યુગવંદના/ખમા! ખમા! લખવાર

ખમા! ખમા! લખવાર
[ત્રણ પંક્તિના દુહા]

બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ,
બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર;
લ્યાનત હજો હજાર, એહવા આગેવાનને.
બીજાંને બથમાં લઈ, થાપા થાબડનાર,
પોતાનાં વડિયાં કરે કદમે રમતાં બાળ;
ખમા ખમા લખવાર એહવા આગેવાનને.
સિંહણ-બાળ ભૂલી ગયાં, ખુદ જનનીની કૂખ,
આતમ-ભાનની આરસી ધરી એની સનમુખ;
મુગતિ કેરી ભૂખ, જગવણહાર ઘણું જીવો!
પા પા પગ જે માંડતાં, તેને પ્હાડ-ચડાવ,
તસુતસુ શીખવનારા ઝાઝેરા જશ ગાવ;
રાતા રંગ ચડાવ, એહવા આગેવાનને.
‘બમણા વધજો, બેટડા! (અને) શિષ્ય સવાયા થાય!’
એ તો કહેણી રહ ગઈ, રહેણી કિહાં કળાય?
પ્યાલા ભર ભર પાય (એવો) મુર્શદ તો એક જ દીઠો.
પગલે પગલે પારખાં, દમ દમ અણઇતબાર,
શાપો–ગાળો–અપજશો ભરિયા પોંખણ-થાળ;
કૂડાં કાળાં આળ, ખમનારા! ઝાઝી ખમા.
બાબા! જીત-અજીત સબ, તેં ધરિયા ધણી-દ્વાર,
મરકલડે મુખ રંગિયા, દિલ રંગ્યાં રુધિરાળ;
રુદિયે ભરી વરાળ, હસનારા! ઝાઝી ખમા.
૧૯૩૭