મંગલમ્/ચાર પ્રહર તમે

ચાર પ્રહર તમે

ચાર પ્રહર તમે ધંધો કરોને વા’લા,
ભાવ ભગતના ધણી મારા બંદા,
હે… એક ઘડી રે તમે રામ સંભારો જી.
— ચાર પ્રહર…

આ રે દેવળમાં એક દેવ બિરાજે વા’લા,
દેવળ સલૂણું દીસે મારા બંદા;
ઊડી ગયો જ્યારે દેવળનો દેવતા,
દેવળ તો સૂમસામ દીસે મારા બંદા,
હે… એક ઘડી રે તમે રામ સંભારો જી.
— ચાર પ્રહર…

આ રે વાડીમાં એક ભ્રમર બિરાજે વા’લા,
વાડી સલૂણી દીસે મારા બંદા;
ઊડી ગયો જ્યારે વાડીનો ભમરો,
વાડી તો સૂમસામ દીસે મારા બંદા.
હે… એક ઘડી રે તમે રામ સંભારો જી.
— ચાર પ્રહર.…