મનોહર ત્રિવેદીનાં કાવ્યો/તમે ભલે ઘર છોડી ચાલ્યાં–

તમે ભલે ઘર છોડી ચાલ્યાં–

તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં.....
તમે ભલે મુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં....

હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણીએ
ટાંકા લેતી આંગળિયું કંઈ તરવરતી તોરણિયે
બારસાખ આંખો ઢાળીને જોઈ રહે ઉંબરમાં....

નથી રોટલે ભાત્ય તમારી હથેળિયુંની પડતી
નથી રોટલે ભાત્ય – યાદ એ વળી વળી ઉપસતી
નથી તમે–ની સરત રહે ના કેાઈ અવરજવરમાં....

આળીપાની વેલ્ય દીવાલે રોજ રહી કરમાઈ
પ્રભાતિયાંનો કંઠ વલોણે ગયો હવે મુરઝાઈ
ગીત વગરનું ગીત ટપકતું ફરી ફરી ભીતરમાં....

તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં....
તમે ભલે સુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં....