મંગલમ્/કોણ રોકે!

કોણ રોકે!

આ પૂનમની ચમકે ચાંદની, એને કોણ રોકે?
કાંઈ સાયર છલક્યો જાય, કે એને કોણ ટોકે!

આ અષાઢી વરસે મેહુલો, એને કોણ રોકે?
કાંઈ પૃથ્વી પુલકિત થાય, કે એને કોણ ટોકે!

આ વસન્તે ખીલતાં ફૂલડાં! એને કોણ રોકે?
કાંઈ ભમરા ગમ વિણ ગાય, કે એને કોણ ટોકે!

આ આંબે મ્હોરી મંજરી, એને કોણ રોકે?
કાંઈ કોકિલ ઘેલો થાય, કે એને કોણ ટોકે!

આ અંગે યૌવન પાંગરે, એને કોણ રોકે?
કાંઈ ઉરમાં ઉર નહિ માય! કે એને કોણ ટોકે!

— સ્નેહરશ્મિ