માણસાઈના દીવા/નિવેદન


પહેલી આવૃત્તિનું નિવેદન


પહેલી આવૃત્તિનું નિવેદન

ચાર જ મહિનામાં આ પુસ્તક નવી આવૃત્તિમાં પ્રવેશ કરે છે. તદુપરાંત, જાણીતાં તેમ જ અજાણ્યા સંખ્યાબંધ વાચકો તરફથી આ કૃતિને માટે વિશિષ્ટ પ્રકારનાં અભિનંદનો મળ્યાં છે. મને પણ થાય છે કે, જીવનમાં અણચિંતવ્યું એક સંગીન કાર્ય થઈ ગયું : જીવનની સમૃદ્ધિ ઠીક ઠીક વધી ગઈ, ગુજરાતને પણ એનામાં પડેલા ખમીરનું નવું દર્શન લાધ્યું. કશા સુધારા વગર નવી આવૃત્તિ બહાર પડે છે, તે વખતે એક ખુલાસો જરૂરી બને છે. બાબર દેવાનું ચરિત્ર આ પુસ્તકમાં શા માટે સ્થાન પામી શક્યું, તેવી શંકા કેટલાંકને થઈ છે. કારણ તેઓ એવું આપે છે કે, અન્ય તમામ કિસ્સાઓમાં માનવીની માણસાઈના દીપક પ્રકાશિત બની રહે છે. અને ઉચ્ચગામી અંશો રમણ કરે તેવું કશુંય બન્યા વગરનો બાબર દેવાનો ઇતિહાસ નરી ક્રૂરતા અને અધોગામિતાથી ભરપૂર છે. આવા કારણસર મારે બાબર દેવાને અહીં સ્થાન નહોતું આપવું જોઈતું એવી દલીલ બરાબર નથી; કારણ કે બાબર દેવાની બહારવટાકથા તો મહારાજ કેવી સમાજ-સ્થિતિની વચ્ચે કામ કરી રહ્યા હતા તેના સર્જનને સારુ પૂરી આવશ્યક બને છે. બાબર દેવા અને એની સાથે સંબંધ ધરાવતા સંખ્યાબંધ નાનાં-મોટાં પાત્રોનાં આલેખન દ્વારા તેમ જ એ બધી ઘટનાઓના રજેરજ ચિતાર દ્વારા આપણને મહારાજ જેની સાથે મુકાબલો કરી રહ્યા હતા તે સમગ્ર દુનિયાનો દસ્તાવેજી પરિચય સાંપડે છે. મારી તો વાચકોને એવી ભલામણ છે કે અન્ય તમામ પ્રસંગચિત્રણોને જો એના સાચા ‘સેટિંગ' વચ્ચે નિહાળવાં હોય, એનું ખરેખરું મૂલ્યાંકન કરવું હોય, એની સુંદરતા-શોભા સમજવી હોય, તો પહેલાં પ્રથમ ‘બાબર દેવા' વાંચીને પછી બાકીના આલેખનમાં પ્રવેશ કરવો. બાબર દેવાની કથા તો ‘માણસાઈના દીવા'નું પ્રવેશદ્વાર છે. ઉપરાંત, આ પણ મહત્ત્વનો એક મુદ્દો છે કે, જેને જેને મહારાજનો ભેટો થયો તે પાત્રોને કેવા પ્રકારનો રંગ લાગ્યો, અને જેઓ એથી વંચિત રહી ગયાં તેમનાં પગલાં કેવે જુદે પંથે ઊતરી ગયા. બાબર દેવા એનું દૃષ્ટાંત પૂરું પાડે છે. બાબરને પોતે કેમ મળી ન શક્યા તે પ્રશ્ન તો મારાથી પણ મહારાજને સ્વાભાવિક રીતે પુછાઈ ગયો હતો. જવાબમાં મહારાજે મને જણાવ્યું છે કે રાસ ગામ પાસે સૂદરણા નામે ગામ છે ત્યાં પોતાને મળવા બાબર દેવાએ મહારાજને સંદેશો મોકલાવ્યો, મહારાજ તે દિવસ બહારગામ હતા, આવ્યા ત્યારે બાબરનો સંદેશવાહક મળ્યો. પોતે બહારવટિયા પાસે જવા ચાલ્યા જતા હતા; પણ માર્ગે એક-બે માણસો મળ્યા, તેમણે મહારાજને સૂચક હાસ્ય કરીને કહ્યું: “કાં, મહારાજ, કંઈ ચાલ્યા?—તંઈ કે!” મહારાજ ચેતી ગયા: ‘નક્કી બાબરના માણસે ગામના અન્ય એક-બે જણાને વાત કરી લાગે છે! એટલે કે પોલીસને વાત પહોંચી ગઈ હોવા પૂરો સંભવ. હવે જો હું જાઉં, ને પોલીસ મારી પાછળ આવે, તો બાબરનો વિશ્વાસઘાત કર્યો કહેવાય.' બસ, આટલા નાનકડા અકસ્માતે મહારાજનો ને બાબર દેવાનો ભેટો થતો અટકાવ્યો. અને ચાર મહિના પછી બાબર પકડાઈ ગયો. પોતે બાબરને ન મળી શક્યા તે વાતનો મહારાજના મન પર ભાર રહી ગયો છે. બાબરને ફાંસી થયા પછી એક વાર એની મા હેતા બેલગામના ‘ક્રિમિનલ સેટલમેન્ટ'માંથી રજા પર પોતાની દીકરીને ઘેર પીપળોઈ ગામમાં આવી હતી. એની પાસેથી સંદેશો લઈને એનો જમાઈ મહારાજ પાસે આવ્યો. મહારાજ પીપળોઈ ગયા ત્યારે બપોરવેળા હતી. ભયંકર હેતા દીકરીને ઘેર પરસાળમાં બેઠી હતી. એણે કહ્યું: “તમારો ચેલો તો, મહારાજ, બહુ સારો હતો; ખાદીની ટોપી પહેરતો. એ તો બાપડો ગયો. બાકીના મારા છોકરાઓને પણ ત્યાં સેટલમેન્ટમાં સારું છે. વણાટમાં કામમાં રળે છે. પણ એમને અહીં લઈ આવો.” મહારાજ કહે: “અહીં લઈ આવીને શું કરશો? ત્યાં તો રળે છે; અહીં તો નથી ઘરબાર નથી ખેતર; વેરીઓ ઘણા છે. માટે ત્યાં જ રહો, ડોશી! અહીં ખાશો શું?” “ખાશો શું!" કહેતી હેતા ગાજી: “મને નહિ જાણતા, મહારાજ! એહ, આ જુઓ!" એમ કહીને એણે પોતાનો ખોળો ખંખેર્યો. તેમાંથી પચાસેક રૂપિયા નીચે ઢળી પડેલા. આ કિસ્સો આજે પણ મહારાજને હસાવે છે. મહારાજની સ્વાનુભવસંપત્તિ તો મેં આલેખ્યા છે તેવા અન્ય સંખ્યાબંધ પ્રસંગોથી ભરપૂર છે. એનું દોહન અન્ય જિજ્ઞાસુઓ કરે એવું હું હૃદયથી ઈચ્છું છું. મારું પુસ્તક તો એક ગુપ્ત ખજાનાની માત્ર ભાળ આપીને વિરમે છે. અન્ય ભાઈઓ તરફથી પ્રયાસો ચાલુ છે તે સુખની વાત છે. ગુજરાતના અન્ય લોકસેવકો, જેઓ દૂર દૂર ઊંડાણે વસતી જનતાના ખોળામાં આળોટતાં પ્રવૃત્તિ કરી રહેલ છે—દાખલા તરીકે જુગતરામભાઈ, અને એથી પણ વધુ લીલાભરપૂર જેમનું સેવાજીવન છે તે શ્રી ઠક્કરબાપા—તેવી પ્રસિદ્ધિના પ્રકાશથી વેગળી રહી કામ કરી રહેલી વ્યક્તિઓનો સંપર્ક કરીને એમના અનુભવ-ખજાના પણ કઢાવી શકાય તો ગુજરાતને ઘેર પ્રાણવંત સાહિત્યનો તોટો ન રહે. આજે જ્યારે ‘ડૉ. કોટનીસ' જેવું ચિત્રપટ ઉતારીને એક સાહસિક પુરુષે દાખલો બેસાડ્યો છે, ત્યારે ગુજરાતના ચિત્રપટ-નિર્માતાઓએ ભવિષ્યમાં પોતાને કોઈક દિવસ પસ્તાવો કરવાનું ન રહે તે માટે ઠક્કરબાપા, રવિશંકર મહારાજ, શ્રી જુગતરામ, છોટુભાઈ પુરાણી, ડૉ. ચંદુલાલ અને મહારાજ શ્રી. સંતબાલ સમા મિશનરી ગુર્જરોનાં ‘મોડેલ'ને પકડી સંઘરી લેવાની જરૂર છે. તેઓ આજે જીવતા છે; આવતી કાલે પછી આપણે તેમનું સંશોધન કરવું રહેશે. તેમના કાર્યપ્રદેશો તે તે પ્રદેશોની માનવજાતિઓ, તેમની જીવનલીલાનાં પ્રકૃતિસ્થાનો વગેરે ઝડપભેર આવી રહેલા જીવનપરિવર્તનના જુવાળમાં લુપ્ત બની ગુમ થઈ જાય તે પહેલાં જ એમનું નિરીક્ષણ થઈ જવું જોઈએ; નહિતર આપણે ખૂબ પસ્તાશું. પછી ખોટાં ને વિષમગામી અનુમાનો કરીને વેરણછેરણ સાંભળેલી વાતોના તકલાદી પાયા પર જૂઠી ઈમારતો ચણીશું, એ કેવું હાસ્યાસ્પદ બનશે! ઝ. મે.