યુગવંદના/હું તમામનો ગુલામ!

હું તમામનો ગુલામ!
[ગુલબંકી]

હું જુવાન, હું જુવાન
હું તમામનો ગુલામ.
હું સદાય ઝીલતો બીજા તણાં સડેલ જ્ઞાન;
કોથળી નથી ક્યહીંય ચામડાની હું સમાન!
હું સિપાહી જુદ્ધનો
બુધો અને અબુધનો.
નવીન ચેલકાઓ મૂંડનાર સર્વ શોખીનો!
મને નિહાળતાંની વાર હોંશઘેલડા બનો!
હું તમારી ટોપલી
ચિરાડિયાં થકી છલી.
નકામ ચિત્ત-ચીંથરા વિચારનાં વહું ભલી
તૂટેલ ટાંક, ડાબલી,
હું-માં સમાય: હું તમારી ટોપલી.
હું ફૂટેલ ડોલચું
ભરાય શું? ઝિલાય શું?
હરેક વાપરી પછી પછાડતું ફગાવતું
ફરી વચાળ: હું ફૂટેલ ડોલચું!
હું જુવાન, હું જુવાન,
માફ માગું મે’રબાન!
હું નહિ બનું ગુલામ.
૧૯૩૭