મારી લોકયાત્રા/૨૩. પગવૉનનો દાસ


૨૩.

પગવૉનનો દાસ

“એક દનનો સમાઝોગ નં સમાઝગનો માઝોગ આવો હેં!” કંઠસ્થ વારતા કહેતી વખતે પ્રસંગ કે ઘટનાપરિવર્તન માટે વારંવાર ઉપયોગમાં લેતા ભીલ સાધુનું આ વાક્ય, ‘ભીલ લોકાખ્યાનઃ સતિયો ખાતુ અને હાલો હૂરો' છપાઈ રહ્યું હતું ત્યારે તેના ગાયક સાધુ વજાભાઈ ગમાર, સાધુ વસ્તાભાઈ ગમાર અને તેમની મંડળી અને આ સંશોધક માટે ઋષિની આર્ષવાણી જેવું સાચું પડ્યું હતું. મારા માટે ‘ભીલ લોકાખ્યાનઃ સતિયો ખાતુ અને હાલો હૂરો'નાં પ્રૂફ જોવાનો અને ભીલ ગાયકો અને મંડળી માટે બીજમાર્ગી મહાન સાધુ હાલાહૂરાની કર્મભૂમિ ‘દલી’(દિલ્હી)નાં દર્શન કરવાનો એકસાથે જ ‘માઝોગ’ (મહાયોગ) આવ્યો હતો. આ માટે નિમિત્ત બન્યો હતો; દિલ્હી શહેરમાં યોજાયેલો ગુજરાત ઉત્સવ-’૯૯. સુરમર સંસ્થા (મયંક દવે), ગાંધીનગર સાથે અમને-ભીલ સાધુ-મંડળીને ગુજરાત ઉત્સવ-’૯૯માં સહભાગી થવાનું આમંત્રણ મળ્યું હતું. જોગાનુજોગ આ સમયે ‘ભીલ લોકાખ્યાનઃ સતિયો ખાતુ અને હાલો હૂરો' ક્રિષ્ના ગ્રાફિક્સ, અમદાવાદમાં છપાઈ રહ્યું હતું અને સુધારવાનાં છેલ્લાં પ્રૂફ મારી સાથે દિલ્હી હતાં. ગુજરાતી સમાજમાં પ્રૂફ જોતી વખતે આ લોકાખ્યાન ભીલ સાધુમંડળી સામે વાંચતો ત્યારે તેમનું છપાયેલું લોકાખ્યાન જોઈને આશ્ચર્ય અને આનંદથી “ખૂસ્તી ખૂસ્સી” થતો તેઓનો ‘હરદો’ ભાવવિભોર બનીને ‘ખલ્લાટા’ મારતો. ૨૦-૨૮, જાન્યુઆરી, '૯૯ સુધી ચાલેલા ગુજરાતની લોકસંસ્કૃતિના પ્રતિનિધિરૂપ આ મહોત્સવના અંતિમ દિવસોમાં મારા માહિતીદાતા સાધુઓ ઉઘરાણી કરવા લાગ્યા, “હેં પગવૉનપાઈ? ખાંમદે હૂઓર બનીન દલીના બાત્સાનં ગાદી નેંસો નૉખો'તો ઑણી ગાદી નં સતિયા હાલા-હૂરાએ ભઝન- ભાવ કરો'તો ઑણી ઝગોનાં દરસને કેદિ' ઝાહું? અમાર પૉણ હાલા-હૂરાની ઝગો પર ભઝન-ભાવ કરવો હેં !” (“શું ભગવાનભાઈ? ભગવાને સૂવર બનીને દિલ્હીના બાદશાહને ગાદી નીચે નાખી દીધો હતો તે ગાદી અને સતિયા હાલા-હૂરાએ ભજન-ભાવ કર્યાં હતાં તે જગાનાં દર્શન કરવા કયા દિવસે જઈશું? અમારે પણ હાલા-હૂરાની જગા પર ભજન કરવાં છે!”) હું તેઓને ધીરજ બંધાવતાં કહેતો હતો, “સાધુરા, હરદામા ધીરપો (ધીરજ) રાખાં, ધીરપાનાં ફળ મેંઠાં!' છેલ્લા બે દિવસ દિલ્હી-દર્શન કરવાનું આયોજન થયું. જે દિવસે દિલ્હી દર્શન કરવા જવાનું હતું તેની સવારે જ સૌના આશ્ચર્ય વચ્ચે ભાદરવા માસ જેવાં વાદળો આકાશમાં ઘેરાવા લાગ્યાં હતાં.વાદળો જોઈને સાધુ કહેતા હતા “આપુનો (આપણો) ખાંમદ (ભગવાન) એલે (મદદે) આવો હેં. હાસોહાસ બીઝ થાવરિયો ઝૉમો (મહામાર્ગી બીજનો ઉત્સવ) ઝાગો હેં! એતણ તો માતળા (આકાશ)મા ભાદરવા ઝેવાં સ વાદળાં આવાં હેં! આઝ નકી લાલગડમા (લાલ કિલ્લામાં) ધૂળાનો પાટ મૉડહું! સતિયા હાલો-હૂરો પૉણ આપુના એલે (મદદે) આવહેં !' સાચે જ ભક્તોના હૃદયમાં સવા૨થી જ ભક્તિની વારિદ વર્ષા થવા લાગી હતી. તેઓના હોઠ લાલ કિલ્લામાં તેમના માનસમાં પરંપરાથી નક્કી થયેલી હાલા-હૂરાની જગા ૫૨ ભજનભાવ કરવા માટે વલવલતા હતા. સાધુમંડળે તંબૂર અને મંજીરા સાથે લીધા. ગુજરાતી સમાજે નક્કી કરેલી દિલ્હી-દર્શન કરવાની બસમાં બેઠા. જોતજોતામાં તો બસ લાલ કિલ્લાની પાસે આવી પહોંચી. લાલ કિલ્લાની પ્રવેશ ટિકિટ ખરીદી. ટિકિટ હાથમાં આવતાંની સાથે જ અગમ્ય ભાવોથી ખેંચાઈ રહેલી સાધુમંડળીના ચરણોમાં “કૂરઝાં’” (ઝડપથી ઊડતાં કૂરજ પક્ષીઓ) બેઠાં. ‘દલીના બાત્સાની ગાદી' અને હાલા-હૂરાની કર્મભૂમિ જોવા અધીરા બનેલા સામૂહિક મનના બળથી તેઓના ચરણ જાણે કે ઊડતા હતા. અમે ‘દીવાનેખાસ’ આવી પહોંચ્યા. રક્ષકની રજા લઈને દીવાનેખાસમાં પ્રવેશ્યા. મેં બાત્સાનું બેઠકુ' (ગાદી) બતાવ્યું. મંડળી પૂછતી હતી, “કાં પગવૉનપાઈ! ઑણા બેઠકાહી ખાંમદે બાત્સાનં હૂરના વેહે નેંસો નૉખો'તો! વા! વા! મારા વેંકુટપરીના તણી ! વા! વા! કેહોર માઝીના ઝાપ્યા હાલા-હૂરા, ધન તમારી ભક્તિ !” (“કેમ ભગવાનભાઈ ! આ ગાદીથી ભગવાને બાદશાહને સૂવરના વેશે નીચે નાખ્યો હતો! વાહ ! વાહ ! મારા વૈકુંઠપુરીના સ્વામી ! વાહ ! વાહ! કેસરમાતાના દીકરા હાલા-હૂરા, ધન્ય છે તમારી ભક્તિ !”) ભક્તિથી ભાવસબળ બની લોકસમૂહે પોતાનાં માથાં ધરણે (ધરતી) ટેકવી દીધાં હતાં. આકાશમાં ઘેરાયેલાં વાદળો વચ્ચે એ પહેલાં તો ભક્તોનાં હૃદય ભક્તિભાવથી ભારે થઈને મૂહળગાઈએ (સાંબેલાધારે) વરસવા લાગ્યાં હતાં. ગુજરો અને વસ્તો ભગત દીવાનેખાસના સામે બેસીને સામાના સફેદ દાણાથી લાલ કપડા પર મંડળની રચના કરવા લાગ્યા. મંડળમાં ચંદ્ર, સૂરજ, ચોરાસી સાધુ, જેસલ-તોરલની પ્રતીક-આકૃતિઓ માંડ્યા પછી મકાઈના કણ(જેને મોતી કહેવામાં આવે છે)થી નવલાખ તારાની રચના કરવા લાગ્યા. રૂપાંદે-માલદે, પાડોર ગાય, હાલો-હૂરો અને કોયલ માંડતાંમાં તો વજા સાધુના હોઠો પર સામટી કોયલો કૂજવા માંડી! સાધુના નાભિકમળમાંથી દિવ્ય સૂરો પ્રગટવા લાગ્યા: ખાંમદ હૂઓ૨નો પેખ લેય રે રા..રાવ...રે....ઝી.... હૂઓર ગોરખાં કરેંન આવણા લાગો રે રા...રાવ...રે..ઝી.... હૂઓર બાત્સાન ઝાઈન ભેટું મેલ રે રા...રાવ..રે...ઝી..... બાત્સા ગાદી ઉ૫૨હો એઠો પરેં રે રા...રાવ...રે...ઝી..... હૂઓર ફેટ મેલવા.... લાગો રે રા...રાવ...રે...ઝી..... લેઈ નગારું એંદ૨ સરિયો રે રા...રાવ....રે...ઝી.... એંણે આપે વીઝળી ખવેં રે રા...રાવ..રે....ઝી...... દલી નગ૨મા એંદ૨ વ૨સો રે રા...રાવ...રે....ઝી..... ઝેંણા ઝેંણાન મેઉલા વરસે રે રા...રાવ..રે...ઝી...

અહીં દીવાનેખાસ સામે ઝીણા-ઝીણા વ૨સાદની સાથે ભક્તિનો અનરાધાર ‘મેવલો’ વ૨સવા માંડ્યો હતો. ભક્તિરસથી ભીંજાયેલાં અમારાં નેત્રો બંધ થવાની સાથે ભીંત૨માં દિવ્યચક્ષુઓ ખૂલ્યાં હતાં. ભક્તિરસમાં તરબતર વહેતા સ્વરોમાંથી સાક્ષાત્ થતા ‘ખાંમદ'(ભગવાન)ની સાથે ભક્તિમાં આકંઠ ડૂબેલા હાલા-હૂરાનાં જાણે કે દર્શન થયાં હતાં. અમારી આ ભાવસમાધિ આગળ ચાલવાની હતી પણ સમયના અભાવે મેં સાધુઓને જાગ્રત કર્યા. અમે ઊભા થયા અને હર્ષાવેશમાં એકબીજાને ભેટી પડ્યા. ભાવવિભોર બનેલા સાધુઓની આંખમાં હર્ષાશ્રુ હતાં અને ભાવાવેશમાં તેઓ લવતા હતા, “થું બીઝો કોઈ નહીં પૉણ અમારો પગવૉન હેં! આખા પટામા થેં એખલાએ સ અમાંન હાલા-હૂરાની ઝગો નંદલી સેંર દેખારું!” (તું બીજો કોઈ નથી પણ અમારો ભગવાન છે! આખા આદિવાસી વિસ્તારમાં તેં એકલાએ જ અમને હાલા-હૂરાની જગા અને દિલ્હી શહેર દેખાડ્યું !”) ભાવસબળ બનીને મેં કહ્યું, “ઉં પગવૉન તો નહીં પૉણ પગવૉનનો દાસ હું! મારા પગવૉન તો તમે હાં! એતણ તો તમે મનં હાલા-હૂરાનાં દરસન કરાવાં !” (“હું ભગવાન તો નથી પણ ભગવાનનો દાસ છું! મારા ભગવાન તો તમે છો! એટલે તો તમે મને હાલા-હૂરાનાં દર્શન કરાવ્યાં!”) દિલ્હી શહેરમાં મને સાચે જ વાહકના ચિત્તમાં વિરાજેલાં ચરિત્રોનાં દર્શન થયાં હતાં. દિલ્હીમાં અનેક સ્થળોનાં દર્શન કર્યાં. પણ મારા અંતરમાં ભોળા ભક્તોના નાભિકમળમાંથી પ્રગટેલા સૂરો વારંવાર ગુંજતા હતાઃ ધન ઘરી, ધન વારો, ખમા! ધન ઘરી ધન વારો, એકા દનરો માઝોગ આવો...રા...ઝી...

***