યાત્રા/હે સ્વપ્ન-સુન્દર!

હે સ્વપ્ન-સુન્દર!

હે સ્વપ્ન–સુંદર!
શી મધુર તારા મિલનની એ ઘડી!

આછો હતો અંધાર,
સૂર્યપ્રકાશમાં ચમકંત તારા કેશ શો;
આછો હતો ય પ્રકાશ,
તારાં અર્ધ બીડ્યાં નેત્રના ઉન્મેષ શો.
મીઠો વહંતો અનિલ
ભરચક પુષ્પની સૌરભ થકી,
જાણે વસન કો અપ્સરાનું
હોય લહરાતું તહીં.

તું ત્યાં હતી ઊભી,
મહા મંદિર વિષેની વીથિમાં સ્તંભે રચેલી મૂર્તિ શી,
સુસ્થિર, પ્રશાન્ત, દબાઈને દીવાલ શું.

નયન ત્યાં ઉન્નત થયાં,
શિરવેણીનાં કર્ણે ઝુલતાં પુષ્પ ધવલ રહ્યાં સ્ફુરી;
તવ અધર ત્યાં વિકસી હસ્યા,
કો કુન્દનું કમનીય સૌરભસ્નિગ્ધ સ્મિત.

એ સ્મિત મહીં સઘળું હતું.
કો ગગનકર્ષી ગિરિ તણા શિખરે ઝુકંતા
વૃક્ષકેરી ટોચ પર

વિકસેલ ચંપક પુષ્પ શું,
એ સ્મિત ગર્યું,
મેં કર ધર્યું,

ને મ્હેક મ્હેક થતી નિશામાં
સ્મિત સહે મારા પથે મારું પ્રયાણ શરૂ કર્યું.

હે સ્વપ્ન સુંદર,
શી મધુર તારા મિલન કેરી ઘડી!


ઑગસ્ટ, ૧૯૪૬