રમણીક અગ્રાવતની કવિતા/કીડીઓ

૧૮. કીડીઓ

ભૂમિમાંથી પાતળે રેલે સરકતો
લાંબીલસ દોરીએ ગંઠાઈ
આવ્યો ડબડબો હાંફતો
કચડકચ કચડકચ ઝીણા પગે કીડીઓ કીડીઓ
ઘૂમી વળી ઘરો દરો-ખેતરોમાં
ઝાડના મૂળમાં ડાળમાં પાને પાને
ચકરાવે ચડ-ઊતર અનવરત થડ ઉપર
ભીંતો પર લસરતા રેલા સરકતા
બારીએ બારણે તિરાડે તિરાડે
અણથક આવ-જા
દિશાઓ ભીંસતો ઉકળાટ ભાંગે જરી જરી
કણી કણી ઉશેટે ઊભે પગે કીડીઓ
દળકટક ઝઝૂમે પૃથ્વીનું પ્રતિકારમાં
પાતાળ ફાટી પડ્યું કીડીઓથી
ઉલેચે ઉનાળો કાળો મથી મથી.