મિતાક્ષર/મૂલ્યાંકનની કટોકટી


મૂલ્યાંકનની કટોકટી


આજે આપણે સાહિત્યક્ષેત્રનાં મૂલ્યોની વાત વિચારવાની છે. આ શ્રેણીમાં આજની વિવિધ માનવીય પ્રવૃત્તિએ લેખકની મુક્તવિહારી સર્જનશીલતાની આડે કેવી રીતે આવે છે, તેનું પૃથક્કરણ કરવાનું છે, અને માર્ગ સૂચવવાનો છે. કામ બહુ કપરું છે. લેખકના મુક્ત સર્જન આડે આજે શું નથી ? – એવો સવાલ પૂછવો પડે તેવી સ્થિતિ છે. અપરંપાર પરિબળોને વીંધીને લેખકે મૂલ્યો પ્રગટ કરવાનું રહે છે. આખી પ્રક્રિયા અત્યંત જટિલ છે અને સૂક્ષ્મ પણ છે.

સૌથી પ્રથમ તો જુદાં જુદાં મૂલ્યો કેવી રીતે પ્રગટતાં હોય છે એનો પ્રાથમિક ખ્યાલ લઈએ. જે જમાનામાં બાર્ટર(barter) પદ્ધતિ એટલે કે ચીજવસ્તુના વિનિમયનો વ્યવહાર શરૂ થયો, અને માણસ એક કોથળો ઘઉં આપીને બદલામાં ડગલો મેળવતો થયો, ત્યારથી ઘઉં અને ડગલાને વ્યાવહારિક મૂલ્ય પ્રાપ્ત થયું. પરંતુ ત્યારેય ગુફામાં કે ઘરની ભીંત ઉપર જે માણસ ચિત્ર ચીતરતો હશે, વા નદીકાંઠે ગાયો ચરાવતો લાંબે સૂરે રાગોટા તાણતો હશે, અથવા વર્ષાની ઝરમર ઝીલતો તાનમાં આવી નાચતો હશે— તે ચિત્ર, ગીત કે નૃત્યનું મૂલ્ય શું ? કેવળ નિજાનંદ કે બીજુ કાંઈ ?

આ અહેતુક સહજ આનંદ-ક્વચિત્ આખા પરિવાર વા સમૂહનો આનંદ પણ હોઈ શકે, પરંતુ એટલી વાત નક્કી કે એને વ્યાવહારિક ઉપયોગિતાનું મૂલ્ય ન હતું; તેમ છતાં તે સમયના મનુષ્યના જીવનમાં તો એનું સ્થાન હતું જ. એનો અર્થ એ કે આવી નિજાનંદની પ્રવૃત્તિ ત્યારે ભૌતિક સગવડ યા ઉપયોગિતાનું સાધન ન હતી, છતાં જીવનના આનંદનું નિમિત્ત તો હતી જ. આ અર્થમાં તેને જીવનમૂલ્ય કહી શકીએ. હવે એ જ જમાનાનું બીજું ચિત્ર જોઈએ: થોડાંક સ્ત્રીપુરુષો ભેગાં મળી ગાતાં ગાતાં કોઈ સમૂહશ્રમમાં પરોવાયેલાં દેખાય છે. વાત સ્પષ્ટ છે કે અહીં, ગીત શ્રમના ભાગ રૂપે સમૂહશ્રમને હળવો કરવાના હેતુથી અથવા તેને આનંદમાં ફેરવી નાખવાના હેતુથી પ્રગટ થયું છે, આથી કરીને અહીં ગીતનું મૂલ્ય બદલાઈ ગયું છે; અહેતુક સહજ આનંદને બદલે સામાજિક વ્યાવહારિક મૂલ્ય તેને પ્રાપ્ત થયું ગણાય. પરંતુ હજી પેલા સહજ આનંદનું મૂલ્ય અને આ વ્યાવહારિક મૂલ્ય —બંને વચ્ચે કશો વિસંવાદ જન્મ્યો નથી, બંને પરસ્પર પૂરક છે. પરંતુ ત્યાર પછીના જમાનામાં જ્યારે કારીગર-કલાકારનો નોખો વર્ગ ઊભો થયો, અને જેટલે અંશે કારીગરી અને કલા ઉપજીવિકાનાં સાધન બન્યાં, તેટલે અંશે તેમના શ્રમનું – આનંદનું મૂલ્ય અદૃશ્ય – થયું; અને અર્થઉપાર્જનના સાધન તરીકેનું વ્યવસાયી મૂલ્ય પ્રાપ્ત થયું. પછી તો, જમાનો એવો પલટાયો કે તમામ વસ્તુનું મૂલ્ય નાણાંમાં અંકાવા લાગ્યું – ખુદ માણસની શ્રમશક્તિ, બુદ્ધિ, કલાકારીગરી સુધ્ધાં ખરીદવેચાણની બજારુ ક્રયવસ્તુ(commodity) બની ગઈ, અને અતિરિક્ત શ્રમ (surplus labour)માંથી બીજા કોકને માટે, નફાની નવી ગુંજાયશ પેદા થઈ. આમ મૂલ્યાંકનની દુનિયામાં ક્રાંતિ સર્જાઈ ગઈ. મૂલ્યાંકનની આ ક્રાંતિએ જીવનનાં તમામ ક્ષેત્રે મૂલ્યોની કટોકટી પેદા કરી દીધી. પરંતુ, હજીય વધુ કારમી પરિસ્થિતિ જન્મવાની બાકી હતી. તે કામ કર્યું સર્વવ્યાપી ટેકનોક્રસીએ. સમૂહ ઉત્પાદન, સમૃહ શિક્ષણ અને સામૂહિક અક્ષરજ્ઞાનની સાથોસાથ કલા અને સાહિત્યની માગ પણ બેહદ વધી ગઈ. સરકાર એના પ્રચાર માટે, સંસ્થાઓ-સંગઠનો અને નેતાઓ પોતપોતાના ઉદ્દેશો માટે, પ્રકાશકો અને વિક્રેતાઓ એમના નફાની દૃષ્ટિએ, તથા જનસમૂહ એના મનોરંજન માટે માગે તેવો માલ પૂરો પાડવાની જવાબદારી લેખક-કલાકારને માથે આવી પડી. આજીવિકા અને યશની પ્રાપ્તિ પણ એ માગને સંતોષીને જ પ્રાપ્ત કરવી રહી. પરિણામે અઢળક સાહિત્ય પેદા થવા લાગ્યું —— મૂલ્યની વાત જ કેવળ વીસરાઈ ગઈ. અધૂરામાં પૂરું મૂલ્યવિકૃતિનું આખરી કાર્ય પાર પાડ્યું સર્વસત્તાવાદી(totalitarian) રાજ્યશાસને, કેવળ તેની જ જરૂરિયાત, તેની જ વિવેકબુદ્ધિ, તેનો જ આદર્શ, તેનું જ લક્ષ્ય એક- માત્ર સર્વોપરી મૂલ્ય બની ગયું! આ બધાંને પ્રતાપે આજના જૂથશાહી સમાજમાં ભયંકર વિષમતા જાગી છે. ‘વ્યક્તિ’ રહી, ‘વ્યક્તિત્વ’(individuality)ગયું; ‘પાત્ર’ રહ્યું, ‘લાક્ષણિકતા’ ગઈ; ‘સંખ્યા’ રહી, ‘ગુણવત્તા' ગઈ. માણસનો કુદરત સાથેનો સંબંધ તેને જીતવા પૂરતો રહ્યો, પરિણામે માણસ પોતે જ જડ પરિબળોને આધીન બનતો ગયો; માણસે શ્રમને પોતાની આજીવિકા પૂરતું સાધન બનાવ્યું, તો માણસ પોતે જ તેના શ્રમ ખરીદનારનું સાધન બની ગયો. નિકટતમ સ્વજન સંબંધીઓ સાથેનો સંબંધ વધુ ને વધુ જરૂરિયાત પૂરતો ઔપચારિક થયો તે પોતાના જ સંબંધ વચ્ચેની તડ જોઈ માણસ જાતે જ હબકી ઊઠ્યો; અંતે પોતાને વિશે પોતે જ સાશંક બન્યો ને પોતાની ચેતનાથી પોતે જ ભય પામી ગયો. વધુમાં આ આખી પરિસ્થિતિ જાણે પૂર્વનિર્ણીત(pre-destined) અને અપરિહાર્ય જણાવા લાગી; ‘વ્યક્તિ' કશું કરી ન શકે, ને ‘જૂથ’ કશું કરવા ન દે, માટે કશું જ શક્ય નથી – આવો તર્ક તેને સદતો ગયો. આમ, સાર્વત્રિક વિચ્છિન્નતા અને ભગ્નતાની તાસીર આ યુગની લાક્ષણિકતા બની ગઈ.

આજના યુગના લેખક-કલાકારની સમસ્યા તો અનેકગણી વધુ વિકટ છે. એણે એકસાથે અનેક મોરચે ઝૂઝવાનું છે; એક નાગરિક તરીકે તો તેણે અન્ય સૌની જેમ જીવનસંગ્રામ ખેડવાનો રહે જ છે; ઉપરાંત એનો વ્યવસાય જ એવો છે કે તે મુક્ત હવા વિના ગૂંગળાઈ મરે. એથી જ તો, આજના જમાનામાં કદાચ સૌથી વધુ આર્થિક વિચ્છિન્નતા, નિર્વેદ અને એકલતાનું કોઈ પ્રતીક હોય તો તે લેખક-સર્જક જ હશે. પાસ્તરનાક કહે છે તેમ, ‘આજના સમૂહયુગ(massage)માં એકમાત્ર લેખક વ્યક્તિવાદી અવશેષ છે. એના મરજાદી(orthodox) સમકાલીનોને તો તે અર્ધો પાગલ જણાય છે અને એના સાથીદારોને વિદૂષક–એમ આપણે ઉમેરી શકીએ, પરંતુ, રહસ્ય તો એ વાતમાં રહેલું છે કે આ બધું કાંઈ લેખક- સર્જકના વિશિષ્ટ વ્યવસાયને અનુપકારક નથી, બહારની સપાટી પરની અપરંપાર વિશૃંખલતાઓ અને આંતરિક જીવનની પણ પારાવાર વિચ્છિન્નતા, વિસંવાદિતા, એકલતા ને નિર્વેદ— આ બધું સાચા સર્જકને માટે તો ભાથું બની જાય છે, જેમાંથી તે સૌન્દર્યની ઉપાસના દ્વારા એકતા, સંવાદિતા અને અખંડતા પ્રગટાવવા મથે છે. આ આખી પ્રક્રિયા અતિ જટિલ છે. માત્ર માનવજાતનાં જ નહિ, સમસ્ત બ્રહ્માંડનાં સંવેદનો સાથે એક પ્રણયીના જેવું તાદાત્મ્ય સાધવાની અને એ બધાંને આત્મસાત્ કર્યા પછી એક યોગીની જેમ ઠંડીગાર તટસ્થતાથી પ્રગટ કરવાની સર્જકની સાધના બીજા કોઈ પણ વ્યવહાર અને વ્યવસાયથી સર્વથા ભિન્ન છે. સર્જન-વ્યાપારની આ વિલક્ષણતા છે. આથી જ તો અગાઉ આત્મસાત્ કરેલાં અને સતત નવાં નવાં આત્મસાત્ થઈ રહેલાં સંવેદનોને અભૂતપૂર્વ આવિષ્કાર આપવાની તેની મથામણમાં ચીલાચાલુ રીતિ, પદ્ધતિ, પરંપરાગત અલંકારો ને શૈલી, રૂઢ પ્રતીકો અને શબ્દાર્થો, રૂઢ આકારો અને ઢાંચાઓ તથા આ બધા અંગેનાં મૂલ્યાંકનો ને સિદ્ધાંતો ઓછામાં ઓછાં ખપમાં આવે છે; ઘણી વાર તો આડેય આવે છે. જૂની મૂર્તિને નવા વાઘા સજાવવાથી પોતાનો વ્યાપાર ધીકતો થવાનો નથી, એ તે જાણે છે. આથી તે પ્રત્યેક નાનામાં નાના ઉપકરણ(સાધન) અને ઉપાદાન(દ્રવ્ય)ની બાબતમાં સચિંત રહે છે, અને નવા નવા અખતરાઓ કરતો રહે છે. સાહસનું આવું એકધારું ઇજન એને માટે જીવન અને મૃત્યુ વચ્ચેની ઉપસ્થિતિ શક્ય બનાવે છે. કલાકારની આ સાધના અત્યંત દુષ્કર છે. પરંતુ અંતે જ્યારે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે તો ખરેખરો ચમત્કાર સર્જાઈ જાય છે, જીવનનું સમસ્ત ઋત—અંતસ્તત્ત્વ(દર્શન, સંવેદન, અનુભૂતિ સહિતનાં તમામ સત્ત્વો) પોતે જ વિરલ સૌંદર્યરૂપે પ્રગટ થાય છે. આમ ‘content' પોતે જ રૂપાંતર પામી રચનારૂપે પ્રગટ થાય છે, ત્યારે પેલો પાગલ માનવી વિશ્વકર્માને આસને બેઠેલો દેખાય છે. અલબત્ત, આનો અર્થ એવો નથી કે સાહિત્ય વા કલાનું સર્જન જીવનનિરપેક્ષ છે, અથવા કલાકાર જીવનથી પર એવાં કોઈ મૂલ્યો સર્જે છે. પરંતુ આનો અર્થ એટલો તો ખરો જ કે આવું સર્જન વ્યવહારજીવનથી નિરપેક્ષ છે, વ્યવહારજીવનની સમાંતરે તેનો સ્વતંત્ર લીલા-વિસ્તાર છે; અને વ્યવહારજીવનથી સાવ અનોખાં, ભિન્ન રૂપો અને રચનાઓ દ્વારા તે સૌંદર્યનું આગવું મૂલ્ય પ્રગટ કરે છે. આમ છતાં એ મૂલ્ય જીવનનિરપેક્ષ તો નથી જ. જ્યાં જીવનનો સ્પર્શ નથી ત્યાં સર્જન પાંગળું રહે છે; જ્યાં ‘સિસિફસ' જેવો પુરુષાર્થ નથી ત્યાં સર્જનમાં બળકટતા આવવી શક્ય નથી. જ્યાં જીવનદર્શન સપાટી ઉપરનું જ રહી જાય ત્યાં કુશળ કારીગીરી શક્ય બને, સુંદર આકારપ્રકાર અને અવનવું રચનાકૌશલ્ય શક્ય બને, પણ સૌંદર્યની ચિરંજીવિતા તો નહિ જ. આથી જ તો સાચો સર્જક એના સર્જનવ્યાપાર દ્વારા જે ક્ષણે સૌંદર્યનું મૂલ્ય સિદ્ધ કરે છે, તે જ ક્ષણે જીવનમૂલ્ય પણ પ્રસ્થાપિત કરી જ ચૂક્યો હોય છે. કામૂ, પાસ્તરનાક, હેમિંગ્વે, લૉર્કા, સાર્ત્ર વગેરે આનાં ઉત્કૃષ્ટ અદ્યતન દૃષ્ટાંતો છે.

(આકાશવાણી, ૧૩–૭–'૬૧)