યુગવંદના/તારાં પાતકને સંભાર!

તારાં પાતકને સંભાર!

તારાં પાતકને સંભાર, મોરી મા
રે હિન્દ મોરી મા!
પોતાના પાપભારે પોતે તું ચેપાણી –
એવી કાળજૂની જુલમકમાણી હો મા!
રે હિન્દ મોરી મા!
પરને પટકીને નીચાં, ઊંચી તું કે’વાણી!
આખર અંગે અંગે આપેથી છેદાણી હો મા!
રે હિન્દ મોરી મા!
તારે મંદિરિયે આજ કોનાં ચાલે શાસન?
જો જો દેવ કે અસુરનાં એ આસન, હો મા!
રે હિન્દ મોરી મા!
આભમંડળ લગ એનાં શિખર ખેંચાણાં:
એના પાયામાં તુજ છોરુડાં ઓરાણાં, હો મા!
રે હિન્દ મોરી મા!
પાયા હેઠળથી આજે હાહાકાર જાગે!
ભૂખી ધરતી નવલા ભોગ ભારી માગે, હો મા!
રે હિન્દ મોરી મા!
તારો ધુરીધર આજે સમાધ ગળાવે!
તારા ઇશ્વરને આહુતિ એવી ભાવે, હો મા!
રે હિન્દ મોરી મા!
તારા દેવળના ઘોર ઘુમ્મટ ઊંચા તૂટે:
જેને છૂંદ્યાં’તાં તે જાગી તુજને લૂંટે, હો મા!
રે હિન્દ મોરી મા!
સાંભળ સાંભળ, હો બહેરી! ભાવિના ભણકારા
તારા ભોગળ-ભીડ્યા ભાંગે ઠાકરદ્વારા, હો મા!
રે હિન્દ મોરી મા!
ચિરાડચિરાડે જોતો અવધૂત એક ઝૂરે:
અંદર પોતાનાં શોણિત ને હાડ પૂરે, હો મા!
રે હિન્દ મોરી મા!
એ રે પૂરણહારાને પૃથ્વી કેમ ખોશે?
ભૂંડી! એ મરશે તો જીવન કોનાં રે’શે, હો મા!
રે હિન્દ મોરી મા!
તારાં પાતકને સંભાર, મોરી મા!
રે હિન્દ મોરી મા!
૧૯૩૨