મેઘાણીની સમગ્ર નવલિકા 2/મેં તમારો વેશ પહેર્યો!

મેં તમારો વેશ પહેર્યો!

એક તો યાચકનો ધંધો પોતે અધમ, અને એમાં પણ યાચકને વેશ ધરીને પેટગુજારો કરવો, એમાં અધમતા બેવડી-ત્રેવડી બની રહે છે. ગારિયાધાર ગામનો સોની રાણીંગ એવી બેવડી હીનતાને સેવતો હતો. એણે ચારણનો વેશ ધારણ કર્યો હતો. બેશક એને વેશ ભજવતાં આવડતું હતું. ચારણની કાવ્યકળાને એણે સિદ્ધ કરી હતી. ચારણનો પોશાક એને ભળતો હતો. ચારણ બનીને એ ગુજરાત-રાજસ્થાનનાં રજવાડામાં જતો, નાનભાઈ ચારણના બિરદ-બોલ જ્યાં સંભળાતા ત્યાં મીઠા લાગતા હતા. એનો માનભર્યો સત્કાર થતો, પહેરામણી મળતી, શીખ સાંપડતી. જાચકોનાં વર્ણમાત્ર ખારીલાં ને ઝેરીલાં હોય છે. ચારણો એમાં અપવાદ નથી. પણ નાનભાઈ ચારણના લેબાસ અને નામની પાછળ છુપાયેલા રાણીંગ સોનીને જાણવા ઓળખવા છતાં સોરઠના જાણભેદુ ચારણોએ એનો ફજેતો કદી ક્યાંય કર્યો નહિ. એને ચારણવેશે ચરી ખાવા દેતા હતા. જરાકે ક્યાંય ચણભણ થતું તો ડાહ્યા ચારણો બીજી જબાનોને ફક્ત આટલું જ કહીને ચૂપ કરતા કે ‘એણે બાપડાએ આપણો વેશ પહેર્યો છે. એ વેશનું તો માન રાખો!’ ચારણોની એવી મનમોટપને આશરે મહાલતો રાણીંગ સોની રાજસ્થાનોમાં વિહરતાં વિહરતાં નાનભાઈ ગઢવી લેખે દાંતા રાજ્યનો મહેમાન બન્યો. મહેમાની માણે છે, ખાઈ-પી મોજ કરે છે, કચેરીને પોતાની કાવ્યકૃતિઓથી રીઝવે છે ને નાનભાઈ ગઢવીની વાહવા બોલાય છે. હવે તો વળતે દહાડે શીખ-પહેરામણી થવાની જ વાર છે. એમાં રાતે મહેમાન-ઘરમાં થોડાક માણસો એને વીંટળાઈને હોકો પીતા બેઠા હતા ત્યારે એક નાની એવી બાબત બની. ગઢવીએ ચલમનો દેવતા ચીપિયાથી સરખો કર્યો. એ પછી બેએક જણા ત્યાંથી ઊઠીને બહાર ગયા. તેમણે જે વાતચીત કરી તેનો ચોક્કસ નતીજો લઈને એક દરબારી મહારાણા જશવંતસિંહ પાસે ગયો. પોતાની શંકા રજૂ કરી: “આ માણસ ચારણ નથી જણાતો.” “ત્યારે?” “સોની.” “શા પરથી?” “ચીપિયો ઝાલીને હોકાનો દેવતા સરખો ગોઠવવાની રીત પરથી.” વળતે દિવસે શીખ-પહેરામણી તો છેટી રહી, પણ જશવંતસિંહ રાજાએ ગઢવીને તેડાવી, એનાં ગાત્રો ગળી જાય તેવી ધમકી દીધી: “સાચું કહી દે, તું કોણ છે?” “ચારણ છું.” “ને ન હો તો? જાણછ હું કોણ છું? હું દાંતાનો ક્રૂર જશવંતસિંહ છું. તારા કટકા કરીને ભોંમાં ભંડારી દઈશ, ને જગત જાણવાય નહિ પામે.” “સુખેથી.” “તો એમ કર. તું પાલિતાણા તાબે ગામ ગારિયાધારનો રહીશ છે ને? ભલે, તો તું ચાલ મારી સાથે મુંબઈ.” “મુંબઈ!” “હા, ત્યાં પાલિતાણા ઠાકોર સુરસંગજી છે. એ તું ચારણ હોવાનું જણાવે તો જ તારો છુટકારો છે, નહિતર — હું કોણ છું તે તું જાણછ? હું દાંતાનો જશવંતસિંહજી. અને મારે તને એની પાસે લઈ જઈને ચોવટ-ચર્ચા કરવી નથી.” “ત્યારે?” “આપણે એને મળવા જશું, તું એને બિરદાવે એથી સુરસંગજી ઊઠીને જો સામા ચાલી તને ભેટે, તો માનીશ કે તું ચારણ છે.” આ સમજણ બરાબર હતી. નાનભાઈ ગઢવીએ તે કબૂલ રાખી. મુંબઈ પહોંચીને નાનભાઈ ગઢવી પાલિતાણા ઠાકોર સુરસંગજી પાસે પહોંચ્યા. પાપછૂટી વાત કહીને પછી ઉમેર્યું: “બાપુ, હું જાણું છું કે દાંતાના રાણા મને જીવતો નહિ મૂકે. બચાવ તમારે હાથ છે. મેં બનાવટ કરી છે તે ખરું, પણ તમારી અપકીર્તિ કરી નથી. કોઈનું બગાડ્યું નથી. ગાયા હશે તો તમારા ગુણ ગાયા હશે. તો પછી મને જીવતદાન દેવામાં તમને શો વાંધો છે? હું ફક્ત એટલું જ માગું છું, કે મારે દુહે તમે ઊઠીને મને મળો.” વાત સુરસિંહજીને ગળે ઊતરી. જૂઠું બોલવાનો કોઈ પ્રશ્ન નહોતો. કહ્યું કે “સારું, જા.” પછી જશવંતસંગજીની હાજરીમાં જ્યારે નાનભાઈ ચારણે સૂરસિંહજીને બિરદાવતે બિરદાવતે — એકલવેણો, એકરંગો, એકે જુઓ અનેક, એકે રજવટ ઊજળી, એવો એકે સૂરો એક. એવો દુહો કહ્યો, કે તુરત સુરસિંહજી ઊભા થઈ, સામે ચાલી નાનભાઈને ભેટ્યા, અને દાંતા દરબારના પંજામાંથી છૂટી જઈ પોતે વે’તાં મેલ્યાં તે વે’લું આવો ગારિયાધાર! ચારણવેશ છોડી દીધો છે. સોની હતો તે સોની થઈને જ રહે છે. દાયરામાં બેસતો નથી. રાણીંગ સોની ભયંકર મોતને ભાળી ચૂક્યો છે. ચારણોને ખબર પડી ગઈ હતી. મનમાં સૌ હસે છે. પણ ભવાડો કોઈએ કર્યો નથી. કહે કે ‘હશે ભાઈ! છેવટ વેશ પણ આપણો દીપાવ્યો તો છે ના! કોઈની અપકીર્તિ કરાવી છે કાંઈ? બે પૈસા રળી આવ્યો હોય તોય આપણે વેશે રળી આવ્યો છે ને! ચોરડાકુનાં કામાં તો નથી કર્યાં!’ આ વાતને વર્ષો વીત્યાં હતાં. રાણીંગ સોની તો એરણ-હથોડી અને ફૂંકણી લઈને ઘાટ ઘડવામાં તલ્લીન હતો. એ વખતે કોઈક પાસેથી જાણવા મળ્યું કે પાલિતાણે તો મામલો મચ્યો છે. “શેનો મામલો?” “ચારણો ત્રાગું કરવા બેઠા છે. ઠાકોર સુરસિંહજીએ ચારણોની જમીનો આંચકી લીધી છે. તે વિશે ઘણું કરગર્યા; દલીલો, અરજીઓ કરી; પણ સુરસિંહજી વીફરી ગયા છે. એટલે છેવટે ચારણ કોમ મરવાને માર્ગે ચડી છે.” “હા! ઠીક ભાઈ! એ તો હોય જ ના!” એટલા મિતાક્ષરી ઉદ્ગારો કાઢીને રાણીંગ સોની તો પાછો દેવતા ફૂંકવા મંડી પડ્યો. પિત્તળની ધમણી મોંએ લગાડી ગલોફાં જાણે હમણાં ચિરાઈ જશે એટલી જોશીલી ફૂંકો દેવા માંડી અને અગ્નિની વચ્ચે મૂકેલી કુલડીની આસપાસ લાલ, લીલા, વાદળી વગેરે રંગોની જ્વાળાઓ રમતે ચડી. કુલડીમાં પડેલી સોનાની કટકી હજુ ચસ દેતી નહોતી, ઓગળતી નહોતી, એથી રાણીંગ સોનીની ફૂંકો વધુ ને વધુ જોશથી ધમણીમાં ઘૂંટાવા લાગી અને ચીપિયો લઈને એણે છાણાં આઘાંપાછાં ગોઠવી કુલડીને લાગમાં લીધી. આખરે સોનું ઓગળ્યું, ઢાળકી પડી. મોડી રાત સુધી બેસીને રાણીંગ સોનીએ ઘાટ ઘડી પૂરો કર્યો અને ધણીને તોલ કરી દઈ પછી પોતે રોજની રીતે ચૂપચાપ ઘેર ચાલ્યો ગયો. વળતા દિવસના પ્રભાતે પાલિતાણાની રાજદેવડીની સામે ત્રાગાં કરવા તૈયાર થઈ બેઠેલા ચારણ દાયરાએ દૂરથી એક આદમીને આવતો દીઠો. આંખ ઉપર હાથની છાજલી કરીને સૌ ઓળખવા પ્રયત્ન કરવા લાગ્યા. “માળો આ તે કોણ ચારણ?” “કોઈ ઓળખાતો નથી.” નજીક આવ્યો. ઓળખાણો. “અરે આ તો રાણીંગ સોની, ગારિયાધારનો.” વધુ નજીક આવ્યો. એના હાથમાં શું છે? હાથમાંની ચીજ પણ ઓળખાણી: “અરે, હાથમાં બેરજી છે. માળો બેરજી લઈને અટાણે શું આવતો હશે!” બેરજી એટલે સોનું ઓગાળીને ઢાળ પાડવાનું સોનીનું ઓજાર, જેને અણી હોય છે. ત્યાં તો રાણીંગ સોની ઝડપભેર લગોલગ આવી પહોંચ્યો ને ચારણોના મુખીએ બૂમ પાડી, “આપા! તમે અહીં!” જવાબ મળ્યો: “હા બાપા, મેં તમારો વેશ પહેર્યો’તો.” એટલું કહેવાની સાથે જ રાણીંગ સોનીએ બેરજીની અણી પોતાના ગળામાં આરપાર પરોવી દીધી.૩ ૩ આ સાચી વાત છે. એ ત્રાગામાંથી રાણીંગ સોની પાછળથી જીવતો રહ્યો હતો.