મનીષા જોષીની કવિતા/આવરણ

આવરણ

આ અરીસો હવે કાબૂ બહાર થઈ ગયો છે.
હું એની સામે ઊભી રહું છતાં,
મારું કોઈ પ્રતિબિંબ જ નહીં!
અને એમાં દેખાયા કરે, બાકીનું બીજું બધું જ!
મારી પાછળની એ દીવાલ, અલમારી, પુસ્તકો વગેરે.
અરે, ક્યારેક તો ઘર પાછળના નાનકડા બાગમાં ખીલેલાં
ફૂલો સુધ્ધાં એમાં દેખાય છે
પણ મારા અસ્તિત્વને એ નકારે છે, ધરાર.
મારા અને અરીસા વચ્ચેનું
કાચનું એક આવરણ
કદાચ દૂર થઈ ગયું છે.
કાં તો અમે એક થઈ ગયાં છીએ
અથવા તો અદૃશ્ય.
આ અરીસો
તસુભાર ખસ્યા વિના
બતાવે છે મને
આ ઘરની નીચે છુપાવેલી પૂર્વજોની સંપત્તિ
અને ક્યારેક તો
ભવિષ્યની કોઈ એકાદ ક્ષણ પણ.
હું ઝંખી રહી છું, મને જોવા
પણ મારા પોતાના સિવાય
એ બતાવે છે, બીજું બધું જ, માંગું તે.
કદાચ મારું રક્ષણ કરી રહ્યો છે આ અરીસો
અથવા તો પછી
એણે મારી નાંખી છે મને
અને મને એનો ખ્યાલ સુધ્ધાં આવવા નથી દીધો.