રચનાવલી/૧૨


૧૨. રાસપંચાધ્યાયી (દેવીદાસ)



૧૨. રાસપંચાધ્યાયી (દેવીદાસ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ


એક બાજુ ઇતિહાસની જાળવણીનો ખ્યાલ જ ઓછો, ઉપ૨થી માહિતી અંગે પુષ્કળ મુશ્કેલીઓ, તો બીજી બાજુ એક જ નામવાળી અનેક કૃતિઓ અને અનેક કર્તાઓ - આ બધા વચ્ચેથી મધ્યકાળના સાહિત્યમાં માર્ગ કરવો બહુ અઘરો છે. દેવીદાસ નામના લગભગ સાત જેટલા કવિઓ મળે છે ઘણી ચકાસણી પછી આ સાતેક કવિઓ અને એમની કૃતિઓને અલગ કરી શકાય છે. આ સાત દેવીદાસોમાંથી સોજિત્રાનો વતની દેવીદાસ ગાંધર્વ ૧૭મી સદીમાં થયો છે અને એના નામે ‘ભાગવતસાર’ અને ‘રાસ પંચાધ્યાયી જેવી કૃતિઓ બોલે છે. ‘રુક્મિણી હરણ’માં પોતાની ઓળખાણ આપતાં એણે કહ્યું છે કે ‘સોજિત્રા સિદ્ધસ્થાનક માંહિ, ગંધર્વ નાતિ પ્રકાશજી / ગ્રંથ સમર્પણ કરી ગોવિંદને પ્રણમે જન દેવદાસજી.’ ‘રાસ પંચાધ્યાયી’ને માટે પણ દેવીદાસે ‘દામોદર દયાળ’ની કૃપા વાંચ્છી છે. દેવીદાસ વૈષ્ણવ છે અને ભાગવતના દશમસ્કંધના ૨૯, ૩૦, ૩૧, ૩૨, ૩૩ એમ કુલ પાંચ અધ્યાયોમાં જે કૃષ્ણના રાસનો વિષય આવે છે અને દેવીદાસે ‘રાસ પંચાધ્યાયી’માં પોતાની રીતે વર્ણવ્યો છે. ભાગવતના દશમસ્કંધનો કૃષ્ણરાસલીલા વિષેનો વિષય જાણીતો છે, જેમાં ગોપીઓ કૃષ્ણ સાથે રાસ કરતા કોઈ એકના મનમાં અભિમાન જાગે છે અને તેથી કૃષ્ણ અંતર્ધ્યાન થઈ જાય છે. આથી વિરહવ્યાકુળ ગોપીઓ ગોપીગીત ગાતી વિનવે છે અને કૃષ્ણની ચરિત્ર લીલાનો અભિનય કરી કૃષ્ણમાં તન્મય થાય છે. કૃષ્ણ ગોપીઓના હૃદયભાવને જોઈને ફરીને પ્રગટ થાય છે અને એમની સાથે રાસ રચી એમને ઉલ્લાસ પહોંચાડે છે. દશમ સ્કંધના પાંચ અધ્યાયમાં પ્રસરેલા આ વિષયને દેવીદાસે ગુજરાતીમાં ટૂંકા ફલક પર સફળ રીતે ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. અહીં સાખી, ચાલ, અને ઢાળ જેવા એકમોને કવિએ ઉપયોગ કર્યો છે અને વચ્ચે વચ્ચે વિષયને સમેટી લેતા શ્લોકોને ગોઠવ્યા છે. કુલ ૯૫ કડીઓને કવિએ ખપમાં લીધી છે. રચનાની શરૂઆતમાં નંદના સુતને વાંચ્છતી હોઈ કુંવારકા બાળા ઇચ્છાવર માટે કાત્યાયની વ્રત રાખે છે અને સૂરજ ઊગતા પહેલાં સહિયરો સાથે નદીએ નહાવા જાય છે. નિર્વસ્ત્ર થઈ નદીમાં નહાવા જતા કૃષ્ણ એમનાં ચીર હરી કદંબ પર ચઢીને બેસે છે. સીઓ કહે છે : ‘મા ફરીશ અન્યાય આપો વસ્ર અમારાં કાન’ તો કૃષ્ણ જણાવી દે છે : ‘કર જોડી તમે ઊભાં રહો, આપું વસ્ર તમારા ગ્રહો' અને પછી સલાહ આપે છે કે જળમાં તે નગ્ન ન પેસીએ’ માટે જ મેં દંડ કર્યો છે. છેવટે થોડા દહાડામાં ‘હમ તમ હોશે સંગ’ એવું કૃષ્ણ ગોપીઓને વચન આપે છે. દેવીદાસ કહે છે : ‘શરદની રાત સોહામણી, ઉજાસ આસો રે માસ / પુનમ ચન્દ્ર વન ફૂલ્યા જદુપતિ રમશે રાસ.’ મધરાતે વેણુ વગાડતામાં બધાં કામ છોડી ગોપીઓ કૃષ્ણ પાસે આવે છે ત્યારે કૃષ્ણ ઠપકો આપતા કહે છે. સ્વામીની આજ્ઞા વિના જે જે કાજે કર્મ/ તે એ કો લાગે નહી નારી તણો નહીં ધર્મ પણ ગોપીઓ કૃષ્ણને કહે છે કે હવે તો મર્મવાણી બોલશો નહીં, તમે તમારો ધર્મ રાખો સાથે ચોખવટ કરે છે : ‘તમે તેડ્યા અમો આવીયાં, તમે લોપાયો ધર્મ’ ગોપીઓની ભક્તિ જોઈ કૃષ્ણ ગોપીઓ સાથે રાસ આરંભે છે ‘શરદ સમે શશી ઊગ્યો રે, પુનમ રાત સુચંગ / માનની સુરે મંડપ રચ્યો રમત માડી અતિ રંગ’ અહીં માનુની સૂરે મંડપ રચાયાની કવિએ કરેલી કલ્પના આનંદ આપે એવી છે. કવિએ થોડીક પંક્તિમાં રાસને નજર સામે મૂક્યો છે : ‘તાલ સાથે ટૂંક મેળવે નાચે વ્રજની ના૨/ થઈ થઈ થઈ થઈ કરે, મોહન, મદન મુરાર' આ પછી સુન્દર પંક્તિ કવિએ ભેટ ધરી છે : ‘શ્યામા અંગ સોહામણી, શ્યામ સુહાવે અનંત' અહીં શ્યામા અને શ્યામ શબ્દને આપેલો વળ જુઓ, પછી જમુનાના જળ થંભી ગયાં. એમ કહેવાને બદલે કવિ સાર્થક રીતે કહે છે : જમુના જળ ચાલે નહિ, મધુરો વાયે વંશ. આ દરમ્યાન ચાલતા રાસે કૃષ્ણ અંતર્ધ્યાન થતાં, કૃષ્ણ રહિત થયેલી નારનો વિરહકાળ કેવી રીતે વીત્યો? ‘રવિ ઊગ્યો, રવિ આથમ્યો, રવિ વિના થયું રે અંધાર / કૃષ્ણ ઉદે વિના કેમ હસે તે સખી કરોની વિચાર’ કૃષ્ણ જતાં બાવરી બનેલી ગોપીઓ ‘હમણાં હતા, ક્યાં ગયા વનમાળી’ કહેતી વનમાં ખોળે છે. એમની દશા જુઓ ‘નયણે નીર ઝરે વ્રેહે જેમ ઝરમર વરસે મેહ’ પગલડે પગલડે પંથ ખોળતા એમને એક ગોપી મળે છે તે જણાવે છે કે એના અંતરમાં અભિમાન આવ્યું તેથી કૃષ્ણ અંતર્ધ્યાન થયા છે. જેટલે મેં આપ્યું અભિમાન, તેટલે પામ્યા અંતર્ધાન’ તો ગોપીઓ કહે છે ‘પહેલા ગયા અમને પરહરી ત્યારે વ્રજને મનમાં ધરી / તે વળી તુજને દીધો છેહ, ધૂર્તકૃષ્ણ તણો છે સ્નેહ’ આમ છતાં ગોપીઓની દશા એવી છે કે ‘કૃષ્ણ ઉદક ને મહિલા મીન.’ અંતે બધી ગોપીઓ મળી એક પેંતરો રચે છે અને કૃષ્ણને પ્રપંચ રચી કૃષ્ણનું પાત્ર ભજવી એના ચરિત્રનો અભિનય કરે છે : ‘બંશ વગાડે મહિલા મળી એક અઘાસુર થઈ નીસરી / શંખપુડો એક શ્યામા થઈ, એક મારગમાં લૂંટે મહી’ દેવીદાસ કવિએ ગોપીઓ દ્વારા કૃષ્ણનાટ્યને બરાબર જમાવ્યું છે. કૃષ્ણ ગોપીઓની ભક્તિથી પ્રસન્ન થઈ ફરી હાજર થાય છે અને રાસ ચગે છે. પછી તો, ‘માનુની શું રે રૂપ મંડપ રચ્યો મધ્ય ઊભા મોરાર / શરદ તણી શોભા ઘણી તે કેમ કહું વિચાર / તાલ મૃદંગને ઘુઘરી નૈપૂરને ઝમકાર / અતિ આલાપે શ્યામજી સુન્દર રાગ મલ્હાર’ બધી ગોપીઓ આ પછી ‘સહુ સહુને મન્દિર ગઈ, ભજતી દેવ મોરાર’ દેવીદાસ કવિને મન મોટી વાત એ છે કે ‘ધન્ય ધન્ય રે ગોકુળની નાર / જે શું ક્રીડા કરે મોરાર’ અને તેથી જ ‘રાસપંચાધ્યાયી’માં કવિએ પૂરી તન્મયતાથી રાસક્રીડાને વર્ણવી છે.