મોટીબા/તેર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તેર

મોટીબાની બનાવેલી ગોદડીઓનો ઉપયોગ પણ કેટલાં બધાં ટેણકાંઓએ કરેલો! અમે ત્રણ ભાઈઓ તો ખરાં જ. અને ફોઈની પાંચ દીકરીઓ. પણ આ ગોદડીઓમાંથી મોટીબાને કદાચ કોઈ જ ગંધ ન પણ આવતી હોય. કારણ? એમનાં બેય નસકોરાંમાંથી છીંકણીની ગંધ દૂર થાય તો બીજી વાસ પ્રવેશે ને? પણ આગળ લખ્યું કે ગોદડીઓની ગંધ કદાચ હજીય મોટીબાના નાકમાં હશે, આમ લખવાનુંય કારણ છે — અત્યારેય, ૮૮ વર્ષની ઉંમરેય, મોટીબા ૩૩ વર્ષના જયેશ પર કશા કારણસર ઊકળે તો કહે છે, ‘ગોંડ ધોઈ ધોઈનં તમનં મોટા કર્યા સ. હજી તો ઈંની ગંધ મારા નખોમોં ભરઈ રઈ સ. ખબરદાર અવઅ્ જો હોંમું બોલ્યો સ તો. ધોકઈ નખ્યો. ઈંમ નોં હમજતો ક તું મોટો થઈ ગ્યો સ નં તારી વહુ નં છોકરોંય હાજર સ તે તું બચી જએ. ઓંમ આઘો આય, બરાબરનો ઓંમળું...’ ઘણુંખરું જયેશે જાણીકરીને મોટીબાને ઉશ્કેર્યાં હોય, ગમ્મત ખાતર. પણ પછી મોટીબા તો ધીરે ધીરે કાળઝાળ થતાં જાય ને થોડી ક્ષણમાં તો ભભૂકી ઊઠે. ઊભાં થઈને જયેશને પડખામાં ચૂંટલો ભરીને પછી બરાબર આમળે તે ચકામું પડી જાય… કોક વાર મોટીબા આમ આમળવા આવે ને જયેશે એમના બેય હાથ જોરથી પકડી રાખ્યા હોય તો મોટીબાના હાથ પર પણ ચકામાં પડે! પણ જયેશ સાથે, એટલે કે એમના મુન્નાડા સાથે એમની આવી મસ્તી ચાલ્યા કરે છે, હજીયે, ૮૮ વર્ષની ઉંમરેય. ‘ઈંમ નોં હમજતો ક બા ચૂંટલો ભરવા આવશી નં હું ઈંમના હાથ જ પકડી લએ. ધોઈકણું લએ હું તો… હજી તો તું મનં ઓળખતો નથી…’ ઉપરનો સંવાદ લખતાં, ‘ધોઈકણું’ શબ્દ સાથે જ, અનેક સ્મરણોના પાતાળમાંથી એકાએક એક સંવાદ સાંભરે છે– ‘એ દાક્તરનં વિઝિટ માટ ફરી એકાદ વાર ઘેર બોલાય. એ ઘરમોં આવ એટલઅ્ ઈંનં એક ધોઈકણું મારું તોય દાઝ નોં હોલવાય.’ ‘ચૂંક બેહાડવા જતાં મોટીબાને હાથે વાગેલું. ડ્રેસિંગ કરાવ્યા પછી ઘા ઉપરથી સુકાઈ ગયેલો. પણ થોડા દિવસ પછી સોજો વધતો ગયો ને દુઃખાવો પણ. મોટીબા ઘરગથ્થુ ઉપાય અજમાવતાં રહ્યાં. પણ પછી તો સોજો અતિશય વધી ગયો ને દુઃખાવો તો અસહ્ય. સતત લબકારા મારે. ફરી એ ડૉક્ટર પાસે ગયા. બે-ચાર દિવસની દવાઓ આપી. પણ કશો ફેર પડવાને બદલે પાક વધતો ગયો. દુઃખાવો ને લબકારા, છેક કૉણી તરફ અડધે સુધી પ્રસર્યા. ‘ઘાનું મૂઢું પાક્યું હોત તો તો હું દબાઈ દબાઈનં બધુંય પરું જાતે કાઢી નખત. ભલે ગમે એટલું દુઃખઅ્ તો દુ:ખઅ્ પણ આ તો ઘાનું મૂઢું જરીકે પાક્યું નથી નં અંદર પાક વધતો જાય સ. જો, છેક ઓંય હુદી પરુ થયું લાગ સ.’ લગભગ કૉણી સુધી સોજો. ને ઘાની આસપાસનો ભાગ તો રાતોચોળ, સૂજીને દડો થઈ ગયેલો. આખીય રાત અસહ્ય પીડા ને લબકારા. સવારે દાક્તરને ઘેર બોલાવ્યા. એણે ચેકો મૂક્યો ને દબાવી દબાવીને પરુ કાઢવા લાગ્યો. ‘ઓ રે… મરી ગઈ... આ તે દાક્તર સ ક જમ? આવી રીતે તે પરુ કઢાય? ઓ રે… તારું નખ્ખોદ જાય… તનં જીનેં દાક્તરી ભણાઈ હોય ઈનંય કૉગળિયું આવ… ઓ રે.. પરુ કાઢવા આયો સ ક પસ મારો જીવ કાઢવા, મૂઆ નખ્ખોદિયા…’ મોટીબા બેફામ બોલવા લાગ્યાં. હું તો ડઘાઈ જ ગયો. તે શું કરવું, શું નહિ, શું બોલવું કંઈ સૂઝ્યું નહિ. મોટીબા સખત કાઠાં. આવી રીતે ક્યારેય રાડો ન પાડે. નક્કી કંઈક ખોટું થાય છે. ‘આવું તો છોકરોં જણતય ન'તું વીત્યું, પીટ્યા… તારો વંશવેલો ડાળ-પાંદડોં-મૂળિયોં હોત ખતમ થઈ જાય. તનં મોત નોં આવઅ્... તું જીવતેજીવ નરકમોં જાય.’ મનેય લાગ્યું, ડૉક્ટર કંઈક ખોટું કરે છે. પણ હવે એને અટકાવવાનો કશો અર્થ ન'તો. હવે તો એણે પાટો બાંધવાનું શરૂ કરેલું. પરુ સખત જામ થઈ ગયેલું. હથેળીની બરાબર પાછળ, કાંડાથી ઉપર, વચોવચ લાગેલું ત્યાં ચેકો મૂકેલો. અને ડૉક્ટર છેલ્લે તો છેક કૉણી પાસે જોરથી દબાવે તોય સખત જાડું, જામ થઈ ગયેલું પરુ ચેકામાંથી બહાર આવતું. એ પછી તો બીજા મોટા દાક્તર પાસે ગયા. એમણે પાટો ખોલીને જોયા પછી જે કહ્યું એ જો મોટીબાએ સાંભળ્યું હોત તો તેઓ એ વાક્યો લેખિત લઈ લેત ને વકીલ રોકીને પેલા દાક્તર પર કેસ માંડત. નવા ડૉક્ટર પાસે મોટીબાએ જૂના ડૉક્ટરનાં પૂરાં વખાણ કર્યાં. ‘જમ જેવાએ કપડું નેંચોઈએ ઈમ મારો આખોય હાથ, કાચો નં કાચો નેંચોઈ નખ્યો. બરાબર તપાસ કરાવડાવો. મનં તો લાગ સ ક ઈંનું દાક્તરીનું સર્ટિફિકેટ બનાવટી હશે. જેલ ભેગો કરો પીટ્યાંનં…’ વીસેક દિવસ પછી, હાથે સારું થઈ ગયા પછીયે પેલા ડૉક્ટર માટેનો મોટીબાનો રોષ-આક્રોશ જરીકે ઓછો ન'તો થયો. ‘તમારા હાથે સારું થઈ ગયું બા? – કોઈ પૂછે કે તરત આ ‘હાથ પ્રકરણ’ ખૂલે ને ફરી પેલા ડૉક્ટરને બેફામ ગાળો, વ્યાજસહિત! ક્યારેક મોટીબા એકલાં જ હોય ને મનોમન ‘કપડાની જેમ આખેઆખો હાથ નેંચોઈ નખવાનો’ પ્રસંગ સાંભરે કે તરત મને કહે, ‘એ દાક્તરનં ફરી વિઝિટ માટ ઘેર બોલાય. એ ઘરમોં આવ એટલઅ્ પૅલા તો ઈંનં ખુરશીમોં બેહાડું, પસઅ્ પોંણી બોંણી આલું નં પસઅ્ ધોઈકણું લઈનં પિટ્યાનં એવું મારું ક ભવિષ્યમોંય, કોઈનાય શરીરે ચેકો મૂકત લાખ વિચાર કર.’ પછી મનોમન બબડે— ‘ના, ધોઈકણું મારે ઈનં કોંય નુકસોંન નોં જાય. એ તો વોંક સ તે માર ખઈ લે. નાગાનં હું? નાગા કૂલઅ્ નગારોં નં ફાવઅ્ ઈંમ વગાડો…’ પછી કશુંક સૂઝી આવતાં કહે, ‘તો ઈંમ કર યોગેશ, ભલઅ્ ખરચો થાય તો થાય. વોંધો નંઈ. હું વિહનગરની મારી ચોપડીમોંથી (પાસબુક) પૈસા ઉપાડીનં તનં આલી દયે. પણ એ દાક્તરનં તો બરાબરનો પાઠ ભણાવવો સ. એય યાદ કર ક માથાની એક ડોસી મળી'તી. ‘જાહેરાતનોં મોટોં મોટોં કાગળિયોં છપાય. મોટા અક્ષરે ઉપર મથાળું બોંધ ક આ દાક્તરની દવા કોઈ લેશો નંઈ. અનં પસ નેંચ નેંના અક્ષરમોં મારા કેસની બધીય વાત. તું તો લેખક સ તે તનં વધાર કૅવાની જરૂર નથી. અનં છપાઈનં આવઅ્ એ રાતે જ એ કાગળિયોં બધાય લાઇનમૅનોનં આપી દે. રાતોરાત, શેરીએ શેરીએ ભેંતો પર એ ચોંટાડઅ્ નં એ દાક્તર રૅ સ એ વિસ્તારમોં તો ઘેર ઘેર ભેંતો પર ચોંટાડઅ્. કોં તો પસ બધાય પોસ્ટમૅનોનં આ કોંમ હૂંપી દેવું. આપડઅ્ કોંય મફત કોંમ નથી કરાવવું. પૈસા ચૂકવી દઈશું. ભલઅ્ ખરચો થાય તો થાય... પણ એ દાક્તરનં માર સીધો કરવો સ. ‘ભેંતો પર ચોંટાડવા તો બઉ મોટોં કાગળિયોં છપાવવોં પડઅ્. ઈંના કરતઅ્ હું તનં એક બીજો રસ્તો બતાડું. નેનોં કાગળિયો બેય બાજુ છપાય અનં પસઅ્ ગોમમોં હોય એટલા બધાય છાપાવાળાનં આપી દે એટલઅ્ એ લોકો હવારે છાપાની વચમોં મૂકીનં ઘેર ઘેર નખી આવ...'

મોટીબા મને આમ વાત કરતાં જાય. હું ચૂપચાપ માથું હલાવતો જઉં. વાત કરતાં કરતાં જ મોટીબાને શું શું કરવું એ સૂઝતું જાય ને એમની આંખોમાં ને ચહેરા પર ચમક આવતી જાય. કંઈ સૂઝે ને સહેજ અટકે ત્યારે, ચશ્માં નાકની દાંડી પર નીચે સરકી ગયાં ન હોય તોય, ફ્રેમનો ખૂણો પકડીને ફરી ચશ્માં બરાબર ગોઠવે. ને એમની કલ્પનામાં દૃશ્યો ઊઘડે. વાત કરતાં કરતાં, કંઈ ને કંઈ નવું સૂઝતું જાય આથી વાત શરૂ કરતાં પહેલાં છીંકણીની જે ચપટી ભરી હોય એ હજીય હાથમાં જેમની તેમ હોય.