યજ્ઞેશ દવેનાં કાવ્યો/‘અશ્વત્થામા’

‘અશ્વત્થામા’

હા,
હું જ અશ્વત્થામા
જન્મોજન્મના ઝળહળતા મોતી વચ્ચે
એક અભિજ્ઞાન સૂત્ર.
યુગોયુગોના તળિયે જઈજઈને પણ
સાવ બોદા બુચની જેમ સપાટી પર તરતો
વહાણ પરથી ફેંકેલા કોલસાની જેમ જળજળમાં ઝબકોળાતો
તોય
તરડ બરડ તરતો
કેમેય ન મરતો.
ના,
ના, હું સહદેવ નથી.
એટલે જ તો જાણતો નથી
આવતી ક્ષણોનો ભીષણ ભાર,
પણ જાણું છું
કે
નવું શું છે?
વેદના પણ નહીં
કે નહીં
આ મુમૂર્ષા કે વિવક્ષા પણ.
તાર પરથી ટીપાં સરકે છે.
ટપ દઈને ટપકે છે.
અને એ પછી આવે છે બીજું ટીપું.
પણ એથીય કશુંક ભંગુર ક્ષણજીવી
આછા એવા થડકારથી રાઈ-રાઈ
થઈ વેરાઈ જાય છે
ને
આંગળીઓ વકાસીને હથેળી જોઈ રહે છે.

બોધિવૃક્ષની પૃથુલઘન છાયા એ મારું સૌભાગ્ય નથી
ને
હું જાતિસ્મર પણ નથી.
આ એક જન્મની ઑરમાં જ
વીંટળાઈ-વીંટળાઈને મળ્યા છે અનેક જન્મો
ને જન્મે-જન્મે અનેક મૃત્યુ.
તે દિવસે ધર્મરાજા યુધિષ્ઠરે તો કહેલું
‘અશ્વત્થામા હતઃ’
પણ, સત્ય હોત જો એ મૃત્યુ!
ભાગ્યવાન છે,
મહાભાગ્યવાન છે એ હાથી
ને હું?
હું હતભાગ્ય.
મેં જાણે કે જોયું છે તોય જોયું નથી
વહેતા કેશની ધારા સાથે કોઈ લે જળસમાધિ,
તો કોઈને સ્વીકારે પૃથ્વી.
કોઈના છેલ્લા શ્વાસ પ્રિયજનના સાથમાં,
કોઈ ફૂલ કરમાઈ જાય કોઈના હાથમાં,
તો કોઈ ટહુકો ઝરી જાય સાવ એકાંતમાં.
લાખોની મેદનીમાં ટીટો નાસરની સ્મશાનયાત્રા
એકએકમાં મેં જોઈ છે મૃત્યુની કોઈ ને કોઈ માત્રા.
પણ
મસ્તકનો એ મરકતમણિ લઈ જાય
એ સાથે જ લઈ જાય બધું જ
ને રહે કેવળ
એક જ્વાળામુખીના કરાલ મુખ જેવું
રાતા ડંખની ઝૂલ લઈ બેઠેલી કીડીઓની કોરવાળું ઘારું
–અસ્થિઘન વેદના, નિશ્વાસોનું સંઘગાન.
યુદ્ધ પછી યુદ્ધના રક્તકર્દમને ખૂંદતો આવું છું વારંવાર
એ મહાકાલની એ રૂદ્ર ભૈરવીની મુંડમાલાને ગણ્યાં કરું છું
એક પછી એક,
ક્ષણ પછી ક્ષણને જોડ્યા કરું છું યુગોથી
મેં માપી છે મારા ચરા તળેની ધરતીને સહસ્ત્રવાર
ને જોયું છે,
ને જોયું છે કે
પૃથ્વી હ્રસ્વ થતી જાય છે
પ્રત્યેક પરિક્રમાએ પરિઘ ટૂંપાતો જાય છે
ધોળો ધૂપ થઈ ધુમાઈ-ધુમાઈને ધૂસર ધુમ્મસમાં
ચાલ્યું જાય છે બધું જ
એ શુકપ્રિયા,
એ શાલભંજિકા, એ કલભાષિણી
એ અરણ્યના દેવતાઓ,
મોતીના થાળમાં એ ઝગમગતું મુખ,
હણહણતી ઇચ્છાઓ,
એ થનગનતા અશ્વારોહીઓ,
ધનુષટંકારનો એ ગંભીર શબ્દ
એ તળાવડીમાં નહાવા પડેલો ચન્દ્રનો હંસ,
કાળા માથાના માનવીના લલાટ પર
લખેલો એ ગૌરવલેખ.
ચાલ્યું જાય છે બધું જ
બધું જ આ આકાશ નીચેનું આ આકાશની પેલે પાર
ને
જીભ પર રહી જાય છે
કેવળ પેલા ડોયેલા લોટનો સ્વાદ.

ક્ષણ બે ક્ષણ
વચ્ચેના અંતરાલમાં એક જરીક ઝોકું
ને ઝબકીને જાગું તો
ઠણણ...
ત્રિકમ અફળાય છે મારા નલાસ્થિ સાથે
ચારે તરફ ચશ્માંના કાચમાંથી તાકતા ચહેરાઓ
શ્રમિકોની સુડોળ કાયા પર સ્વેદલેપનું આછું આવરણ,
ખૂલતા નકશાઓ, જીપમાં અફસરોની દોડધામ.
વધુ ખોદકામનું બજેટ નથી
પણ
આત્મખનન,
વારંવાર આત્મખનન,
ફરી ફરી એ જ આત્મખનન.
ને અંતે
ઠાલી ઠીબડીમાં ઠન ઠન,
હા,
મિ. ઢાંકી,
હું જ અશ્વત્થામાં.
જુઓ,
બધું કેવું સંગ્રહસ્થાનમાં શોભે તેવું થઈ ગયું છે નહીં?
હું તો તમને કહું છું કે હમણાં
મ્યુઝિયમની નવી ગૅલેરી બાંધવાનું રહેવા દો.
આમેય,
ચીનની દીવાલ બાંધવી હવે સહેલી નથી.
હવે તો શું મ્યુઝિયમની અંદર ને શું બહાર
એવા ક્યાં કશાય રહ્યા છે ભેદ?
અને તેનોય કોનો રહ્યો છે ખેદ?
જવા દો, તમે તારે જવા દો,
મને જંપવા દો ઘડી બે ઘડી
તમારા માણસોને કહી દો કે મને ધૂળ ન ઉડાડે.

દશેય દિશાઓ પૂછે છે,
ચોસઠેય જોગણીઓની શ્રેણી પૂછે છે,
પૂછે છે વિવર્ણ દેવો,
કજળેલા ગોખમાંથી કંટાળીને ગણપતિ પૂછે છે,
ખાંગા ગવાક્ષમાં બેઠેલી પેલી અપ્સરા પૂછે છે,
ગઢની રાંગ પરનું મરેલું ઘાસ પૂછે છે,
નિર્જન અરણ્યમાં જીર્ણ શિવાલયનું અપૂજ લિંગ પૂછે છે,
અંધારી વાવનાં અવાવરુ પગથિયાં પૂછે છે,
પૂછે છે,
ને શોધે છે;
રામ શોધે હનુમાનને,
ને હનુમાન શોધે સંજીવની;
ને
સંજીવની શોધે છે માણસને.
મારા શ્વાસમાં બેઠેલું મૃત્યુ શોધે છે મને.
ને હું શોધું છું મૃત્યુને.
અર્જુન શોધે ગાંડીવ.
ક્યાં છે અલી લક્ષ્મી તારો વરદ હસ્ત?
ક્યાં છે પિનાકપાણિ તારું પિનાક?
ને
ક્યાં છે વાગીશ્વરી તારી વીણા?
મૂકોને પંચાત.
હવે
જુઓ.
બોસ્ટનમાં એક સ્કાયસ્ક્રેપરના ૭૮મા માળે
પાણીની ટાંકીમાં એક મચ્છરે મૂકેલાં ૩૭ ઈંડાં,
મુસોલિનીના શબ પર શિષ્ટ ઘરની સન્નારીઓએ
બીભત્સ ચાળા સાથે કરેલો પેશાબ,
સંગ્રહસ્થાનમાં બુદ્ધના દાંતને સ્થાને આબેહૂબ
ગોઠવાઈ ગયેલો એક વૃદ્ધનો દાંત,
એક ખટારો ઊથલી પડતાં ચાર મજૂરોનાં મરણ
ને
અંગોલામાં બળવો.
ચાર વરસનું એક કરચલિયાળું બાળક
લુખ્ખા આકાશ સામે જોઈને
એક ઉબાયેલું બગાસું ખાય છે.
અને માઉન્ટ રશમોરના પૂતળાંઓ
જોઈ રહે છે આકાશ ફાકતા.
એક પક્ષી ઊડી જાય છે
તેની છાતીમાં આકાશનો સ્નેહ લઈને,
એક પીળું અજાણ ફૂલ ખીલીને
કરમાઈ જાય છે પૃથ્વીની માયા લઈને.
હર્યાભર્યા આંગણાના તુલસીને
મેં ડાલડાના કટાયેલા ડબામાં ફ્લૅટને ત્રેવીસમે માળે ચડી
કરમાતા જોયા છે.
તૂતનખામનના શબને મેં ભારે
દબદબા સાથે લઈ જવાતું જોયેલું.
પિરામિડોના પ્રલંબ પડછાયામાં
મેં મિસરને ધરબાતું જોયું છે.
ને નાઈલ તો વહી જાય છે શાંત નિર્મમ.
મેં જોયું છે કે ઑલિમ્પસના દેવોનો
દરબાર ઉચાળો ભરે છે અહીંથી.
લૂઈ સોળમાના લોહીથી શણગારેલી તલવાર મેં જોઈ છે.
ઇન્કાના સમર્થ દેવ કરગરીને રહેવા માટે માગે છે ટેકરી પર
એક નાનું અમથું થાનક;
શું મળશે?
આ બજાર વચ્ચે કોની શબવાહિની
રસ્તો ચીરતી ચાલી જાય છે?
બસ ડ્રાઇવર સબૂર કર.
એય સાઇકલસવાર સાઇકલ પરથી ઊતરી જા, તું.
માથા પર રૂમાલ મૂક, હાથ જોડ,
ખંભો દે, જોયું ને?
ભરબજારે અદબભેર જુઓને બધાં કેવું જાળવે છે
પામર તુચ્છ માનવના ઉદ્દંડ મૃત્યુનું માન!
કોફિનની કાળાશ સહુના મુખ પર
પછી
અંધકારના ચૈત્યમાં
ભેજ અને જંતુ કોરે છે ઝીણું નકશીકામ.
ઝીણાં જંતુઓની જીભ માંજી માંજીને વીંછળે છે અસ્થિને
આકાશના ઘવાયેલા ધુમ્મટ નીચે
કે પછી અગ્નિમાં.
ઉચ્છિષ્ટ અસ્થિ શાંતિ પામે
માટીના ગર્ભમાં
કે
જળના તળિયે.
નરકંકાલ મળે જિબ્રાલ્ટરમાં
કે
પેકિંગમાં :
ર્હોડેશિયામાં મળે તેનાં પગલાં
ને
ન્યૂયૉર્કમાં મળી આવે તેની બખોલો.
પછી ચાલે વિવાદ મનુષ્યની ઉત્પત્તિનો.
ઉત્ખનન ચાલે એક ટીંબાનું
ને
મળી આવે એક આખું જીવતુંજાગતું નગર.
કોટિ કોટિ યુગલોનો કેલિકલહ
રાજવીઓના કૃપાકોપ વ્યથા માયા સંઘર્ષ.
નગર નગર ને શહેર શહેર આ મરેલ માટીના ટીંબા
કાળે કોઈ હોથલ
ને પછી લોથલ.
કઈ અસંયત ક્ષણે બ્રહ્મશીરાસ્ત્ર સનનન
વછૂટે છે ભાથામાંથી
ને
હજાર-હજાર ઉત્તરાના ભૃણમાં મૃત્યુ પ્રવેશે છે.
પણ અસ્ત્ર કયા ગર્ભને મારશે
ને
કૃષ્ણ કયા ગર્ભને તારશે?
કલ્પનાઓ કાળી ભઠ્ઠ પડી જાય છે.
હૃદય ચાલ્યું જાય છે ઊંડું,
કાન ચાલ્યા જાય છે કોલાહલના કળણમાં.
ઇન્દ્રિયો છપાક દઈને લપાઈ જાય કાયાના કૂવામાં.
નગરનગર ને શહેરશહેરની
શેરીએ શેરીએ ભટકું છું,
જ્યાં એકએક વન છે ખાંડવ,
એકએક ઘર લાક્ષાગૃહ
ને
એકએક નગર એક ટીંબો.
પણ
ધાવતાં-ધાવતાં જ મોંમાં નરમ ડીંટડીનું શ્યામ ફૂલ લઈ
ઊંઘી ગયેલા પેલા બાળકને ખબર નથી
કે બોખા-બોખા મોંમાં
હજીય શેરડીનો સ્વાદ વાગોળતી પેલી
વૃદ્ધાને તેની કશી જાણ નથી.
સ્ટેડિયમના મહેરામણ વચ્ચે બેઠેલા
હિપ હિપ હૂ...રેના છાકે ચડેલ
અપાણિપાદ ટોળાને ખબર નથી
ખબર નથી થિયેટરોના કુત્સિત અંધકારમાં
વંદાની જેમ ઊછરતી જતી પેઢીઓને
કે
લોકલ ટ્રેનોમાં ભરાઈ ભરાઈને ઠલવાતી જતી ગિરદીને
કે
શું રઝળે છે આ રખડુ હવામાં,
શું ગંધાયા કરે છે આ અવાવરુ લોહીમાં,
શું આ જ હથેળીએ ઝાલ્યું હતું કમળફૂલ?
ઝીલ્યું હતું જળનું હેત?
ભિખ્ખુ આનંદની પ્રવ્રજ્યા તો પૂરી થાય
તેના મરણે
પણ હું?
હું અશ્વત્થામા
હજાર હજાર અશ્વોના બળનું સિંચન કરી
હવે વકરેલા વરાહની જેમ રઝળતો
મરણવર વંચિત, શાપિત શાશ્વતતાનો
ઘેરઘેર બણબણતા ઘારાને લઈ ફરતો
ધખધખતા દાહને શામવા મુંડપાત્રમાં ઘીનો પિંડ માગતો ફરું છું.
હું અશ્વત્થામા
દૂઝતા વ્રણના મેરુદંડ પર ઊભેલો
આત્મનિર્ભર્ત્સનાની ગર્તામાં સરતો
ઉચ્છુંખલ છોકરાઓના કાંકરી ચાળાથી ઉપહાસપાત્ર બનતો
રઝળતો ફરું છું,
કોઈ એકલદોકલને ભડકાવું છું.
મારી વેદનાના સ્તુપની ગરિમા સાથે
પૃથ્વીપટે અહરહ હું ભટક્યા કરું છું નિરૂદ્દેશ;
અને કહો,
હવે મરણનોય
શો રહ્યો છે ઉદ્દેશ?