મર્મર/શ્વેત શિખરના શિરે


શ્વેત શિખરના શિરે

શ્વેત શિખરના શિરે
હો મન ચઢવું ધીરે ધીરે.

આ સમથળ વ્હેતાં ઝરણાં,
તરણાંનાં મૃદુ પાથરણાં,
છોડીને દુર્ગમ નગકેરી લેવાની પગથી રે.

પથના કંકર કંટકને,
સ્હેવાં સહુ દુઃખ સંકટને,
વીંધાવું અણુઅણુ હિમગિરિના શરશા શીત સમીરે.

શ્વેત શિખરની ટોચે,
હો ચઢવું ઊંચે ઊંચે,
અવગાહી અકલંકી થાવું નિર્મલ માનસનીરે.