ભૂંસાતાં ગ્રામચિત્રો/૨૭. લક્કડિયા માતા

૨૭. લક્કડિયા માતા


પાછલી રાતનો વહેલો જાગી જાઉં છું. જાગતાં જ વિચારો ઘેરી વળે છે.

પણ હમણાં હમણાંથી એક વિચિત્ર ભ્રાન્તિ થયા કરે છે. ગજબ છે એ. મને દૂર દૂરના મલકમાંથી કોઈ બોલાવતું હોય એમ લાગ્યા કરે છે. મારું ભીતર-મન એ અગોચર પણ પરિચિત લાગતા સાદને બરોબર ઝીલતું હોય છે. હું એ દૂરના સાદ અને મારા મનમાંથી ઊઠતા પ્રતિસાદને અનુભવતો બેઠો રહું છું. ઘણી વાર અવશ મન એ દિશામાં ચાલી નીકળવા ઝાવાં મારે છે. વીતી ગયેલી વસમી વેળાએ અને સંબંધોના વારાફેરા યાદ આવતાં હું સોરાઉં છું. દુન્યવી આચારોથી બચાવીને સાચવી રાખેલું મારું એકાંત આવી વિવશ પળોમાં એકલતા બની રહી જાય છે. મારી ગામસીમના મારગ માથે ત્રિભેટે ઊભેલી એકાકી રાયણ જેવો હું મારી ઉંદર ઊભો રહી જાઉં છું. ચરાનાં બાવળવૃક્ષો વચ્ચેનો સન્નાટો મારી ચારે તરફ વ્યાપી વળે છે. જિવાઈ ગયેલી જિંદગીનાં કેટલાંય રૂપો મારી અંદર સળવળે છે, બેઠાં થાય છે ને ક્રમશઃ ચાલ્યાં જાય છે. મારું બધું પેલે કાંઠે રહી ગયું છે ને વખતે મને હોડીમાં બેસાડીને બીજે કાંઠે ઉતારી મૂક્યો છે જાણે! ઝાયણીને દિવસે ગામ પાદરે ભેગું થતું ને ડાભનું જાડું તોરણ વણી બે ઝાડવાં ઉપર બાંધી ગાયો ભડકાવવામાં આવતી, નવા વર્ષના શુકન લેવાનો એ રિવાજ હતો. ડાભનું એ તોરણ ઘણી વાર તો બીજા વર્ષ સુધી સાબદું રહેતું. એની પડખે નવું તોરણ બંધાતું; પાંચ પૂતળીવાળું. ઊંડે ઊંડે મને દેખાયાં કરે છે કે હવે તોરણો જલદી તૂટી જાય છે. નવું તોરણ પણ ઊબળીને લટકી પડે છે. પેલાં બેઉ કાંઠીનાં ઝાડવાં તોરણથી જોડાતાં હતાં તેય હવે સૂનાં, એકલાં ઝૂર્યા કરતાં હોય એમ લાગે છે. હું એ તોરણોમાંથી છૂટો પડી ગયેલો ડાભ ન હોઉં જાણે… તોરણનું તૂટી જવું મને ગમગીન બનાવી દે છે.

ગામવચાળે રહેતાં બાળવિધવા બ્રાહ્ણી ભાણીફોઈને અમે વખત પૂછવા જતા. ગામમાં સમ ખાવા એમને ઘેર એકલું ભીંત-ઘડિયાળ હતું. એમાં ટકોરા પડતા અને અમને કૌતુક થતું — ‘અંદર કોણ હશે જે આમ ડંકા મારતું હશે?’ ભાણીફોઈ બહાર ઓટલે બેઠાં હોય, તે તડકો અને નેવાંનો છાંયડો જોઈને અમને સમય કહે  : ‘અગિયારમાં “એક વ્હેંત છાંયો ખસવાની વાર છે.” પછી તો ઘણી વાર અમે એ કહે એમ હાથ કે લાકડાથી તડકો-છાંયો માપતા અને શાળામાં જઈને સાહેબને કહેતા “પાંચમાં એક હાથની” વાર છે.’ ત્યારે સમય વિશે કશી સભાનતા જ નહોતી ને એથી કેટલી મજા પડતી! આજે તો સમયનો પહેરેગીર બ્લૅક કમાન્ડોની જેમ ઘેરીને ઊભો છે. ઘણી વાર સાંજ પડે છે ત્યારે, પેલો ભાણીફોઈના આંગણાવાળા તડકો-છાંયો મને સાદ પાડતો સંભળાય છે. ભાણીફોઈ માટીમાંથી શીતળામાની મૂર્તિ જેવો આકાર ઘડીને મૂકતાં. ગામની બધી પટલાણીઓ ઢોરાં-છોરાં, ખેતરશેઢો ને ધણી-બળદમાંથી પરવારીને બપોરે કુલેરના લાડુ લઈને શીતળાસાતમ પૂજવા જાય. અમે બા-બેનની આંગળીએ વળગેલા હોઈએ. કંકુ-ચોખા ને નાડાછડી ચઢે, કુલેરના લાડુ માને ધરાવ્યા હોય. પછી બા કે બેન કહે — ‘ઉંદર થઈને કુલેર લઈ લે ભૈ…!’ પહેલાં તો સમજાતું નહીં, પણ પછી દેખાદેખી આવડી ગયેલું. ચાર પગે થઈને માતા તરફ સરીને આપણા ઘરની કુલેરની થાળી લઈ લેવાની. પછી કુલેર વહેંચવાની ને વધે એ ખાવાની. રાવજીએ આવા જ કોઈ અનુભવ પછી લખ્યું હશે કે — ‘માણસની જાત, ચપટી કુલેર મળી કે રાજીની રેડ.’ ત્યારે તો કુલેર ખાવાની મજા આવતી. પણ આજે એ સ્મરણેય વિવશ કરી મૂકે છે. શીતળામાય ચૂલામાંથી નીકળીને ચાલી ગયાં છે, વસ્તીથી દૂર ક્યાંક વનવગડામાં જઈ વસ્યાં હશે… વસ્તીવચાળે તો થોડાક લિસોટા રહી ગયા છે… ‘કુલેર ખાવાના’ અવસરો તો આવે છે પણ અંદરનો ઉમળકોય કોઈ દૂરના વગડાની વાટે અબોલ કેડીએ કેડીએ કશેક ચાલ્યો ગયો છે. જોકે ક્યારેક તંદ્રામાં કોઈનો સાદ સંભળાય છે કે — ‘ઉંદરડો બનીને કુલેર લઈ લે… લેવાય એ તો…!’ પણ અંદરથી જ કોઈ ના પાડે છે…

‘ભાદરવાનો વરસાદ ગાજે તો સાપનાં ઝેર ઓછાં થાય.’ દાદા કહેતા. માણસોનાં ઝેર શી રીતે ઓછાં થતાં હશે? માવઠાથી? મને પ્રશ્ન થતો. ભાદરવો મને મકાઈનાં ખેતરોમાં લઈ જાય છે. ડોડાથી ખેતરો લચી પડ્યાં છે. રખવાળીના માળાઓ સૂડા-કાગડા ટોવા સાથે ગીત, દોહાની રમઝટ અને ડોડા શેકવાની ધમાલથી જીવતા-જાગતા છે. પેલો ડુંગર લીલછાયેલો, નીચેનું તળાવ પોયણેભર્યું ને પાસે ડાંગરક્યારીમાં મહેકતી કંટીઓ, માથે કાળાંધોળાં વાદળોની વણઝાર. આજેય વાદળો જોઉં છું ને થાય છે એ નક્કી એ મારી મહીસાગરને આરે પાણી ભરવા જ જતાં હશે.

ડોડા ખાવાના એ દિવસો હતા. મકાઈછોડને મૂછિયાં ફૂટે ત્યાંથી જ મન અધીરું. ઘણી વાર મકાઈ શણગાઈ હોય ને જીવ ડોડા સારુ ઝૂરતો હોય. અમે ડોડાનાં પેંહટાં ખોલીને દાણાની દૂધમલ હારો જોતા, નખ ચબાવીને દાણા ડુભ્ભર થયાની ખાતરી કરતા ને પછી વડીલો પાસે વધામણી ખાતા. ‘ડોડા કાંઈ માતાજીને ધરાવ્યા વિના ખવાય?’ મા રોકતી. રવિવારે મોટીબહેન ઘીનો દીવો કરવા અમને લઈને નીકળે. ખેતર જઈને એ સાત ડોડા છોડથી ઉતારી લે પછી લઈ જાય અમને માતાની માલગુણમાં. સીમ-વગડા વચ્ચેનું એ થાનક. ઊંચો ઊમરો, પડખે પીપળો. બાજુમાં બીલીનાં ઝાડ. ઢળતી ટેકરીના ઢાળે સાગડા, વચ્ચેથી આવે કેડી, પાસે એક કૂવો, પાળે આંબો ને પછી સીમ-ખેતરો. આંકલવાના ઝાડ નીચે માતાજીની બે મૂર્તિઓ. લાકડામાંથી ઘડેલી. લક્કડિયા માતા. તડકે-વરસાદે-ઘી-તેલના ડાઘાએ કે રંગે-ખબર નથી કેમ, પણ બેઉ માતાજી કાળાં! ધીરગંભીર ઊભેલાં. માથાં ચોટલા ગૂંથેલાં. કેડ્યે હાથ. આંખો ઢળેલી… ઘાઘરી નીચે દેખાતા પગમાં કડલાં.

આમ તો —

બાધા-આખડી માટે માતાના ઉપયોગ. પણ બાળગોઠિયા ઘણી વાર કહેતા કે માતાના થાનકે રાતે ભૂવા ધૂણવા આવે. ભૂતવંતરીને ઉતારે. એટલે માતાજીની બીક લાગતી. ગૌરીપૂજન વખતે ગામની બહેનો જોડે આવીએ કે ડોડા ધરાવવા ઊતરતે ચોમાસે. એ વગડાનું નામ જ માતાની માલગુણ. દિવસે ત્યાં ગોવાળિયા ઢોર ચારતા હોય… પણ અમે તો ત્યાંથી પસાર થવાનું થાય ત્યારે મુઠ્ઠીઓ વાળીને ધડકતી છાતીએ નીકળી જતા. માતાઓ ઉપર નજર પડતી તો એય ઢળતી સાંજે તો ડરામણાં જ ભળતાં. ઘર-ગામમાં ઢોર-માણસને ધમકાવવા દેવાતી ગાળ વારેવારે કાને પડતી — ‘તને માતા ખાય’ ‘તને માતાએ ચઢાવે…’ એટલે અમારો ડર વધી જતો. માતા તો વાયરો થઈનેય પાછળ આવે. એટલે વાટે જતાં ક્યારેક પાછળ કોઈના આવવાનો ભણકારો થતો ને છળી જતા. વાડમાંથી તેતર ઊડતાં ને હબકી જતા. પણ ડોડા મૂકવા જતાં મોટીબહેન સાથે હોય એટલે ભો નહીં.

બહેન માતાજીને પારે દીવો મૂકે ને બેઉ માતાનાં ચરણોમાં ડોડા મૂકીને માથું નમાવે — બોલે  : ‘ઓણગાર આલ્યું એવું પોરગાર આલજો માતા!’ પછી અમને કહેતી  : ‘ઉંદરડો બનીને ડોડા લઈ લે…’ અમો ડોડા લઈ લઈએ. બહેન ત્યાં જ લાકડાં-ટીટિયાં સળગાવીને ડોડા શેકી આપતી. બહેન કટકી ડોડો માતાના પારે મૂકીને પછી કટકી ડોડો ભૂતબાપજી માટે દૂર ફંગોળી દેતી. પછી અમે ડોડો ખાતા! દર વર્ષે ડોડા ખાવાની આમ શરૂઆત થતી. એ ડોડાનો સ્વાદ અહીં શહેરની સડકો પર મળતા ડોડામાં નથી. લારીમાં શેકાતા ડોડા જોઉં છું ને મને માતાની માલગુણ, સીમ તથા ખેતરમાળો ને શેઢાની તાપણીઓ સાંભરે છે. એ ડોડામાં નિજ ધરતીનો સ્વાદ હતો… માતાની, માટી—માની પ્રસાદી જેવા એ ડોડા! ‘માણસાઈના દીવા’-ના બાબર દેવાએ જિંદગીનાં ત્રીસ વર્ષ પછી જેલમાં એ ડોડા જોયા ત્યારે એને ખાવાને બદલે એની પ્રદક્ષિણા ફર્યો હતો. એક અભણ બહારવટિયો પણ અંદરથી તો નર્યો માણસ હતો. હુંય અહીં મોસમના પહેલા ડોડાને જોઉં છું ને મનોમન નમી પડું છું. માતાની માલગુણ મારામાં બેઠી થઈ જાય છે. બેનનો સાદ મને સંભળાય છે ને મને ડૂમો બાઝે છે. હું ડોડો ઝટ ખાઈ શકતો નથી. પોતાનાં ખેતરોથી વિખૂટા પડી જવાની સજા તો હુંય ભોગવી રહ્યો છું. આજે તો પેલાં લક્કડિયાં માતાને ઊધઈ ખાઈ ગઈ છે. એના ખવાયેલા લાકડાને ડોડા શેકનારાંઓએ તાપણીમાં બાળી મૂક્યાં છે… બધું બદલાઈ ગયું છે… એક મારું મન નથી બદલાયું… વહેલી પરોઢે સંભળાતો એ સાદ તે માતાના થાનકે તાપણીમાં શેકાતા ડોડાનો સાદ હશે? કે શીતળા માની કુલેર બોલાવતી હશે? ક્યારેક તંદ્રામાં જોઉં છું તો ભેખડો તૂટે છે, કોતરો મોટાં ને બિકાળવાં બનતાં જાય છે… ઘર પાસેની મહીસાગર જાણે કે પેલે પારથી મને બોલાવે છે… ને વચ્ચે ઊભા ડુંગર છે, કોતરો ને ભેખડો છે… ઊંડે ઊંડે થાય છે કે મારું વનરાવન તો પેલે કાંઠે રહી ગયું છે, આ કાંઠે હું એકાકી…

[૧૯૯૭]