યજ્ઞેશ દવેનાં કાવ્યો/મારી શેરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મારી શેરી

જ્યાં બાળક ભાષાની પહેલાં ગાળ શીખે છે,
જ્યાં દિવસે અંધારી નવેળીમાં પ્રૌઢ સ્ત્રીઓ નજર ચુકાવી
પેશાબ કરવા જાય છે ઝટપટ,
જ્યાં ચાર વરસની છોકરી હાજત જતી વખતે
આબરૂ ઢાંકે છે ટૂંકા ફ્રોકથી,
જ્યાં આછા કણસાટથી બબડતું શરીર ઊંઘરેટાયેલી આંખે
આવતી કાલના સૂર્યની રાહ જુએ છે
વરસોવરસથી.

વરસોથી પૂજાતો – લીલથી ય વધુ જમાનાનો ખાધેલ પીપળો.
પીપળાં ફરતાં આંટા મારે ખખડપાંચમ ડોશીઓ.
ડગડગતા બોખા મોંમાંથી ફસકી પડતાં પ્રભાતિયાંઓ.
રાતપાળી કરી આવેલ કાંતિભાઈના મોંમાં સૂર્યનું સળગતું ઢેફું
આળસ ખાતી વખતે દડી પડે છે રોજ.
ને તેમની
બગલનો ઉબાયેલો અંધકાર તેના ગંદા મુખે
સૂર્ય સામે કરે છે ચાળા.
પંદર પૈસાની ચા ને સાથે દુકાનદારની ગાળ માટે
સવારથી જ શરૂ થઈ જાય છે વિનુ અને ફારૂકની દોડાદોડ.
રાતને ખીલે બંધાયેલ ખેરૂનની બકરી હાશ કરતીક
દોડી જાય છે પાસેની શેરીમાં એઠવાડ ચરવા.
લથડતા બે પગ રઝળતા બે હાથને લઈ
નીકળી પડે છે રોજનો રોટલો રળવા.

રેડિયો પર રેઢિયાળ ગીતોના રીડિયા,
કાળા કાગડાઓની કકલાણ,
ધૂળિયા ઝાડમાં ભરાઈને બેઠેલી કેટલીક ચકલીઓ.
રહી રહીને ઊડી જવા મથતી
ઝાંખરામાં ભરાયેલી ફાટેલી પતંગ,
ડુંગળી, લસણ ને શેકાતી રોટલીની વાસની ભીડ.
અલપઝલપ ઊંઘનું ઝોકું હાટ્ હાટ્ રાંડ મર મૂઈ
રસોડામાં દૂધ પીતી મીંદડી ઠેકી જાય બેચાર ઠામનો ખડખડાટ કરીને
એઠાં વાસણમાં મોં નાખતો કૂતરો,
નળિયાં પર પહોળા પગ કરી બેઠેલો તડકો,
ને
નવેળીની ગંદી ગટરમાં પોતાનું મોં જોતો સૂર્ય.

મસ્જિદના બે સફેદ મિનારા આકાશની છાતીને તાકે છે શૂળીની જેમ
મુલ્લાની બાંગ મસ્જિદની દીવાલ સાથે અફળાઈ અફળાઈને
વેરાઈ જાય છે ચારેતરફ
લોબાનના વેશમાં આવે છે દૂરનો દરવેશ.
ધૂપતી વાસમાં ચાચર-ચોકમાંથી રૂમઝૂમ રૂમઝૂમ
બહુચર અંબા ઊતરે છે કોઈ ખોરડાના ખૂણામાં
ઝાંખો અરીસો ને અરીસાથીય ઝાંખી મરિયમ
અરીસામાં જુએ છે તેના લમણામાં ફૂટી આવેલા ધોળા વાળ
ને પછી બધાં મરઘાંબતકાંને બુચકારી-બુચકારીને
પૂરી દે છે પેટીમાં.
બકરીને કાન ઝાલીને લઈ આવે છે ગફુરમિયાં
બારીનું નેજવું ઊંચું કરી રાહ જુએ છે એક ઘર.
સાયરનની સાથે જ ખદબદવા લાગે છે શેરી.
સંડાસની ઓરડીમાં સંતાડેલ શીશો
ગટક ગ... ટ્ક ગ..ટ...ક
પથ્થરજડી શેરી પર પરચૂરણનો અવાજ
પાંચસાત પાસા કે ગુલામ, રંડી ને બાદશાનું રાજ.
જલતા-બુઝાતા ટોપકામાં ચમકતી લોલુપ આંખો.
વકરેલા પશુને વશ રાખવા લેંઘો વલૂરતાં-વલૂરતાં
સહુ છૂટા પડે છે
આવતી કાલના રંડીના કે જીતનાં સ્વપ્ન જોતાં.
ફાતિમા કોઈ લફંગા સાથે રમીની છેલ્લી ગેમ રમીને
ફરી પુરાઈ જાય છે તેના કાળમીંઢ કિલ્લામાં
ને છળી મરે છે રાતે
તેનાં ગળેલી કેરી જેવાં સ્તન જોઈને.
બિલાડી પહેરો ભરે છે મૂછો પસવારતી-પસવારતી.
અંધારી નવેળીની ઉબાયેલી હવા ભાગી છૂટે છે
બે હવસખોર છોકરાઓની ચુગલી કરવા.
કોઈ દુઃસ્વપ્ન જેવી ચીબરીઓ આથડ્યા કરે છે આમથી તેમ
આ તારથી પેલે તાર

ફળિયાના ભીના અંધકારમાં પાંજરામાં આંખો મીંચતો પોપટ યાદ કરી લે છે કે
કદી એક કાળે તે હતો વિદિશા નગરીની ગણિકાનો માનીતો,
કામસૂત્રના પાઠથી આવકારતો પ્રેમિકોને
તર્જની પર બેસતો પ્રેમિકોની
પગમાં ઘૂઘરા ઘમકતા
દોમ-દોમ સાહ્યબી હતી
ને હવે
છળી મરે છે વંડી પરની બિલાડીના પેંતરાથી.

આ શેરીનો એક છેડો ખૂલે શિકાગોના સબર્બમાં
ને બીજો છેડો ખૂલે કલકત્તાની બસ્તીમાં
સામ્યવાદનું હળ શેરીસોંસરું ચાલે ખચ્ચ
ખચકાતું ખચકાતું;
સમાજવાદનો પોપટ પઢ્યા કરે ઢમઢમ ઢંઢેરામાં.
‘શેરીનો કૂતરો જો મતપત્રક પર સિક્કો મારી શકતો હોત
તો
તેને પણ કાપડનો તાકો મળ્યો હોત–
તે પણ પાંચ મીટર પૂરો હોં! પણ આપણે શું?
ગુમાવ્યો સાલ્લે.’
દિવસ પછી દિવસ
રાત પછી રાત
ને
સદી પછી સદી
આકાશની બોદી બારીમાં બેઠેલો એ
જાણે કે જુએ છે તોય જોતો નથી.
મારા ખભા પર લટકતા હે સિદ્ધહસ્ત વૈતાલ
તું પૂછીશ નહીં
જોવાનું દુઃખ છે ને જાણ્યાનું ઝાઝું.
ઈ. પૂ. પાંચસોમાં કકુત્થા નગરીમાં આમ જ હતું.
ને
આમ જ રહેશે બે હજાર ને પાંચસોમાં પણ.
તારે પૂછવું હોય તો પૂછ
પણ જવાબ હરિગઝ નહીં આપું.
તારે મારું માથું ધડ પરથી જુદું કરવું હોય તો કર,
મારા રાઈ-રાઈ જેવડા ટુકડા કરવા હોય તો કર,
ભલે મારો અનુત્તર જ મારા શિરચ્છેદનું નિમિત્ત બને.
આમ એક જ ડાળ પર કાચાકાચા લટકી રહેવા કરતાં
રાઈ-રાઈ રોળાઈ જવું સારું
તારે તેમ કરવું હોય તો ભલે તેમ કર.
પણ જવાબ –
જવાબ હરગિઝ નહીં આપું.