મોહન પરમારની વાર્તાઓ/૨. આંધુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨. આંધુ

ધૂળના ગોટેગોટા મારા પર ધસી આયા, નઅ ઉં હગબગી જ્યો. મનઅ થ્યું કઅ આ બધું એકદમ ચઈ રીતે બન્યું? મી આભલાં હાંમું જોયું. આભલું કાળું ડિબાંગ થ્યું’તું. સૂરજદાદા તો વાદળામાં સંતાઈ જ્યા’તા. મનમાં વહવહો થ્યો. હજુ તો ખાસ્સી મજલ કાપવાની’તી નઅ આંય તો ધૂળની ડમરીઓ ઊડવી શરૂ થઈ’તી, હવારથી જ ના પાડતો’તો, પણ કમુની બા ચ્યાં માંનઅ એવી છઅ! કેય કઅ ટેસન જઈનઅ હટાયૈણુ કરી જ આવો. હું થાંય! આવવું પડ્યું. પણ કમુની બનઅ બચારીનઅ ચ્યાં ખબર હતી કઅ આંમ આંધુ આવશીં! પરથમી પર વાદળાંની ઝાંય પડતી’તી. મનઅ શ્યુ કઅ પરથમી ચ્યમ મેલી મેલી દેખાય છઅ? ધૂળ હામું જોયું તો ધૂળેય મેલીદાટ. કઅ પછઅ કાંક કઉતુક થ્યું છઅ! ઉં કાંય વધારે વચારું, તે પે’લાં હુહવાટા મારતો વાયરો મારા બે પગ વચાળે થઈનઅ ભાગી જ્યો. ધોતિયું રામાપીરની ધજા પેઠે હવામાં ફડફડ થવા માંડ્યું. હું ધાર્યુ છઅ આ ભગવાનિયાએ! હાળો જંપવા જ દેતો નથી. ગઈ સાલ દકાળ. નઅ ઉણ આંધાંબાંધાં રમતાં મેલ્યાં છઅ. શાંતિથી જીવવા દે બાપા! એકાએક મારા પગ તો ફાંગા પડવા લાજ્યા. એક ડગ મેલું, નઅ બે ડગલાં પાછો પડું, એક પગ ધૂળમાં ઠરાવું, નઅ બીજો ધૂળમાંથી ફગી જાય. મનઅ તો થ્યું. ભોળા ભૈ! હવઅ તમારું નામું નંખાઈ જ્યું હમજો. મીં વગડામાં નજર નાંખી, વગડો ધૂળમાં રમતો’તો. સેતરોમાં આભનો રા’ય દેખાતો નો’તો, જાંણી આ પરથમી પર ઉં એકલો જ ના હોઉં! મનઅ તો બીક લાજી. મીં દોટ દીધી, પણ હાંમી દશમાં દોડાયું જ નઈ. જાંણી મારી છાતી જ ચીરઈ જઈ. ભોળા, ચ્યમ આંમ રાંક થઈ જ્યો? કુદરત આગળ ચેવો હેંચકા લેવા માંડ્યો? ઈમ છઅ તાણઅ-મારી અંદર કોક ખાખલીઓ ફૂટતું’તું. કાળીધબ્બ દિશાઓ જાંણી મનઅ ભરખી જવા માંગતી હોય, ઈમ મનઅ લાજ્યું. ધૂળના ગોટેગોટા ઊડતા’તા. નઅ મારો જીવ મૂંઝાતો’તો. પાછળ ઘૂઘરા જેવું રણક્યું. ઉં ભડકી જ્યો. લમણો વાળીનઅ જોયું તો ઊંટગાડી. કુની ઊંટગાડી છઅ એય મનઅ તો હમજાતું ન’તું, મોં આગળથી નેકરી જતી ધૂળઅ ખાળવા મીં હાથની છાજલી કરીનઅ ઊંટગાડી આવતી’તી ત્યાંં એકીટશે જોયા કર્યુ. આટઆટલા આંધામાંય ઊંટ તો રમઝટ કરતો હેંડતો’તો. મારાથી હાશ બોલાઈ જ્યું, પણ તો ય મનમાં હતું કઅ ઊંટગાડી હશીં કુની? ઝાઝું કાંઈ વચારું તે પે’લાં તો ધૂળમાં ધબધબ કરતી ઊંટગાડી મારી અડોઅડ આયીનઅ ઊભી રઈ જઈ. મીં ઝાંઝામાંઝા થતી આંશ્યોએ જોયું તો શનો સેનમો હાથમાં દોરી પકડીનઅ ઊંટનઅ ડચકારા કરતો’તો. કુણ જાંણી મારાથી નેહાકો નખાઈ જ્યો. ‘હવઅ નેહાકા નાશ્યા વન્યા આવી જાઓ ઉપર પટ્યોલ!’ ‘લારી તો ઊંધી નઇ પડનઅ!’ ‘પડી પડી હવઅ. આ લારી શના રાવતની છઅ. પાંચ વરહનો અનુભવ છઅ.’ ચાણનો ય ધૂળ હાળે જુદ્ધે ચડ્યો’તો. પછઅ મારઅ તો બોલવા જેવું હતુંય હું? સેતરની વાડ કૂદતો હોઉં ઈમ કૂદકો મારી નઅ ચડી જ્યો ઊંટગાડી પર. ઊંટગાડી કિચુડાટ કરતી ચાલગ છઅ, નઅ ધૂળની ડમરીઓ મારા માથામાં વાગઅ છઅ. આંધાનું જોર હવઅ વધ્યું છઅ. ધૂળની ડમરીઓ ભમ્મરીઓ ખાતી ખાતી ઊડી રઈ છઅ. એક હાથમાં દોરી નઅ બીજા હાથમાં હોટી પકડીનઅ શનો અડીખમ બેઠો છઅ. ઈના ફાળિયાનો એક છેડો લબડી પડ્યો છઅ. એ બોલતો નથી. નઅ મારા રૂંવાડામાં બીક પેહવા માંડી છઅ. પણ ચ્યમ? આ વગડોય મારો વાલીડો સૂમસામ થઈ જ્યો છઅ. જાંણઅ રણમાં આ એક જ ઊંટગાડી હેંડી રઈછઅ. અડખેપડખે જાણી કાંય નઈ. બધુ પાધરપટ, શનો ઊંટનઅ હોટી ફટકાર છઅ’નઅ મારો જીવ ઊંચાનેચો થાય છઅ. એકદમ ઉત્તર દિશાથી ધડડ કરતો પવન છૂટ્યો. મારા તો હાજા ગગડવા માંડ્યા. ‘શના, ભૈ’લા હાચવજે!’ ‘વાંધો નઈ આવઅ.’ ‘પણ તોય.’ ‘તમતમારે ફકરચિંત્યા ના કરો ભોળીદા!’ મીં હોઠ પીસીનઅ જોશભેર આવેલા વાયરાનઅ બૈડા વચ્ચે ખાળ્યો. મારો બટો વાયરોય આમ વાગતો હશીં ઈની તો ખબરેય નઈ. ઊંટગાડી હેંડતી’તી ત્યાં રસ્તામાં ધૂળ માથોડાં માથોડાં ઊંચી ઊછળતી’તી. મીં ખોળામાં આંશ્યો ઢાળી. થેલી પર અનઅ ઝબ્બાની ચાળમા ધૂળના ઢગલા થઈ જ્યા’તા. પરભુદાનું કણઝીવાળું સેતર આયું નઅ બધું ધબોધબ થઈ જ્યું. આડા દા’ડે આંયથી ગામ ચોખ્ખુંચણાક દેખાતું’તું પણ હાલ ગાંમ તો હું મા’દેવનું મંદિરે ય દેખાતું નથી. બધું ચ્યાં ગાયબ થૈ જ્યું? મીં મનમાં પોકાર પાડ્યો. પણ શનો તો ઊંટનઅ હોટીઓ મારીનઅ આડેધડ ઊંટગાડી હાંકતો’તો. કણઝીવાળું સેતરેય પળવારમાં ખોવાઈ જ્યું. મારાથી રે’વાણું નઈ. ‘શના, રસ્તાની તો સરત રહી છઅ કઅ નઈ ભૈંલા!’ ‘હા, ચ્યમ ઈમ પૂછ્યું?’ ‘તો ગાંમ ચ્યમ દેખાતું નથી?’ ‘મીં આંગળી કરી, ઈની ધારે ધારે જુવો!’ ઈની આંગળીની ધારે ધારે જોઈનઅ ઉં હસ્યો. એય બેવડ વળી જ્યો. મનઅ કેવાનું મન થ્યું : હાળા, શનિયા! મારી મશ્કરી કરઅ છઅ? પણ ઉં કાંય બોલ્યો નઈ. કોક દા’ડો કાંમમાં આવેલા માંણહનઅ અડધૂત નો કરાય. નકર આ શનિયું સૈનમું મારી મશ્કરી કરઅ? મારા મનમાં ઝબકારો થ્યો, શના હાંમુ જોયું. એ હજુ યે હસતો’તોય શનાએ મારી મશ્કરી ચ્યમ કરી, ઈની થોડી થોડી ગમ મનઅ પડવા માંડી, આ સેનમું ચ્યમ આટલું બધું ફાટી જ્યું છઅ. ઊંટગાડીવાળું થ્યું ઈમઅ તોર કરવા માંડ્યું. બેપાંચ વરહ મોર તો મારા સેતરમાં જ વાઢવા આવતું’તું ભૂલી જ્યું બધું-નઅ મનઅ એક વરહ પે’લાંની વાત હૈયે આઈ જઈ. ઉં તો સેતરમાં હતોય નઈ. નઅ ઈણે નારા સેતરના લેમડા પરથી લેમડો વાઢ્યો’તો. પણ પછઅ યાદ કરો, ભોળીદા! શનાનઅ તેની ચેવું બોલેલા? નઅ મારાં તો જાંણી હાતેય વો’ણ ડૂબી જ્યાં. શના પાંહે ધારિયું પડ્યું’તું. શનાનો હાથ વારેઘડીએ ધારિયા પર જતો’તો, મીં એ ભાળ્યું, જાંણી મીં મારો જ વિસવા ગુમાઈ દીધો! એક રસ્તો પૂરો થ્યો. નઅ ઘણાબધા રસ્તા આયા. આવા રસ્તા તો મીં આ પંથકમાં દીઠા જ નો’તા. ઝેણા હતા તાણઅ સેતરમાંથી બારોબાર બોર ખાવા આઘે આઘે વગડામાં ભાગી જતા’તા. એટલઅ અજાંણ્યું તો હું હોય! કદાચ આ નેળિયાં હશીં, પણ અજાંણ્યા નેળિયામાં શનો હું કાંમ લાયો હશીં! મનઅ તો વસી જ જ્યું કઅ આ શનિયો હવઅ ફસાવવાનો. ઊંટગાડીમાંથી ઊતરી જઉં, ઊતરી જઉં, એવું એવું થતું’તું. પણ ઊતરીને ચ્યાં જવું? પછઅ મારું રણીધણીય કુણ? મીં બોલવા માટઅ હોઠ ફફડાયા પણ ફોગટ. વળી પાછું મનમાં એવું યે ખરું કઅ બોલવા જઉં નઅ મોમાં ધૂળ ધરબાઈ જાય તો! ભલે ધરબાય. આ શનિયો મનઅ સેતરી રયો. પણ ઉ કાંય નીં બોલ્યો. મૂંગા મૂંગા હેંડતી ઊંટગાડીનાં પૈડા હાંમું તાકી રયો. પૈડાં ય હવઅ તો ઝાંખાઝાંખાં ફરતાં’તાં. કાળાભમ્મર ધૂળના ગોટા મારી અનઅ શનાની વચ્ચે થઈનઅ ગબડવા લાજ્યા. દાઢી પર ધૂળની કણીઓ વાગતી’તી, પણ આ શનિયાનઅ કાંય લાજશરમ છઅ કઅ નઈ. ઊંધું ઘાલીનઅ બસ દેવાડવા જ માંડ્યો છઅ તે! શનાની પીઠ પર ટાપલી મારવાનું મનઅ મન થ્યુ. મીં હાથ ઊંચો કર્યો નઅ ઝટ પાછો ખેંચી લીધો, પણ કુણ જાંણઅ મારી વૃત્તિ શનો પામી જ્યો હોય ઈમ ઈણે પાછું વાળીઅનઅ જોયું. મનઅ ગભરાટ વછૂટ્યો. ગામમાં શનાની છાપ બહુ હારી નથી, તે ઉં હારી પેઠે જાણતો’તો, જેવું ઈણે પાછું ફરીનઅ જોયું એવું જ મીં મોં ફેરવી લીધું. વળી આંશ્યો મળઅ નઅ પેલું યાદ આવઅ તો? તે વખતે મીં ઈનઅ બરાબરનો રગરગાયો’તો, એ યાદ આવતાં મનઅ ગ૨વ થયો. મીં મૂછ પર તાવ મેલ્યો. મૂછ પરથી હાથ વાળું, તે પે’લાં તો એ બોલ્યો : ‘ભોળા ભૈ! પેલું યાદ છઅ તમનઅ!’ ‘ચીયું ભૈ!’ ‘તમારા સેતરમાંથી ઊંટ હાટુ મીં લેમડો પાડ્યો’તો એ?’ મનઅ સંકેત કરતો હોય ઈમ એ થોડું ખધું હસ્યો. પછઅ બૈડા ઉપર ઊડી આવેલા ફાળિયાના છેડાનઅ હરખો કરીનઅ રાગડો તાંણવા માંડ્યો. મનઅ તો હું નું હું થઈ જ્યું. હવડાં હૂધી મારા મનમાં જે શંકા હતી તે હાચી પડી. તો ઈમ કેનઅ કઅ તું એટલા માટઅ આ નેળિયામાં લાયો છઅ. ઉં એકદમ ગભરઈ જ્યો. આ વાત શનિયો હજુ ભૂલ્યો નથી. કે’વું પડઅ! મારા મનમાં સઘળુ ઘૂંટાતું હતું. શનાએ લારી ભરીનઅ લેમડો પાડ્યો’તો. સેતરમાંથી બહાર કાઢીનઅ ઊંટગાડીમાં નાંખી દીધો’તો. નઅ તમીં હડફડ હડફડ આયા’તા. ભૂલી જ્યાં ભોળા ભૈ! તમારા લેમડા પર શનો પાલો પાડવા ચડ્યો છઅ એવું જાંણીનઅ જ તમીં આયેલા, તો ય તમીં તો કશું જાંણતા ના હોય ઈમ બોલેલા, ‘આ ચીયા નેનડિયાએ લેમડો પાડ્યો?’ છોકરો બોલેલો : ‘શનાકાકાએ.’ તાણઅ તમીં બોલેલા : ‘મનઅ કીધા વન્યા મારા લેમડા પર તું ચડ્યો જ ચ્યમ? જોનઅ આ લેમડો બુઠ્ઠો કરી નાંશ્યો છઅ તીં! ના, ના, તું મોટો જાટલીબંધ થઈ જ્યો છઅ નઈ! ઉનાળામાં બેહવા થાય એટલું છાંયડાવાળું ઝાડ હતું, તે એય બુઠ્ઠું કરી નાંશ્યું. ગાડીમાંથી કાઢી નાંખ લેમડો, નકર જોયા જેવું થાહઅ!’ નઅ બાપડા શનાએ લેમડો, નેચઅ નાંખીનઅ ઊંટગાડી મારી મેલી’તી. આ બધું તમનઅ તો ચ્યાંથી યાદ હોય ભોળીદા! બધું મારા મનમાં ઘૂંટાતું જતું’તું. નઅ ઉં અમળાતો’તો. ઊંટનઅ ખવડાવવા દન રૂઠ્યો હોય કઅ કોય લેમડો પાડવાની ના પાડઅ! પણ મીં એવું કરેલું ઈનું કારણ ગામપંચાયતની ચૂંટણીમાં શનાએ મનઅ મત ન’તો આલ્યો, તે હતું. ‘પણ હવઅ ઈનું હું છઅ ભૈ શના!’ એવું કરગરવાનું મનસ મન થ્યું. પણ આ માથાનો ફરેલો અવળું કરે તો - તે દા’ડે કોકની આગળ લવેલો : ‘ભોળાનઅ ચકૈડીભમૈડી નો કરું તો મારું નામ શનો રાવત નઈ!’ આજ મનઅ ચકૈડીભમૈડી કરવાનો ઈનો લાગ છઅ, આ અજાંણ્યા નેળિયામાં ઈમનમ મનઅ લાઈનઅ નથી નાશ્યો હોં. શનાએ ઊંટગાડી ઊભી રાખી. મારો જીવ ઊંચો થઈ જ્યો. ‘ચ્યમ શના, હું થ્યું ભૈ!’ ‘ધૂળ જાંમ થઈ જઈ છઅ. આગળ નેકળાય એવું નથી.’ ‘હું કરીશું?’ ‘આંધુ હેઠુ પડવા દો, પછઅ નેકળીએ.’ હાથમાં સાહેલી હોટી ઊંટગાડી પર પછાડીનઅ ઈણે મૂકી દીધી. પછઅ ધારિયાના હાથા પર હાથ મૂક્યો. મારા હાજા ગગડી જ્યા. શનાના મોં પર કડપ દેખાતી’તી. હવામાં હલતી ઈની મૂછો જોઈનઅ મનઅ કહઈ યાદ આયી જ્યો. ‘ટેસન જ્યા’તા ભોળા ભૈ!’ ‘હા, ભૈ! હટાયૈણું કરવા જ્યો’તો.’ ‘તમનઅ ખબર હતી કઅ આંધુ આવશીં?’ ‘ના ભૈ! ના.’ ‘તમનઅ એય ખબર નઈ હોય કઅ આંમ એકલા જ મારી ઊંટગાડીમાં બેહવું પડશીં.’ ‘ના.’ ‘આ વગડામાં આંય આપણા બે વન્યા કોઈ માણહ ભાળો સો?’ ‘ના.’ ‘તમીં અનઅ ઉં. બે એકલા જ છીએ, નઈ!’ ‘હા.’ ‘બીક તો નથી લાગતી નઅ!’ ‘ના, તું હંગાથ છઅ પછઅ.’ બોલતાં તો ઉં બોલ્યો પણ મનમાં થ્યું : મનઅ બીજા કોઈની નઈ પણ હવડાં તો તારી બીક લાગઅ છઅ. તું ધારિયું હેઠું મેલી દૈનઅ ભૈ! પણ શનાએ ધારિયું હેઠું નો મેલ્યું. ઉપરથી ધારિયાની ધાર પર આંગળી ફેરવવા લાજ્યો. મારા તો પગ પાંણી પાંણી થઈ જ્યા. આવી હાલતમાં ય શનાનઅ કે’વાનું મન થઈ જ્યું : આ બધાં નખરાં મેલીનઅ ભલા’દમી ઊંટગાડીનઅ આંયથી કાઢવાનું કાંક કરઅ. પણ ઉં કાંક બોલું તો મારું આવી જ બનઅ નઅ! એટલઅ નો બોલ્યો. પણ શનામાં રામ વસ્યો કઅ હું? ઈણે ધારિયું ઊંટગાડીમાં પાછું મેલી દીધું. અનઅ હાથમાં હોટી લઈનઅ ઊંટનઅ ફટકારી. ઊંટ ભડચ્યો. રવમાં નઅ રવમાં થોડું દોડી જ્યો. ધૂળના ઢસામાંથી ઊંટગાડી નેકળી તો ખરી, પણ આગળ ધૂળના ઢગલા જ ઢગલા. ઊંટ ઊંચો રઈ જ્યો. શનો ઊંટનઅ હોટીઓ માર માર કરતો’તો, ઊંટ માંડ બેચાર ડગલાં ભરતો’તો. મનઅ તો ઈમ થતું’તું કઅ હવઅ ચાણસ ગાંમનું પાદર આવઅ નઅ આ બલામાંથી છૂટું! શનાનો ભરોસો નઈ. વંઠેલ છઅ. મનમાં આયી જાય તો માથું વાઢી લેય. આંય ખબરે ય કુનઅ પડવાની’તી કઅ શનાએ આમ કર્યું. ધાર કઅ ભોળા! એવું થાય તો તું હું કરઅ? કરી રયા. હું કરીએ? ગાંમ વચાળે હોય તો બેપાંચ ભૈભાંડુનો ટેકો મળી જાય. ટેકાના લીધઅ તો ઊંચા થઈનઅ બોલાય છઅ ગાંમમાં. આંય ચ્યમ બોલાતું નથી? ચ્યાંથી બોલાય! આ શનિયો મારાથી બે વેંત ઊંચો અનઅ જાડા પાડા જેવો છઅ. નઅ ઉં રયો હાંટીકડો. એ ધારઅ તો આંય મારી ચકૈડીભમૈડી કરી નાંખઅ હોં! આવું વિચાર્યા પછઅ તો મનઅ બહુ બીક લાજી. હવઅ શનો પાછો હળવળતો હતો. ચોક્કસ આઈ બન્યું. ઉં કોકડું વળીનઅ બેહી રયો. મારા અનઅ શના વચ્ચે ઝાઝુ અંતરેય નો’તું. હળવે રહીનઅ ધારિયાનો ગોધો મારઅ તો ય છાતીમાં ગોબો પાડી દેય. ‘ચેતી જવું હારું’ ઈમ વિચારીનઅ ઉં ઊંટગાડીમાં જરા પાછો ખસ્યો. ‘ચ્યમ પાછા ખસ્યા, ભોળા ભૈં!’ ‘અમથો.’ ‘છેવાડા બેઠા છો, તીં ગોટમડું ખાઈ જશો તો ધૂળમાં પાછા હોધ્યાય નઈ જડો. કાંક પકડો!’ મીં ઊંટગાડીનું કડું ઝાલ્યું. હવઅ આંધુ જરા હળવું થ્યું’તું. આભલું થોડું થોડું ભળાવા માંડ્યું. તોય વાદળાં તો હતાં જ પણ આ ઊંટનઅ હું થ્યું છઅ કઅ હેંડતું જ નથી. ‘મારનઅ લ્યા શનિયા હોટી!’ ઉં મનમાં કૂદ્યો. પણ થોડું અજુગતુંયે લાજ્યું. શનાનઅ હવડાં શનિયો નો કે’વાય ભોળા! ‘ભોળા ભૈ! ઓરા આવો.’ ઉં જરાય ચસક્યો નઈ. ઓરો બોલાવી નઅ ધારિયાનો ગોધો મારવો છઅ નઈ! આંય છેવાડા હારા. તું કાંય કરવા જાય તો તરત ઠેકડો તો મારી હકાય! ‘ભોળીદા! ગજબ થઈ જ્યો. આ વગડામાં ઝાડ તો જુઓ, ચેટલાં બધાં પડી જ્યાં છઅ!’ ‘હા, મારું બેટું! આ ધૂળ ઊડતી’તી કાંય દેખાણું જ નઈ!’ ‘લ્યો, આ રસ્તા વચાળે એક ઝાડ આડું પડ્યું છઅ. હું કરીશું? ઊંટગાડી હવઅ આગળ નઈ જાય. જબરો હલાડો થ્યો. વિઘન ઉપર વિઘન. હવઅ હેઠઅ ઊતરવું પડશીં. નઅ ઊતર્યા પછઅ કાંક થવાનું. ઝાડ ખસેડતાં શનિયો અપલખણ કરવાનો. ભોળા, હવઅ બરાબરની ઘડીઓ આયી છઅ. બાંયો ચડાવો. ‘ભોળા ભૈ! હેઠા ઊતરો હેઠા. ઝાડ તો ખસેડવું જ પડશીં.’ ‘હા, હેંડ ભૈ!’ ઉં નેચઅ ઊતર્યો. શનો ધારિયું લઈનઅ આગળ થ્યો. મનઅ ફરી ફફડાટ પેઠો. મારો વાલીડો ધારિયું તો હેઠું મેલતો જ નથી. ઈનઅ આઘો રાખવા મીં કીધુ : ભૈ શના, ઝાડ કાંય મોટું જણાતું નથી. તું થાચેલો છઅ. હાહ ખા. હું ઈનઅ ઉલાળી મેલું છું. એ ના પાડવા જતો’તો, પણ મીં ઈનઅ હાથ લાંબો કરીનઅ રોકી લીધો. શનો ઊંટગાડીનો ટેકો લઈનઅ ઊભો ર્‌યો. મનઅ નિરાંત થઈ. ઝાડનું થડ તો આઘું હતું. ઈનું એક ડાળું રસ્તો રોકીનઅ પડ્યુંતું. ઈનઅ ઉલાળવામાં મનઅ કાંઈ જોર પડઅ ઈમ હતું નઈ. તાકાત કરીનઅ મીં ઝાનું ડાળું ઊંચું કર્યું. ડાળું ઊંચું થ્યું યે ખરું. મનઅ હતું કઅ ઘડીના છઠ્ઠા ભાગમાં ઉલાળી મેલું છું. ઉલાળીયે મેલત, પણ ઊછળેલી ડાળનો ગોધો આંશ્યમાં વાજ્યો નઅ ઉં ગડથોલ ખૈ જ્યો. હેઠો પડ્યો. મીં ઊંચકેલું ડાળું મારા પર જ પડ્યું. હું દબાયો. ‘હાં હાં ભોળા ભૈ!’ કરતો શનો ખભે ધારિયું મેલીનઅ ધાયો, ઈનઅ આવતો ભાળીનઅ મારા તો રામ રમી જ્યા. ઉં એવી રીતે કચડાયો હતો કઅ ડાળુંં ઊંચું કરતાં વાર થાય ઈમ હતી. નઅ આ શનિયો તો જમની જ્યમ ઉપર આયીનય ઊભો રઈ જ્યો. હવઅ? ઉં આંશ્યમાં આજીજીના ભાવ કરીનઅ શના હાંમું જોઈ રયો. પણ શનો ઈમ છોડઅ કાંઈ! ઈણે તો ધારિયું ઊંચું કર્યું. આંધાવેગથી મારા ઉપર ધારિયું ધસી આવતું મીં ભાળ્યું. મનઅ વસી જ જ્યું કઅ હવઅ માથું રંગઈ જવાનું. મીં આંશ્યો મેંચી દીધી. એક-બે ને તઈણ– મારી છાતી ઉપરના ભાગમાં એકીહારે બે ત્રણવાર ટચાકા થયા. મારી તો આંશ્યો ખૂલી જ ગઈ. ભાળ્યું તો જે ડાળા નેચઅ ઉં ભેરવાયો’તો એ ડાળું અનઅ ઝાડનું થડ જુદાં પડ્યાં’તાં. મીં શના હામું આંશ્યો મટમટાઈનઅ તાક્યા કર્યું. શનો મારી હાંમુ જોઈ રયો’તો. મારા પર પડેલું ડાળું ઊંચું કરતાં બોલ્યો : ‘ચ્યમ હજુ પડી રયા છો? થઈ જાઓ બેઠા પટ્યોલ!’ ડાળું ઉલાળીનઅ ઉં ઊભો થયો. શના હાંમુ મીટ માંડવાની મારી તાકાત નો’તી. ઉં મૂંગો મૂંગો બૈડો ખંખેરતો ઊંટગાડી પાહે આયો. રસ્તા વચોવચ પડેલા ડાળાનઅ ધારિયામાં ભરાવીને વાડમાં ઉલાળી મેલતાં શનાએ વધામણી કરી : ‘આંધુ મટી જ્યું છઅ. હવઅ કશો ભો નથી. બેહી જાઓ લારીમાં.’ ઊંટની દોરી હાથમાં ખેંચીનઅ શનાએ મારી હામું જોઈનઅ હસી લીધું