મોટીબા/ચૌદ

ચૌદ

એ ડૉક્ટર પ્રત્યેનો રોષ આમ તો જલદી શમ્યો ન હોત પણ ત્યાં મોટીબાની ડાબી આંખે મોતિયો પાક્યો. ઑપરેશનની તારીખ નક્કી થઈ. પત્ર લખી મા તથા બાપુજીને તેડાવ્યાં. રાત્રે મોડા સુધી મોટીબાની વાતો ચાલી, જમણી આંખે વિસનગરમાં મોતિયો ઉતરાવેલો એના વિશે. ‘મોતિયો ઉતરાયા કેડી મારી જમણી ઓંખ ખરાબ થઈ ગઈ સ. બઉ ઝોંખ પડ સ. કોં તો દાક્તરે મોતિયો બરાબર ઉતાર્યો નોં હોય કોં તો પસઅ્ બરાબર હચવાયું ન હોય.’ જમણી આંખે મોતિયો ઉતરાવ્યો ત્યારે હું ગાઝિયાબાદ હતો, દસ મહિનાની ટ્રેનિંગમાં. એ દિવાળી વખતે LTC લઈને બાપુજી, મા અને નાનો ભાઈ કાશ્મીરની ટૂરમાં નીકળેલાં. એ લોકો દિલ્હી આવ્યા ત્યારે હું એમને મળવા ગુજરાતી સમાજમાં ગયેલો. મને આપવા માટે મા ઘરેથી ખાસ્સો બધો નાસ્તો બનાવીને લાવેલી. માએ કહ્યું, ‘તીખી સેવો તો બાએ બનાવી છે. આંખે પાટો તો છૂટી ગયેલો પણ ડૉક્ટરે રસોઈની છૂટ નહોતી આપી. આંખમાં ધુમાડો ન જાય એ સાચવવાનું કહેલું. છતાં કહે, બટકાનં તો મારી ઝારામોં પાડેલી સેવો ભાવ સ. સેવો પાડવાના હંચામોં સેવો સરસ પોચી નોં થાય. તે એમણે જમણી આંખે રૂ મૂકીને પાટો બાંધ્યો. ને તારા માટે ઝારામાં ખાસ સેવો પાડી. બેએક ઘાણ ઉતાર્યા પછી ઊભા થતાં મને કહે, અવઅ્ તું તાર સેવો પાડ. બટકાનં મોકલવા જેટલી સેવો થઈ ગઈ એટલે બસ. ઈંનં ત્યોં હૉસ્ટેલમોં શી ખબર કેવુંય ખાવાનું મળતું હશે!’ બીજી આંખે મોતિયાનું ઑપરેશન પતાવ્યા પછી એ ડૉક્ટર બહાર આવ્યા ને કહે, ‘આવાં કાઠાં માજી મેં આજ સુધી જોયાં નથી. આંખમાં ઇંજેક્શન આપ્યું ત્યારે એક પલકારોય કર્યો નથી. કે ચહેરા પરની એકેય રેખા જરીકે બદલાઈ નથી.’ મોતિયો ઉતરાવ્યો એ અગાઉ હું મોટીબાને લઈ જતો ત્યારથી ડૉક્ટરને મોટીબાનું વ્યક્તિત્વ ગમી ગયેલું. વળી ડૉક્ટર ઇશારાથી કશી વાત કરે કે મોટીબા તરત સમજી જતાં. આથી ડૉક્ટરનેય મઝા આવતી એમની સાથે વાતો કરવાની. ડૉક્ટર પણ રમૂજી. ક્યારેક મોટીબા એમની વાત ન સમજે તો કાગળમાં લખીને બતાવે! ડૉક્ટરે ઇશારાથી મોટીબાને કહ્યું, ‘મોતિયો સરસ ઊતર્યો છે ને તમારી આંખ પણ સારી છે.' ‘ઈંમ? તમે મોતિયો ઉતારો પસ હારો જ ઊતર નં..’ ‘શશશ્‌શ…’ ડૉક્ટરે હોઠે આંગળી મૂકી મોટીબાને ઇશારાથી કહ્યું, ‘હું ના કહું ત્યાં સુધી તમારે બોલવાનું નથી.’ મોટીબાનો વાતોડિયો સ્વભાવ ડૉક્ટર જાણે તે એમને મજાક કરવાનું સૂઝ્યું તે ઇશારાથી એમણે કહ્યું, ‘મને ખબર છે, તમારી જીભ ખૂબ લાંબી છે... પણ હવે બિલકુલ બોલવાનું નથી.' ‘કને કહ્યું ક...’ ‘શશશ્‌શ્‌શ્…’ ફરી ડૉક્ટરે હોઠે આંગળી મૂકી. મોટીબાને ઘરે લાવ્યા પછી મને કહે, ‘લ્યા બટકા, મારી ઓંખે પાટો છૂટ એ દાડે મનં વિહનગર મૂકી જજે.’ હું વિચારમાં પડ્યો. મોટીબાનું કેમ આમ ઓચિંતું ભપક્યું? મેં પૂછ્યું, ‘કેમ?’ ‘કેમ તે મારી તો જીભ લોંબી સ નં..’ પછી આંખે પાટો છૂટ્યો પણ જીદ જેમની તેમ. ‘ઑફિસમોં તાર રજા નોં પાડવી હોય તો આવતા શનિ-રવિ મનં મૂકવા આય. બીજો શનિવાર સ તે તાર રજા સ.’ મોટીબાને ઘણુંય સમજાવ્યાં પણ માન્યાં નહીં. મારી સાથે રહેવા આવ્યાં ત્યારે તો આંખોમાં આંસુ આવી ગયેલાં ને ગળગળા સાદે બોલેલાં, ‘તારી તબિયત હારી રૅતી નથી નં તાર બા’ર ખાવું પડ સ તે મારો જીવ બળી જાય સ.’ અત્યારે થાય છે, એ આંસુઓ શું સાચાં હતાં?! મર્મસ્થાને આઘાત કરવા મેં પાટીમાં લખીને બતાવ્યું— ‘તમે જશો તો એ પછી મારે ફરી બા'ર ખાવું પડશે ને મારી તબિયત બગડશે.’ ‘તે ઈંમોં હું શું કરું? ભોગ તારા. હૌ હૌનોં કરમ હૌ હૌનં ભોગવવાનોં સ. કૅ હેંડ…' ‘તમારી જીભ લાંબી છે એવું હું બોલ્યો ન’તો, એ તો ડૉક્ટરે મજાક કરેલી.’ – એવું કહેવાનો કશો જ અર્થ નહોતો એ હું જાણતો હતો. ‘એ તો મેં મજાક કરેલી. યોગેશે કશું કહ્યું નહોતું’ – એવું ડૉક્ટર પાસે કહેવડાવવાથીય અર્થ સરે તેમ નહોતો. ડૉક્ટરના મોંએ આવું સાંભળીને તો મોટીબા ક્યાંક વધારે વીફરે અને જો ખોપરી ઠેકાણે ના હોય તો ક્યાંક ડૉક્ટરનેય ભાંડવા લાગે. વિચાર્યું, હજી થોડા દિવસો જશે એટલે રોષ શમી જશે. તે બહાનું કાઢયું – ‘ઑફિસમાં હમણાં કામ વધારે છે તે આ શનિ-રવિ ઑફિસ જવું પડશે...’ કામ વધારે હોય તો ઘણીયે વાર હું રવિવારેય ઑફિસ જતો એ તેઓ જાણતાં. આથી કશું બોલ્યાં નહીં. બે અઠવાડિયાં પછીયે એમની જીદ જરીકે ઢીલી ન પડી, બલકે જીદને વળ ચઢતા ગયા. જમવાનો સમય થયો. ઇશારાથી મોટીબાને કહ્યું, ‘ચાલો જમવા.’ ‘બસ, આજથી મીં અન્નનો ત્યાગ કર્યો સ. અવ વિહનગર ગયા કેડી કૉળિયો મૂઢામોં મૂકે. તૈણ દાડા રાહ જોઉં છું. અન્ન છોડ્યા કેડીય જો તું મૂકવા નોં આવ તો પસઅ્ તૈણ દાડા કેડી પોંણીય છોડી દયે.’ સવાર-બપોર-સાંજ-રાત... મોટીબાએ ન ખાધું એ ન જ ખાધું. મા તથા બાપુજીએય ઘણું સમજાવ્યાં. ‘તાજો જ મોતિયો ઉતરાવેલો છે ને વિસનગર જાતે રસોઈ કરશો ને આંખમાં ધુમાડો જશે એના કરતાં–’ ‘તો મહિનો તારી જોડે મોંણસા રહે. (તે વખતે બાપુજી માણસામાં પોસ્ટ માસ્તર) નં પસ વિહનગર. પણ સુરેન્દ્રનગરમોં તો અવઅ્ અંજળ-પોંણી પૂરોં થયોં.’ બાપુજીને રજા પૂરી થતી હતી તે એમણેય કહ્યું, ‘કાલે જ આપણે બધાં માણસા જઈશું. હવે જમી લો.’ ‘ના. એ વાત નોં કર. કાલ મોંણસા પોંક્યા કેડી કૉળિયો મૂઢામોં મૂકે. એ પૅલાં નીં.’ વાઢ્યો હોય તો લોહી ન નીકળે એવો થઈ ગયો હું તો. બીજે દિવસે સવારે જ બધાં ગયાં માણસા. નીકળતી વખતે મને ‘આવજે’ કહેતાં વળી મોટીબાની આંખો ભરાઈ આવી, ડબક ડબક... એ આંસુઓય સાચાં કે ખોટાં?! મોટીબાની આંખો ભરાઈ આવી ને હૃદય ઊભરાઈ ગયું એ જોઈ થયું, હવે કદાચ મોટીબા રિક્ષામાં નહિ બેસે, પાછાં ફરશે. જવાનું માંડી વાળશે. પણ આવું તો કોઈ વાર્તામાં બને. મોટીબા તો ચશ્માં કાઢી, પાલવના છેડાથી આંખો, નસકોરાં લૂછીને રિક્ષામાં બેઠાં ને રિક્ષા ઊપડી. ને ફરી બહાર જમવાનું શરૂ. ને સુરેન્દ્રનગરનું ઘર ફરી જાણે હૉસ્ટેલનો રૂમ. ને ફરી બધુંયે ખાલી ખાલી. ખાલી? ના, મોટીબાનાં હરતાં ફરતાં, જીવતા જાગતાં સ્મરણોથી બધુંયે ભર્યું ભર્યું, હર્યું ભર્યું, છલકાતું… એ પછી, આઠ-દસ મહિના પછી મારાં લગ્નનું ગોઠવાયું. કન્યા વાલમની, દવે કુટુંબની, કુળવાન ઘરની. તે મોટીબાના હૈયે હરખ ન માય. મને નોકરી નહોતી મળી ત્યાં સુધી મોટીબા મને ‘બટુક' કે ‘બટકો' કહેતાં, નોકરી મળ્યા પછી મોટેભાગે યોગેશ કહી બોલાવતાં. પણ લગ્નનું નક્કી થયું ત્યારથી તેઓ હંમેશાં યોગેશ જ કહે. એક વાર વિસનગરમાં, મા-બાપુજી, સાસુ-સસરા, સાળા અને અન્ય મહેમાનો ઘરે બેઠેલાં. ને મોટીબા બરાબરનાં ચગ્યાં. વાતોનાં વડાંનો એક પછી એક ઘાણ ઊતરતો જ જાય. થોડી વાર જૂની જૂની વાતો નીકળી. મોટીબા બરાબર રંગમાં આવી ગયાં. પછી કહે, ‘માગોં તો ઘણોંય આવતોં પણ અમારો યોગેશ ના પાડ્યા કરઅ્. કૅ હમણોં માર નથી કરવું. છોડી જોવાય નાં જાય. પહેલાં તો મીં ધાર્યું, હશે, લેખ જાગશે તાર થશે. ભગવોંને ઈંના માટય છોડી ઘડી રાખી હશે. પણ નોકરી મળ્યા કેડી, બાર મહિનાની ટ્રેનિંગ પત્યા કેડી, સુરેન્દ્રનગરમોં હાજર થયા કેડીય ઓંમ ના પાડ્યા કર એ કોંમ આવ? તે મીં ગાંઠ વાળી ક અવ ઈંનં ખીલે બોંધવો સ. હું સુરેન્દ્રનગર રઈનં ઈંન રોંધી ખવડાવતી તે ભઈનં કોંઈ ખબર ન'તી પડતી. પણ માગોં આવઅ્ નં એ ના જ પાડ્યા કર તે મનં ચડી દાઝ. થયું ક ઈંન એકલો રૅવા દો નં બા’ર ખાવા દો એટલ આંખ ઊઘડ. તે મીં તો તાગું કર્યું. ‘આ ઓંખે એ વખતે તાજો મોતિયો ઉતરાયેલો તે એ દાડઅ્ દાક્તરે મનં બોલવાની ના પાડેલી. તે દવાખોનામોં, પલંગમોં પડ્યે પડ્યે મીં વિચાર કર્યો ક અવ ઈંના ભેગું નથી રૅવું. રૅવા દો એકલો એટલ ઈંની મેળ ઠેકોંણે આવશે નં લગન માટઅ્ હા પાડશે. તે પાટો છોડ્યા કેડી મીં કીધું ક અવ મનં વિહનગર મૂકી આય. મારી તો જીભ લોંબી સ નં? મારઅ્ અવ તારી જોડે રેવું નથી. પણ એય મારો બેટો કોંક ન કોંક બૉનોં કાઢ નં વિહનગરનું પાછું ઠેલ. ‘તે પસ મીં તો એક દા’ડો ખેલ કાઢ્યો. મૂઢું ફુલાઈનં બેહી ગઈ નં કીધું ક મનં વિહનગર મૂકવા નોં આવે ત્યોં હુદી અવ હું અન્નનો કૉળિયો મૂઢામોં મૂકવાની નથી. તાકડઅ્ ભનુનંય રજાઓ પૂરી થતી'તી તે બીજે દા'ડે બધોં ગયોં. યોગેશનં એકલા રૅવું પડ્યું તે ગાડી કેવી આઈ ગઈ પાટા ઉપર!’ કહી, ખભા ઉલાળી ઉલાળીને મોટીબાએ કંઈ દાંત કાઢ્યા છે… કંઈ દાંત કાઢ્યાં છે! હું તો મોટીબાની સામે જ જોઈ રહ્યો...