
    `मेघि वरिसतइ मोर नाचइं,’ – मुग्धावबोध औत्किक
    ‘तिणि दिवसि हूउं सुपनंतर, हूतइ प्रगट विहाणइ’
    —कान्हडदेप्रबंध १-११७
    ‘तेहे राउते चालते हूंते हस्ती गुड़िया तुरी पाषरीया ।’
    — कान्हडदेप्रबंध खंड १- भड़ाउली.
  4. સરખાવો: "Thus by drawing up a balance-sheet of profit and loss on morphological evolution, we do not find that the idea of progress as such can be associated with it." —Vendryes, Language, p. 352.
  5. જુઓ : vandryes, op. cit., p. 353
  6. સરખાવો: Vendryes, op. cit., pp. 355-356.
  7. ઉ. ત. પતિનું કે પત્નીનું નામ ન લેવાની પ્રાચીન ભારતીય આર્યોની પ્રણાલિકા, કે કેટલાક લોકોમાં મોંઘાં ખોટનાં સંતાનોને તુચ્છ નામો આપવાની વર્તમાન પ્રથા.
  8. ઉ. ત. ‘મરી ગયો’, ‘દીવો ઓલવ્યો’, ‘દુકાન બંધ કરી’, ઈત્યાદિને બદલે ‘સ્વર્ગવાસ કર્યો’, ‘દીવો રામ કર્યો’ (કે ‘ઘેર કર્યો’), ‘દુકાન વધારી’ આદિ વિશિષ્ટ પ્રયોગો.
  9. સરખાવો : ‘चंपा नगरी, तिहां कामदेव गृहस्थ | भद्रा कलत्र | तेहनइ छ कोडि सुवर्ण निधानगत, छ कोडि व्यवसायि, छ कोडि घरनइं मंडाणी – एव १८ कोडि सुवर्णनउ धणी | तेहनइ दस गोकुल दस २ सहस्त्र गाइनां | तिसिइ श्रीमहावीर समोसारिया | धर्मदेशना सांभलि कामदेव श्रावकिं सम्यकत्व मूल बार व्रत पडीवज्यां ||”
    – ‘प्राचीन गूजराती गद्यसंदर्भ’, संपा. श्री जिनविजयजी, पृ. ११५
    “तीह माहि वषाणीयइ मरहट्टदेस | जीणइ देसि ग्राम, अत्यंत अभिराम | भलां नगर, जिहां न मागियइं कर | दुर्ग, जिस्या हुइ स्वर्ग | धान्य न निपजइं सामान्य | आगर सोनारूपा तणा सागर | जेह तेह माहि नदी वहइं, लोक सुषइं निर्वहइ | इसिउ देश, पुण्यतणउ निवेश, गरूअउ प्रदेश |”
    – ‘प्राचीन गूजराती गद्यसंदर्भ’, पृथ्वीचंद्रचरित्र, उल्लास १, पृ. १२८-१२९
  10. સરખાવો : ‘प्राचीन गूजराती गद्यसंदर्भ’, पृ. १३१
    વળી સરખાવો : "... सश्रीक राजा राजसभां बईठा । राजसभा किसी छइ – जीणि राजसभां कुंकुमजलि छटा दीधी छइं, विविधमुक्ताफलि चतुष्क पूरिया छइं... सुवर्णमय सिंहासन मांडिउ छइं ।"
    जीणं नगरि अनेक पामीयइं रत्न, जीहतणां कीजइं, यत्न | किस्यां ते रत्न – अस्वरत्न, गजरत्न, पुरुषरत्न, ... ||”
    – ‘प्राचीन गूजराती गद्यसंदर्भ’ , पृ. १३१, १२९.
  11. સરખાવો : " कीजइ, लीजइ, दीजइ ; कीज, लीज, दीज... इसइ बोलि वर्त्तमानु कालु, वर्त्तमानानुं आत्मनेपदु | करिजे, लेजे, देजे, इसइ बोलि वर्त्तमानु कालु, सप्तमीनुं परस्मैपद ||” “करइ, लिइ, दिह..... इसइ बोलि वर्त्तमानुकालु, वर्त्तमानानुं परस्मैपदु |..... करइ, लिइ, दिह..... इसइ बोलिवइ वर्त्तमानकालु, पंचमीनु परस्मैपदु ||” – ‘प्राचीन गूजराती गद्यसंदर्भ’ , पृ. १८६.
  12. સરખાવો : "जिहां क्रियानइ छेहि वर्त्तमानकालि ‘ईयक, ईजत, बोलाइं ते कर्म्मि उक्ति ||’ – ‘प्राचीन गूजराती गद्यसंदर्भ’, पृ. १७६.
  13. ઉ. ત. कीजतउ (=क्रियमाण); दीजतउ (=दीयमान); पढीतउ (=पठ्यमान). "सूत्रधारइ कीजतउ प्रसाद लोक देखइ । " (=क्रियमाण).
  14. સરખાવો : "मेघि वरिसतइ मोर नाचइ” | (= मेघे वर्षति) "गुरि अर्थु कहतइ प्रमादीउ ऊंघइ || (= गुरौ अर्थे कथयति); “गोपालिइं गाए दोहीतीए चैत्रु आविउ |” (= गोपालेन गोषु दुह्यमानासु.....); “अणसण लीघइं अवधिज्ञान ऊपनउं |” ; “इत्यादि बोलिवइ...” | – ‘प्राचीन गूजराती गद्यसंदर्भ’ , पृ. ११७, १७२, १७७.
  15. ઉ. ત. करि, सिउं (કરણાર્થ); , हृइं, रहइं (સંપ્રદાનાર્થ); माटइं, भणी (કારણાર્થ; ચતુર્થી); हूंतउ, तउ, थउ, थकउ (અપાદાનાર્થ); केरउ, चउ, तणउ, नउ (સંબંધાર્થ); मझारि, माझि, मांहि (અધિકરણાર્થ); ઈ૰.
    –સરખાવો : એલ. પી. તેસ્સિતોરિ, पुरानी राजस्थानी , पृ. ६७.
  16. સરખાવો : ``આ પ્રમાણે ક્રિયાપદને છેડે ગૂર્જર ભાષામાં ‘छे’ લગાડવાનો ચાલ પડ્યો છે......પરદેશી લોકોના સમાગમથી ગૂર્જર ભાષાની બોલવાની આંચળી અનેક પ્રકારે બદલાઈ ગઈ છે.’’ —વ્રજલાલ કાળિદાસ શાસ્ત્રી, उत्सर्गमाला, (ઈ. સ. ૧૮૭૦. ) પૃ. ૭૪-૭૫
  17. સરખાવો : ``ત્યારપછી કેટલાએક રૂષિઓએ પોતપોતાના અભિપ્રાયને મળતા મંત્ર તથા વાક્યો વેદમાં વધતાંઘટતાં કીધાં. અને ૩ વેદ થયા.. ત્યારપછી કેટલાએક કાળે ચોથા અથર્વણ વેદના બ્રાહ્મણો થયા... પણ એ વાતનો મેં સારી પેઠે તપાસ કીધો છે. કે એક ગ્રંથના ૪ ભાગ કરે એમજ ચાર વેદની સંહિતાઓ નથી. ઘણું કરીને એના એજ મંત્ર ૪ સંહિતામાં છે. પણ તેનાં વાક્યો ફેરવેલાં છે અને રૂગ્વેદની સંહિતા સઊથી મોટી ૬૪ અધ્યાયની છે. કે જેનો તરજુમો ઇંગ્રેજીમાં થયો છે. યજુરવેદની સંહિતા ૪૦ અધ્યાયની છે પણ વિચારી જોઇયે તો તેમાં કેટલાએક મંત્ર પછીથી મેળવેલા માલમ પડે છે કેમકે વેદની ભાષા પૂરાણ તથા કાવ્યોને બહુ મળતી આવતી નથી. અને યજુરવેદના કેટલાએક મંત્રોની ભાષા પૂરાણ તથા કાવ્યને મળતી આવે છે. વળી હરેક વેદમાં ઊપનિષદ પછીથી થયાં હોય, એમ જણાય છે. કેમકે તેની ભાષા પણ પૂરાણોને ઘણી મળતી આવે છે. —કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ, `જ્ઞાતિનિબંધ’, આવૃત્તિ બીજી, ઈ. સ. ૧૮૬૧, પૃ. ૧૬, ૧૭, ૧૮.
  18. પંડિત યુગના સુબદ્ધ વાક્યખંડના નીચેના બે નમૂનાઓ—તે તે પંડિતની કૃતિઓમાંથી યાદૃચ્છિક લીધેલા—જુઓ: ``પતિનું નામ કોઈના દેખતાં બોલતી હોય અને શરમાતી હોય તેમ ઘડીક મનમાં ને મનમાં શરમાઈ; કોઈ દિવસ એ નામ પોતે ન દીધું હોય – ન દેતી હોય, પતિનો સ્પર્શ અચિન્ત્યો અનુભવતી હોય, એ સ્પર્શની પેઠે જ પતિના નામનો સ્પર્શ જીભને-હૃદયને-થતો હોય, તેમ પતિના નામનો એકેકો અક્ષર બોલતાં રોમાંચના શીતળ તરંગોમાં નાહી સીત્કાર બોલાવવા લાગી, ઉત્કંપની લહેરોથી ચમકવા લાગી અને વિચારમાં પડી સફળ-મદનતા અનુભવતી હોય તેમ પળે પળે પોપચાં અર્ધાં મીંચવા લાગી."
    —ગોવર્ધનરામ ત્રિપાઠી, `સરસ્વતીચંદ્ર’ ભાગ ૧ લો, પૃ. ૩૧૮.


    ``આ મૈત્રી-સંબંધને હવે તો જૂનાને બદલે પુરાનો ય કહેવાય. અને અમે જે કે ત્યારથી મિત્રો તે આજ લગી મિત્રો રહ્યા છિયે, તોપણ અમને બંનેને ઓળખનાર દરેક તટસ્થ જાણે છે કે આ બધા દાયકાઓ દરમિયાન એમની અને મ્હારી ભાવનાઓ, પ્રવૃત્તિઓ, રુચિઓ આદિ વચ્ચે મોટા મોટા ભેદ ચાલૂ જ રહ્યા છે. અમે બંને એકબીજાને હળીમળી શક્યા છિયે પણ બહુ ઓછા; કેમકે બંને પોતપોતાના કામમાં મગ્ન એટલે (૧) લીન તેમજ (૨) મગન. અમારી બેની પ્રકૃતિઓમાં મોટું સામ્ય પણ આ, કે ઘડી નવરા નહીં. અમારા જીવનનો મુખ્ય આનંદ અમારાં કામકાજની અખૂટ પરંપરા. આ બાબત સાંભળતાં જેણે જાણ્યું પણ હશે કે એના શ્રીગણેશ માંડનાર તો અમદાવાદ અને ગુજરાતના જાણીતા આગેવાન શ્રી હરિપ્રસાદ દેસાઈ, ત્યારે તેમાંના ઘણાંને હું ધારું છું કે, કંઈક અચંબો પણ થયો હશે. સાથે સાથે મનોમનસાક્ષીન્યાયે આ પણ જાણું છું કે આ વાત સાંભળતાં જેમને આપોઆપ આનંદનો ઊર્મિ સ્ફુરેલો તેવાંની પ્રથમ પંક્તિમાં એક તો હશે શ્રી હરિપ્રસાદનાં એક બહેન, મ્હારાં વડોદરાનાં મિત્ર શ્રી જયવતી, બીજાં એમનાં ભાભી, મ્હારાં પૂનાનાં મિત્ર શ્રી પદ્માવતી’’.

    —બળવંતરાય ઠાકોર, `પંચોતેરમે’, પૃ. ૮

  19. સરખાવો : `એમ તે મને આગ્રહ અને પ્રેમપૂર્વક સમજાવે.’
    —ગાંધીજી, `આત્મકથા’, પૃ. ૩૩૭
  20. સરખાવો : ``આમાંના કોઈ ધંધે સિપાહી હતા એમ વાંચનાર ન માને.’’
    —ગાંધીજી, `આત્મકથા’, પૃ. ૩૩૭
  21. સરખાવો : ``જે બ્રહ્મચર્યનાં આવાં પરિણામો આવી શકે એ બ્રહ્મચર્ય સહેલું ન હોય, તે કેવળ શારીરિક વસ્તુ ન હોય.’’
    —ગાંધીજી, `આત્મકથા’ પૃ. ૩૩૬
  22. સરખાવો : ‘પણ હું બને ત્યાં લગી વખતના અનુક્રમ પ્રમાણે મારા અનુભવો લખી રહ્યો છું.’’—ગાંધીજી, `આત્મકથા’, પૃ. ૨૫
  23. વર્તમાન ગુજરાતી ગદ્યનું નીચેનું ઉદાહરણ જુઓ — એ જેટલું સુંદર છે એટલુંજ પ્રાણવંત છે :— “આન્તર ઉપાદાનની અનુનેયતા અને આકારક્ષમતાને લીધે સર્જકની જીવનદૃષ્ટિ સાહિત્યકૃતિની આકૃતિમાં એક નિયામક તત્ત્વ થઈ જાય છે. જેની દૃષ્ટિ કુંવારી છે, જે જગતમાં આંખકાન ઉઘાડા રાખી રહસ્ય શોધવા વિચરે છે, તે વિશેષ તટસ્થ સાહિત્યકાર થવા સંભવ છે. તેનું સર્જન માત્ર સૌન્દર્યપરાયણ થાય અને તાત્પર્ય કે રહસ્ય કેવળ તેને જ આધીન રહે. આવા લેખકની જુદી જુદી કૃતિઓના તાત્પર્યમાં વિભિન્ન, પરસ્પર સંવાદી કે વિસંવાદી, જીવનદર્શન જણાય છે. કોઈ વાદને વરેલા કે નિશ્ચિત જીવનદર્શનવાળા સર્જકમાં આમ નહિ બને. સાહિત્યનું સૌષ્ઠવ ને ઔચિત્ય ને રસતત્ત્વને જાળવીને પણ ઈષ્ટ વિચારનું આવેદન થાય, એ પ્રકટ થાય, એની ઝાંખી થાય; એની સાથે મેળ રાખે, એવી આકૃતિ તે ઉપજાવવાનો.” — શ્રી. વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી; `રસ, સૌન્દર્ય અને આનંદ’, `ઉપાયન’-ગ્રંથ, પૃ. ૫૫.
  24. ઉ. ત દિલદારા, શહીદ, બિસ્મિલ, હરદમ, આલમ, દમદમ, આમીન, જખ્મ, બિરાદર, નૌજવાં, હમદિલી, કલેજા, દિલઆહ, જિન્દગાની, તૌર (=રીત), સિતમ, બિચ, ઈજન, મંજિલ, મહેફિલ, બોસા, હમદર્દી, શાયર, ગારદ; જંજીર, નગણ્ય, ગમી (=શોક), સુહાગ, બિભીષણ (=ભયંકર), સબ, ક્રિસ્તાન, ગાયબ, એહિ, તમન્ના, તોરી (=ત્હારી), ખિદમત, પ્યાસ, ચહું ઓર (=ચારે બાજુ), બાદલ, નેનન, પનિહાર, ઈ૰ (મેઘાણી – `યુગવંદના’ `રવીન્દ્રવીણા’). મશહુર; દુલાર, અહેસાન, અબૂજ, બંસી, હસ્તી, ગમગીની, રોનક, ગુફતેગો, મહેફિલ, બુનિયાદ, આરજૂ, આરત, ધરાણા, ફીરત, તરબતર, ખુશ્બુ, દિલાવરી, ગમખ્વારી, આહ, શાગિર્દ, બડભાગી, આસાની, ગાયકી, સાજિન્દા, તમીજ, નાચીજ, અહેસાનમંદ, શરાબ, અફસર, ઈ૰ (કિસનસિંહ ચાવડા – `અમાસના તારા’)