મોહન પરમારની વાર્તાઓ/૩. તેતર

૩. તેતર

હેમતાજીએ ચાર છેડે પહેરેલા ધોતિયાનો ભોંય સુધી લબડતો છેડો સરખો કર્યો. પછી એ આંગણામાં આવ્યો. અણીવાળા બૂટ પહેરીને એ લીમડા નીચે આવ્યો ત્યારે બૂટના ચૈડ ચૈડ અવાજથી લીમડા નીચે સૂતેલો એનો બાપ સફાળો બેઠો થઈ ગયો. તાવથી એનું શરીર ધ્રૂજતું હતું. છતાં ખાટલા નીચે પડેલો ધોકો હાથમાં લઈને ભોંય પર ઠપઠપાવતાં એ બોલ્યો : ‘ચ્યાં હેંડ્યો તું!’ ‘ચ્યાંય નૈ.’ ‘કમાવું તો કાંય નથી. નઅ ફૂલફટાસીયા થઈનઅ જ્યાં ત્યાં આથડવું છઅ. દિયોર! કાંમ કરતાં ડિલ તપઅ છઅ નૈ!’ હેમતાજી ગમ ખાઈને ઊભો રહી ગયો. એની મા કોઈના ઘેર છાશ લેવા ગઈ હતી. એ આવશે તો ફળિયામાં કાગારોડ મચાવી દેશે. ને એના શબ્દોના મારથી પોતાનું દિલ ચારણી જેવું થઈ જશે. એ બૂટ કાઢ્યા વિના ઘરમાં ગયો. ઘરની દીવાલો, ભોંયતળિયું, છત અને અભરાઈઓ પર ભૂખના થર જામ્યા હોય તેવું એને લાગ્યું. આખું ઘર ભૂખાળવું થઈને એની પાછળ પડતું એને ભળાયું. એ ઝડપભેર ઘરના એક ખૂણામાં ગયો. આડાંઅવળાં પડેલાં સાધનોમાંથી એણે કાતર શોધી કાઢી. વાંકલી કાતર હજી સુંવાળી લાગતી હતી. એની પાતળી ધાર પર એણે આંગળી ફેરવી લીધી. એ ઘરની બહાર નીકળ્યો. એના હાથમાં કાતર જોઈને એનો બાપ ઉછળી પડ્યો. ‘અલ્યા, તનઅ બીજું કાંય હુજ્યુ નૈ! કઉ છઅ કઅ કાતોર હેઠી મેલી દે...’ હેમતાજીએ બાપ સામું મોં કટાણું કર્યું. ઘરને સાંકળ વાખી. ને તાવમાં ફફડતા બાપા સામે જોયા વિના એ ફળિયાની બહાર નીકળી ગયો. ઘરમાં જામેલા ભૂખના થર એના પેટ સુધી પહોંચ્યા હતા. સવારથી ઘરમાં ખાંખાંખોળા કરી જોયા હતા. પણ કશું ખાવાનું મળ્યું નહોતું. એટલે ગામમાં જઈને ગાંઠિયા-બાંઠિયા ખાતો આવું – એવા ઇરાદાસહ તૈયાર થઈને નીકળ્યો હતો, પણ બાપે એને જે રીતે ઠપકાર્યો તેથી એ પોતાની જાત પર ધૂંધવાયો હતો. ‘કાતર હણહણતી નાંખીનઅ પાડી દઉં!’ એવું મનમાં થયા કરતું હતું. ‘બાપનો તાવ આજ ના કાઢું તો મારું નૉમ હેમતો નૈ...’ એવા જુસ્સાથી એ ખેતરો વટાવીને ચરામાં આવ્યો ત્યારે એની કાગનજર આખી સીમમાં ફરી વળી. ચરો તો સૂક્કોભઠ્ઠલાગતો હતો, ને ખેતરોમાં કામ માટે જવું હિતાવહ લાગતું નહોતું. ચરામાં અડફેટે ચાલીને એ ધૂળિયા રસ્તામાં પેઠો. વાડમાં હારબંધ રોપેલી નીલગિરિઓને લીધે રસ્તામાં છાંયડો પથરાયેલો હતો. લાંબી નજર નાખીને હેમતાજી રસ્તામાં ચાલવા લાગ્યો. હડફડ હડફડ ચાલવા જતાં એક કાંટાળું જાળું એના ધોતિયામાં ફસાણું. ને હેમતાજી જાળા પર ખીજે ભરાણો. એનાથી થોડે દૂર બેચાર તેતર હરીફરી રહ્યાં હતાં. પહેલાં તો હેમતાજીને લાગ્યું કે આ તો લેલાં છે. પણ લેલાં એક બે ના હોય. ‘તેતર જ છઅ. ઠીક લાગ આયો છઅ.’ હેમતાજી મનમાં ખુશ થયો. બાપનો તાવ જાણે ચપટીમાં ઊડી જતો એણે દીઠ્યો. ને એની જીભ પણ લપકારા મારવા લાગી. હાથમાં પકડેલી કાતરની પકડ બરાબર મજબૂત થઈ. પગ પહોળા કરીને તેતરો તરફ કાતર તાકી તો ખરી, પણ ધોતિયામાં ફસાયેલા જાળાનો એક કાંટો પગની પીંડીઓમાં વાગ્યો. ને કાતર પકડેલો હાથ જરા ઢીલો પડી ગયો. જે દિશામાં કાતર તાકી હતી તેનાથી સહેજ ફાંગી થઈને બીજે ફંટાઈ ગઈ, હેમતાજી પોતાના નસીબને દોષ દેવા લાગ્યો. કેમ કે તે દરમિયાન તેતર તો ધૂળિયા રસ્તામાં પગલાં પાડતાં પાડતાં વાડમાં ભરાઈ ગયાં. ‘હત્‌ તારી એ તો ગયા!’ એ ધોતિયામાં ભરાયેલા જાળાને કાઢવા રોકાયો. જાળું અને તેય પાછું કંથેરનું એના કાંટા ધોતિયામાં એવી રીતે ગૂંચવાયા હતા કે ધોતિયામાંથી ધીરે ધીરે કાઢ્યા સિવાય છૂટકો નહોતો. પણ એનું મન તો પેલાં તેતર વાડામાં પેઠાં ત્યાં હતું. ઝટ દઈને એણે ધોતિયું ખેંચ્યું. ધોતિયામાં ઝીણાં ઝીણાં કાણાં પડી ગયાં હતાં. ધોતિયામાં પડેલાં કાણાં જોઈને એનોે જીવ કળીને કપાવા લાગ્યો. ‘માંડ માંડ આટલું ઠેપાળું હાજું હતું તેય ફાટ્યું. શું કરું?’ એણે કપાળ પર હાથ પછાડ્યો. જાળું કાઢીને એ ધૂળિયા રસ્તા વચ્ચે નાઠો. રસ્તાની એક બાજુ પડેલી કાતર ઊઠાવીને, જ્યાં તેતર વાડમાં પેઠેલાં ત્યાં એ આવ્યો. એની ભૂખી નજર તેજ થઈને બધે ફરી રહી હતી. પણ વાડમાં તો કશી હિલચાલ દેખાતી નહોતી. એક જગ્યાએ પાંખોનો ફફડાટ સંભળાયો. એણે ચમકીને વાડમાં બરાબર તપાસ આદરી. એકા માળામાં ચકલીના બચ્ચા ફફડાટ કરતાં હતાં. તે તરફ સહેજ નજર નાખીને ધોતિયું ઢીંચણ સુધી ઊંચું લઈને એ રસ્તાની પગથાર પર અધૂકડો બેઠો. એમ કરવા જતાં પાછળના ભાગમાં એનું ધોતિયું સાદડીની માફક ભોંય પર પથરાઈ ગયું. એવી રીતે એ ઉભડક પગે બેઠો હતો કે આખા દેહનું વજન એના પગ પર આવી ગયું. તેને લીધે એના બૂટ ધૂળમાં બરાબર ઠબી ગયા હતા. ડોક ઊંચીનીચી, આડીઅવળી કરતો કરતો જે જગ્યાએ તેતર પેઠેલાં તેનાથી બે ફૂટના અંતરે આગળપાછળ બધે એ જોઈ વળ્યો. કશું કળાતું નહોતું. સહેજ ડોકું નમાવીને એણે વાડમાં ઊંડે સુધી માથું ઘાલ્યું. એમ કરવા જતાં એક થોર માથા સાથે અથડાયો. ને એ ચમકીને પાછો હટ્યો. અધડૂકા રાખેલા પગ સહેજ વળી ગયા. ને એ ધૂળમાં બેસી પડ્યો. પગે ખાલી ચડી હતી. થોડીવાર તો એ એમ નેમ બેસી રહ્યો. પછી ‘ઓત્તારી, આ તો સાલું ઠેપાળું બગડ્યું.’ બોલીને એ ઝડપભેર ઊભો થઈ ગયો. હાથ વડે ધોતિયાની ધૂળ ખંખેરતાં ખંખેરતાં એણે ડોક નમાવીને પાથળના ભાગનું ધોતિયું જોયું. ધોતિયા પર ધૂળના થાપા પડી ગયા હતા. એ બેબાકળો બનીને આજુબાજુ જોવા લાગ્યો. ઊભા રસ્તામાં એ નાઠો, કોણ જાણે એની પાછળ કોઈક પડ્યું હોય તેવું લાગ્યું. ‘મનઅ કોક જોતું તો નથીનઅ!’ રસ્તામાં બધે જોઈ વળ્યો. રસ્તાની એક બાજુ પર નીલગિરિઓ પથરાયેલી હતી. જ્યારે બીજી બાજુ સાવ ખૂલી હતી. તે તરફ દૃષ્ટિ નાંખીને એ જોવા માંડ્યો. કોઈ માણસનો અણસાર સુધ્ધાં વરતાતો નહોતો. ‘હાશ’ કહીને એ છાતી પર હાથ મૂકવા ગયો. પણ અનાયાસે હાથ છાતીને બદલે પેટ પર મૂકાઈ ગયો. ને એ રઘવાયો થઈને પાછો ફર્યો. જે જગ્યાએ તેતર છૂપાયેલાં ત્યાં એ આવ્યો. આ વખતે નાસીપાસ થયા વિના એણે પૂરા ઉમંગથી વાડમાં નજર નાખી. સહેજ ઊંડે ધૂળ આઘીપાછી થતી જોઈને એણે કાતરનો એક છેડો તે તરફ ફેરવ્યો. જ્યાં ધૂળ આઘીપાછી થતી ત્યાં દર જેવું હતું. કદાચ તેતર આ દરમાં છૂપાયાં હશે તેવું લાગતાં ત્યાં એણે નજર સ્થિર કરી દીધી. થોડી ક્ષણો તો એ એક જ મુખમુદ્રામાં ઊભો રહ્યો. પણ દરમાંથી માત્ર થોડી થોડી રેતી બહાર આવતી હતી. કશું ન સૂઝતાં એણે પૂરા આવેગથી દરમાં કાતરનો એક છેડો ઘાલ્યો. દરમાં જેમ જેમ એ કાતર ઘાલતો ગયો તેમ તેમ કાતર તો ઊંડે ને ઊંડે ઊતરતી જતી હતી. આખી કાતર એણે દરમાં નાંખી જોઈ. ‘આમાં તો વળી તેતરાં હોતાં હશીં!’ એવી એના મનમાં શંકા પડી. પછી એ હસી પડ્યો. ‘હુંય ચેવો ડફોળ સું. આવા દર તો ઉંદેડા, હાપ કઅ નોળિયા પાડઅ. કાંય તેતરાં દર પાડતાં હશીં. તેતરાં તો બઉ બઉ તો પાંખો હંગાથી ધૂળમાં ડિલ છૂપાઈ રાખઅ. બા’ર ચાંચો અનઅ આંશ્યો વના કશું ના દેખાય. આ બધું તું ભૂલી જ્યો હેમતા?’ એણે ઝડપભેર કાતર પાછી ખેંચી લીધી. એ વિચારવા લાગ્યો : ‘આ દર ચ્યમ ખાલીખમ્મ છઅ. ઈમાંથી રેત નેકળઅ છઅ. પણ રેત કાઢનારું ચ્યમ દેખાતું નથી?’ એ વિમાસણમાં પડી ગયો. એને વાસ, ફળિયું, આંગણું, ઘર અને લીમડા નીચે તાવથી તરફડતો બાપ યાદ આવી ગયો. બધું સૂમસામ હતું. ને બધે... એ વિમાસણમાં પડીને મનોમન બોલ્યો : ‘તેતરાં ના મળઅ તો કાંય નૈં એકાદું હાહલું-બાંહલું ય ચ્યમ દેખાતું નથી...’ દર સામે નજર નાંખીને એની વિરુદ્ધ દિશામાં જઈને એ ઊભો રહ્યો. ધોતિયામાં જાળું ભરાયું ત્યારે ધીમે પગલે તેતર જ્યાં થઈને નીકળેલા તે જગ્યા એણે શોધી કાઢી. વાંકો વળી વળીને એ ત્યાં ઝીણવટપૂર્વક જોવા લાગ્યો. તેતરનાં ઝીણાં ઝીણાં પગલાં ધૂળ પર ઊપસી આવેલાં એણે દીઠ્યાં. પોતાના બૂટ તળે આ પગલાં ભૂંસાઈ ન જાય તેની તકેદારી રાખતો રાખતો એ તેતરની પગલાંની દિશામાં આગળ વધ્યો. ‘હંઅ હવઅ એ ચ્યાં જવાનાં?’ એવી મનમાં હૈયાધારણ લઈને, એણે જ્યાં તેતર પેઠેલાં ત્યાં જોયું. દર આગળ આવીને તેતરનાં પગલાં ગુમ થઈ જતાં હતાં. એની મતિ બહેર મારી ગઈ. ‘સાલું આમ ચ્યમ થતું હશીં. આંય હુંધી તો પગલાં દેખાય છઅ. પછઅ ચ્યમ ગુમ થઈ જ્યાં?’ એ હવે નારાજ થઈ ગયો. ખાંખાખોળા કરવામાં હવે તો ડોક પણ દુઃખવા ચઢી હતી. પણ એણે આશા છોડી નહિ : ‘પગલાં આંય ગુમ થઈ જ્યાં છઅ તીં નક્કી કઅ એ મારાં વાલીડાં ચ્યાંક ધૂળમાં છૂપાયાં હશીં.’ એણે કાતરની વાંકલી કિનાર દરની આજુબાજુ ઉપસી આવેલી ધૂળમાં ફેરવી જોઈ. પણ તેતરનું તો ક્યાંય પગેરું મળતું નહોતું. વળી પાછું એને મનમાં થયું : ‘આ તેતરાનું તો એવું કઅ હાલ આંય હોય અનઅ થોડીવાર પછઅ તો ચ્યાંયના ચ્યાંય દેખાય.’ – એવું વિચાર્યા પછી એનું મન થોડું હળવું થયું. ‘આંય નૈ તો બીજે તો મળશીં.’ એવી આશા બાંધીને એ ત્યાંથી ખસી ગયો. પછી રસ્તામાં એણે નજર નાંખી. ધીમે પગલે ચારેક ભથવારીઓ આ બાજુ આવતી હતી. એમના માથા પર ભાતની પોટકીઓ જોઈને હેમતાજી મનમાં હરખાણો. ‘હું હહુ અનઅ એ રીઝઅ તો?’ એ ભથવારીઓ સામે જોઈને હસ્યો. પણ ભથવારીઓ તો હેમતાજી સામે જોઈને ઓશિયાળી બની ગઈ. હેમતાજીને કશું ના સમજાયું. પોતાની આજની રીતભાત માટે એને શંકા ગઈ. પોતાનાથી કંઈ અજુગતું થઈ ગયું હશે એમ માનીને એ રસ્તાની એકબાજું નીચું ઘાલીને ઊભો રહી ગયો. પેલી સ્ત્રીઓ પ્રથમ તો ઝડપભેર ચાલીને જલદીથી રસ્તો પસાર કરવા માગતી હોય તેવું લાગતું હતું. હેમતાજી સ્ત્રીઓના ઝડપથી ઉપડતા પગ સામે જોઈને મનમાં થોડો પોરસાયો. ‘હારું આંયથી બલા ટળઅ...’ પણ હેમતાજીની ધારણા ખોટી પડી. સ્ત્રીઓના પગ ધીમા પડી ગયા. એ તો આળાટાળા કરવા લાગી. હેમતાજીએ એમની સામે જોયું. સહેજ આઘીપાછી થઈને જ્યાં તેતરનાં પગલાં પડેલાં ત્યાં બેસી પડી. હેમતાજી ખીજાઈ ગયો. ‘આ રાંડોએ શું માંડ્યું છઅ.’ એ સત્વરે ત્યાં દોડી ગયો. ‘ઊઠો આંયથી!’ ‘ચ્યમ ભૈ! આંય તમનઅ અમીં ચ્યમનાં નડ્યાં?’ સ્ત્રીઓ તો ઠિઠિયારા કરવા લાગી. હેમતાજી સુધબુધ ગુમાવી બેઠો. એ જાણે ઘેરી ચિંતામાં પડી ગયો હોય તેમ મનમાં બબડવા લાગ્યો : ‘રાંડોએ તેતરનાં પગલાં ભૂંસી નાંશ્યાં.’ પગ પહોળા કરીને બેઠેલી સ્ત્રીઓની પીંડીઓથી સહેજ ઉપર ઘમ્મરિયાળા ઘાઘરા પથરાયેલા જોઈને હેમતાજી ધૂંઆપૂંઆ થઈને આઘોપાછો થવા લાગ્યો. ‘તમીં હવઅ આંયથી જાઓ!’ ‘શું કામ? આમારઅ તો હજુ ભાત ખાવું છઅ.’ ‘ચ્યમ તમારઅ? તમારા ધણીઓ સેતરોમાં ભૂખ્યાંહાંડ છઅ નઅ તમીં આંય...’ જવાબમાં સ્ત્રીઓ તો એકબીજીને તાલીઓ આપીઆપીને હસવા લાગી. હસતાં હસતાં એમણે ભાતની પોટલીઓ છોડવા માંડી. ભાતની સુગંધ હેમતાજીના નાકમાં ભરાણી, ને એની જીભમાં સળવળાટ થયો. સ્ત્રીઓના ચહેરા સામે જોઈને પોતાના માટે પણ એકાદ ભથવારી ભાત લાવે એવી મનમાં ઇચ્છા જાગી. પણ મન તો એના ખાલીખમ્મ ઘરમાં ઘૂમીને પાછું વળ્યું. ત્યારે ‘ભથવારી મારા માટઅ લાયી લાયીનઅ શું લાવઅ’ તે પ્રશ્નથી એ નિઃસહાય થઈ ગયો. રોટલાના બટકાં સાથે છાશના ઘૂંટડા ભરતી સ્ત્રીઓને જોઈને હેમતાજીના મનમાં થયું : ‘આ કાતર હણહણાઈનઅ બધાંનઅ ડોકાં જુદાં કરી દઉં?’ એકદમ એના હાથની પકડ કાતર પર મજબૂત થઈ. તે સાથે જ જે જગ્યાએ તેતર ગયેલાં ત્યાં એની દૃષ્ટિ પડી. પણ ત્યાં તો બધું સૂમસામ હતું. તોય એના મનમાં તો તેતર તેતર થઈ રહ્યું હતું. નીલગિરિઓના પડછાયા રસ્તા વચ્ચે પથરાયા હતા. એ પડછાયા એને તેતરછાંયા જેવા લાગ્યા. ભાત ખાતાં ખાતાં સ્ત્રીઓના ઠિઠિયારા ચાલુ હતા. ને હેમતાજી ઊભો ઊભો વાડમાં નજર નાખી રહ્યો હતો. એને આખું વાતાવરણ જ જાણે તેતરવરણું લાગતું હતું. એકાએક એણે પૂંઠ ફેરવીને પાછળ જોયું તો એની નજર બે તેતર પર પડી. ‘અહાહા આ તો આંંય ગુડાણાં છઅ નઅ હું ચ્યાં હોધુ સું.’ એનાથી થોડા ડગલાં આગળ બે તેતર કૂદકા ભરતાં ભરતાં દોડી રહ્યાં હતાં. એ જગત આખું ભૂલી બેઠો. સ્ત્રીઓના ઠિઠિયારા હવામાં ક્યાંય ગાયબ થઈ ગયા. એણે કાતરને મજબૂત પકડી. આંખો તેતર પર સ્થિર કરી. તેતર કૂદકા ભરતાં ભરતાં ભૂખ્યાંડાસ હોય તેમ ખોરાકની શોધમાં અહીંતહીં ઘૂમતાં હતાં. જરાય ઢીલ કરવી પાલવે તેમ નહોતી. ક્યારે એ વાડમાં ચાલ્યાં જાય તે નક્કી નહોતું. એટલે હેમતાજીએ એક પગ ઝડપથી આગળ કર્યો. બીજો પગ ધૂળમાં મજબૂત રીતે દબાવ્યો. ને એણે કાતર પૂરા વેગથી તેતર ભણી નાંખી. સણસણતી કાતર હવાને ચીરતી, તેતરને ધૂળમાં રગદોળતી વાડ સાથે અથડાણી. એ હરખભેર દોડતો તેતર પડેલાં ત્યાં આવ્યો. તેતર ધૂળમાં ફફડી રહ્યાં હતાં. તેતરનો ફફડાટ એના હૃદય સોંસરવો નીકળી ગયો. એના મનની ગતિમતિ સાવ બુઠ્ઠી થઈ ગઈ હતી. એક તેતરની આકાશ સામે ઊંચી થયેલી ચાંચમાં એક જીવડું તરફડતું એણે જોયું. એનું માથું એકદમ ભારેખમ થઈ ગયું. એ વાંકો વળીને જ્યાં તેતર ઉઠાવવા જાય છે, ત્યાં એના હાથને એનું તેતરપણું વાગ્યું. ને એનો નમેલો હાથ હવામાં ગુંગળાવા લાગ્યો. તે સાથે રસ્તાની ધૂળને ચીરતા પેલી સ્ત્રીઓના ઠિઠિયારા આખી સીમમાં પૂર્ણકળાએ ખીલી ઊઠ્યા.