યાત્રા/એક જ્યોત

એક જ્યોત

         મેં એક જ્યોત ઝંખી,
          મુજને રોમ રોમ ગઈ ડંખી.

એ નહીં સૂરજમાં, નહી સોમમાં,
નહીં ભોમમાં, નહીં વ્યોમમાં;
         એ અજબ અગન રસબંકી. મેં એકo

એ રંગરંગની રાત સમી,
એ પુલક પુલક પરભાત સમી;
         એ મધુર મુરત અકલંકી. મેં એકo

કંઈ નયનનમાં નયનાં ઊઘડે,
કંઈ શીશ પરે નવ શીશ જડે,
         કોઈ પ્રીત પરમ પડછંદી. મેં એકo


૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭