રચનાવલી/૩૪


૩૪. કલ્પતરુ (મધુ રાય)





૩૪. કલ્પતરુ (મધુ રાય) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ


‘મારી ગણતરી એવી છે કે જગતમાં લોકો માટે પૂરતું છે. કોઈનું કાંઈ છીનવવાની જરૂર નથી. પણ જેમની પાસે છે એમની લાલચ એટલી રાક્ષસી છે કે એમની પાસે જે હોય એટલાથી જ એમને સંતોષ નથી. જેમની પાસે નથી એમની પાસે ક્યારેય ન આવે તો જ એમને સંતોષ થાય. જાતે સુખી થાય તે જ પૂરતું નથી. બીજા દુ:ખી થાય તો જ એમને સુખનો સ્વાદ આવે છે.’ દુનિયા આવી હલકી જગ્યા છે! પણ આવી હલકી જગ્યામાં પણ એવા કોઈક હોય છે જે બીજાને સુખ આપવાથી સુખ સમજે છે એને મન સુખ આપ્યાનું સુખ જ અલૌકિક છે. આવું પાત્ર છે ડૉ. કિરણ કામદારનું. આવા ડૉ. કિરણ કામદાર હરેફરે છે. ‘કલ્પતરુ’ નામની ગુજરાતી નવલકથામાં અને આવી ગુજરાતી નવલકથા રચી છે મધુ રાયે. કલકત્તાએ મહત્ત્વના બે ગુજરાતી આપ્યા એમાંના એક તે ચન્દ્રકાન્ત બક્ષી અને બીજા તે મધુરાય. મધુરાય ઉર્ફે ઠાકર મધુસૂદન વલ્લભદાસ. સુરેશ જોષી પછીના આધુનિક યુગમાં મધુ રાય જેવો સશક્ત ગદ્યકાર ભાગ્યે જ બીજો કોઈ હોઈ શકે. રંગમંચ પર જીવતાં બની શ્રોતાઓનો જીવ ઝાલી રાખતા મધુ રાયના ‘કુમારની અગાશી’ અને ‘કોઈ એક ફૂલનું નામ બોલો તો’ જેવાં નાટકોથી છવાઈ જતી એમની ટૂંકી વાર્તાઓ અને ઠેઠ સુધી ગદ્યનું કામણ ટકાવી રાખતી એમની નવલકથાઓ ગુજરાતી સાહિત્યની વિશિષ્ટ મૂડી છે. વિવિધ પ્રયોગોથી એમનું લેખન હંમેશા તાજગીભર્યું રહ્યું છે. પહેલાં કલકત્તા, પછી અમદાવાદ પછી અમેરિકા અને પછી લંડન— એમ અનેક સ્થળોનો એમની પાસે સમૃદ્ધ અનુભવ છે. ‘કિમ્બલ રેવન્સવૂડ’માં અમેરિકાની ધરતી પર જ્યોતિષ વિદ્યાના સહારે હળવી રીતે કપોળ કલ્પનાની રજૂઆત કરી છે. તો ‘કલ્પતરુ’ એમના કહેવા પ્રમાણે કમ્પ્યૂટર નવલકથા છે. એમાં એમણે ડૉ. કિરણ કામદારનું લાંબો સમય યાદ રહી જાય તેવું પાત્ર સર્જ્યું છે અને એ પાત્રની આસપાસ આખી કથાને ગૂંથી છે. કથા જાણે કે કમ્પ્યૂટર રચતું હોય એટલે કે કથાકાર કમ્પ્યૂટર પોતે હોય એ રીતે એમાં કલ્પના કરવાની છે. આ કથા કમ્પ્યૂટરને આધારે જગત આખામાં વિકસેલી જાસૂસી જાળને દર્શાવે છે. આ જાસૂસી જાળ વચ્ચે નાયક ડૉ. કામદાર વિજ્ઞાનની ક્રાંતિકારી શોધને માનવજાતના સુખ માટે કામે લગાડવા ઝઝૂમે છે. ગરીબી અને રોગચાળો પરીકથા જેવી કલ્પનાની વાત બની જાય એ માટે એનો પુરુષાર્થ છે. ડૉ. કામદાર અમેરિકાની કોઈ એક કંપનીમાં સાદું રિસર્ચ ખાતુ ચલાવતા હતા અને પછી એકાએક એ કંપનીમાંથી રાજીનામું આપીને એ ભારત ચાલ્યા આવે છે. ભારત ઔદ્યોગિક ક્રાંતિના કીચડમાંથી પસાર કર્યા વિના જ કમ્પ્યૂટર ક્રાંતિના યુગમાં લઈ આવવાનો એમનો પુરુષાર્થ શરૂ થાય છે. વલસાડ અને મુંબઈ વચ્ચેની રેલ્વે લાઇનના કિનારે મહારાષ્ટ્ર સરકારની સહાયથી પોતે એક ઔદ્યોગિક વસાહત સ્થાપવાનું વિચારે છે. છવ્વીસ એકરની જમીનમાં નગર બાંધી ત્યાં દશ હજાર કુટુંબોને વસાવવા માંગે છે. એ ઇચ્છે છે કે એમાંનું દરેક સેક્ટર એક નાનું નગર હોય. દરેક સેક્ટરમાં એક વીશી, એક હૉટલ, એક સિનેમાગૃહ, સ્કૂલ ઉદ્યાન અને શોપિંગ આર્કેડ હોય. દરેક સેક્ટરમાં સૌ મકાનો, મકાનમાં દસ ફ્લેટ, ફ્લેટમાં પાંચ ઓરડા. દરેક ફ્લેટમાં વીજળી, પાણી, ફોનનાં જોડાણો, એક એક કમ્પ્યૂટરનું હુક અપ. દરેક ફ્લેટની ભીંતોમાં કમ્પ્યૂટરના સેન્સોરનું પેનલીંગ આ બધી સગવડ ઉપરાંત એમાં એક ‘માયા ચક્ર.' ડૉ. કામદારના કહેવા પ્રમાણે આ માયા ચક્ર એટલે વિષાદ અને પ્રસાદનો ભાવ વધારી ઘટાડી શકાય એવી વ્યવસ્થા, સુખ કે દુઃખ, પ્રેમ કે તિરસ્કાર અંતે તો મસ્તિષ્કમાં પેદા થતા તે તે પ્રકારનાં વિદ્યુતનાં આંદોલનો છે. ‘માયાચક્ર’ સુખને સુખ તરીકે નહીં પણ અમુક ઢબના આંદોલન તરીકે ઝીલશે અને રહેનાર જ્યારે સુખની દિશામાં માયાચક્રનું ડાયલ ફેરવશે ત્યારે તે જ માપના વિદ્યુતના તરંગ સામા ફેંકશે અને રહેનાર પારવાર સુખનો અનુભવ કરશે. આમ, ડૉ. કામદાર ખેતીની શોધની જેમ જ કમ્પ્યૂટરની શોધને યુગપ્રવર્તક ગણે છે. પણ ડૉ. કામદારને સાથે સાથે ખબર છે કે કમ્પ્યૂટર વૈતાલ જેવું છે. કહીએ તે અક્ષરશઃ કરી આપે. પણ આપણને કલ્પતા આવડવું જોઈએ. એટલે કે ડૉ. કામદારને મન કમ્પ્યૂટર એ ‘કલ્પતરુ’ છે. અલબત્ત કમ્પ્યૂટરની ક્રાંતિને બીજા કેટલાક વાણિજ્યમાં વાપરવા માંગે છે. આ બીજાઓનો વ્યવસાય સંહાર અને સંહારનાં સાધનોનાં ઉત્પાદનોનો છે. પણ ડૉ. કામદાર કમ્પ્યૂટરને સુખ અને સુખનાં સાધનોનાં ઉત્પાદન અર્થે વાપરવા માગે છે. પરંતુ ડૉ. કામદારનો પુરુષાર્થ નિર્વિઘ્ન રહ્યો નહીં. કારણ કે કમ્પ્યૂટરના વિવિધ સંશોધન દ્વારા શસ્ત્ર-સરંજામનાં સાધનો ખડકવા માંગતી અને સરમુખત્યારશાહી રાજ્યવ્યવસ્થામાં ચોકી પહેરો કરવા માગતી અન્ય વિદેશી કંપનીઓ દ્વારા ડૉ. કામદારને જાતજાતની રીતે પરેશાન કરવામાં આવે છે. ત્યાં સુધી કે એમને ખતમ કરવાનો ત્રાગડો તો રચાય છે, પણ એમની આસપાસ અને એમને માટે કામ કરી રહેલી વ્યક્તિઓને પણ એક પછી એક જાન ગુમાવવા પડે છે. ટૂંકમાં આ નવલકથાની કલ્યાણયોજના સામે એ યોજનાને નિષ્ફળ બનાવનાર વિદેશી રાક્ષસીસંચાઓ ગોઠવાયેલા છે; જે એક બિહામણા જગતનું નિર્માણ કરે છે. અહીં વિજ્ઞાનકથા છે, જાસૂસકથા છે, રહસ્યકથા છે, અને કપોલકલ્પના પણ છે અને એ બધું એકબીજામાં ભેળસેળ કરીને લેખકે કથાનક રજૂ કર્યું છે. વળી લેખક વચ્ચે વચ્ચે આવનરી ઘટનાઓનો અહેવાલ ઘુસાડી જાણી જોઈને કથાનકને તોડે પણ છે. આજના કમ્પ્યૂટર ક્રાંતિના યુગના વાતાવરણને ઝીલવાનો અને વિજ્ઞાનની શોધ-શકયતાઓને માનવકલ્યાણ અર્થે તપાસવાનો કપોલકલ્પિત આયામ છે, જે લાંબા ગાળા સુધી યાદ રહી જાય તેવો છે. ગુજરાતી સાહિત્યમાં પ્રયોગ અને પરિવેશના સંદર્ભમાં આ નવલકથા તરફ વધુ ધ્યાન ખેંચાવું જોઈતું હતું પણ એવું બન્યું નથી, અને એ ગુજરાતી વાચકોની ઉદાસીનતા છતી કરે છે.