યોગેશ જોષીની કવિતા/આખ્ખું આકાશ નીચે આવ્યું

આખ્ખું આકાશ નીચે આવ્યું

પંખીની એકદમ તૂટી ગઈ પાંખ પછી આખ્ખું આકાશ નીચે આવ્યું;
બાવળનું ઝાડ પણ પંખીને કાજ માગી છાંયડો ઉછીનો આજ લાવ્યું.

ઘેલી નદીને આજ સપનું આવ્યું
કે ભૈ દરિયો થયો છે સાવ ખાલી,
આભલાની ડાળેથી ખરી ગયું પાંદડું
ને આપે છે ધરતીને તાલી!

હાથમાં રે આજ તો ઘેરાયાં વાદળ ને આંખમાં તે કૈંક અમે વાવ્યું;
પંખીની એકદમ તૂટી ગઈ પાંખ પછી આખ્ખું આકાશ નીચે આવ્યું.

પાંપણો અણીદાર એવી તો વાગી
કે સપનાંને નીકળ્યું છે લોહી,
ભીંતો બધીયે આજ કોણ જાણે કેમ
પણ બારીના સળિયા પર મોહી!

લીલેરા પાંદડાએ લીધી વિદાય, એને ડાળીની સાથે ન ફાવ્યું;
પંખીની એકદમ તૂટી ગઈ પાંખ પછી આખ્ખું આકાશ નીચે આવ્યું.