યાત્રા/ગુંજ ગુંજ
ગુંજ ગુંજ
ગુંજ ગુંજ ભમરા ગુન ગુન ગુન,
આજ વસંત વસંત વને વન.
આજ મલયની લહર લળી લળી,
મન ઉંબર પર જાય ઢળી ઢળી,
કંઠ કંઠ ભમતું કો ગાણું
આજ ઝમી ઊઠે છે ઝન ઝન. ગુંજ ગુંજo
આજ પુષ્પને પાંખ મળી છે,
આજ આંખને આંખ જડી છે,
આજ મિલનની મધુર ઘડી છે,
ઓ બાજે છે નૂપુર રણઝણ. ગુંજ ગુંજo
હું ઝંખું, તે મુજને ઝંખે,
આજ હવે કંટક નહિ ડંખે,
આવી ઊભી એ ગગન ઝરૂખે,
જો આંસુની બિરષા છન છન. ગુંજ ગુંજo
ફેબ્રુઆરી, ૧૯૪૬