મુકામ/ભ્રમણા


ભ્રમણા

સામાન્ય રીતે હર્ષદરાય ઊંઘમાંથી ઊઠીને સીધા જ રોજિંદા કામે વળગી જાય. પણ આજે એવું ન બન્યું. ક્યાંય સુધી બંધ આંખે પથારીમાં બેસી રહ્યા. બે વાર તો આંખો ચોળી. થયું કે આવું તો બને જ કેવી રીતે? પોતે જ પોતાના હાથને ચૂંટી ખણીને ખાતરી કરી જોઈ. બધું જ બરાબર છે તો શું એને સ્વપ્ન ગણવાનું? જો કે એમણે તો મરવાનો કે મરી જવાનો વિચાર ક્યારેય કર્યો નથી. પણ પોતે દીવા જેવું ચોખ્ખું વાંચ્યું એનું શું? આમ તો રોજ ચાલવા જતા, પણ એમને તો હંમેશા રસ્તા ઉપર જ ચાલવું ગમે. કોઈ દિ’ નહીં ને આજે જ અચાનક મ્યુનિસિપાલિટીના પાર્કમાં ઘૂસી ગયા. ક્યારેય એ બાજુ ન ગયા હોય એટલે સ્વાભાવિક જ એમને પાર્કની પબ્લિક સાથે કોઈ ઓળખાણ હતી નહીં, એટલે એમને કોઈ બોલાવે અને એ વાતે વળે એ તો શક્ય જ નહોતું. વોકિંગ ટ્રેક પર બે-ચાર ચક્કર લગાવ્યાં અને એમ થયું કે ચાલો ત્યારે થોડું બેસીએ. કોઈ બાંકડા પર ખાલી જગા જ નહોતી. જ્યાં જુઓ ત્યાં કોઈ ને કોઈ બેઠું હતું, એટલે એમણે ધીમે પગલે, પણ ચાલવાનું તો ચાલુ રાખ્યું જ. આગળ ડાબી બાજુના બાંકડેથી અચાનક બે જણા ઊઠીને ચાલતા થયા ને એમને જગા મળી ગઈ! પણ આ શું? બાંકડા ઉપર કોતરેલા અક્ષરે લખ્યું હતું: ‘સ્વ. પિતાશ્રી હર્ષદરાય અમૃતલાલ ત્રિવેદીના સ્મરણાર્થે તેમના પરિવારજનો તરફથી ભેટ.’ હર્ષદરાય એકદમ થોથવાઈ ગયા. એમને થયું કે આ બાંકડા ઉપર તો કેમનું બેસાય? હજી એ કંઈ વિચારે એ પહેલાં તો તાજું જ પ્રેમમાં પડ્યું હોય એવું એક યુગલ આવીને બેસી ગયું. હર્ષદરાયને થયું કે અલ્યા હું તો જીવતો છું ને મારા સ્મરણાર્થે બાંકડો? વળી વિચાર આવ્યો કે કદાચ આપણા નામેરી કોઈ બીજું હોય પણ ખરું ને કદાચ ગુજરી પણ ગયું હોય! કદાચ શું સાચે જ ગુજરી ગયું હોય! એ વિના તો આ બાંકડો ક્યાંથી હોય? વળી વિચાર્યું: હું જીવું છું એ પણ એક અકસ્માત ન હોઈ શકે? હર્ષદરાયને થયું મને ક્યાંથી આ ક્મત સૂઝી કે રસ્તા જેવો ખુલ્લો રસ્તો મૂકીને, ચારે બાજુ મેંદીની વાડવાળા આ પાર્કમાં આવી ચડ્યો. વાતેય સાચી, હર્ષદરાયને આમેય બંધનો ઓછાં ગમે. પાર્ક ગમે એટલો ખુલ્લો હોય પણ વાડ તો ખરી જ ને? એના કરતાં તો આ અમર્યાદ રસ્તો શું ખોટો? તાકાત હોય એટલું ચાલીએ બાકી રસ્તો તો ક્યારે ય ખૂટે જ નહીં. હા, વાહનો દોડતાં હોય એટલે થોડું સંભાળીને ચાલવું પડે! ગઈ કાલે સવારે પોતે જ દીકરાની વહુને કીધું કે ‘આ મારો કબાટ અરધા ઉપરાંત ખાલી પડ્યો છે તો એમાં તમારે બીજું કંઈક મૂકવું હોય તો મૂકી દો. અથવા પેલા રૂમમાં જે અડધિયો કબાટ છે એ મને આપો તો એમાં મારું બધું સમાઈ જાશે. વહુ બોલવા ગઈ કે ‘તમારા કબાટમાં અડધી જગ્યા તમને ખાલી દેખાય છે એમાં તો બાનાં કપડાં રહેતાં એટલે રહેવા દો ને એમ જ!’ પણ બોલી ન શકી. કેમ કે એને ખબર જ હતી કે સામેથી દલીલ આવશે કે – ‘અરે! એને ગયાંને તો ત્રણ વરસ ઉપર થઈ ગયું ને હવે તો એ કબાટમાં તો એમનું કંઈ જ નથી. એને ખબર હતી કે બાપુજી ચોવીસે કલાક ઝુરાપામાં જ હોય છે. છતાં મનની વાતને ઉપરની સપાટીએ આવવા નહીં દે! પોતાનું અંગત પણ એટલી આસાનીથી આપી દે કે તમને ખબરેય ન પડે કે એમણે શું જતું કર્યું છે. એટલે આમ જુઓ તો એમને સાચવવા અઘરા! સીડીની નીચેના ભાગમાં ત્રણ ખાનાં હતા. એમાં હર્ષદરાય પોતાના શોખનાં પુસ્તકો રાખતા. મોટે ભાગે તો અધ્યાત્મનાં. બાકીનામાં થોડીક નવલકથાઓ, કેટલાંક જીવનપોષક વિચારોનાં અને વધેલી જગ્યામાં ‘કલ્યાણ’ અને ‘જનકલ્યાણ’ના અંકોની પાકી બાંધેલી ફાઈલો. હર્ષદરાય ઘણી યે વાર એ સીડી પાસે બેસી જતા. પગમાં ખાલી ચડી જાય કે આંખે કુંડાળાં વળે ત્યાં સુધી વાંચતા રહેતા. એક વાર આવી જ રીતે બેઠા હતા ને ‘પ્રિયજન’ એમના હાથે ચડી. જે પાનું હાથમાં આવ્યું ત્યાંથી વાંચવાનું શરૂ કર્યું. થોડીક વાર વાંચ્યું હશે ત્યાં તો વહુનો અવાજ આવ્યો. એ કામવાળીને કહેતી હતી: ‘એટલા ભાગમાં આજે નહીં વાળે તો ચાલશે. બાપુજીને ઊઠવાનું ન કહીશ.’ કામવાળી જરા મોઢે ચડેલી તે કહે કે, ‘ભાભી! બે મિનિટમાં શું ખાટુંમોળું થઈ જવાનું? પાછી ગંદકી તો એમને જ નથી ગમતી…!’ હર્ષદરાયે એ અડધું પાનું અડધે જ છોડી દીધું. ચોપડી બંધ કરવા ગયા ત્યાં ખ્યાલ આવ્યો કે એમાં એક ચબરખી છે. જોયું તો વત્સલાના હસ્તાક્ષરમાં બજારેથી લાવવાની વસ્તુઓની યાદી હતી. યાદીમાં છેલ્લે સ્વેટર એવું લખેલું. સ્વેટરની પછી કૌંસમાં જે લખેલું- (મેળ ન હોય તો ન લેવું) – એ વાંચતાં તો હર્ષદરાયની આંખો ચૂઈ પડી. હર્ષદરાય ખુલાસો કરવાનું શીખ્યા જ નહોતા. વત્સલા હતી, ત્યારે ઘણી વાર હસતાં હસતાં કહેતી: ‘આ તમારા બાપુજી તો પાકાં ફળના ઝાડ હેઠે ય ભૂખ્યા બેસી રહે એવા છે… ક્યારેય કોઈ વાતનો ખુલાસો નહીં કરે… મનમાં પરણે ને મનમાં રાંડે તો એમનાં ગીત ગાવા કોણ જાય? કોઈ વાત ચોખવટથી ન કરે.’ અત્યારે પણ હર્ષદરાય ચોપડી મૂકીને ધીમેથી ઊભા થયા અને બહાર વરંડામાં જઈને બેઠા. ચારુ અને દિવાકર એમનો પીછો છોડતાં નહોતાં. પોતે વિચારે ચડી ગયા. થયું કે દરિયો જોયાને તો જાણે એક યુગ વીતી ગયો. થોડા દિવસ પહેલાં દીકરો-વહુ ક્યાંક ફરવા જવાનું કહેતાં હતાં. જગ્યા નક્કી નહોતી થતી. એટલે પોતે કહ્યું કે – ‘તમને ગમે તો ચાલો સોમનાથ જઈ આવીએ!’ બીજે જ અઠવાડિયે દીકરા-વહુએ સોમનાથનું ગોઠવ્યું. પણ હર્ષદરાયનો દરિયાઉફાળો તો ક્ષણનો જ હતો. મન શાંત થઈ ગયેલું તે છેક છેલ્લી ઘડીએ બોલ્યા, ‘તમે લોકો ફરી આવો… ઘણા વખતથી ઘરમાં ને ઘરમાં જ છો તો જરા ચેઈન્જ રહેશે. મારી ઈચ્છા પણ થોડું એકાંત માણવાની છે!’ એમનું તો પહેલેથી જ આવું. તરંગ આવે એમ કરવાનું ધારે ને બધું નક્કી થાય ત્યાં એમનો તરંગ બદલાઈ ગયો હોય! અને એ લોકોએ તો બાપુજીને જ કેન્દ્રમાં રાખીને પ્રોગ્રામ બનાવ્યો હતો એટલે દરિયે જવાનું પડી ભાંગ્યું..… એમ સમજો ને કે હમણાં સુધી તો એવું હતું કે હર્ષદરાય અને વત્સલા એકબીજામાંથી જ નવરાં પડતાં નહોતાં. ખોડિયાર માતાના મંદિર પાસે કેટલાક રિટાયર્ડ લોકોની કાયમી બેઠક હતી. એક વખત હર્ષદરાય આદત પ્રમાણે ચાલવા નીકળેલા. એમને જોઈને ટોળામાંથી એક વડીલે કહ્યું કે - ‘આવો… આવો! ભળી જાવ અમારામાં!’ હર્ષદરાયે કહ્યું કે-’હું ક્યાં હજી બુઢ્ઢો થયો છું તે તમારામાં ભળું ?’ ઘેર આવીને એમણે વત્સલાને આ વાત કરી તો વત્સલા ખડખડાટ હસી પડી! પછી કહે કે -’તમારું શરીર તો ઉંમર બતાડે જ ને? એ લોકોને થોડી જ ખબર હોય કે તમારાં મન અને શરીર વચ્ચે મેળ નથી……’ નાનકડા પૌત્રને રોજ સ્કૂલે લેવા મૂકવા જવાનું કામ હર્ષદરાયે જાતે જ સ્વીકારેલું. જતાં પહેલાં મોટું આઈ-કાર્ડ ડોકમાં પહેરવાનું ભૂલવાનું નહીં. એ વિના સ્કૂલવાળા છોકરો ન આપે. પોતે જ આ છોકરાના દાદા છે એવી ઓળખાણ આપવી પડે અને સીસીટીવીમાં દેખાવું જ પડે એ વાત એમને સ્વીકાર્ય નહીં. પણ ‘સિસ્ટમ એટલે સિસ્ટમ. સિસ્ટમને તો ફોલો કરવી જ પડે!’ એક વાર વહુ ક્યાંક બહાર ગયેલી તે પોતે કાર્ડ પહેરવાનું ભૂલી ગયા ને નીકળી પડ્યા સ્કૂટી લઈને! સ્કૂલે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો. પણ, કાયમ જતા હોવાને કારણે ગેટમેન ઓળખે. એટલે એણે કહ્યું કે ‘દાદા, લઈ જાવ તમતમારે! પણ હવેથી કાર્ડ ન ભૂલતા. આમાં તો મારી નોકરી જોખમમાં આવી જાય!’ હદ તો ત્યારે થઈ કે ગેટમેન દાદાને છોકરો સોંપવા તૈયાર હતો પણ છોકરો દાદા સાથે આવવા તૈયાર નહોતો. એની ટીચરે એટલું જ શીખવાડેલું કે ‘ડોકમાં આઈકાર્ડ ન હોય એવી વ્યક્તિ સાથે નહીં જ જવાનું! ભલે ને ગમે તેટલું ઓળખીતું કેમ ન હોય!’ જમાના પ્રમાણે સલામતી માટે ટીચરની સૂચના બરોબર હતી. એનો એમને કોઈ ધોખો ય નહોતો. પણ એમના વિચારક મનને આઘાત એમ લાગ્યો કે દાદા કરતાં એમનું ઓળખપત્ર મોટું થઈ જાય એ કેવું? આખી જિંદગી નોકરી કરી પણ એમનો રુઆબ જ એવો કે ક્યારેય કોઈએ એમની પાસે આઈકાર્ડ માંગેલું નહીં. એ હર્ષદરાય હવે પ્લાસ્ટિકનાં લેમિનેટેડ પડ વચ્ચે ફસાયા હતા. વત્સલાએ એક નિયમ રાખેલો કે વાજતુંગાજતું માંડવે ન આવે ત્યાં સુધી પૂછવું નહીં. એને મન સુખી થવાની આ ચાવી હતી. હર્ષદરાયે જોયું કે મોટી મોટી બેગો ભરાઈ રહી છે. સ્વાભાવિક જ એમનાથી પુછાઈ ગયું. ઉત્તર સાંભળીને રાજી થયા. વહુ-દીકરો અને પૌત્ર ત્રણેય પૂના જઈ રહ્યાં હતાં. રાતની ટ્રેઈન હતી. બધી વ્યવસ્થા થઈ ગઈ હતી. વહુની મોટી બહેનના દીકરાનાં લગ્ન હતાં તે આ લોકો એ બહાને ત્યાં ફરવા જઈ રહ્યાં હતાં. પોતાને પણ તૈયાર થઈ જવા કહ્યું, પણ એમનો તો રોકડો જવાબ: ‘એટલે બધે કોણ લાંબુ થાય?’ વહુએ ગંભીરતાથી પણ રમૂજી રીતે કહ્યું કે - ’કંકોતરીમાં લખ્યું છે કે સગાંસંબંધી મિત્રમંડળ સહિત પધારી શોભામાં અભિવૃદ્ધિ કરશોજી. વધારામાં જલુલા જલુલનો ટહુકો પણ છે... એટલે, બાપુજી તમારે તો આવવું જ પડશે...’ ‘ના એવું કંઈ નથી લખ્યું! મેં કંકોતરી જોઈ છે ને! એવું બધું લખવાના જમાના ગયા!’ વહુનો મૂળ ઈરાદો એવો કે તમે સાથે હો તો અમને તમારી ખાધાપીધાની ચિંતા ન રહે ને બચુડો ય મોજમાં રહે. પણ હર્ષદરાયનો વિચાર એવો કે એ ત્રણ જણની પણ કોઈ આગવી સ્મૃતિ હોવી જોઈએ કે નહીં? ભલે જતાં. ન માન્યા તે ન જ માન્યા. સાંજે દીકરો નોકરીએથી મોડો આવ્યો. હડાહડ કરીને ખાધું. એ નાનો હતો ત્યારે તો હર્ષદરાય ખાસ આગ્રહ રાખતા કે પલાંઠી વાળીને શાંતિથી ખાવું. વહુએ કહ્યું કે બાપુજી તમેય અમારી સાથે બેસી જાવ. પણ પછી દીકરાએ જ કહ્યું: ‘એમને શું કામ ઉતાવળ કરાવે છે? એ તો પછી જમશે શાંતિથી.... એમને હતું કે પોતે સ્ટેશન મૂકવા જશે. સીટની નીચે બધો સામાન ગોઠવી દેશે. બચુડાને વહાલ કરશે. આવજો આવજો કરીને છેલ્લો ડબ્બો પસાર થાય ત્યાં સુધી હાથ હલાવશે ને… પણ, આંગણે ટેક્સી આવીને ઊભી રહી એટલે મૂંગામંતર થઈને એમાં સામાન ગોઠવવા લાગ્યા. બધાં ગાડીમાં ગોઠવાયાં. વહુ સામાનની બેગ અને થેલીઓ સાથે પાછળ બેઠી. બચુડો હઠ કરીને આગળ પપ્પાના ખોળામાં બેઠો. બારણાં ધડાધડ બંધ થયાં ને ટેક્સી ઊપડી ત્યારે એમને ખ્યાલ આવ્યો કે બચુડાને વહાલ કરવાનું તો રહી જ ગયું! મણ એકનો નિસાસો મૂકીને પોતે અંદર આવ્યા ને સોફામાં બેસી પડ્યા. એમને થયું કે આ લોકો મારી વધુ પડતી કાળજી લેવામાં પોતે તો હેરાન થાય છે પણ વધારામાં મારાં નાનાં નાનાં સુખ છીનવી લે છે. સ્ટેશનથી એકલા પાછા આવવામાં હું કયો દૂબળો પડી જવાનો હતો? ગયો હોત તો કેટલા નવા ચહેરા જોવા મળત? સ્ટેશનની ચલપહલ જોયાને ય ઘણો સમય થઈ ગયો છે... કદાચ બહાર નીકળીને મારવાડીની ચા પીધી હોત અથવા થોડું ચાલીને પછી રિક્ષા કરી હોત… પણ હર્ષદરાયની પહેલેથી જ એક તકલીફ કે બને ત્યાં સુધી સામા માણસને અને પરિસ્થિતિઓને અનુકૂળ થઈ જાય. સમય આવ્યે ખોંખારીને કહે જ નહીં કે મારે આમ કરવું છે કે તેમ કરવું છે... બાજુમાં જ બચુડાનાં કાઢેલાં ટીશર્ટ અને ચડ્ડી પડ્યાં હતાં. સ્પાઈડરમેનના લોગોવાળું ટીશર્ટ ઉપાડ્યું ને નાકે અડાડ્યું. એમાંથી બચુડાની સુગંધ આવતી હતી. સ્પાઈડરમેનના હાથમાંથી નીકળેલી દોરી પોતાની ડોક ફરતી વીંટળાઈ વળી ને એમને થયું કે હમણાં જ બચુડો એક ઝૂલો ખાઈને છાતીએ વળગી જશે! બચુડો જન્મ્યો ત્યારે, વત્સલા અને પોતે સવારથી જ બાધા રાખેલી કે બાળકનું મોઢું નહીં જુએ ત્યાં સુધી પાણી નહીં પીએ. પણ બચુડો જેનું નામ! આઠેક કલાકની તપશ્ચર્યા કરાવેલી એણે. વહુને તો પેટે ટાંકા હતા એટલે જે ગણો તે વત્સલા અને વધારામાં હર્ષદરાય તો ખડે પગે હાજર, એ ત્રણ મહિના દરમિયાન બે ય જણાં પોતે કોણ છે એ ય ભૂલી ગયેલાં! અને આગળના છ મહિનાને તો ગણે છે જ કોણ? વહુની તબિયત જોઈને એક વાર વત્સલા બોલી પડેલી કે ‘આ પણ તમારા જેવી જ છે. બાપદીકરી બે ય સરખાં જ ભટકાણાં છો! મોઢામાંથી બોલે તો ખબર પડે ને કે એને શું જોઈએ છીએ! ત્યારે હર્ષદરાય અકળાઈ ઊઠેલા. કહે કે - ’તું કારણ વિના કુહાડજીભી ન થા. દરેકનો એક સ્વભાવ હોય છે!’ એ હતી તો બધું બેલેન્સ કરી લેતી. હવે તો અમે એકબીજાંને અગવડ ન પડે એમાં જ અટવાયાં કરીએ છીએ. પણ, કોને ખબર કે એ આમ અચાનક જ ચાલી જશે? ‘લ્યો હવે જમી લ્યો! બધું ઠરીને ઠીંકરું થઈ ગયું છે ને પાછું તમને આટલું મોડું જમવાનું ફાવતું યે નથી!’ અરે! આ તો વત્સલાનો અવાજ! ક્યાંથી આવ્યો હશે? કહેવાય છે કે આપણે જેને બહુ ચાહતાં હોઈએ એ સૂક્ષ્મરૂપે આપણી આસપાસ જ હોય છે… હર્ષદરાય વત્સલાનું કહેવું માનીને સોફા પરથી ઊઠ્યા અને ડાઈનિંગ ટેબલની ખુરશીએ ગોઠવાયા. પછી યાદ આવ્યું કે પાણીનું પવાલું ભરવાનું તો રહી જ ગયું. વળી ઊભા થયા. મેથીનાં થેપલાં અને સૂકી ભાજી ખાવાનું શરૂ કર્યું પણ લાગ્યું કે મોઢામાં લાળ જ વળતી નથી. મરચું લેવાની ઈચ્છા થઈ પણ થયું કે રાતે પેટમાં બળતરા કરશે. છેવટે ગળેલાં લીંબુના અથાણાની બોટલ ખૂલી અને એમ પેટમાં બે થેપલાં પધરાવ્યાં. ડૉક્ટરે જમીને તરત સૂવાની ના કહી છે એટલે, ડ્રોઈંગરૂમમાં જ બે- ચાર ચક્કર મારીને ટીવી ચાલુ કર્યું. બચુડો જાગી ન જાય એટલે આદત મુજબ ટીવી મ્યૂટ કરીને જોવા લાગ્યા. છેલ્લે જે ચેનલ જોવાઈ હશે એ જ શરૂ થઈ ગઈ. માત્ર બે લિંદરડાં વરાંસે શાકીરા ડાન્સ કરી રહી હતી. એનાં અંગઉપાંગો જે રીતે ઊછળતાં હતાં એ જોઈને શાકીરાને બદલે શરીરા કહેવાનું મન થઈ આવ્યું. પણ, હર્ષદરાયે જોયું કે ધીરે ધીરે જાણે કે એના શરીરની હાજરી ઓછી થતી જાય છે ને રહે છે તે તો માત્ર નર્તન જ. મંચ પરના ખાલી અવકાશમાં એ દેહ વડે અવનવી આકૃતિઓ રચતી હતી. એ હાથ ઊંચા કરે ત્યારે એમ લાગે કે આકાશ હાથવેંતમાં છે અને બાહુઓ વિસ્તારે ત્યારે સમગ્ર બ્રહ્માંડને બાથે લેતી હોય એવું લાગે. કમર અચાનક જ નિહારિકા થઈ જાય ને ઉરોજ તો જાણે નભમંડળમાં ફરતા ગ્રહો જ. આખેઆખા પગ એવી રીતે ઊછળે કે સાડા ત્રણ ડગમાં જ બધું પૂરું થઈ જાય! બહાર થાંભલા ઉપર કંઈક કડાકા જેવું થયું ને વીજળી ચાલી ગઈ. ટીવી ધબોનારાયણ થઈને કાળાડમ્મર આકાશમાં ફેરવાઈ ગયું. હર્ષદરાય બધું બંધ કરીને અંદરના રૂમમાં જઈ પહોંચ્યા ને ધીરે રહીને ડાબે પડખે લંબાવ્યું. થયું કે આ ચેનલ જોવાનો તો પોતાને કદી સમય જ મળ્યો નહીં! પોતાના સંકોચી સ્વભાવને કારણે જ તેઓ પોતાનું એકાંત રચી શકતા નહોતા. ક્યારેક માણસને એકલા રહેવામાં ય મજા આવે. પોતે સમજે બધું પણ મનનું મનમાં જ ઊગે ને આથમે! હજી પણ એ ડબલબેડની ધારે પા ભાગ રોકીને જ સૂતા. કેમ કે વત્સલાને પહોળાં પડીને સૂવાની આદત હતી. ક્યારેક તેઓ કહી ઊઠતા: ‘વત્સલા! તું નામ પ્રમાણે જ જગ્યા રોકે છે.… આમાં મારે સૂવું ક્યાં? એ કહેતી: ‘તે તમને કોણે કહ્યું કે દૂર સૂઓ?’ અત્યારે ય એ પડખું ફેરવીને એ તરફ ખસ્યા તો સ્પર્શનો અનુભવ થયો. માત્ર સ્પર્શ જ નહીં, એના શ્વાસોચ્છવાસ પણ સંભળાવા લાગ્યા. આકાશમાં પંખી તરે એમ હળવે હળવે એમનો હાથ વત્સલાના શરીર પર ફરવા લાગ્યો. થોડી વાર આંગળીઓએ વાળમાં ઓકળીઓ પાડી. પછી કપાળ, આંખો, બંને ગાલ, કાનની નીચેનો ડોકનો ભાગ અને પછી તો આખે આખું બ્રહ્માંડ! અનંત અવકાશમાં એમની આંગળીઓ અને હથેળી ઢોળાવો પર ઢોળાવો ચડતાં-ઊતરતાં રહ્યાં. એ સ્પર્શમાં આવેગનો અનુભવ થતાં જ વત્સલા બોલી ઊઠી: ‘હવે મારાથી તમારી સાથે નથી દોડાતું! થોડા જાતમાં સ્થિર થાવ! આ શરીર પરની રંગોળીના રંગો હજી નથી બદલાયા, પણ આકારો બદલાવા માંડ્યા છે..… હર્ષદરાય! તમે ક્યારેય રાય મટવાના નથી ને હું વત્સલતા છોડી નહીં શકું... પણ હવે રંગો અને આકારો પારની દુનિયાને ય ઓળખવી પડશે ને? આવેગ થંભી ગયો પણ હાથ તો ફરતો જ રહ્યો. ફરતા હાથને ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર ન રહી. ક્યારે વીજળી આવી ને ઓરડાની બત્તી ચાલુ થઈ ને વત્સલા ઊઠીને ચા બનાવવા ગઈ ને કપ-રકાબી ખખડ્યાં ને બૂમ પડી એની યે સરત ન રહી. સામાન્ય રીતે હર્ષદરાય ઊંઘમાંથી ઊઠીને સીધા જ રોજિંદા કામે વળગી જાય. પણ આજે એવું ન બન્યું. ક્યાંય સુધી બંધ આંખે પથારીમાં બેસી રહ્યા. બે વાર તો આંખો ચોળી. થયું કે આવું તો બને જ કેવી રીતે? પોતે જ હળવે રહીને પોતાના હાથને ચૂંટી ખણીને ખાતરી કરી જોઈ…