રચનાવલી/૮૦


૮૦. આગની નદી (કુર્રતલ એન. હૈદર)





૮૦. આગની નદી (કુર્રતલ એન. હૈદર) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ


કુર્રતુલ એન. હૈદર, ઇસ્મત ચુગતાઈની જેમ ઉત્તર ભારતની ઇસ્લામી ભૂમિકાને રજૂ કરતી ઉર્દૂ સાહિત્યની પ્રસિદ્ધ લેખિકા. ૧૯૮૯માં જ્ઞાનપીઠ ઍવોર્ડ મેળવનાર હૈદરે ઉંમરનાં વીસ વર્ષ પૂરાં કરતાં પહેલાં ‘આગની નદી' (‘આગકા દરિયા') જેવી નવલકથા ૧૯૫૯માં લખેલી. આજે પણ એની નવલકથાઓમાં એ ઉત્તમ ગણાય છે; અને એની ખાસ્સી નકલો વેચાયેલી. તાજેતરમાં ખુદ લેખિકાએ જ એનો અંગ્રેજીમાં અનુવાદ પ્રકાશિત કર્યો છે. નેશનલ બુક ટ્રસ્ટે આ જ નવલકથાનો ભારતની અનેક ભાષાઓમાં અનુવાદ કરાવ્યો છે. ઉર્દૂ કથાસાહિત્યમાં પહેલાં ભાગ્યે જ કોઈએ બતાવી હોય એવી અસરકારક માંડી અને રચનાકળાની ઊંડી સૂઝબૂઝ હૈદરે બતાવી છે. પોતે મુસલમાન હોવા છતાં ભારતના ભાગલાનો વિષય લઈને ચાલતી આ નવલકથામાં હૈદરે જે વિશ્વાસ સાથે હિન્દુ ભૂતકાળ અને બૌદ્ધ ભૂતકાળ સાથે કામ કર્યું છે. એ હેરત પમાડે એવું છે. આવું કામ પાકિસ્તાની લેખક ઈન્તિઝાર હુસેનમાં જોવાય છે. એ પણ હિન્દુ અને બૌદ્ધ સાહિત્યમાંથી આધાર શોધે છે. બિનસાંપ્રદાયિક સાહિત્ય સંસ્કૃતિનાં આ ઉત્તમ ઉદાહરણો છે. આવાં ઉદાહરણોને કારણે જ કટ્ટરપંથીઓની સામે ટકી શકાય છે. ‘આગની નદી’નો પ્રારંભ છેક ઈ.સ. પૂર્વે ચોથી સદીના પ્રશિષ્ટ કાળમાં થાય છે. તે પછી મુસલમાન અને અંગ્રેજી શાસનની સદીઓમાંથી પસાર થઈ ભાગલા પછીનાં વર્ષોની દુઃખદ ઘટનાઓ આગળ પૂરી થાય છે અને એમ લાંબા ઇતિહાસકાળમાં નવલકથા ચાલે છે. એમાં ગૌતમ અને કમાલ એમ બે પાત્રો મુખ્ય છે. એમનાં નામ બદલાતાં નથી પણ એમની ભૂમિકાઓ બદલાયા કરે છે. બુદ્ધકાળના સંન્યાસીથી માંડી મધ્યએશિયાના વિજેતા, ઉત્તર ભારતના નવાબ ગામના પુકુ જીવીની ભૂમિકાઓ અદા કરતાં જાય છે અને એને પોતાના પાત્રોની પાત્રોની સાથે સાથે હૈદરે પત્રોની, અહેવાલોની દંતકથાઓની એમ જુદી જુદી જુદી રજુઆતની રીતો વાપરી છે અને એ રીતે હૈદરે ખવાતા જતા સમયનું નિરાશાજનક ચિત્ર ઊભું કર્યું છે. પ્રારંભમાં ગૌતમ નીલાંબરનું પાત્ર શ્રાવસ્થીના આશ્રમમાં મુકાયેલું છે. બ્રાહ્મણ વંશની રીતિ પ્રમાણે પાંચ વર્ષની ઉંમરથી એણે આચાર્ય પાસે રહીને ગુરુશિષ્ય પરંપરાએ જ્ઞાન મેળવ્યું છે. એ તલવાર ચલાવવાથી માંડી નાટ્યલેખન અને ચિત્રકલામાં પ્રવીણ છે. અયોધ્યાના રાજા રાજનની કુંવરી નિર્મલાની સખી ચંપકથી ગૌતમ મોહિત થયો છે. પરંતુ ચન્દ્રગુપ્ત મૌર્યના આક્રમણને કારણે રાજા રાજન મરાય છે અને ગૌતમ પણ શ્રાવસ્થીની શેરીઓમાં વીરતાથી લડે છે. કપાયેલી આંગળીઓ સાથે ગૌતમ ઘેર પહોંચે છે, પણ લડાઈમાં એનાં માતાપિતા મરી ચૂક્યાં હોય છે. હવે કપાયેલી આંગળીઓને કારણે એ સુન્દર ચિત્રો બનાવી શકે તેમ નથી. બીજી બાજુ ચંપક માટેનો પ્રેમ એને વ્યાકુળ કરે છે. પણ ખબર નથી કે ચંપક કઈ હાલતમાં ક્યાં હશે. ગૌતમ જીવનથી નિરાશ થઈ સંસાર ત્યજી સરયૂ નદીની પાર શાક્યમુનિના ભિક્ષુઓ પાસે જવા ચાહે છે પણ સરયૂમાં ડૂબી જાય છે. પ્રાચીન ભારતની આ ભૂમિકા પછી મધ્યકાળની ભૂમિકા ઊઘડે છે. એમાં સુલતાન હુસેન શર્કીના પુસ્તકાલયમાં કમાલઉદ્દીનનું પાત્ર જોવા મળે છે. કમાલે બાવીસ વર્ષની વય સુધી અરબ મદ્રેસાઓમાં શિક્ષણ લીધું છે. સુલતાન એને બહરાઈચ મોકલે છે, જ્યાં બે હજાર વર્ષ પૂર્વેનાં પ્રાચીન તામ્રપત્રો મળી આવ્યા છે. બહરાઈચ એ જ શ્રાવસ્થી. પણ મહમૂદ ગઝનીના સેનાધ્યક્ષ મસૂદ ગાજી તેમજ કુતુબદીન એષકને કારણે હિન્દુરાજાઓનો અંત આવ્યો છે. બૌદ્ધમતના મન્દિરોમાં દેવદેવતા વસી ચૂક્યા છે. વિહારો તાંત્રિકોથી ઉભરાવા માંડ્યા છે. અને મૂર્તિભંજક મસૂદ ગાજી છેલ્લી બે સદીઓથી દેવતાના રૂપમાં પુજાવા માંડ્યો છે. હિન્દુ અને મુસલમાન બંને એની મજાર પર દીવાઓ કરે છે. અહીં કમાલને ભારતીય સંસ્કૃતિ પ્રભાવિત કરે છે. કબીરપૂજા તરફ એ વળે છે. અને ગંગા તટ પર ઝૂંપડી બાંધી સાચા ખેડૂત તરીકે ખેતી કરતો કરતો પરણીને ઠરીઠામ થાય છે. વર્ષો બાદ મોગલો એના પર રાજદ્રોહનો આરોપ લગાવે છે અને સિપાહીની ઠોકરથી ગબડીને કમાલ મૃત્યુ પામે છે. ત્રીજી ભૂમિકા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સિરિલ હારવર્ડથી શરૂ થાય છે. ગળીની ખેતી દ્વારા ભારતની સંપત્તિને ચૂસવાનો એનો પ્રયત્ન શરૂ થાય છે. બંગાળમાં દુકાળ પડે છે. સિરિલ પોતાના નોકર રવિશંકરની બહેન શનીલામાં પરણ્યા વગર મશગૂલ છે. સિરિલ ગૌતમને પત્ર લઈને વેશ્યા ચંપાના કોઠા પર મોકલે છે, જ્યાં ગૌતમને નવાબ કમાલ રજાનો પરિચય થાય છે. ત્યારબાદ ગૌતમ સિરિલની નોકરી છોડી, બી.એ. થઈ કૉલેજમાં લેકચરરની જિંદગી વિતાવે છે. વર્ષો પછી પદભ્રષ્ટ નવાબ કમાલ રજા એને કલકત્તાની કોઠી પર મળવા આવે છે. વૃદ્ધ ગૌતમનો દીકરો મનોરંજન દત્ત લખનઉથી સિઘાડેવાલી કોઠીમાં આવીને રહે છે. ત્રીજી પેઢીએ ત્યાં હવે એના દીકરાનો દીકરો બેરિસ્ટર છે; જેને લાજ, નિર્મળા અને હરિશંકર એમ ત્રણ સંતાનો છે. સિઘાડેવાલી કોઠીની બાજુમાં ‘ગુલફશા' કોઠી છે, જેના મુસલમાન પરિવારનાં સંતાનોમાં તહમીના, તિલસત અને કમાલ રજા છે. એમની સાથે કાકાનો દીકરો અમીર રજા પણ છે. રિશંકર અને કમાલ વચ્ચે પાકી દોસ્તી છે. કમાલ કોંગ્રેસ સભાઓમાં ભાગ લઈ પોલિસનો લાઠીચાર્જ ખમી હિન્દુસ્તાની હોવાનો ગર્વ ધરાવે છે. પણ મુસલમાન પરિવારમાં રહેવા આવેલી ચંપા અહમદના કાકા મુરાદાબાદમાં મુસ્લીમ લીગના અધ્યક્ષ છે. હિન્દુ પરિવાર અને મુસલમાન પરિવારના ઘણા સભ્યો લંડનમાં, પેરિસમાં, ન્યૂયોર્કમાં ઠરીઠામ થતાં આવે છે. તેમાં કમાલ રજા યુરોપ છોડી પોતાના વતન હિન્દુસ્તાનમાં પાછો ફરે છે. બધું બદલાઈ ગયું છે. પાકિસ્તાન જન્મી ચૂક્યું છે. લખનઉની પોતાની કોઠીમાં કાકાના દીકરા અમીર રજાનું નામ હતું અને અમીર રજા કરાંચી ગયો હોવાથી સરકાર કોઠીનો કબજો લે છે. કમાલ રજાને રઝળતા કરાંચી જવું પડે છે. ત્યાં, લેબોરેટરીની સ્થાપના માટે પૂર્વ પાકિસ્તાનમાં આવેલો કમાલ રજા દિલ્હીની મુલાકાત લે છે તે વેળા દિલ્હીની પોલીસ એને પકડે છે, પણ પાસપોર્ટ બતાવતાં છોડે છે. કમાલ રજા પર એનો આઘાત છે. લખનઉ યુનિવર્સિટીનો જોશીલો કાર્યકર, આઝાદીના જંગનો સિપાહી આજે એક વિદેશી છે! લાહોર જતી ટ્રેનમાં બેઠેલા કમાલ રજાને એવું લાગે છે કે ગાડીના પૈડાંમાંથી જાણે અવાજ આવી રહ્યો છે : જાસૂસ, ગદ્દાર, જાસૂસ.... મનુષ્ય માટે પોતાનું વતન વિદેશ બની જાય એનાથી મોટો અભિશાપ બીજો કોઈ હોઈ શકે નહીં. ઇતિહાસના વિશાળ ફલક પરથી પસાર થઈને કમાલની વતનથી ઊખડતી જડની આ કરુણકથા ભારતના વિભાજનની યાતનાને અસરકારક રીતે ઉપસાવે છે.