મિતાક્ષર/સમૂહ-માધ્યમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સમૂહ-માધ્યમ (MASS-MEDIA)** [1]


જ્ઞાનસત્રના પ્રથમ સંવિવાદનો વિષય હતો : સાહિત્યકાર શું શોધે છે?' આજનો આપણો આ વિષય, આપણે માટે—સૌ સર્જક-ચિંતક, સાહિત્યકાર અને કલાકારો માટે—એ રીતે અત્યંત મહત્ત્વનો છે કે સાહિત્યકાર જે શોધે છે બરાબર એનાથી ઊલટી ક્રિયા સમૂહ-માધ્યમ દ્વારા થતી હોય છે. મારી દૃષ્ટિએ, સાહિત્યકાર એની અનુભૂતિ, ઊર્મિ અને આકાંક્ષાના મૂળસ્રોતને ફરી ફરી નવાં નવાં રૂપોમાં સ્પર્શવા અને પ્રગટ કરવા મથતો હોય છે. જ્યારે સમૂહ-માધ્યમ સાહિત્યકારને એનાથી બરાબર ઊલટી જ દિશામાં ઘસડી જવા મથતું હોય છે. બીજી રીતે કહીએ તો, આજે સવારે આપણે સંજ્ઞાપન (communication)ની જે ચર્ચા કરી એ સંજ્ઞાપનની એક અતિ ગંભીર સમસ્યા સમૂહ-માધ્યમે ખડી કરી દીધી છે. બને કે આપણા દેશમાં હજી આ સમસ્યા પૂરતી ગંભીર ન બનવાને કારણે આજે આપણામાંના ઘણાને આ વિષય આપણા સંવિવાદ માટે અસ્થાને જણાયો છે. પરંતુ યુરોપ અને પશ્ચિમમાં સમૂહ-માધ્યમે સર્જક-કલાકાર-ચિંતક માટે જે રૂંધામણ પેદા કરી દીધી છે, આપણે માટે એ થોડાંક વરસો દૂરની ભલે હોય, પરંતુ આપણે એમાંથી છટકી શકનાર નથી એ નિશ્ચિત છે. હકીકતે તો આપણે સમૂહ-માધ્યમના હલ્લા નીચે ક્યારના આવી ચૂક્યા જ છીએ — સર્જક-ચિંતક તરીકે આપણે એના મુખમાં ગળાઈ પણ રહ્યા છીએ[2] —આપણે ભલે એનાથી જાગ્રત ન હોઈએ. અને મારી દૃષ્ટિએ તો, ‘સમૂહ-માધ્યમ આપણને ગળી જાય એ પહેલાં આપણે એનો ઉપયોગ કરી લઈએ' એવી હોંશ અને આશા આજની આપણી જાગૃતિના સંદર્ભમાં તો, વ્યર્થ જ દેખાય છે. કદાચ પાસ્તરનાકના જેવી વિરલ ચેતના જ આપણને બચાવી શકે ? આરંભમાં જ એક બીજી સ્પષ્ટતા પણ કરી લેવી જરૂરી છે. સમૂહ માધ્યમ (mass-media) અને સામૂહિક માધ્યમ (collective media) બંને એક નથી. માનવસમાજના આરંભથી સામૂહિક માધ્યમ તો અસ્તિત્વમાં રહ્યું જ છે; ત્યારે સમૂહ-માધ્યમ વર્તમાન ઔદ્યોગિક યુગની આગવી અને વિલક્ષણ સમસ્યા છે. સમસ્ત સામાજિક ઇમારત (social structure)નાં મૂળભૂત પરિવર્તનની સાથે જ એ પેદા થયેલી છે. આ દૃષ્ટિએ, આપણા આજના વિષયને ‘સામૂહિક માધ્યમ' શબ્દથી ઓળખવાને બદલે, વધુ શાસ્ત્રીય રીતે, ‘સમૂહ-માધ્યમ' શબ્દપ્રયોગ કરવા વધુ યોગ્ય ઠરશે.

ઔદ્યોગિક યુગપૂર્વેના સમાજના બે મુખ્ય તબક્કા ઉપર નજર નાખીએ તો જણાય છે કે આદિયુગ અને મધ્યયુગના સમાજમાં સંજ્ઞાપન(communication)નો સવાલ ઘણો સરળ હતો. આદિયુગને આપણે લોકસમાજ (folk society) કહીએ તો એમાં જ સંજ્ઞાપનનાં સ્વરૂપનો લોકકલાઓનો સંકેત મળી જાય છે. આ યુગની બધી કલાઓ મુખોમુખ(face to face) સીધા વ્યક્તિગત સંબધ અને સંપર્કના સ્વરૂપવાળી, ઉપરાંત, સાદી અને સર્વબોધ્ય (unsophisticated) હતી. આથી સંજ્ઞાપન અત્યંત અંગતતાભર્યું આત્મીયતાપૂર્ણ હતું; અને સહજ રીતે જ તે યુગની સમગ્રતા અને અખિલાઈને પ્રગટ કરનારું બની શક્યું હતું. આ પછી, મધ્યયુગમાં વસ્તીના અને કદના વિકાસ સાથે સામાજિક ઘટકોનો વિસ્તાર થયો. સેંકડો શ્રોતાજનો સમક્ષ કથા કરનારા માણભટ્ટોથી માંડી નાગરિક અને દરબારી કલાઓ (શિષ્ટકલાઓ)નો વિકાસ થયો. પરંતુ આમ છતાં, કલાકાર-સર્જક કે સાહિત્યકાર અને તેના ભાવકો વચ્ચેના પારસ્પરિક સંબંધનું મૂળભૂત સ્વરૂપ કાયમ રહ્યું. એક માણભટ્ટ કે એક નટમંડળી પાંચસો કે હજાર માણસો સામે પોતાનો કાર્યક્રમ રજૂ કરતો હતો ત્યારેય તેનો મુખોમુખ સંબંધ, બાહ્ય દૃષ્ટિએ અને આંતિરક દૃષ્ટિએ, લગભગ અકબંધ રહ્યો હતો. કથાકાર કે કલાકારના મુખ ઉપરના ભાવોનો પ્રેક્ષકોના મુખ ઉપર પ્રગટતા ભાવો સાથેનો સંબંધ અતૂટ રહ્યો હતો. ઉપરાંત, સૌની લગભગ સમાન એવી ધાર્મિક, સામાજિક અને સાંસ્કારિકતાની આંતરિક કડી હજી અખંડ હોવાને કારણેય, દૈહિક રીતે સંપૂર્ણતઃ ‘મુખોમુખ' ન હોવા છતાં, સંજ્ઞાપનની અખંડતામાં કોઈ મોટો વિક્ષેપ જાગ્યો ન હતો. વળી, સમાજના બંધારણનો પાયો જ ઉચ્ચનીય કક્ષાની ક્રમિક શ્રેણી(hierarchy) હોઇને સામાજિક સંબંધોની કડીઓ વ્યક્તિગત સીધા સંપર્કવાળી જ રહી. પરિણામે, દરબારી નાગરિક કલા પણ અંશતઃ શિષ્ટબોધ્ય (sophisticated) બનવા છતાં, બહુતઃ અને મૂલત:, વ્યક્તિગતતા અને અંગતતાના અનુબંધવાળી રહી. પરિણામે, સર્જક અને ભાવકના વ્યક્તિત્વની વિલક્ષણતા એમાં પ્રતિબિંબિત થતી રહી. ઉપરાંત, આ નગરકલાઓ પણ જે તે નિશ્ચિત શ્રેણીની અંદર જ જન્મી ને તેમાં જ ઊછરી હોઈનેય તેની સ્વાયત્તતા પણ અખંડ રહી શકી.

ઓગણીસમી સદીના આરંભથી, મહદંશે યુરોપમાં, જે ઔદ્યોગિક-ટેકનિકલ વિકાસ થયો તેણે ત્યાંના સમાજનું આખું કાઠું – કલેવર પલટી નાખ્યું. ગૃહ-અને ગ્રામ-ઉદ્યોગો તૂટી પડતાં કારીગરોનાં હથિયારો નકામાં થયાં; અને તેઓ ખુલ્લી કાતિલ હરીફાઈના બજારમાં પોતાની શ્રમશક્તિનું વેચાણ કરનારા બની ગયા; અને અજાણ્યા માલિકોનાં કારખાનાંમાં, અજાણ્યા ખરીદનારાઓ માટે ચીજ-વસ્તુઓના અલગ અલગ અંશોનું ઉત્પાદન કરનારા ‘શહેરી કામદાર' (proletariat) તરીકે નવો અવતાર પામ્યા. આ ઔદ્યોગિક યુગ દરમ્યાન જે અપૂર્વ વિકાસ થયો તેનો અંદાજ આપતાં વિજ્ઞાનીઓ પોતે કહે છે તેમ, માનવસમાજની શરૂઆતથી તે ૧૮૩૦ સુધીમાં જે યાંત્રિક વિકાસ થયો હતો તેના કરતાં ઘણો વિશેષ વિકાસ ૧૮૩૦થી ૧૯૩૦ના એક જ સૈકામાં થયો છે. એટલે કે આદિથી આરંભીને ઔદ્યોગિક સમાજના આરંભ સુધીનાં લાખો વરસોને ટપી જાય એવાં છેલ્લાં સો-સવાસો વરસો છે. આ છેલ્લાં સવાસો વર્ષના સમાજને જે વિશિષ્ટ નામ અપાયું છે તે છે: સમૂહ-સમાજ (mass-society). તેનું સૌથી પ્રમુખ લક્ષણ હોય તો તે આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કારિક ક્ષેત્રે કેન્દ્રવાદ(centralization). એને આપણે ‘ઊર્ધ્વમૂલ' સમાજ કહી શકીએ—કદાચ ‘ઉન્મૂલ' કહેવો વધુ યોગ્ય ગણાય.

આવા સમૂહ-સમાજનો, આપણા આજના વિષય પૂરતો, કોઈ અતિ મહત્ત્વનો વિકાસ હોય તો તે, સર્વપ્રથમ છાપખાનાની શોધ, અને ત્યાર બાદ, ફોનોગ્રાફ, રેડિયો, મૂક અને બોલતાં ચિત્રપટો તથા અંતે ટેલિવિઝન જેવાં સમૂહ માધ્યમોનો. વિદેશમાં (બ્રિટન-અમેરિકામાં) સમૂહ-સંજ્ઞાપનના ક્ષેત્રે જે વિસ્તાર[3] થયો છે તેણે ત્યાં અનેક મૂળભૂત અને ગંભીર સ્વરૂપની સામાજિક- સાંસ્કારિક સમસ્યાઓ પેદા કરી દીધી છે. આ બધાં ઉપરાંત Madison Avenueને નામે વિખ્યાત બનેલી જાહેરાતની સૃષ્ટિનો અંદાજ લેવો પણ મુશ્કેલ છે.[4] ટી.વી. દ્વારા કરોડો ‘ગ્રાહકોને' તે પહોંચી વળે છે; અને ધારી ચીજવસ્તુને બેપાંચ અઠવાડિયાંમાં તો sales-leaderના સ્થાને સ્થાપી દેવાની ગુંજાયશ તે ધરાવે છે. બધી અસરોને ડુબાવી દઈ શકવાનો તેનો દાવો ગમે તેટલો વધારે પડતો હોય છતાં, રાજકારણથી માંડી ક્લા અને સાહિત્યના ક્ષેત્રે તથા ચીજવસ્તુની ખરીદીની બાબતમાં તેણે ઘમસાણ મચાવી દીધું છે, ભારે ઊથલપાથલ કરવા માંડી છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આ જાહેરખબરની—તેય મોટે ભાગે ટી. વી. ઉપરની — સૃષ્ટિએ વેપારી અને ગ્રાહક વચ્ચેનો યુગયુગજૂનો અંગત સંબંધ લગભગ સર્વથા છેદી નાખ્યો છે; નેતાઓ અને તેના અનુયાયીઓ વચ્ચેનોય કોઈ સેતુ હોય તો તે, પોતે કદી નહિ જોયેલા નહિ જાણેલા, લાખો અમૂર્ત ‘નાગરિકો’ને ટી. વી. ઉપરથી ઉદ્દેશાયેલી આજ્ઞાઓ અને અપીલો છે. અને આ બધામાં એક છેડે સમૂહ-સંજ્ઞાપનના ખંધા અને કુશળ સંચાલકો છે, તો બીજે છેડે એ બધી સામગ્રી આરોગવા તત્પર કરોડો અમૂર્ત નાગરિકોના ખિચડિયા(non- differentiated) સમૂહો છે, જેઓ ટી.વી. કાર્યક્રમો આતુરતાપૂર્વક જુએ છે, સાંભળે છે; તેમાંથી ‘જ્ઞાન' મેળવે છે, ‘શીખે' છે અને ‘અંદર’ ઉતારી દે છે. અલબત્ત, ખાઉધરાની રીતે જ આ આખો વ્યાપાર ચાલતો હોઈ પરિણામે આ ગ્રાહકસમૂહ તેની ક્ષુધાશાંતિ પામવાને બદલે, અફીણીની જેમ એનો વધારે ને વધારે બંધાણી બનતો જાય છે. અમેરિકાના કલાવિવેચક ક્લેમેન્ટ ગ્રીનબર્ગના કહેવા મુજબ, આ ધસારો ગ્રામવિસ્તારો સુધી પહોંચી ચૂક્યો છે, ને તે લોકસંસ્કારિતાનો વિનાશ કરી રહ્યો છે. વિશિષ્ટ રૂપો અને આગવાં લક્ષણોવાળા પ્રાદેશિક કે રાષ્ટ્રીય સંસ્કારને સ્થાને ખિચડિયો સંસ્કાર પીરસી રહ્યો છે. ટી.વી. યુગના ‘નવા નાયકો' દરેક ક્ષેત્રે આગળ આવી રહ્યા છે અને મૌલિક વૃત્તિ-શક્તિવાળા બુદ્ધિજીવીઓ તથા સર્જક-કલાકારો કાં તો પડદા પાછળ ફેંકાઈ રહ્યા છે, અથવા, આ ટી.વી. સંસ્કૃતિને અનુરૂપ બની ‘નવા નાયકો’માં ભરતી થઈ રહ્યા છે! ટૂંકમાં, આવા આ સમૂહ-સમાજની, એક સર્વતોમુખી કોઈ માનવીય સમસ્યા હોય તો તે સમૂહ સંજ્ઞાપનની સમસ્યા છે. આ સમૂહ-સમાજના કલેવરમાં જ તેના સંજ્ઞાપનની પદ્ધતિ એવી તો ઓતપ્રોત છે કે જે તેને પાંડુરોગી બનાવી રહી છે.

સમૂહ-માધ્યમોની ચાર લાક્ષણિકતાઓ છે જે એને આગળના યુગોથી અલગ પાડે છેઃ (૧) સમૂહ-માધ્યમો દ્વારા કોઈ ને કોઈ સ્વરૂપનો ‘સંદેશ’ પહોંચાડનારાઓની સંખ્યાના કરતાં તેનો સત્કાર કરનારની સંખ્યા લાખો ગણી હોય છે. (૨) આ સંદેશા પામનાર કરોડો માનવીઓ પોતાનો વળતો જવાબ (મત) સામે છેડે પહોંચાડી શકે એવી ગુંજાયશ ધરાવતા નથી. તેમને હસ્તક એવી કશી સગવડ જ હોતી નથી.[5] (૩) આ સંદેશા ઝીલનારા કરોડો પોતાના અવાજ (મત) — સંદેશાને નક્કર રૂપ આપવા ઈચ્છે તોય એવાં સંગઠનો ઉપર પણ સમૂહ-માધ્યમોના સંચાલકોનો અથવા સરકારોનો મહદંશે કાબૂ હોય છે. (૪) અગાઉના જમાનામાં ક્રમિક-શ્રેણીબદ્ધ સમાજમાં ગમે તેટલાં નીતિ, નિયમો અને રૂંધામણો હોય તે છતાંય માણસો પોતપોતાના નાના સ્વાયત્ત ઘટકોમાં જે સ્વાતંત્ર્ય અને છૂટછાટો ભોગવી શકતા હતા એવી સ્વયત્તતા અને સ્વાતંત્રતા હવેના આ સમૂહસમાજમાં રહેવા પામી નથી,

આનું મુખ્ય કારણ જ એ છે કે આગળના સમાજના સંજ્ઞાપનમાં જે કાંઈ વિસ્તાર અને વૃદ્ધિ થતી હતી તે બધી જ, તે તે ક્રમિકશ્રેણીમાં આંતરિક રીતે અને ઉપરની શ્રેણી સાથેના સબંધમાં થતી હોઈને વિચારો અને અનુભૂતિઓની આપલે કરવામાં ઉપકારક બનતી હતી. જ્યારે આ નવા સમૂહ-સમાજમાં એથી ઊલટી જ પ્રક્રિયા પ્રવર્તતી થઈ છે. બલ્કે, સમૂહયુગના સંજ્ઞાપનનો મુખ્ય પ્રકાર જ અનાત્મિક, અવૈયક્તિક, ‘ઔપચારિક માધ્યમો' (formal media) છે. તેમાં જાહેર પ્રજા – નાગરિકો પોતે જ આ ‘માધ્યમોનું બજાર' (media market) બની જાય છે અને સમૂહ-માધ્યમોના ધસારા સામે કશા સંરક્ષણ વિનાના લાચાર શિકાર થઈ રહે છે.[6] નિષ્ણાતો આવા આ સમૂહ-સમાજનાં મોટા ભાગનાં ઉત્પાદનનાં લક્ષણ આ રીતે અનેકધા ગણાવે છે: standardized, commercialized, homogenized, deindividualized, de-personalized વગેરે; અને તેની ગુણવત્તા આવી છે: utilitarian, efficient, successful, interesting, mass-appealing, popular, conformist વગેરે. આ લક્ષણો અને આ કસોટીઓ, આગળ કહ્યું તેમ, ઉત્પાદનનાં બધાં ક્ષેત્રે— સર્જનના ક્ષેત્રેય — લાગુ પડે છે.

આવી ભૂમિકાવાળા સમૂહ-સમાજમાં સંસ્કાર, કલા અને સાહિત્યના ક્ષેત્રે આ સમૂહ-માધ્યમો કેવી રીતે કામ કરે છે, કેવી અસરો જન્માવે છે, ને કેવાં પરિણામો પેદા કરી કેવી સમસ્યાઓ ઊભી કરે છે તે જોઈએ. અખબારો, સામયિકો, સિનેમા, રેડિયો, ટેલિવિઝન વગેરેનાં સંચાલન પાછળ બે બળો કામ કરતાં જણાય છે : (૧) વિશાળતમ પ્રજાનું મનોરંજન, શિક્ષણ, સંસ્કારવર્ધન, (૨) આ માધ્યમોમાંનાં મોટા ભાગનાં ખાનગી યા સ્વતંત્ર કૉર્પોરેશન હસ્તક હોય છે. અમેરિકા-બ્રિટનમાં રેડિયો-ટેલિવિઝન જેવાં માધ્યમોય ખાનગી યા સ્વતંત્ર(અર્ધ સ્વતંત્ર?) કૉર્પોરેશનો હસ્તક છે. સર્વસાધારણ રીતે આ પણ એક ઔદ્યોગિક વ્યાપાર –વ્યવસાયનો જ ભાગ હોઈને તેની આર્થિક બાજુ બહુ જ મહત્ત્વની રહે છે, કેટલીક વાર નિર્ણાયક પણ. [7]

આ બધાં કારણે, રોજિંદાં વપરાશી ઉત્પાદનોની જેમ, સંસ્કાર-કલા-સાહિત્યક્ષેત્રેય સસ્તા અને સર્વભોગ્ય ઉત્પાદન ઉપર ઝોક રહે છે. અંદર અંદરની હરીફાઈને કારણે આ ઝોક વધતો જાય છે. સ્વાભાવિક રીતે જ, કરોડો ભોક્તાઓની લઘુતમ સર્વસાધારણતા (lowest common denominator) ઇષ્ટ કક્ષા ગણાય છે. ઉછેર, શિક્ષણ, ઉંમર, રસો વગેરેના ભેદો વિના મહદંશે સર્વભોગ્ય સામગ્રી તૈયાર કરવાનો ઉદ્દેશ મુખ્ય બની જાય છે. કથાવસ્તુ અને પાત્રો બંનેમાં વૈયક્તિક ઘટના અને ઘાટના સૂક્ષ્મ ભેદોને સ્થાને છીછરા, પહોળા આકારોમાં ઉપસાવેલી, એકધારી, કૃતિઓ જોવા મળે છે. અલબત્ત, આનો અર્થ એ નથી કે સમૂહ-માધ્યમ હમેશા હલકા રસો અને હલકી કૃતિઓ જ પીરસે છે. ના, ઘણી વાર તો પ્રયાસ સારા સંસ્કારોનું પોષણ કરવાનો પણ હોય છે. અને વીર પાત્રો, તંદુરસ્ત પ્રણાલીઓ, પથ્ય લક્ષણો અને ગુણો, રચનાત્મક અને વિધાયક આદર્શો, આશાવાદી અને માંગલ્યપૂર્ણ સંદેશા વગેરે રજૂ કરવામાં આ સૌ પોતાનો ફાળો આપવામાં હરીફાઈ પણ કરતાં હોય છે.[8] વળી પ્રજાના વિવિધ સ્તરોને પહોંચી વળવા માટે, ચોખલિયાવેડાથી માંડી બીજા છેડાની ઉત્તેજક સ્થૂળ ઉપભોગ્ય સામગ્રીનું પ્રમાણ વધુ રહે છે. યુદ્ધના જમાનામાં ‘કેસરયાં' અને શાંતિના ‘શ્વેત ઝંડાઓ'ની જેમ આ સામગ્રીઓના રંગ પણ બદલાતા રહે છે. પરંતુ આ બધી સામગ્રીની ત્રણ મુખ્ય કસેટીઓ હોય છે : ૧. આખી પ્રજાને ખાસ કશા પરિશ્રમ વિના તે ઉપભોગ કરાવી શકે; ૨. સૌને પરિચિતતાન (પ્રતીતિકરતાનો) સંતોષ આપે; ૩. સૌની ઉપર કોઈ ને કોઈ પ્રકારની અસર પાડે. એક કવિએ આ સમૂહ-માધ્યમ દ્વારા પીરસાતા સાહિત્યને (‘ઇન્સ્ટન્ટ કૉફી'ની જેમ) ‘instant literature' તરીકે, અંત્યંત સુયોગ્ય રીતે, ઓળખાવ્યું છે. તત્કાલ, વિના પ્રયાસે સમજાઈ જઈને સૌને ગળે ઊતરી જાય એવા સર્વભોગ્ય શબ્દો, કથાવસ્તુ, પાત્રો, વિચારો, વલણો અને અનુભૂતિઓવાળું સાહિત્ય ! આ ઉદ્દેશ નજરમાં રાખનારાઓ ‘સ્ટાન્ડર્ડ ક્લૉથ'ની જેમ ‘standard version’વાળી રોચક આવૃત્તિઓનું પણ મહત્ત્વ વધારે લેખે એ સમજાય એવી વાત છે. અને દૃશ્ય-માધ્યમો (સિનેમા, નાટક, ટેલિવિઝન) દ્વારા standard ‘જ્ઞાન' અને standard ‘અનુભૂતિ’ પીરસીને જો કરોડોનાં જ્ઞાનાનુભૂતિને સંતોષી શકાય, તો પછી, પુસ્તકને સ્થાને ચિત્રો અને કાર્ટૂનોવાળાં સામયિકોનું મહત્ત્વ વધે જ વધે.

આવાં આ સમૂહ માધ્યમો સમસ્ત પ્રજાના માનસ ઉપર જે પ્રકારની અસર કરે છે તે સાહિત્યકાર અને સર્જકની ચિંતાનો વિષય છે. આ માધ્યમો પ્રજાને માહિતી જ આપતાં નથી, તે તેમનામાં ‘જ્ઞાન’નો ભ્રમ ઊભો કરી તેમની બુદ્ધિને કુંઠિત કરે છે; ‘બનાવટી અર્થઘટનો'નું સિંચન કરે છે; અને પ્રચલિત ધોરણોની વાહવાહ કરવાનું કે તેને સ્વીકારી લેવાનું conformist વલણ પણ પેદા કરે છે. અંતે, માનવીને ‘સર્વસાધારણ સંસ્કારી સજ્જન'ની કોક નિશ્ચિત image સાથે તેનાં જીવન, વ્યવહાર અને ચિંતનનો મેળ બેસાડવા ધકેલે છે. આમ, સમૂહ-માધ્યમો અભિપ્રાયોના, માન્યતાઓના, લાગણીઓના ઉત્પાદકોનું બજાર ઊભું કરે છે—સ્વાભાવિક રીતે તે ભારોભાર ઢાંચાઢાળ હોવાનું; ઘણી વાર બનાવટી સમસ્યાઓ પેદા કરી કરી, બનાવટી ઉકેલો પણ ચીંધી આપવાની ગુંજાયશવાળું ! ધીમે ધીમે કરતાં, સમૂહ-માધ્યમના હલ્લા નીચે જીવતા આસ્વાદકોની આરંભની ‘સક્રિયતા' અદૃશ્ય થાય છે. અને પોતા પર ઝીંકાતી સામગ્રીઓ passively આરોગવાની સહજ વૃત્તિ તેનામાં જન્મે છે : ઘણી વાર આ સામગ્રી ‘ઉત્તેજક' (stimulant) અને ઘણી વાર ‘શામક’ (tranquilizing) અને ગરજ સારતી હોય એવુંય તે અનુભવે છે. આમ, તેની બુદ્ધિ અને અનુભૂતિની શક્તિઓ કોક બીજા બહારનાં પરિબળોની પકડમાં ઘસડાતી થઈ જાય છે. આ કક્ષાએ, વ્યક્તિની વૈયક્તિકતાની આગવી શક્તિ નાશ ન પામે તોય તેનું ‘તટસ્થીકરણ' તો થવા જ માંડે છે. એકંદરે સ્વ-અનુભૂતિઓનું રહસ્ય સમજવાની માનવીની આંતરિક શક્તિને જ આ આખી પ્રક્રિયા કુંઠિત કરે છે— પોતાની જ અનુભૂતિથી તે તેને પરાયો બનાવી મૂકે છે. એટલું જ નહિ પણ આ ખાડો પૂરવા માટે સમૂહમાધ્યમો માનવીને તેની સાહજિક નિજી સંતૃપ્તિ (gratification)ને સ્થાને તેની અવેજી (substitute) શોધી આપવાનું કામ પણ કરે છે—જે માનવીની આંતરિક તૃષ્ણાને સ્પર્શવા અસમર્થ રહે છે. સમૂહ-માધ્યમો વ્યક્તિના અંતરમાં કશુંક નવું બળ-સિંચન કરવાને બદલે જાતે જ તેની અંદર પ્રવેશ કરીને વ્યક્તિની સ્વાયત્તતાને જ વિચ્છિન્ન કરે છે. વધુમાં, આપણને આપણો જ નવો પરિચય કરાવવાની જવાબદારી ते પોતાને માથે લઈ લે છે— દા. ત. (૧) આપણે કોણ છીએ તેની identity ते કરાવે છે, (૨) આપણે શું વાંછીએ છીએ એ aspirations ते નક્કી કરે છે, (૩) આપણે એ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ એ ટેકનિક ते બતાવે છે, અને (૪) આપણે એ કેવી રીતે અનુભવી શકીએ એ escape પણ ते ज આપણને સંપડાવે છે. ઔદ્યોગિક યુગે બાહ્યદૃષ્ટિ તો આપણી પહોંચ-પકડ બહારની ઊભી કરી દીધી જ છે; અને હવે એનાં સમૂહ-માધ્યમો આપણી આગવી આંતરિક સૃષ્ટિને સ્થાને નવી બનાવટી સૃષ્ટિ (pseudo world) ઊભી કરી આપણને જ એના બંધનમાં જકડી લે છે. જ્યાં માનવી પોતાને ઘેરી રહેલ ઇમારત(structure) અને એની અંદર ચાલી રહેલી પ્રક્રિયાથી જ પરાયો બની ગયો હોય, ત્યાં સર્જક-કલાકાર માટે structural viewનો અભાવ અતિ કીમતી ખોટ બની જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિની દર્શન-અવલોકનની શક્તિ વિષેય વિચારતાં આઘાત લાગ્યા વિના નથી રહેતો. ઔદ્યોગિક યુગની એક લાક્ષણિકતા તે શ્રમવિભાજનમાંથી સર્જાતું શ્રમિકનું તેના ઉત્પાદન સાથેનું :‘અનાત્મીકરણ'(alienation) છે. તે શું ઉત્પાદન કરે છે, કોને માટે કરે છે એ બધાથી તે સાવ કપાઈ જઈને એક નાના બિંદુએથી જ ઉત્પાદન-સૃષ્ટિનું અવલાકન તે કરી શકે છે, તે જ રીતે, સંસ્કાર-સર્જનક્ષેત્રે સમૂહ માધ્યમો વ્યક્તિગત, અંગત અવલોકનબિંદુને સંકુચિત અને વિકૃત બનાવી દે છે. એક ચિંતકે એની સરખામણી કરી છે—યુદ્ધ દરમ્યાન અમુક સ્થાન-બિંદુએ, અમુક હેતુઓ પૂરતા, મૂકવામાં આવેલા ફોજી સંત્રીની સાથે. આ સંત્રીનું દર્શન સંકુચિત, વિચ્છિન્ન હોવાનું, તેની આજુબાજુની પ્રકૃતિનું સૌંદર્ય સુધ્ધાં તેના એકધારા, નિશ્ચિત, સંકુચિત હેતુવાળા દૃષ્ટિકોણની બહાર જ રહી જવાનું.

અંતે, આ આખું પૃથક્કરણ, બીજું કશું નહિ તો, એટલું તો સ્પષ્ટ કરે છે કે સાહિત્યકાર-સર્જક-કવિને જે જોઈએ છે, એ જે ઢૂંઢે છે એનાથી ઊલટું જ આ સમૂહ-માધ્યમો કરી રહ્યાં છે. એક ક્ષણના પણ વિસ્તાર વિના એમ કહી શકાય કે સમૂહ-માધ્યમોની આવી સૃષ્ટિમાં સાચો સાહિત્યકાર-સર્જક સર્વથા અનાત્મીયતા(alienation) જ અનુભવે; અને એની સાથે એમ પણ કહી શકાય કે સમૂહ-માધ્યમો પોતાની સૃષ્ટિને અનુકૂળ નવા સાહિત્યકારો-સર્જકો-બુદ્ધિજીવીઓ — ટૂંકમાં, new elite પેદા કરી લે છે, જેને નવી પરિભાષામાં mass-elite કહેવામાં કશું અજુગતું નથી. સાચો સાહિત્યકાર-સર્જક પોતાના કલા-માધ્યમ દ્વારા પોતાની વૈયક્તિક છતાં વ્યાપક અખિલાઈને અને અનન્ય છતાં સર્વસ્પર્શી અનુભૂતિને પ્રકટ કરવા મથતો હોય છે અને તે દ્વારા તે તેની અનુભૂતિ, ઊર્મિ અને આકાંક્ષાના મૂળ સ્રોતનો પુનઃ પુનઃ સ્પર્શ કરવા ઝંખતો હોય છે. સમૂહ-માધ્યમો દ્વારા મળતી કલા તો તેનાં આ દર્શનને અને તેની આ ઝંખનાને ઢાંકી દે છે, હડસેલી મૂકે છે; એટલું જ નહિ પણ એની સાધના અને સિદ્ધિ અશક્ય બનાવી દે છે. સમૂહમાધ્યમોનો હલ્લો પોતાની પકડમાંથી ભાગ્યે જ કોઈને છટકી જવા દે છે. આમ છતાં પાસ્તરનાક જેવો વિરલ જાગ્રત સર્જક આપણને હિંમત દઈ રહ્યો છે; તે કહે છે કે, “આજના ટૅકનોક્રસીના યુગમાં જો કોઈ હજી બચી શક્યું હોય તો તે એક માત્ર સર્જક-સાહિત્યકાર-કવિ જ છે.”

અંતમાં, એક ચિંતક (Urnest van den Haag)ના થોડાક શબ્દો નિચોડરૂપે રજૂ કરુ છું: —Art, like love, can be experienced only as a personal continuous, cummulative, relationship. Else Art becomes entertainment—just as Love is reproduced to sex or prestige. —Art and love must be felt; they cannot be manufactured by someone to suit the taste of someone else. —The mass-media cannot touch the experiences that art, philosophy and literature deal with relevant and significant human experiences presented in ralevant and significant form. —Art is not concerned with making the obvious and approved more obvious and approved; it is precisely after this point that Art begins and mass-media stops.

પરબ : ૧૯૬૫ :૧


  1. [* વાડાસિનોર જ્ઞાનસત્ર: ૧૯૬૪ ઑકટોબર.]
  2. [૧. આ સંવિવાદ દરમ્યાન આપણા ખ્યાતનામ નવલકથાકાર શ્રી ઈશ્વર પેટલીકરે પોતાનું જ બયાન આપતાં કહેલું ઓછું સૂચક તો નથી જ કે આજેય દૈનિક પત્રોમાં હપતાવાર ચાલતી તેમની નવલકથાઓમાં દર હપતે પ્રકરણના અંતમાં તેમને વાચકોની ઉત્કંઠા અને રસ જળવાઈ રહે એની કાળજી તો રાખવી જ પડે છે—એટલે અંશે, શુદ્ધ કલા કરતાં લોકભોગ્યતા અને દૈનિક પત્રની જરૂરિયાતને લક્ષમાં લેવાં જ પડે છે.]
  3. [૨. ‘રીડર્સ` ડાઇજેસ્ટ': સવાબે કરોડ વિતરણ.
    - Gone with the Wind(નવલકથા) એંસી લાખ નકલો.
    – ટેલિવિઝન : અમેરિકામાં સાડા ચાર કરોડનો અંદાજ (અને સરેરાશ રોજ સવા પાંચ કલાકનો કાર્યક્રમ.)
    – એક ‘ટી. વી. શો’ દર અઠવાડિયે એક કરોડ કુટુંબોને — અમેરિકાની ૨૦ થી ૨૫ ટકા વસ્તીને— આવરી લે છે.]
  4. [૩. એક ટી. વી. ઉપર દર વરસે બે અબજ જાહેરાતો- શ્રાવ્ય યા દૃશ્ય - થાય છે.]
  5. [૪. દૃષ્ટાંતરૂપે : એક વ્યાખ્યાતા શ્રોતાઓ સમક્ષ વ્યાખ્યાન આપતો હોય, અગર એક નટ-કલાકાર પ્રેક્ષકો સમક્ષ પ્રયોગો કરી બતાવતો હોય અને શ્રોતા અગર પ્રેક્ષકજનોની સંમુખતા હોવાને કારણે, સંમુખ ભાવકોના સીધા પ્રત્યાઘાતો ઝીલવાની ઓછીવત્તી શક્યતા હોવાને કારણે, જે પરસ્પર આપ-લેનો સંબંધ બંધાય છે તે અને કેવળ રેડિયો-ટેલિવિઝન ઉપર અજાણ્યા શ્રોતા-ભાવક સમક્ષના અજાણ્યા વ્યાખ્યાતા-કલાકારના કાર્યક્રમોથી સરજાતો એકતરફી સંબંધ, બેઉ સર્વથા ભિન્ન હોય છે.]
  6. [૫. આ મજિલના છેડો તે સર્વસત્તાવાદી totalitarian સમાજ.]
  7. (૬. રશિયા, ચીન વગેરે સામ્યવાદી દેશોમાં ઉત્પાદનનાં બધાં સાધનોની જેમ જ સંસ્કારક્ષેત્રનાં તમામ માધ્યમો સરકાર, એટલે કે છેક ઉપલી કમિટી(પોલિટબ્યુરો યા પ્રિસિડિયમ)ના, અને તેમાંય તેમાંય તેના એકબે ધુરંધરોના હસ્તક જ હોય છે. એટલે, એણે જે ઉદ્દેશ સેવ્યો હોય એનું જ વાજું આ બધાં માધ્યમો બની રહે એ સ્પષ્ટ છે.)
  8. [૭. સામ્યવાદી સાહિત્ય અને ચિત્રકલામાં ઉપરનાં લક્ષણો ઉપરાંત, શારીરિક બળ અને જોમભર્યાં શ્રમવીરોનાં પાત્રો તથા શહેરી યંત્રઉદ્યોગોની ભવ્યતા, સુંદર હર્યાંભર્યાં ખેતરોનો આનંદ, ગ્રામપ્રદેશમાં પ્રકૃતિની ગોદમાં સુંદર વિશ્રામગૃહોમાં આરામ કરતા નગરજનો વગેરેને ખાસ ઉઠાવ આપવામાં આવે છે. નક્કર વાસ્તવતાને ઢાંકવા ‘સમાજવાદી વાસ્તવવાદ'નું આ મુખ્ય લક્ષણ રહ્યું છે.]