યોગેશ જોષીની કવિતા/સફેદ રાત

સફેદ રાત

નભ આખુંયે
ઝીણું ઝીણું
કોણે પીંજ્યું?!
રૂના
ઝીણા ઝીણા
પૉલ જેવો
પડે છે
બરફ –

ઝીણી, તીણી
હળવી હવામાં
ફરફર ફર ફર
ફરફરતો.....
કાચની
બંધ બારીમાંથી
જોઉં છું –
એકેય તારો તો
દેખાય જ ક્યાંથી?!
ફરફર ફર ફર
ફરફરતા બરફે
કરી દીધી છે
કાળી ભમ્મર રાતને
સફેદ!
સફેદ પૂણી જેવી,
સફેદ કફન જેવી...

સફેદ કફન જેવી રાતનું
પોત જોવા
સહેજ બારી ખોલી
જરીક
હાથ બહાર કાઢું છું....
(ઓ માય ગૉડ!)
સફેદ રાતનું પોત
કોઈ શબ જેવું જ
ઠંડુંગાર...
તરત
બારી તો
કરી દઉં છું બંધ
પણ
અંદર ધસી જ ગઈ પળવારમાં
બરફની કટાર જેવી
મ૨ણની લ્હેરખી....