મારી લોકયાત્રા/૨૫. ભગવાન નામે પુરાકથા


૨૫.

ભગવાન નામે પુરાકથા

આસો માસના આરંભના દિવસો ચાલતા હતા. મૃત પૂર્વજને સમાધિમાં સ્થાપવાના દિવસો હતા. માસના પહેલા રવિવારે ‘આદિવાસી કલા અને સાંસ્કૃતિક સંચાર દ્વારા વૈચારિક ક્રાંતિ, સમાજ-પરિવર્તન અને વિકાસ' મહાઅભિયાનના સહભાગી ભીલ કલાકાર ગુજરાભાઈ ગમાર, સાયબાભાઈ પારગી, વજાભાઈ ગમાર, ગંગાબહેન ખૈર, દીવાબહેન બુબડિયા તથા મહાકાવ્યોના ગાયક નાથાભાઈ સાધુ અને નવજી સાધુ મારા ખેડબ્રહ્માના આવાસે આવ્યા હતા. આસો એ સમાધિ રચવાનો અને પૂર્વજપૂજાનો માસ હોવાથી તેઓનાં ચિત્ત પૂર્વજ તરફના સન્માનથી ઊભરાતાં હતાં. અંદર-અંદરની ગંભી૨ ચર્ચાના અંતે નવજી સાધુ બોલ્યો, “બોલો પાઇયો, કિયા ગૉમ્મા હમાધ કરહું? પગવૉનપાઈને તો પગવૉનના કેંરહી પૉણ પાસો બોલાવણો હેં નં હમાધમાં થાપણો હેં. એતણ હદા આપણા ભેળો સ રેં!” (નવજી સાધુ બોલ્યો, “બોલો ભાઈઓ, કયા ગામમાં સમાધિ કરીશું? ભગવાનભાઈને તો ભગવાનના ઘેરથી પણ પાછો બોલાવવો છે અને સમાધિમાં સ્થાપવો છે. એટલે સદા આપણા ભેગો જ રહે !”) હું ચોંકી ગયો. વ્યક્તિપૂજામાં ન માનવાવાળા મને ભલા-ભોળા આદિવાસીઓ તેમની આસ્થાનું કેન્દ્ર બનાવી મને પુરાકથાનું રૂપ આપી રહ્યા હતા. હું તેમને સમજાવવા લાગ્યો, “પાઈ, ઉં તો ફિરતો આદમી. હમાધમા તો એક થૉને બેહી રેંવું પર્વે નં મારો આતમો દ:ખી-દઃખી થઈ જાય. માર હમાધમા મૂરત બનીન નહીં બેહવું!” (ભાઈ, હું તો ફરતો આદમી. સમાધિમાં તો એક સ્થાને બેસી રહેવું પડે ને મારો આતમો દુઃખી-દુઃખી થઈ જાય. મારે તો સમાધિમાં મૂર્તિ બનીને નથી બેસવું!) આ પછી થોડીક હળવી વાતો કરી, તેમની આસ્થા તેમના પૂર્વજદેવ ૫૨ જ અકબંધ રહે એ રીતે સમજાવી ચા પાઈ તેમને હેતે વળાવ્યા. [10. કર્મશીલ તરીકેના મહાઅભિયાન માટે જુઓ પરિશિષ્ટ-૧ કર્મશીલની દિશામાં પ્રયાણ.]

એક માસ પછી મને ખ્યાલ આવ્યો હતો કે મારી સમજાવટ પરિણામલક્ષી બની નહોતી. તેઓએ મારા કાર્ય વિશે ગીતો રચ્યાં હતાં; નવો હલકો (યુગ)રે, આવે પગવૉનપાઈ આવે ! પાઈઓ ભેળા હોઝો, ખેરવાવાળે વ૨લે. બાયો ભેળી હોઝો, ખેરવાવાળે વરલે. નવો હલકો રે, આવે પગવૉનપાઈ આવે ! બાયો-બૂનોન ડાર્કેણ કોઈ માં કેંઝો રે ખેરવાવાળે વરલે, નવો હલકો રે, પગવૉનપાઈ હીખો દેવેં !

***

આદિવાસી અકાદમી, તેજગઢના પાંચ વર્ષના નિયામક(11)ના મારા સમયખંડમાં સમાજોપયોગી અને લોકહિતની પ્રવૃત્તિઓએ લોકે મને હૃદયમાં વસાવ્યો હતો. પાંચ વર્ષ પછી તા.૧૬-૩-૨૦૦૭ના રોજ આદિવાસી અકાદમી, તેજગઢમાં મારા ઉત્તરાધિકારી તરીકે ગણેશ દેવીને સ્થાપવાનું પર્વ ઊજવવામાં આવ્યું. મારું જીવનકાર્ય અને આદિવાસી અકાદમીના નિયામકના પાંચ વર્ષના સમયખંડના કાર્યનાં લેખાં-જોખાં કરવામાં આવ્યાં. મારી સ્મૃતિ જાળવવા અકાદમીના પ્રવેશદ્વારમાં આવેલા ઝરણાની મધ્યમાં ઊગેલા વૃક્ષને ‘ભગવાનદાસનો પીપળો’ નામ ધરાવવામાં આવ્યું. [11. વધુ જાણકારી માટે જુઓ પરિશિષ્ટ-૩, આદિવાસી અકાદમી] આદિવાસી અકાદમીના સ્થાપના સમયે ગણેશ દેવી નિયામક હતા. આ પછી હું એમનો ઉત્તરાધિકારી બન્યો હતો. હવે તેઓ પુનઃ મારા ઉત્તરાધિકારી બન્યા હતા. અકાદમીનો ઉદ્દેશ આદિવાસી જીવનદર્શનને મૂળરૂપે સમજીને તેને જગત સામે યથાતથ પ્રગટ કરવાનો છે. મેં આદિવાસી સમાજની ચાખડીઓ મૂળરૂપે અણીશુદ્ધ રાખી ગણેશ દેવીને સોંપીને મારા નામ સાથે જોડાયેલા પીપળાને પાણી પાયું. આ પછી આદિવાસી અકાદમીમાં અવા૨-નવાર ભણાવવા-ભણવા આવતો; પરંતુ, એક દિવસ તપતા ગીષ્મે હૈયામાં અકાદમી જાગી. હું અમદાવાદથી વડોદરા આવી છોટાઉદેપુરની બસમાં ગોઠવાયો. બસ એસ.ટી. ડેપોથી ઊપડી કીર્તિસ્તંભ આવી. કાખમાં છોકરાં અને માથે અનાજ અને ઘરવખરીનાં પોટલાં સાથે રાઠવા-નાયક આદિવાસી સ્ત્રી-પુરુષો બસમાં ચઢ્યાં. બસના અગ્રસ્થાને બેઠેલા સભ્ય કહેવાતા ઉતારુઓના મુખ ૫૨ તિરસ્કાર લીંપાયો. ‘પાછળ જાઓ પાછળ !' બોલતા આદિવાસી કુટુંબોને પાછળ ધકેલવા લાગ્યા. સૂર્ય રુદ્ર બન્યો હતો અને હકડેઠઠ બસમાં સામૂહિક રીતે છૂટતા ઉચ્છવાસથી બસ ઊકળી રહી હતી. દેહમાંથી છૂટતો પરસેવો અને ટીમરુનાં પાનની બીડીઓના ધુમાડાએ બસમાં અણગમતી આબોહવા સર્જી હતી. જળ શોષી લેતી ગરમીથી તરસે વલવલતાં બાળકોના રુદનથી બસ ઊભરાય છે. ડભોઈનું સ્ટૉપ આવે છે અને બસ ઊભી રહે છે. સામે હૉટલ છે. હું કંડક્ટરને કહીને નીચે ઊતરું છું. મારી સાથે પરિચિત રાઠવા આદિવાસી છે. હૉટલમાંથી પાણીનાં પચાસ પાઉચ ખરીદું છું અને વહેંચું છું. તરસથી બેબાકળાં બાળકો પાણીનાં પાઉચ સ્તનમાંથી ફૂટતા દૂધની જેમ ધાવે છે. મુખ પર ‘હાશકારો' છવાય છે અને મારા ચિત્તમાં ગ્રીષ્મમાં ગંગાસ્નાન કર્યા ભારોભાર તોષ છવાય છે. બોડેલી આવતાં-આવતાં તો જેમ-જેમ વતનનું ગામ આવે છે તેમ-તેમ એક-એક કુટુંબ ઘર ભણી જવા ઉતાવળું થાય છે. હું તેજગઢના લીમડા બજારમાં ઊતરું છું. એક સમયે લીમડાનાં વૃક્ષોથી વનસ્થળીમાં માણસે દુકાનોના માળા ઘાલ્યા છે. હું આદિવાસી અકાદમીમાં આવૃત જવા ઝોઝ ગામની પાકી ડામર સડકે ચાલવાને બદલે ભાથીજીના મંદિરેથી રાઠવા ફળિયું વટાવી ખેતરો વચ્ચેથી પસાર થતી પગદંડીએ ફંટાઉં છું. બંને બાજુ વાંસનાં ઝુંડે મંડપ રચ્યો છે. બાજુના ઝૂંપડાના આંગણે બાળકો ઢોલના તાલ શીખે છે. ઝુંડમાંથી દેવચકલી ઊડીને લીલા ઝાડ પર બેસે છે. શુભ શુકન લઈને આદિવાસી લગ્નોત્સવમાં પ્રવેશતો હોઉં એવી અનુભૂતિ થઈ આવે છે. ૨જત-રેતીમાં ઊગેલી શ્યામ શિલાઓ પસાર કરી, તાડનાં વૃક્ષોને નિહાળતો આદિવાસી અકાદમીના પ્રવેશદ્વારે આવેલા ઝરણા-કિનારે આવું છું. પ્રવેશમાં જ ઈશાન કોણે ‘ભગવાનદાસ પીપળો’ ઊભો છે. થડના સાન્નિધ્યમાં માટીના દેવના ઘોડા મૂકેલા છે. પાસે જ કોડિયામાં સવારે કોઈએ દીવો પ્રગટાવ્યો છે. પ્રકાશીને કાળી પડી ગયેલી દિવેટ તગતગે છે. હું ઊભો રહી જાઉં છું. બે-ચાર રાહધારી પસાર થતાં થાનકને વંદે છે. હું તેમને આ થાનક વિશે પૂછું છું. તેઓ ‘ભગવૉન પીપળો' કહે છે. ભગવાનદાસમાંથી ‘દાસ’ શબ્દ, ઓગળી ગયો છે, અને ભગવાને ‘પુરાકથા’નું રૂપ લીધું છે. હું વ્યક્તિપૂજાથી દૂર જવા મથતો હતો તે લોકઆસ્થાને બળે સાક્ષાત્ બનીને મારી સામે ઊભી હતી! પાસેની શિલા ૫૨ બેસી પડું છું. ચિત્તમાં વિચારો ઊગે છે, ‘હું છું. સમકાલીન મારી આદિવાસી પેઢી છે. મારા કામથી પરિચિત છે માટે આ પેઢી મારા તરફ પૂજ્ય ભાવ દાખવે છે. કાલે હું નહીં હોઉં પણ પરમ તત્ત્વ હશે. નવી પેઢીની શ્રદ્ધા પરમ તત્ત્વ તરફ વળશે. દૃઢ થશે. આ પીપળો હશે. તેના તરફ લોકનો પૂજ્ય ભાવ હશે. પીપળા પર પક્ષીઓ આશરો શોધશે. માળા બાંધશે. શાવકો (પક્ષીનાં બચ્ચાં) સેવાઈને ચહચહશે. અનરાધાર ચોમાસાં વરસશે. વસંતો બેસશે. ડાળ-પાન નવાં રૂપ ધરશે. વૃક્ષ ફૂલ-ફળથી ગૌરવ ધારણ કરશે. પંથીઓ ઝરણાનું મીઠું પાણી પીને તેની છાયામાં વિસામો કરશે.' હું વિચારોમાંથી જાગું છું અને ઊભો થાઉં છું. પૂજ્ય ભાવ દાખવતા અકાદમીના મારા સમકાલીનોને મળવાની ઇચ્છા થતી નથી. અકાદમીને ડાબી બાજુ છોડીને ઉત્તરમાં કોરાજ પહાડ તરફ વળું છું. પૂર્વકાલીન નગરનાં ખંડેરોમાંથી પસાર થાઉં છું. દંતકથા કહે છે કે આ નગરી તેજલરાણીની રાજધાની હતી. તેના ૫૨થી ગામનું નામ ‘તેજગઢ’ સ્થિર થયું છે. જીર્ણ શિવાલય પાસે થોભું છું. શિવ-પાર્વતીની મૂર્તિઓ પર કાળે પ્રભાવ પાડ્યો છે. ખંડિત કરી છે. હું મહાકાળ રુદ્રને સ્મરું છું. હું કોરાજ પહાડ ચડવા લાગું છું. સાગનાં વૃક્ષો પસાર કરી મધ્યમાં આવેલી આદિમાનવની ગુફામાં પ્રવેશું છું. બેસું છું. વિરામ પામતો ગુફાનું નિરીક્ષણ કરું છું. ગુફાનાં ચિત્રો નીરખું છું. હજારો વર્ષો પહેલાં અહીં લાલ ગેરુથી આદિમાનવે આનંદની અભિવ્યક્તિ માટે ચિત્રો દોર્યાં હતાં. ચોતરફ પ્રકૃતિ વિલસી રહી હતી અને માનવ મન ભરીને નાચ્યો હતો. કોરાજ પહાડ મોર બનીને ટહુકે છે અને મારું અસ્તિત્વ આનંદમય બનવા કણ-કણ - અણુ-અણુ બનીને વિખરાય છે.

***