યાત્રા/સુધા બધી

સુધા બધી

અવનીતલની સુધા બધી,
અવની પાર તણી વળી બધી,
તુજ અંગુલિ-અગ્રમાં વસી,
યદિ જાણ્યું હતે જ પૂર્વથી
ભટક્યો હોત ન તો ભવાટવી.

ભટક્યો પણ એ જ ઠીક થ્યું,
ભટકીને ભવરૂપ મેં લહ્યું,
અણજાણ્યું ઘણુંક જાણી લૈ,
તવ પાસે ઉર શાન્તિથી ઠર્યું.

ભટકી વન કંટકો તણાં,
કુસુમાંકે જ્યમ શીશ ધારવું,
તલખી રણ વેળુનાં વિષે
મધુબિંદુ જ્યમ કંઠ પામવું;

ત્યમ જીવનની બધી વ્યથા,
જડતા નીરસતાની સા કથા
તજી પૂર્ણ વિરાટ સિંધુના
તવ અંકે અવિરામ ઝીલવું.

અયિ દિવ્ય કલાની પૂર્ણિમા!
ભગવજ્જીવનની મહા ઉષા!
તવ અંશુ વરેણ્ય ઝીલતાં,
ઉર ઝંખે બનવા જ ત્વન્મય.


માર્ચ, ૧૯૪૬