યાત્રા/નવ ઠરતું

નવ ઠરતું

અંતર ક્યાંય કયાંય નવ ઠરતું,
તલસત તલસત કો રસનો રસ,
          નિત્ય નયન નિર્ઝરતું. અંતરo

કુંજકુંજનાં ફુલડે ફુલડે
          મેં દૃગરસ જઈ ઢાળ્યો,
પણ એકે નહિ પૃથિવીકુસુમે
          મુજ પ્રીતિરસ વાળ્યો. અંતરo

આ કવિઓનાં રસગોરસમાં
          મરકટ થઈ હું ઘૂમ્યો,
પણ અણથીજ્યો કો રસનિર્ઝર
          નહિ નયણાંને ઢૂક્યો. અંતરo

રે મન, કયાં ય હશે મુદસાગર?
          ક્યાંય હશે ઋત-મેરુ?
શું કો જ્યોત અમર ક્યહીં જલતી?
          કો મુજ સરખો ભેરુ? અંતરo

કહે દિલ, આ ચલ ચંચલ જગમાં
          કોણ અચલ મમ આશા?
ક્યાં તુજ મુજ પ્રીતમ ધ્રુવ સાથી,
          તિમિરવિહીન પ્રકાશા? અંતરo


જુલાઈ, ૧૯૪૭