મનોહર ત્રિવેદીનાં કાવ્યો/પ્રાર્થના - ૫
પ્રગટ્યા દીવા
અજવાળાં તરસ્યાં તે આવ્યાં અંધારાંને પીવા
નભને કશુંક ક્હેવા આવી
જુઓ, અષાઢી બીજ :
અલોપ થઈએ તો ફણગે છે
અણધારી કો’ ચીજ
ચાસે ચાસે પ્રભુ પધાર્યા : નમી પાનની ગ્રીવા
આઠે પ્હોર રહે ઝળહળતું
તનનું આ મંદિર
નસનસ માંહી રહે ટપકતાં
ગળતી જેવાં નીર
શ્વાસે - શ્વાસે અહીં બિરાજે શિવજી સાથે શિવા
પ્રગટ્યા દીવા