યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/કાચનું બાળક


કાચનું બાળક
કાચનું બાળક

સંજયને ઑપરેશન થિયેટરની બહાર લાવ્યા. એના માતા-પિતાના જીવમાં જીવ આવ્યો. આમ તો ઢીંચણનું ઓર્થોપેડિક ઑપરેશન હતું પણ સંજયને હિમોફિલિયા – અધિરક્તસ્રાવનો રોગ હોઈ બધાયના જીવ અધ્ધર હતા. જનરલ વૉર્ડમાં સંજયના પલંગ પાસે સ્ટ્રેચર પહોંચ્યું. સંજયને પલંગમાં સુવાડાયો. એના ચહેરા પર પીડાની રેખાઓ નહોતી એ જોઈને સંજયની મમ્મી સ્વાતિએ પૂછ્યું ઃ ‘સંજય બેટા, ખૂબ પીડા થાય છે?' સંજયના ચહેરા પરનો નકાબ જરીકેય કંપ્યો નહિ. ચહેરા ૫૨ સ્મિત ફરક્યું. પણ જવાબ હકારમાં માથું હલાવીને સાચો આપ્યો. બ્લડબૅન્ક, બ્લડ, પ્લાઝમા, ડૉક્ટર, દવાખાનાં, દવાઓ, જનરલ વૉર્ડ, ચિંતા, હતાશા, હિંમત, આંસુઓ, સારવારનો કમરતોડ ખર્ચ, દેવું – આ બધું એટલે જાણે સ્વાતિનો પરિવાર. સ્વાતિને સંજયના જન્મની એ ક્ષણો યાદ આવી... ‘પોતાના ભાઈની જેમ! મારા આ નવજાત દીકરાયનેય હિમોફિલિયા...' સ્વાતિ ભાંગી પડેલી. એનું હૈયાફાટ રુદન સાંભળી આજુબાજુવાળાને થયેલું – ‘બાપડીનં ભોંણો ધાવણો થ્યો નં થોડી જ વારમોં મરી ગયો લાગઅ્ સ...' સ્વાતિના પલંગ આજુબાજુ બધાં ટોળે વળ્યાં ને જોયું તો – ‘ભોણિયો તો રૂડો-રૂપાળો હાજો-હારો સ! હાથ-પગ હલાવ સ નં ઓંખોય મેંચ સ નં ઉઘાડ સ નં એય રૂપાળું બગાસુંય ખાય સ નં...’ ‘તો ચમ આ બુન આટલું બધું રૂવઅ્ સ?' બધાંયના વિસ્મયનો પાર નહોતો. એક નર્સને હિમોફિલિયાની કંઈક જાણકારી હતી. એણે બધાંને બહાર લઈ જઈને કુતૂહલ સંતોષ્યું – ‘એ બહેનને કાચનું બાળક જન્મ્યું છે.' ‘હેં?' ‘રાક્ષસી બાળક કે ખોડખાંપણવાળા બાળક વિશે તો સાંભળેલું. પણ કાચનું બાળક?!' ‘રૂડું-રૂપાળું દેવબાળ જેવું બાળક સ, ક્યોંય લગીરે ખોડ-ખોંપણેય નથી, તોય કાચનું બાળક?!' એ નર્સે હિમોફિલિયા વિશે સમજાવ્યું – ‘એના લોહીમાં કશી ખામી છે એટલે કશુંક વાગે ને લોહી નીકળે તો એ બંધ જ ન થાય. એના લોહીમાં ગંઠાઈ જવાનો ગુણ જ નથી. બહારનો ઘા હોય ને લોહી વહેતું હોય તો તરત એની સારવાર કરાવી શકાય, પણ દરદીઓને દેખીતા કશા કારણ વિના જ આંતરિક રક્તસ્રાવ શરૂ થઈ જાય. જે ઝડપથી રોકવામાં ન આવે તો અસહ્ય પીડા, ગંભીર સોજા ઉપરાંત સાંધા અને સ્નાયુઓમાં કાયમી નુકસાન પણ થાય.’ ‘નેંનું છોકરું તો હેંડતઅ્ વગાડી લાવઅ્. કેટલુંય પડઅ્ આખડઅ્ તારઅ્ મોટું થાય. તે ઈનં ક્યારેય જરીકે વાગી નોં જાય એય હાચવીનં મોટું કરવું એ તો બાપ...' ‘હા, એટલે જ મેં એને કાચનું બાળક કહ્યું. કાચની જેમ જ એય હાથમાંથી પડતાં જ ફૂટી જઈ શકે.' નામકરણ વિધિ વખતે ‘સંજય' નામ પાડ્યું ત્યારેય સ્વાતિ ધ્રુસકે ધ્રુસકે રડી પડેલી ને પછી બોલી હતી – ‘હાથમાં એના આપવાનાં શું કાચનું-ધનુષ, કાચનાં બાણ?' પડખામાં એને સુવાડતાંય સ્વાતિને બીક લાગતી કે ઊંઘમાં એના હાથ-પગ ક્યાંક દબાશે ને આંતિરક રક્તસ્રાવ શરૂ થઈ જશે તો? જોરથી છાતીસરસો દબાવીને વહાલ કરતાંય એને આવી જ બીક લાગતી. ચણાના લોટથી એને ઘસીને નવડાવતાંય આવી બીક લાગતી. ટચૂકડો સંજય પહેલી વાર પડખું ફેરવતાં શીખ્યો એનો ઉત્સવ સ્વાતિના હૃદયમાં માંડ એકાદ ક્ષણ ઊજવાયો ન ઊજવાયો ત્યાં જ છત પરથી પડતા કાચના ઝુમ્મરની જેમ ધ્રાસ્કો પડ્યો – પડખું ફે૨વતાં એનો હાથ દબાશે ને ક્યાંક આંતરિક રક્તસ્રાવ.. સંજય ભાંખડિયે ચાલતાં શીખ્યો એનો ઉત્સવ તો કઈ રીતે ઊજવાયેલો? બધાયની ચિંતા અનેકગણી વધી ગઈ. ઘ૨માંના બધા જ ફર્નિચરને વિદાય દઈ દીધી. કડિયાને બોલાવાયો. ક્યાંક વાગી જાય એવા ખૂણા, દીવાલની ધાર વગેરે વળાંકવાળા બનાવાયા. સંજયનાં રમકડાંય હંમેશાં માત્ર રૂમાંથી જ જાણે બનાવ્યાં હોય એવાં જ લાવવા પડતાં. ધારવાળાં કે ક્યાંક વાગી જાય એવાં રમકડાં ભેટમાં આવતાં તે અન્ય કોઈ બાળકને બારોબાર ભેટ આપી દેવાં પડતાં. સંજય ભાંખડિયે ચાલતાં શીખ્યો, ઊભો રહેતાં શીખ્યો, પા-પા પગલી માંડતાં શીખ્યો એ કશાયનો ઉત્સવ હૃદયના એકેય ખૂણામાં ઊજવાતો નહોતો. દિવસે દિવસે સંજય મોટો નહોતો થતો પણ જાણે ચિંતા મોટી થતી જતી, એની સારવારનો ખર્ચ મોટો થતો જતો, કશી ફડક મોટી થતી જતી... સંજય એક વર્ષનો થયો ત્યારે એનો જન્મદિવસ ઊજવવાની સ્વાતિએ જીદ કરેલી. પતિએ ખૂબ સમજાવી છતાંય એ માની નહોતી. ‘બહુ માણસો ભેગાં નહિ કરીએ. ખૂબ નિકટનું વર્તુળ જ બોલાવીશું. બધું જ કામ બીજાં ક૨શે. હું માત્ર સંજયને ફૂલની જેમ જાળવવાનું જ કામ કરીશ. પછીથી આપણે એનો જન્મદિવસ ક્યારેય નહીં ઊજવીએ. પણ આ એનો પહેલો જન્મદિવસ તો મારે ઊજવવો જ છે.' જન્મદિવસે બીજાં ટાબરિયાંને રમતાં-ઊછળતાં-કૂદતાં જોઈને સંજય પણ ખૂબ ખૂબ ખીલી ઊઠ્યો અને તોફાને ચઢ્યો. સ્વાતિનું સતત ધ્યાન હતું છતાંય, કેક કપાય એ પહેલાં જ, સંજયને કેકને બદલે પ્લાઝમા (લોહીમાંનો ખૂટતો ઘટક) આપવું પડ્યું. એ રાત્રે સ્વાતિ ખૂબ રડેલી. ટેણકાંઓને જોઈને સંજય ખૂબ ખીલી ઊઠે ને કશુંક વગાડી ન બેસે એ માટે એને નાનકડા બાળદોસ્તોથીયે દૂર રાખવાનો? એને ખીલવાય નહિ દેવાનો? એને બાલમંદિરમાં મૂકીશું ત્યારે? આ રોગની જાણ થતાં ઘણા આચાર્યો આવા બાળકને એડમિશન પણ નથી આપતા! હાઇસ્કૂલમાં એ જશે ત્યારે? દોસ્તો સાથે મારામારી કરશે ત્યારે? સતત બીક, બીક અને બીક? વારંવાર બ્લડ-પ્લાઝમા આપ્યા કરવાનું? ઘરમાં નહિ પણ જાણે દવાખાનામાં જ રહેવાનું? એક પગ બ્લડ-બૅન્કમાં અને બીજો દવાખાનામાં અને મન ન ઘરમાં, ન બહાર – સતત ચિંતામાં, કશી ફડકમાં... સંજય થોડો મોટો થયો એ પછી, વાગે નહિ એવાં રમકડાં એને દીઠાં ગમતાં નહિ. એવાં રમકડાંને એ હાથેય લગાવતો નહિ. ત્રણ પૈડાંવાળી, સરસ હોર્નવાળી સાઇકલ ચલાવતા પડોશીના છોકરાને જોઈને એ હંમેશાં એવી સાઇકલના કજિયા કરતો. સ્વાતિ એને સમજાવતી. પડોશી છોકરાની સાઇકલનું હોર્ન વગાડાવી મનાવતી. ન માને તો છેવટે ધમકાવતી. કશી બીક બતાવીનેય એને અટકાવતી. એક વાર તો સંજયે જીદ પૂરી ન થતાં ધમકીય આપેલી – ‘નહિ તો હું માથું પછાડીશ.' આ સાંભળીને બધાં એવાં ડઘાઈ ગયેલાં કે કાપો તો લોહી ન નીકળે. બધાંયને થતું – આ છોકરાને કેમ કરીને ઉછેરી શકાશે? પછીથી એને વધારે ધમકાવીય શકાતો નહિ. બાલમંદિરના દિવસો તો માંડ માંડ પૂરા થયા. સતત ચિંતા અને ફડક. અનેક વાર બાહ્ય અને આંતરિક રક્તસ્રાવ. વારંવાર હૉસ્પિટલ, બ્લડ-બૅન્ક, લોહી ને પ્લાઝમા. સ્કૂલમાં આવ્યા પછી સંજયના બધા દોસ્તો સાઇકલ ૫૨ સ્કૂલે આવતા. નાનો હતો ત્યારે ત્રણ પૈડાંવાળી સાઇકલ ચલાવવાનું સ્વપ્ન અધૂરું રહેલું તે સંજયને અત્યારેય સખત મન થતું સાઇકલ શીખવાનું ને દોસ્તોની જેમ સાઇકલ ૫૨ સ્કૂલે આવવાનું. મમ્મી-પપ્પા આ માટે ક્યારેય ‘હા’ ન પાડે એ સંજય જાણતો. આ રોગના કારણે એ ખૂબ ઝડપથી મૅચ્યોર થતો જતો. બીજાઓની સરખામણીએ એ ખૂબ સમજુ હતો. મમ્મી-પપ્પા સમજાવતાં ને તરત એ સમજી જતો, માની જતો. બિચારાને બહા૨ ૨મવા તો જવાનું નહોતું. તે ઘરમાં આખો દિવસ ટીવી જોયા કરતો. ટીવીમાં સ્પોર્ટ્સની ચેનલો જોયા કરે ને મન વાળે. ક્રિકેટ, કાર રેસ, મોટરસાઇકલ રેસ, બોક્સિંગ ને WWF એની પ્રિય રમતો. કોઈ કાર કે મોટરસાઇકલ ગુલાંટો ખાઈને પડે એ સીન અને એનો રિપ્લે જોવાની એને ખૂબ મજા પડતી. કાર કે મોટરસાઇકલ ૫૨ એ પોતાને કલ્પતો! ફૂટબોલ જોતાં કોઈ ખેલાડીને વાગતું ને કોઈ આવીને સ્પ્રે છાંટી જતું કે તરત એ ઊભો થઈને વળી પાછો દોડવા લાગતો એ જોઈ થતું – આને કેવી નિરાંત! પ્લાઝમા લેવાનું જ નહિ! બસ, સ્પ્રે છાંટ્યો કે આ ઊભો થઈ દોડવા લાગ્યો! ક્રિકેટ જોતી વખતેય, કોઈ ફિલ્ડર ખૂબ દોડીને, ડાઈ મારીને અદ્ભુત કૅચ કરે ત્યારે સંજય ઊભો થઈને જોર જોરથી તાળીઓ પાડે ને એવી કલ્પના કરે કે – એના શ૨ી૨માંથી જાણે એક શ૨ી૨ છૂટું પડીને પેલા ફિલ્ડરની જેમ જ દોડે છે, ડાઈ મારીને કૅચ કરે છે, બૉલ અધ્ધર ઉછાળી દે છે ને પછી બેય હથેળીઓ ૫૨ વજન દઈ ત્રણ-ચાર ગુલાંટો ખાય છે. નાનો હતો ત્યારે સ્વાતિ એને પથારીમાંય ગુલાંટો ખાવા નહોતી દેતી. ત્યારે સંજયને ઘણી વાર સ્વપ્નાં આવતાં – પોતે હવામાં અનેક ગુલાંટો ખાય છે. કરાંટે કરીને બધાય છોકરાંઓને પાડી દે છે. પડોશી છોકરાની ત્રણ પૈડાંવાળી સાઇકલ લઈને અડધી રાતે ઘર છોડીને ભાગી નીકળે છે ને એસ.ટી. બસો દોડે તેવા મોટા રસ્તા પર એની સાઇકલને એ રેસકાર કરતાંય ફાસમફાસ ભગાવે છે... હા, ક્યારેક છાનામાના એ ગુલાંટ ખાઈ પણ લેતો. ક્યારેક વાગતું ને દવાખાને જઈ લોહી ચઢાવવું પડતું. ઘરમાં બધાં ગભરાઈ જતાં. મમ્મી રડવા લાગતી. પોતેય હેબતાઈ જતો ને થતું, મમ્મી રડી પડે છે એટલે. નહીંતર તો હું કોઈનેય ન ગાંઠું. વાગવું હોય તો ભલે વાગે. ને ભલે જવું પડે દવાખાને ને ભલે ચઢાવવું પડે લોહી ને મરી જવાય તોય ભલે. પણ મમ્મી રડી પડે એ સંજયને ગમતું નહીં ને એનું મન જીદ છોડી દેતું. વળી મોટા થવા સાથે એની સમજ પણ વિકસતી જતી. સ્કૂલમાં આવ્યા પછી એને એમ સમજાતું કે પોતાની સારવારનો આટલો બધો ખર્ચ પપ્પાને પોષાય નહિ. ક્યારેક બંધ કાચઘરમાંની કેદ માછલીઓને જોતાં સંજયને થતું – પોતેય એક માછલી છે ને એવા કાચઘરમાં કેદ છે જેમાં પોતાના સિવાય બીજી માછલીય નથી ને તરવાની તો વાત જ કયાં? આજુબાજુ પાણીના બદલે છે માત્ર ખીચોખીચ રૂ! પોતે સતત ગૂંગળાતો જાય છે, ગળામાંથી ચીસ સુધ્ધાં નીકળતી નથી... ને કાચઘરની બહારથી મમ્મી-પપ્પા ને ઘરનાં બધાં પોતાને જોયા કરે છે ટગર ટગર... પપ્પાના કપાળમાં ચિંતાની કરચલીઓ સતત વધ્યા કરે છે... મમ્મીનાં આંસુઓ સતત વહ્યા કરે છે ને મન થઈ આવે છે આસપાસના રૂને હડસેલી દઈને કાચઘરની દીવાલોને તોડીફોડી નાખવાનું ને નહીં ગંઠાતા લોહીની જેમ વહી જવાનું... પણ મમ્મીનાં આંસુઓ પ્લાઝમાની જેમ અટકાવે છે... તૂટેલા કાચઘરમાંથી બહાર ફેંકાયેલી અસંખ્ય માછલીઓ તરફડતી દેખાય છે... ને પોતે પુરાઈ રહે છે ખીચોખીચ રૂ ભરેલા કાચઘરની વચ્ચોવચ. પ્લાસ્ટરવાળા પગને સંજય તાકી રહ્યો છે ને એના ચહેરાની રેખાઓ સખત બનતી જાય છે. આ જોઈ સ્વાતિ વિચારે છે – સંજય અસહ્ય પીડાને છુપાવે છે. ભવિષ્યમાં એ કશું જોખમ ન લે એ માટે એને સમજાવવાની તક સ્વાતિ ઝડપે છે – ‘બેટા, સંજય, અમારી ના છતાં છાનોમાનો સાઇકલ શીખવા ગયો તે આટલું બધું વેઠવું પડ્યું.' સંજય અક્કડ થઈને માની આંખોમાં તાકી રહ્યો છે. અફસોસની એકેય રેખા એના ચહેરા પર નથી. એના હોઠ પર આછું સ્મિત ફરકી રહ્યું છે. ‘બેટા, હવે ફરી કોઈ વાર આવું જોખમ ના લેતો, હોં!' સંજયના માથે હાથ ફેરવતાં સ્વાતિ બોલી. પાંપણો સહેજ નમાવીને સંજયે હકારમાં ઉત્તર આપ્યો ને પછી જાણે એ ખૂબ મોટો થઈ ગયો હોય એમ બોલ્યો – ‘મમ્મી, તારે મારી ચિંતા નહીં કરવી. મારી સહનશક્તિનો તને અણસાર નથી. મારા આ રોગને હું વેઠીશ અને એની સામે ઝઝૂમીશ. ક્યારેય ભાંગી નહીં પડું. તારે વાત વાતમાં ઢીલા નહીં પડવાનું.’ ‘આટલું સમજે છે તો પછી સાઇકલ શીખવા ન ગયો હોત તો?’ ‘ભલે વેઠવું પડ્યું પણ એકાદવાર સાઇકલ શીખવા જવાનો આનંદ પણ માણ્યો ને?' આ સાંભળી સ્વાતિની આંખોમાં ફરી આંસુઓ ઊમટ્યાં. સંજયના પપ્પાને એનો આ મિજાજ ગમ્યો. આ મિજાજ જ સંજયને ટકાવી રાખશે, આગળ લઈ જશે. ‘સૉરી મમ્મી.’ કહેતાં સંજય પણ જરી ઢીલો પડ્યો. ને ઢીંચણના અસહ્ય દુખાવાની રેખાઓ ચહેરા પર ઊપસી આવી. સંજયના મિત્રોએ ય ના પાડેલી કે તારે સાઇકલ નથી શીખવી. ક્યાંક તને કશુંક થશે તો? ‘કંઈ નહિ થાય. આ ઢાળ પર હું સાઇકલ ચલાવીશ. તમે લોકો પકડી રાખજો એટલે પડાશે નહિ અને છતાંય કદાચ પડાય એવું લાગે તો હું ઊતરી જઈશ ને સાઇકલને પડવા દઈશ. ચાલો ને યાર, આવું શું કરો છો? કદાચ પડાશે તો પ્લાઝમા લઈ લઈશું, બીજું શું?' ‘ના, ના. સંજય, કદાચ કંઈ થયું તો પછી અમે તારાં મમ્મી-પપ્પાને જવાબ શું આપીએ?' ‘ઘણી વાર કોઈ કારણ વિનાય આંતરિક રક્તસ્રાવ થાય છે તે પ્લાઝમા નથી લેવું પડતું? જે થશે તે થશે, આમ ડગલે ને પગલે ડરી ડરીને શું જીવવાનું? ચાલો ને યાર, હું નહીં પડું.. આવું શું કરો છો?' ત્રણ-ચાર દોસ્તોએ સાઇકલ પકડી રાખી, સંજય સીટ પર બેઠો, પૅડલ મારવા લાગ્યો. એના દોસ્તોય પાછળથી સાઇકલને પકડી રાખીને સાથે ને સાથે દોડવા લાગ્યા. પણ ઢાળના કારણે સ્પીડ વધી, દોસ્તો જરી પાછળ રહી ગયા, સમતોલન ડગ્યું અને... ‘મમ્મી,' પગ સામે જોતાં સંજય બોલ્યો, ‘ક્યારે છૂટશે આ પ્લાસ્ટર? ક્યાં સુધી રહેવું પડશે આમ પથારીમાં?' ‘ચાર મહિના.’ ચાર મહિના પછી પ્લાસ્ટર ખૂલ્યું તો – ઢીંચણમાંથી સંજયનો પગ જરીકેય વળતો નહોતો. ઢીંચણના સાંધા-સ્નાયુઓ નકામા થઈ ગયેલા. ઓર્થોપેડિક સર્જન એમના કામમાં તો હોશિયાર હતા પણ એમણે હિમેટોલોજિસ્ટ (રક્તરોગ નિષ્ણાત)ની સલાહ ન લીધી ને આ બેકાળજીના કારણે સંજયનો પગ ઢીંચણમાંથી નકામો થઈ ગયો. એની આ અપંગાવસ્થા જોઈ દવાખાનામાં બધાં જ ભાંગી પડ્યાં. સંજયના દુઃખમાં વધારો ન થાય એટલે સ્વાતિ મોટેથી બોલી નહોતી, પણ મનોમન એને થતું સંજય સાઇકલ શીખવા ન ગયો હોત તો? ઘરે આવ્યા પછી સંજય બોલ્યો – ‘પપ્પા!' ‘શું બેટા?’ ‘અપંગ લોકો ચલાવે છે એવી મોટાં મોટાં ત્રણ પૈડાંવાળી સાઇકલ મને અપાવશો ને?'